Thursday, December 12, 2013

મુનસીટાપલીના પાયાના સિદ્ધાંતો (વર્કસ મેન્યુઅલમાંથી સાભાર)

by adhir amdvadi

1. વરસાદ શરું થાય પછી ખોદકામ શરું કરવા.

2. એક જગ્યાએ ખોદકામ શરું કરી એને અધૂરું મૂકી નવી જગ્યાએ ખોદવું.

3. જે ખોદયા વગર પડ્યા હોય તેવા સ્વયંભૂ ખાડાઓ અને ભૂવાઓ જનતાના દર્શન માટે ઓછામાં ઓછાં મહિના સુધી ભરવા નહી.

4. જે વિસ્તારમાં પાણી ભરાતા હોય ત્યાંની વરસાદી ગટર રસ્તા-ડામરના કામ વખતે ઢાંકી દેવી અને પાણી ભરાઈ જાય પછી એક મજુરને ત્રિકમ લઈ એ આખા વિસ્તારની ગટરો ખોદવા મોકલવો.

5. વરસાદ બંધ થાય પછી ઝાડ વાવવા. પછી ચોમાસામાં ટેન્કરથી પાણી છાંટવું. આ બધું ટ્રાફિક સૌથી વધારે હોય ત્યારે કરવું.


6. મધ્યકાલીન યુગમાં નખાયેલ પાણીની ઐતિહાસિક પાઈપ લાઈનો ઝાડા, ઉલટી, ટાઈફોઈડ અને કમળાના કેસ પછી પણ બદલવી નહી.

7. બમ્પ બનાવો પણ બમ્પનું સાઈનબોર્ડ કદી ના બનાવો.

8. શહેરના દરેક બમ્પની ઊંચાઈ અને પહોળાઈમાં શક્ય એટલું વૈવિધ્ય રાખો.

9. જાહેર રસ્તા ઉપર કોઇપણ તોડફોડ, રીપેર કરવું હોય અને એ એક કલાકનું જ હોય તો એ પીક અવર્સમાં જ કરવું, બપોરે કદી નહી.

10. શિયાળામાં સવારે છ વાગે અને ઉનાળામાં સવારે સાત વાગે સ્ટ્રીટ લાઈટ બંધ કરવી.

11. આ સિધ્ધાંત હંમેશા યાદ રાખો : ‘ઘોડો ભાગી જાય પછી જ તબેલાને તાળું મારવું’.

12. અઠવાડિયે એક નવા પ્રોજેક્ટની ઘોષણા કરો અને મહિને એક પ્રોજેક્ટ લોકાર્પણ કરો. શરું કરેલા ચારમાંથી એક જ પ્રોજેક્ટ પુરો કરવાનો રેશિયો જાળવી રાખો.

13. પાઈપો અને થાંભલાઓ જરૂરીયાત કરતાં છ મહિના આગાઉ રસ્તા પર લાવી મુકાવો. કોન્ટ્રાક્ટરને આ માટે એડવાન્સ રૂપિયા આપો.

14. શહેરમાં માણસ અને પ્રાણીઓનો રેશિયો મેઇન્ટેન કરો. જો માણસોની વસ્તી વધે તો એટલાં જ પ્રમાણમાં કૂતરા અને રખડતી ગાયોની વ્યવસ્થા કરો.

15. શહેરનો રસ્તો પાથરણા, ગલ્લા, લારીઓ, દેરીઓ, યુઝ્ડ કાર વેચવાવાળા, કાર એસેસરીઝવાળા, ગાયો અને ટ્રાવેલ્સવાળાઓ માટે છે. આ પછી જે રસ્તો બચે એ વેહિકલ અને પ્રોપર્ટી ટેક્સ ભરતી પબ્લિકને વાપરવા દેવો.

16. ફૂટપાથ અને ડીવાઈડર જુનાં તોડી નવા કરવાથી લોકો બીજી સમસ્યાઓ ભૂલી જાય છે.

17. હેલ્પલાઈન નંબર પ્રજાને જાણ ન થઈ જાય એની ચોકસાઈ રાખવી.

18. ભંગાર રસ્તા વધુ ભંગાર થાય તેની રાહ જુઓ. નવા રસ્તા પર ડામર નાખી વધુ નવા કરો.

19. નવો રોડ બનાવી દીધાં પછી પાઈપ લાઈન માટે ખોદકામ કરવું.

20. થયેલા ખોદકામ પર માટી-કચરો વાળી હાલતા થવું. વરસાદથી રસ્તો બેસી જાય પછી ફરી એમાં ઢેખાળા ભરી સંતોષ માનવો.
-*-*-*-

1 comment: