Sunday, March 23, 2014

દાઢી અને સાવરણી : એક તુલનાત્મક અધ્યયન


 
કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૨૩-૦૩-૨૦૧૪ રવિવાર
 
આપણા સમાજમાં દાઢીનું મહત્વ વધતું જાય છે. આજનો જમાનો ઘણો ફાસ્ટ છે. લોકો પાસે દાઢી કરવાનો પણ સમય નથી. કારણ કે દાઢી રોજ કરવી પડે છે. એના માટે પાણી ગરમ કરવું પડે છે. પછી બ્રશ પલાળવું પડે છે. શેવિંગ ક્રીમ લગાડી બ્રશ, ગાલ અને ગળાના ઢોળાવો ઉપર કોઈ ખંજન કે ખીલને ખોટું ન લાગે એ રીતે લગાડવું પડે છે. પછી રેઝરમાં કાર્ટરીજ કે બ્લેડ ભરાવી એજ ખીલને બચાવી રેઝરને બેથી ત્રણ વખત કોઈ ઊભા પાકની લણણી રહી ન જાય તેનું ધ્યાન રાખી ફેરવવું પડે છે. આમ કરવા માટે વીરુ સહસ્ત્રબુદ્ધે સિવાયના લોકોની રોજ પંદર-વીસ મીનીટ બગડે છે. આમાં મોઢું ધોવાનો, લુછવાનો, દાઢીનો સામાન ખરીદવાનો, વોશબેસીન પર ક્યુમાં ઊભા રહેવાનો સમય તો અમે ગણ્યો જ નથી! એટલે જ દાઢી વધારવી એજ ઇષ્ટ છે. એ આજકાલ ફેશનમાં છે, અને કદાચ આજે છે એના કરતાં કાલે વધારે પણ હોય!

ભોજન અને ભાષણ સહિતના મહત્વના કામો દાઢીની સાક્ષીએ થાય છે. દાઢી વધારવાથી સમય અને રૂપિયા બચે એ સિવાય પણ દાઢીના ઘણાં ઉપયોગો છે. દાઢીથી માણસ પુખ્ત લાગે છે. દાઢી વગરના ક્લીનશેવ લોકો બાબા જેવા દેખાતાં હોય છે. એ લોકો સારી એવી ફિલ્ડીંગ ભરે તોયે એમને બાબા ગણીને ડિસ્કાઉન્ટ કરવામાં આવે છે. દાઢી વધારવાથી ગાલને ઠંડીથી રક્ષણ મળે છે એટલે મફલર નથી પહેરવું પડતું. દાઢીના રંગથી માણસની ઉંમરનો અંદાજ બાંધી શકાય છે અને એથી જ દાઢીવાળા લોકો દાઢી વગરના લોકો કરતાં તમને ઉંમરની બાબતમાં ઓછા છેતરે છે.

દાઢીનો એક ઉપયોગ ગુજરાતી સાહિત્યમાં સ્થાન પામ્યો છે જે અમને ખુબ પસંદ છે. આપણે ત્યાં એક કહેવત છે ‘દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી’. આ બતાવે છે કે જરૂર પડે ત્યારે દાઢી સાવરણી તરીકે કામ આપી શકે, પણ સાવરણી દાઢી તરીકે ન ચાલી શકે. કોઈ બાબો મોઢા ઉપર સાવરણીના પીંછા ચોંટાડીને પોતાને પુખ્તવયનો જાહેર નથી કરી શકતો. આમ દાઢી વર્સેટાઈલ છે. સાવરણી નથી. દાઢી દાઢી છે, એ ટૂંકી હોય અને દાઢીધારીને કમરદર્દ ન હોય તો જમીન પર આળોટતા આળોટતા એ દાઢીને સાવરણી તરીકે વાપરી શકે છે.

એક અંદાજ પ્રમાણે વિશ્વની લગભગ પચાસ ટકા જેટલી વસતિ દાઢી પર વાળ ધરાવતી હોય છે અથવા વાળ ઉગવાની સંભાવ્યતા ધરાવતી હોય છે. બાકીના પચાસ ટકામાં મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાં દાઢી પર વાળ ધરાવનારી મહિલાઓ આંગળીના વેઢે ગણીશકાય એટલી જ છે. દરેકને દાઢી માટે મમતા હોય એ સ્વાભાવિક છે કારણ કે એ પોતીકી છે. આપણે વિચાર કરતા હોઈએ ત્યારે આપણે આપણી પોતાની દાઢી પસવારતા હોઈએ છીએ, બીજાની નહિ. એમ કરવાથી વિચારવાની પ્રક્રિયાને વેગ મળતો હોવાનું કહેવાય છે. સાવરણીમા આવું હોતું નથી. સાવરણીને પંપાળવા બેસો તો પછી વાળવાનું રહી જાય. એટલે જે લાડ દાઢીને અનાયાસે મળે છે એ સાવરણી માટે દુર્લભ છે.

ફિલ્મ ‘દુશ્મન’માં રાજેશ ખન્ના કહે છે એ મુજબ મર્દો માટે દાઢી એ ‘ઘર કી ખેતી’ ગણાય છે, સૌ જરૂરત મુજબ પોત પોતાની દાઢી ઉગાડી લેતા હોય છે. આમાં આઉટ સોર્સિંગ થઇ શકતું નથી. જ્યારે સાવરણી જોઈએ તેટલી ખરીદી શકાય છે. લોકો સ્પેરમાં પણ રાખતા હોય છે. દાઢીમાં એ શક્ય નથી. ચહેરા દીઠ એકથી વધુ દાઢી ઉગાડવાનું પણ શક્ય નથી. હા, જાતજાતની નકલી દાઢીઓ રાખી શકાય છે, પણ એ ખરા સમયે એ હાથમાં આવી જાય તો પ્રોબ્લેમ થતો હોય છે એ તમે ફિલ્મોમાં જોયું હશે. એટલે નકલી દાઢીથી સાવધ રહેવું.

દાઢી વધારવાથી પર્સનાલીટી પણ પડે છે. અબ્રાહમ લીન્કને એટલા માટે જ દાઢી વધારેલી. કવિવર ટાગોર, વિનોબા ભાવે, શ્રી અરવિંદો ઘોષને દાઢી વગરના કલ્પી શકો? બાળા સાહેબ ઠાકરે અને અમિતાભ બચ્ચન પણ આખરે દાઢીના શરણે ગયા હતા. પણ દાઢીધારીનો જેટલો માભો પડે છે એટલો સાવરણીધારીનો નથી પડતો એ હકીકત છે. જોકે ‘વિશ્વનાથ’ ફિલ્મમાં શત્રુઘન સિન્હા દાઢી વધારીને વકીલમાંથી ગેન્ગસ્ટર બને છે ત્યારે ક્લીન શેવ મદન પુરી બિચારાનો એમ કહીને કચરો કરી નાખે છે કે ‘દાઢી બઢાનેસે કોઈ ડાકુ નહિ બન જાતા, મૈ બીના દાઢી બઢાએ બરસો સે લોગો કો લૂટતા આ રહા હૂં.’ અને આ સાચી વાત છે, આપણે રાજકારણમાં વગર દાઢીએ લોકોને લૂંટી જનારા જોયા છે. અસ્તુ. n

No comments:

Post a Comment