| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૯-૦૨-૨૦૧૪ | અધીર અમદાવાદી |
ફરી એક
વખત વિદેશની ધરતી ઉપર ભારતીય ટીમ ખખડી ગઈ અને શરમજનક રીતે સિરીઝ હારી ગઈ. જોકે આજકાલ
શરમ કોને આવે છે? રાજકારણીઓ દ્વારા બેશરમીનું જે પ્રદર્શન
થઈ રહ્યું છે એ પછી બીજાં કોઈને નાની-મોટી વાતોમાં શરમાવા જેવું લાગતું જ નથી. ફરી
ક્રિકેટરો સોફ્ટ ડ્રીંક અને દુધમાં મિક્સ કરવાના પાવડર વેચવા લાગી જશે. છતાં ક્રિકેટમાં
આ શ્રેણી હારવાની આખી વાતમાં આશ્વાસન લેવું હોય તો એટલું જ લઈ શકાય કે રમતમાં હારજીત
તો એક સિક્કાની બે બાજુ હોય છે. પણ વિદેશી ધરતી પર જ કેમ આ સિક્કો હાર બાજુ અને
ભારતીય ભોમ પર સિક્કો જીત બાજુ પડતો હશે એ શોલે બનાવનાર રમેશ સિપ્પીને પણ અચરજ પમાડે
એવી ઘટના છે. આવામાં વિદેશની ધરતી પર જીત જોવા માટે એક જ રસ્તો બચ્યો છે. એ છે આમીર,
સલમાન અને શાહરુખ ખાનને ક્રિકેટ ટીમમાં લેવાનો. આ લોકો ઈન્ડીયન અને ઓવરસીઝ એમ બંને
માર્કેટોમાં ચાલે છે એવું બોક્સ ઓફિસ
રેકોર્ડ્સ કહે છે! ઘણીવાર તો વિદેશમાં વધારે ચાલે છે.
એવું
મનાય છે કે વિદેશી પીચ આપણને ફાવી નહી. આપણા કહેવાતાં ફાસ્ટ બોલરો આ પીચો પર કશું
ઉકાળી અથવા તો ક્રિકેટની ભાષામાં વિકેટ ઉખાડી ન શકયા.
બેટ્સમેનોને પણ બોલિંગમાં ખાસ પીચ પડી નહી, અને થોડી ઘણી પડી ત્યાં સુધીમાં સિરીઝ
પૂરી થઈ ગઈ. ફાસ્ટ બોલિંગ ભારતીય ટીમની વિકનેસ રહી છે. ફાસ્ટ બોલીંગમાં આપણા
બોલર્સ અને બેટ્સમેનની વેવલેન્થ એક જ છે. ફાસ્ટ બોલિંગ આપણે કરી નથી શકતાં
અને ફાસ્ટ બોલિંગ સામે આપણે રમી નથી શકતાં. ડ્રેસિંગરૂમમાં આપણા બેટ્સમેન્સ
વચ્ચેનો ફેમસ સંવાદ ‘તું ચલ, મેં આયા’ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન કે વેસ્ટ ઇન્ડીઝના
ફાસ્ટ બોલર્સને ફેસ કરવાની આપણી કમજોરીને લીધે જ આવ્યો હશે. ઇંગ્લન્ડ સામે
ભૂતકાળમાં આપણી ટીમ ૪૨ રનમાં ખખડી ગઈ હતી.આવામાં તો મેચ જોનાર વચ્ચે પાણી પીને પાછો
આવે ત્યાં સુધીમાં દાવ સમેટાઈ ગયો હોય. અત્યારે અમુક બેટ્સમેન માટે એવું કહેવાય છે
કે એ રમવા જાય અને આઉટ થઈને પાછાં આવે ત્યાં સુધીમાં મેગી પણ પૂરી બની ન હોય!
ફાસ્ટ
બોલિંગમાં અંદર આવતાં બોલને તો સ્ટમ્પમાં ઘૂસતો બચાવવામાં કે શરીર પર વાગતો
અટકાવવા આપણા બેટ્સમેન બધી શક્તિ લગાડી દે છે. પણ બહાર જતાં બોલને ટપલી મારવાની
લાલચ સચિન જેવા પણ રોકી નથી શકતાં. એટલે જ આપણા બેટ્સમેનો વિકેટકીપર અને સ્લીપના
ફિલ્ડરના રેકોર્ડ સુધારી આપે છે.આમેય ફાસ્ટ બોલિંગ સામે રમવા છપ્પનની છાતી જોઈએ.
સુનિલ ગાવસ્કર પોતાની ઓછી હાઈટનો ફાયદો લઈ વગર હેલ્મેટ પહેરે માર્શલ અને હોલ્ડિંગ
જેવા વેસ્ટ ઇન્ડિઝના બોલર્સને ફેસ કરતો હતો. સચિને પણ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સને
ધોળા દિવસે તારા અને ડે એન્ડ નાઈટ મેચમાં સૂરજ-ચન્દ્ર બેઉ દેખાડેલા છે. પણ એકંદરે
ટીમે ફાસ્ટ બોલિંગ સામે ભોપાળા જ વાળ્યા છે. ફાસ્ટ બોલિંગમાં હોતી-હૈ-ચલતી-હૈ ન
ચાલે. ત્યાં વિચારવા ન રહેવાય. દરેક બોલને ફેસ કરવો પડે અને નિકાલ કરવો પડે. એટલે
જ ક્રિકેટમાં ફાસ્ટ બોલિંગ સામે સફળતાથી બેટિંગ કરનારને ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ
સરકારમાં ભરતી કરો તો દરેક ફાઈલનો નિકાલ કરી આપે. કોઈ ફાઈલ અનિર્ણિત દશામાં ન રહે!
બાઉન્સર
ફાસ્ટ બોલિંગની એક ખાસિયત છે. બાઉન્સર શબ્દ સાંભળીને અમુકને ગુજરાત યુનિવર્સીટીના
ભૂતપૂર્વ કુલપતિ યાદ આવશે. પણ અહિં બોડીગાર્ડ નહી જેનાથી બોડીને ગાર્ડ કરવી પડે
તેવા ઉછળતા બોલની વાત છે. આમેય ૧૪૦-૧૫૦ કિમી/કલાકની ઝડપે બોલ સામે આવતો હોય એ
રમવાની કલ્પના પણ અમે તો નથી કરી શકતાં. જોકે ક્રિકેટ અમારી કારકિર્દી નથી. પણ
ક્રિકેટરો એમ મૂંઝાઈને આમતેમ બેટ વીંઝે અને વિકેટ આપી બેસે એવું થોડું ચાલે?
પણ આ જ ફાસ્ટ
બોલિંગમાં ઘણીવાર પૂંછડીયા ખેલાડીઓને સદતી હોય છે. એક તો એમની એવરેજ ત્રણ કે ચાર
રનની હોય, એને ફાસ્ટ બોલિંગ સામે ઊભા રહેવાનું હોય, એમાં સ્વબચાવમાં બેટ વચ્ચે ધરે
અને કટ વાગીને થર્ડમેન ઉપર ચોગ્ગો જતો રહે. બાઉન્સરમાં પણ ઉછળેલા બોલને ભૂલમાં
ટપલી વાગી જાય એમાં બાઉન્ડ્રી બહાર જતો રહે. બોલર પાસે આવા સમયે ગાળ બોલવા સિવાય
કોઈ ખાસ ઓપ્શન રહેતો નથી. પણ આવી બે-ત્રણ કટ વાગી જાય એમાં પૂંછડીયાનું કેરિયર
બેસ્ટ પરફોર્મન્સ થઈ જાય છે!
આવામાં મેચ
જીતવાનો એક એ રસ્તો છે કે અનુકુળ પીચ બનાવો. ભારતમાં સ્પીનર્સને અનુકુળ પીચ બનાવી
આપણે ઘણી શ્રેણીઓ જીત્યાં હોઈશું. એટલે જ ભારતને ભારતની ધરતી પર હરાવવું દરેક
વિદેશી ક્રિકેટ ટીમનું ડ્રીમ રહ્યું છે. પણ આપણે ત્યાં પણ સ્પીનર્સને લાયક પીચ
બનાવતા વચ્ચે વચ્ચે ફ્લેટ પીચ બની જાય છે. રાજકોટ ખાતે ૨૦૦૯માં એક વન ડે મેચમાં
શ્રીલંકા સામે બેઉ ટીમે થઈને એક દિવસમાં અધધધ ૮૨૫ રન બનાવ્યા હતાં! આવી પીચ તૈયાર
કરનારને રોડના કોન્ટ્રાક્ટ આપ્યા હોય તો દર વર્ષે ફરી ફરીને રોડ બનાવવામાં ખર્ચાતા
આપણા દેશના કરોડો રૂપિયા બચી જાય. આની સામે આપણા રોડ કોન્ટ્રાક્ટરોને પીચ
બનાવવાનું કામ સોંપો તો સ્પિનરોને અનુરૂપ ગોદડા જેવી પીચ બનાવી આપે! એટલે જ અમારા
બિન-આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળે છે કે વિદેશમાં પીચ બનાવવાના કોન્ટ્રાક્ટ
ભારતીય કોન્ટ્રાક્ટરોને મળે એ માટે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ પ્રયાસો કરી રહ્યું
છે. હાચ્ચે! અમને ખબર છે તમે નહીં માનો. પણ આ જ રસ્તો બચ્યો છે વિદેશમાં મેચ
જીતવાનો!
n
n
No comments:
Post a Comment