Monday, March 03, 2014

ચાંદલો કેટલો કરાય ?



| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૨-૦૩-૨૦૧૪ | અધીર અમદાવાદી |

આજકાલ લગ્નમાં જાવ એટલે ત્રણ મુખ્ય કાર્ય હોય છે. એક, હાજરી પુરાવો. બે, જમો. ત્રણ, ચાંદલો લખાવો. અને વિદાય થાવ. જોકે હવે ‘નો ફ્લાવર્સ, નો ગિફ્ટ્સ’ એવું પણ ઘણી કંકોત્રીમાં લખેલું જોવા મળે છે. લખાણનો મતલબ એ થાય કે પાર્ટી સધ્ધર છે, અને પ્રસંગ રંગેચંગે પાર પાડવા માટે કદાચ કોન્ટ્રાક્ટરો કે કંપનીના શેરહોલ્ડર્સ પૂરતાં છે. જોકે કોન્ટ્રાક્ટર જો આમ અધિકારી વતી લગ્નનો ખર્ચ ઉપાડી લે એ પણ એક પ્રકારનો ચાંદલો જ કહેવાય. અને ફ્લાવર્સ તો આમેય પ્રસંગના બીજા દિવસે શા કામ ના? પણ આવા અપવાદને બાદ કરો તો સામાન્ય માણસ લગ્ન જેવા મોટા પ્રસંગનું આયોજન કરે તો અન્ય લોકો યથા સબંધ ચાંદલો કરી પાર્ટીને ટેકો કરે છે.


ચાંદલાની રસમમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ચાંદલાના નામે મોટી રકમની હેરફેર થતી હોવા છતાં જેને ખરેખર ‘ચાંદલો કર્યો’ કહેવાય એવી કોઈ ક્રિયા થતી જ નથી! આવું ફક્ત વાયદાના વેપારમાં જોવા મળે છે.પણ વાયદાના વેપારમાં પાવરધો આપણો કોમનમેન ઉર્ફે ગુજ્જેશ અહીં ચાંદલાની બાબતમાં સાવ ઈન-ડીસીસીવ છે. ચાંદલો કેટલો કરવો એ નિર્ણય ન કરી શકે એટલે એ આસપાસ પત્ની, ભાઈ, સાળા, બનેવી જેવા અનુભવી અને વધારે નિર્ણયશક્તિ ધરાવનાર વ્યક્તિ તરફ નજર દોડાવે છે. પણ જ્યાં જ્યાં નજર એની પડે ત્યાં ત્યાંથી એને ગોળગોળ જ જવાબ મળે છે, જેવા કે ‘એ તો તમારા એમની સાથે કેવા સબંધ છે એની પર ડીપેન્ડ કરે છે’, ‘અમારે તો બેઉ બાજુનું સગું થાય એટલે અમે આટલો કરીએ છીએ’.

ચાંદલાનો આ પ્રશ્ન આજનો નથી. યુગોથી આ પ્રશ્ન ઘરમાં, રસ્તા પર, કારમાં અને લગ્ન કે રિસેપ્શનના સ્થળ પર ચર્ચાતો આવ્યો છે. આમ છતાં હજુ સુધી આ ‘ચાંદલો કેટલો કરાય?’ એ પ્રશ્નનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી.ચાંદલાની રકમ નક્કી કરવામાં સાટા પ્રથા, ‘એ લોકોએ આપણા પ્રસંગ પર કેટલો કર્યો હતો?’ એ સર્વસ્વીકૃત રીત છે. વખત આવ્યે ઉદાર દિલ ભઈને પાંચસોએકનો ચાંદલો કરતા રોકવા માટે ‘અકુના લગનમાં એમણે ૧૦૧ જ કર્યો’તો’  જેવી દલીલ કરી રોકી પણ શકાય છે. જોકે આ અકુના લગન ૧૯૯૨માં થયા ત્યારે પેટ્રોલ સાત રૂપિયે લીટર મળતું હતું એ વાત ગમે તેટલું પેટ્રોલ બાળો તોયે ઓછો ચાંદલો કરવાના હિમાયતી એવા આ બુન સમજવાના નથી!

કેટલાક એવું માને છે કે ડીશ કેટલી મોંઘી છે એ હિસાબે ચાંદલો કરવો જોઈએ. જેમ કે ‘લાઈવ કાઉન્ટર કેટલા છે?’, ‘મીઠાઈ કેટલી છે?’, ‘ફ્રુટ ડીશમાં ઈમ્પોર્ટેડ ફ્રુટ છે કે કેમ?’ જેવા પ્રશ્નો પર વિચારણા કરી, આઈટમ્સની સંખ્યાના હિસાબે ચાંદલાની રકમ નક્કી કરવી. અન્ય કેટલાક આમંત્રણ ‘બે જણ’ ને છે કે ‘સહપરિવાર’ એ ચાંદલો નક્કી કરવા માપદંડ તરીકે વાપરે છે. એટલે જ અમુક તો જમ્યા પછી કવર બનાવવામાં માને છે!ને ફૂડ ખરાબ હોય તો ૧૦૧ કરી ચાલતી પકડે છે! જોકે સિક્કાની બીજી બાજુ જુઓ તો આજકાલ ડેકોરેશન અને ડીશ મોંઘા થતા જાય છે ત્યારે કોઈ બારસોની એક એવી પાંચ ડીશ ઝાપટી ૧૫૧નો ચાંદલો કરી જાય એ ક્યાં નો ન્યાય? ખરેખર તો ચાંદલોની રકમ અને ખાનારની સંખ્યાની ત્રિરાશી મૂકી અમુક રૂપિયાવાળી ડીશની જુદાજુદા કલરની કુપન પકડાવી દેવી જોઈએ. જરૂર પડે કેલ્ક્યુલેશન માટે સોફ્ટવેર પણ બનાવી શકાય. આ સંજોગોમાં લગ્ન સ્થળ પર જમવા માટે ઇકોનોમી (રેડ કુપન), સેમી-ડીલક્સ(યેલો કુપન) અને ડીલક્સ (ગ્રીન કુપન) એવા ઝોન પણ પાડી શકાય!

ચાંદલો બે રીતે આપી શકાય છે. એક, કવરમાં નિર્ધારિત રકમ મુકીને અને બે, કાઉન્ટર પર બેઠેલા વડીલ પાસે નોટમાં લખાવીને. રિસેપ્શનમાં સ્ટેજ પર કવર આપવાનું હોય છે જયારે લગ્ન પ્રસંગે કાઉન્ટરનો ઉપયોગ પ્રચલિત છે. જોકે અમુક જાતકો કાઉન્ટર ઉપર કવરમાં રૂપિયા આપી પોતાની મહત્તા છતી અને સ્ટેશનરીનો બગાડ કરે છે. તો અમુક લોકો કવર પ્રથામાં ‘રૂપિયા કોઈ સેરવી લે તો?’ અથવા ઓછો આક્ષેપાત્મક ‘રૂપિયા નીકળી જાય તો?’ એવા મનોમન સવાલ કરી કવરને જડબેસલાક, નોટ સહીત ચોંટી જાય એમ બંધ કરી દે છે.
ચાંદલાનું કાઉન્ટર કુટુંબના વ્યવસાયે બેંક કર્મચારી એવી વ્યક્તિના હાથમાં આપોઆપ આવે છે. જો કુટુંબમાં આવી વ્યક્તિ ન હોય તો શિક્ષક કે પ્રોફેસર પ્રકારના જાતકોનો નંબર લાગે છે. એના જોડીદાર તરીકે કોઈ નવ-નિવૃત્ત કાકા હોય છે. હીટ ફિલ્મોના સલીમ-જાવેદ જેવી આ જોડી કુટુંબના દરેક પ્રસંગમાં જોવા મળે છે. આ લખનાર જોડીને લગ્નમાં ભાગ્યે જ રસ હોય છે. આ જોડી ઓપનીંગથી લઇને લાસ્ટ વિકેટ, એટલે કે છેલ્લો ચાંદલો લખાવનાર આવી જાય, ત્યાં સુધી બેટિંગ કરે છે. સ્ટ્રાઈક, એટલે કે લખવાની કામગીરી બેમાંથી જે સ્માર્ટ હોય તેની પાસે રહે છે અને નોન-સ્ટ્રાઈકરના ભાગે અંગુઠો થુંકવાળો કરીને નોટો ગણવાનું કામ જ આવે છે. આમાં નોન-સ્ટ્રાઈકરની કઠણાઈ એ હોય છે કે પહેલાં જ કલાકમાં બધું થુંક નોટો પર જતું રહેવાથી મોંમાં શોષ પડવા લાગે છે,પણ બધા મહાલવામાં વ્યસ્ત હોઈ કોઈ પાણીનું ય પૂછતું નથી. બાકી હોય એમ આટલી મહત્વની કામગીરી કરતા હોવા છતાં એમણે છેલ્લે કેટરિંગના સ્ટાફ સાથે જમવાનું આવે છે.

મહિલાઓની કાબેલીયત પર શંકા હોય, કે મહિલાઓની પ્રસંગમાં મહાલવાની વૃત્તિને લઈને અથવા અન્ય કોઈ અકળ કારણોસર ચાંદલાના કાઉન્ટર ઉપર સાડીધારી,જાજરમાન કે અન્ય કોઇ પ્રકારની મહિલા કદી જોવા મળતી નથી. અને એટલે જ ચાંદલાના કાઉન્ટર પર જવલ્લેજ લાઈન લાગેલી જોવા મળે છે. આગળનું વાક્ય દ્વિ-અર્થી છે. વિચારો કે કોઈ બેન ચાંદલો લખવા બેઠા હોય અને સામે ચાંદલો લખાવનાર પણ કોઈ બહેન હોય તો સાડીથી લઈને કામવાળા સુધી અને સિલીન્ડરથી લઈને ઘરવાળા સુધી ચીટચેટ થાય. એમાં પાછળ લાઈન લાગી જાય! અથવા તો કન્યાપક્ષ તરફથી માધુરી દીક્ષિત જેવું કોઈ ચાંદલો લખવા બેઠું હોય તો વરપક્ષના પણ આવીને ચાંદલો લખાવી જાય! પર વો દિન કહાં!

2 comments:

  1. ખુબ સુંદર વિચાર, કોઈ આપને કેટલો ચાંદલો કરવો એની કોઈ ફોર્મ્યુલા બતાવે તો જણાવશો, એક વિચાર એવો આવે છે કે કેટલા પ્રસંગ લગ્ન નિમિત્તે હતા અને કેટલામાં બોલાવ્યા છે એનું પણ કંકોત્રીમાં લખાણ હોવું જોઈએ જેથી ખબર પડે કે આપણને કેટલા નજીક ગણે છે, જેથી ચાંદલો કરવા માટેની વિચારધારામાં મદદ મળે, અને ભેટ આપવાની હોય તો શું અને કેટલી કિંમતની ભેટ આપવી એનો પણ ખ્યાલ આવે, અને નો ફ્લાવર નો ગીફ્ટ લખ્યું હોય તો ચાંદલો કરવો જ પડે એવી કોઈ પરંપરા ખરી? બહુ કન્ફયુઝન છે.

    ReplyDelete