| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૩-૦૩-૨૦૧૪ | અધીર અમદાવાદી |
એક નેતા સવારે ઉઠીને ટેવ મુજબ પોતાના પક્ષના કાર્યાલય પર પહોંચી ગયા. ત્યાં એમને જોઈ બધા ચોંકી ઉઠ્યા, કારણ કે આ નેતાએ તાજેતરમાં ફરી એકવાર પક્ષબદલીને ભાજપમાં પુન:પ્રવેશ કર્યો હતો. પણ આ વારંવારની અવરજવરમાં ભૂલી ગયા કે
હાલ એ કયા પક્ષમાં છે. બીજા આવા જ એક કિસ્સામાં ભાજપની ચૂંટણી
સભામાં રાહુલના ગુણગાન ગાવાનું શરુ કર્યા પછી નેતાજીને યાદ આવ્યું કે આ તો કાચું
કાપ્યું! આ બેઉ પ્રસંગ કાલ્પનિક છે પણ આવું બને
તો કોઈને સહેજ પણ આશ્ચર્ય થાય નહિ. આમેય પ્રજાને હવે આ નાતરું કરી પેલા
પક્ષમાંથી આ પક્ષમાં ઠેકતાં નેતાઓને જોઈ ખાસ આશ્ચર્ય નથી થતું. એવરીથીંગ ઇઝ ફેર ઇન એડવર્ટાઈઝમેન્ટ, લવ એન્ડ પોલીટીક્સ!
અમેરિકન કાઉબોય, એક્ટર અને હ્યુમરીસ્ટ ‘વિલ’ રોજર્સ કહે છે કે હવે
બધું બદલાઈ રહ્યું છે. લોકો હવે કોમેડીયનને સીરીયસલી લે છે અને પોલીટીશીયનને જોક
ગણે છે. વિલ તો ૧૯૩૫માં ગુજરી ગયો હતો. પણ પરિસ્થિતિ હજી એવી જ છે જેવી વિલે
વર્ણવી હતી.
આ ઠેકડા મારવાની પ્રવૃત્તિ વાંદરો એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કૂદકો
મારે એટલી સહજ છે. લોકોને એ જોઈને હવે ખાસ આશ્ચર્ય નથી થતું. જેમ કે ‘ગોરધનભાઈ જીપીપીનું પોટલુંવાળી ભાજપમાં
પાછા ફર્યા?’ તો કહે ઠીક છે. બિનસાંપ્રદાયિકતાનું પીપુડું વગાડનાર રામવિલાસ પાસવાન
સાંપ્રદાયિકતાનો મુદ્દો ભૂલી ગયા?કંઈ નહિ. જશાભાઈ (ખજુરાહો ફેમ), બાવકુભાઈ (પાર્ટી વોહી જો ટીકીટ દીલવાયે ફેમ) અને વિઠ્ઠલભાઈ (ટોલબુથ ફેમ) ભાજપમાં જોડાયા? હશે ભાઈ, જોડાય લોકશાહી છે. નેતાને ગાય, ફાવે
ત્યાં જાય. ટોલબુથ પ્રકરણ વખતે ભાજપે વિઠ્ઠલભાઈ
માટે નિવેદન કર્યું હતું કે એમણે ‘ગુજરાતની ગરીમા અને ગુજરાતની શાંતિને અને પોરબંદરની અહિંસાની ભૂમિને
લજવવાનું કામ કર્યું છે, અને આજે ટોલબુથ પર બિભત્સ ગાળાગાળી અને ઘાતક હથિયાર
બતાવીને કર્યું છે તેને ભાજપ સખત શબ્દોમાં વખોડી કાઢે છે’.આ ગરીમા હાળી રામજાણે ક્યાં ગરી ગઈ! ને અહિંસાની વાત અધ્ધર થઇ ગઈ!
અને ગાળાગાળી તો કોક દિવસ લોકસભામાં કામ આવે એ આશયથી ભુલાઈ ગઈ. લાગે છે ભાજપે ‘સુબહ
કા ભુલા અગર શામ કો વાપસ ઘર આયે તો ઉસે ભુલા નહીં કહતે’ કહેવતને ચૂંટણી જીતે એવા ઉમેદવારો માટે બહુ સીરીયસલી લીધી છે!
વર્ષો પહેલા પક્ષપલટા વિષે એવું વાંચેલું કે ‘આ પક્ષમાંથી પેલા પક્ષમાં જાય એ પક્ષપલટો પણ પેલા પક્ષમાંથી આ
પક્ષમાં આવે એ હ્રદય પરિવર્તન’. વિભીષણનું શ્રી
રામની પાર્ટીમાં આવવું એ હ્રદય પરિવર્તન હતું. પણ રાવણ માટે એ પક્ષપલટો હતું. અંતે
રાવણના પતન બાદ છેવટે વિભીષણનો લંકામાં રાજ્યાભિષેક થયો હતો એ સુચક છે. ઘણા
પક્ષપલટો કરનાર પોતાને વિભીષણ માને છે. પણ બધા પાર્ટી બદલનારા વિભીષણ નથી
હોતાં, ન બધાના હાથમાં સોનાની લંકા આવે છે!
પણ કરનાર અને કરાવનાર જેને હૃદય પરિવર્તન પણ કહે છે, તે પક્ષપલટો, સામાન્ય રીતે લોકસભા કે વિધાનસભાની
ટર્મ પૂરી થવાની હોય અને ચૂંટણી આવવાની હોય ત્યારે જ વધુ થાય છે. અડધી ટર્મ પર આવું હ્રદય પરિવર્તન કોઈનું નથી થતું. એક ટર્મ પૂરી થવામાં હોય અને ચૂંટણી નજીક હોય ત્યારે હ્રદય
પરિવર્તનની સીઝન બેસે છે. ચૂંટાવા માટે ખર્ચેલા રૂપિયા કોઈ આમ
હ્રદય પરિવર્તનમાં વેડફતું નથી. જોકે આ ડાળી પરથી પેલી ડાળી પર જનારને
આ ડાળી પર બેઠેલા જરૂર ધુત્કારે છે. શંકરસિંહ બાપુએ કોંગ્રેસ છોડી જનાર માટે
‘ઢોર કસાઇવાડે જતું હોય તો કોઈ શું કરે?’ જેવા કઠોર વાક્યપ્રયોગ પણ કર્યો હતો. અહીં ઢોરને કદી એવું નથી લાગતું કે એ કસાઇવાડે જાય છે. ઢોરને તો કદાચ
લીલાછમ ખેતરમાં ચરવા જાય છે એવો ભાસ થતો હશે. પણ આ બાપુ આમેય જરૂર કરતાં થોડા વધુ જ
કઠોર છે, નહીંતર એમનું પણ અત્યાર સુધી હ્રદય પરિવર્તન ના થઇ ગયું હોત?
અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘નેસેસિટી ક્રિએટસ્
સ્ટ્રેન્જ બેડ્ફેલોઝ’. ચૂંટણીમાં સત્તા
મેળવવી એ પણ એક પ્રકારની જરૂરિયાત જ છે ને? એવું મનાય છે કે
હવા, પાણી, ખોરાક,ઊંઘઅને સેક્સ એ માણસની મૂળભૂત જરૂરીયાતો છે. નેતાની મૂળભૂત જરૂરિયાતોમાં સત્તા પણ આવી જાય. સત્તા વગરનો નેતા એ નેતા મટી કાર્યકર બની જાય છે. અને કાર્યકર બનવામાં
કોને રસ છે?
રાજકારણમાં તો ‘બોલે એના બોર વેચાય’ છે. ને ‘ન બોલ્યામાં
નવ ગુણ’ કહેવત કૌભાંડ કર્યા બાદ વપરાય છે. ને સત્તા કોઈ નિર્બળ વ્યક્તિના
હાથમાં આવે તો કૌભાંડો થાય, અને એ જોયા કરે પણ ‘બોલેય નહીં ને ચાલેય નહિ’. ‘થૂંકેલું
ચાટવાનું’ જેને ફાવતું નથી તે પોલીટીક્સ માટે અનફિટ છે.કદાચ ‘અભી બોલા અભી
ફોક’ એ રાજકારણીઓને ગળથુથીમાં શીખવાડવામાં આવે છે. ને ‘બોલ્યા બાદ બોલ્યા’
સૂત્ર રાજકારણમાં લાગુ પડતું નથી.
આ થૂંકેલું ચાટવા ઉપરથી એલિઝાબેથ ટેલર નામની ફેમસ અમેરિકન એક્ટ્રેસની
વાત યાદ આવે છે. આ ટેલરે તેની જિંદગીમાં સાત જણ સાથે કુલ
આઠ લગ્ન કર્યા હતા. સાત જણ એટલા માટે કે એના પતિઓના લાંબા
લીસ્ટમાં રિચાર્ડ બર્ટન નામનો અભિનેતા પણ હતો જેની સાથે એણે એકવાર દસવર્ષ માટે અને
પછી છૂટાછેડા લીધા બાદ ફરી એક જ વરસમાં જ ફરી એક વરસ માટે લગ્ન કર્યા હતા. હવે લગ્ન જેવી પવિત્ર વાતમાં આટલું વૈવિધ્ય અને એમાંય એક જ જણ સાથે
બે વાર લગ્ન કરવા જેવી ઘટનાઓ બનતી હોય તો આ રાજકારણમાં તો આમેય કશું પવિત્ર નથી! થવા દો જે થાય છે એ! ને જોયા કરો જે ચાલે છે એ, સાક્ષીભાવે!
આખરે આપણો અધ્યાત્મિક વારસો આપણને ક્યારે કામ આવશે?
No comments:
Post a Comment