Wednesday, November 20, 2013

એર ગુજરાત

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૧૦-૧૧-૨૦૧૩ | અધીર અમદાવાદી |



અમેરિકા જવું હોય તો એર ઇન્ડિયા પ્રીફરડ/હોટેસ્ટ એરલાઈન છે. ઇન્ડિયન્સમાં ખાસ. એનું મુખ્ય કારણ સામાનમાં આ એક જ એરલાઈન છે જે બે બેગ લઇ જવા દે છે. આ ઉપરાંત અમદાવાદ મુંબઈથી અમેરિકાના ગુજરાત એવા ન્યુ જર્સીજવા માટે સીધી ફ્લાઈટ મળે. એટલે સ્વાભાવિક છે કે આ એરલાઈનમાં વિદેશી કરતા સ્વદેશી ભાઈ-ભાંડુઓ અને બહેન-માસીઓ વધારે જોવા મળે. જો ઢીલા ટેરી-કોટન પેન્ટ નીચે સ્પોર્ટ્સ શુઝ પહેરેલી માજીઓને અણદેખી કરો તો એકવાર તો એમ જ લાગે કે આ કોઈ ડોમેસ્ટિક ફ્લાઈટ છે. અને એવું લાગે એ સ્વાભાવિક છે.



એર ઇન્ડિયાની ફ્લાઈટમાં કાકાઓ અને માજીઓ બહુમતીમાં હોય. એમાંય કાકા કરતા માજીઓ વધારે. એર હોસ્ટેસ સહીત. મોટાભાગે નોકરી ન હોય, હોય તો પાર્ટ ટાઈમ હોય.એટલે એક ફૂટ ઇન્ડીયામાં અને બીજો અમેરિકામાં હોવાથી અવારનવાર આમથી તેમ ફ્લાયમફ્લાય કરતા હોય. એમાં અમેરિકા ડોટર કે ડોટર-ઇન-લોની  ડિલીવરી કરાવવા જતી સાસુઓ અને મમ્મીઓ ભળે. આમાં જેને જોબ કરવાની જરૂર નથી પડીએ સામાન્ય રીતે સાડી કે પંજાબીમાં દેખાય અને બાકીનીઓ પેન્ટ ટીશર્ટમાં. પેન્ટ જનરલી લુઝ હોય.જાતે ઈસ્ત્રી કરવાની ઝંઝટને લીધે જલ્દી કોટન પેન્ટ કોઈ ન ખરીદે. મોટેભાગે ટેરીકોટન હોય. એટલે એને પાટલુન નામ આપો તો વધારે યોગ્ય લાગે. આવી કાકીઓ ફ્લાઈટમાં પણ ડબલ સ્વેટર કે સાડી ઉપર જેકેટ ચઢાવીને બેઠી હોય. કોક જૂની જોગણ હોય તો કોક વળી ડીલીવરી સ્પેશિયલ કવોટામાં પહેલી બીજીવાર આવતી હોય.

એર ઇન્ડિયાની ફ્લાઈટમાં જવાનું એક કારણ એમાં વધારે વજન લઇ જવા દે. ઇન્ડિયાથી કોઈ જતું હોય તો બેગો દસ વાર વજન કરી હોય. તેમ છતાં એરપોર્ટ પર વજન વધારે નીકળે. ઇન્ડીયાના વોર્મ વેધરમાંથી જતા હોય છતાં મોટાભાગના સ્વેટર, જેકેટ કે કોટ ચઢાવીને એરપોર્ટ પર આવે કારણ કે એટલું વજન બેગમાં વધારે લઇ જવાય એટલે. આમ તો કોઈના પણ મોઢે સાંભળો તો એમ જ સાંભળવા મળે કે ‘હવે તો બધ્ધું અમેરિકામાં મળે છે’. તમે છતાં નડિયાદના મઠીયા અને અમદાવાદના ખાખરા બેગો ભરીને અમેરિકા ઠલવાય. એટલે જ બેગનું વજન કરવાનો સ્પ્રિંગ કાંટો ફ્રિકવન્ટ ફ્લાયર્સનાં ત્યાં મળી આવે. કોકવાર જનારને કાંટો ઉધાર આપનાર મળી આવે. એમ કહીને આપે કે ‘લઇ જજોને અમારે તો વરસે બે વાર જ કામમાં આવે છે’.

બેગ બનાવનાર કંપનીઓને કાળો, લાલ, ભૂરો અને લીલો એ ચાર રંગ જ દેખાય એટલે બેગોમાં ખાસ વિવિધતા જોવા ન મળે. એકદમ બોરિંગ. બધી એક સરખી. કન્વેયર પર જતી હોય તો નવરાત્રીમાં એકસરખા ભાડાના ડ્રેસ પહેરીને ગરબા કરતી છોકરીઓ જેવી લાગે. એટલે બેગો ઓળખવામાં તકલીફ થવાની જ. ખાસ કરીને બેગો ઉતારવાની આવે ત્યારે બીજા આપની બેગ ઉતારી લે એવું બને. પણ કહેવાય છે ને માણસ એકવાર ભૂલ કરે, વારંવાર ન કરે. એટલે ભૂલમાં ઉતારેલી બેગ પોતાની નથી એવું સમાજાયા પછી એ પાછી બેલ્ટ પર મુકવાની ભૂલ કોઈ ભૂલથી પણ કરતુ નથી. એટલે તમારી બેગ બેલ્ટ પર અડધો કલાક પછી પણ ન દેખાય તો નીચે પડેલી બેગોમાં સમય બગડ્યા વગર શોધવાનું શરુ કરી દેવું મુનાસીબ છે. જોકે આવી ભૂલ ન થાય એ માટે માસ્તર પ્રકારના લોકો (જે દરેક ઘરમાં હોય જ છે!) તે બેગો ઉપર મોટા લેબલ મારે જે મોટેભાગે ઉખડી ગયું હોય. અમુક બેગ ઉપર નાડાછડી અને ચૂંદડી બાંધી હોય, જે બધાએ બાંધી હોય એટલે પાછા ઠેરનાઠેર. એમાં ચૂંદડી અને નાડાછડી છુટા પડીને બેલ્ટ પર ગોળ ગોળ ફરે ત્યારે જાણે ફેરા ફરતા હોય તેવું દ્રશ્ય સર્જાય.

એર ઇન્ડિયામાં ટ્રાવેલ કરવાનું એક કારણ એમાં મળતું ફૂડ છે. જોકે ઘણા આ જ કારણસર એમાં ટ્રાવેલ કરવાનું પસંદ નથી કરતા. બીજી એરલાઈનમાં રોટી પરાઠા ખાવા મળે, પણ એર ઇન્ડીયા કદાચ વેસ્ટર્નાઈઝડ થતી જાય છે એટલે એ તમને બ્રેડ ખવડાવે. અમેરિકા જતા ૧૬ કલાકમાં તમને જુદીજુદી વરાયટીની બ્રેડ ખાવા મળે. જેમ કે ચોરસ, ગોળ, લંબગોળ અને કોઈ તૃતીયમ શેપની બ્રેડ. અંદર લુખ્ખી કાકડી મુકેલી હોય. એના ડૂચા મારો તો એની સાથે પીવા માટે કટિંગ ચાની સાઈઝના કપમાં જ્યુસ મળે. જેમાં બરફ નખાવવાની ભૂલ કરો તો પીવા માટે કશું ન આવે. અન્ય એરલાઈનમાં પણ ઘણીવાર વેજીટેરીયન ફૂડ લખાવ્યું હોય તો તમને બાફેલા બટાકા,ફણસી, અને રાજમા જ ખાવા મળે. એટલે અમેરિકાના જુના ગુજરાતી જોગીઓ ઘરની આઈટમ્સ ચગળવા માટે સાથે રાખે.

એર ઇન્ડિયા આમ તો ઘણી બાબતો માટે ફેમસ છે. ખાસ કરીને એર હોસ્ટેસ માટે. ઇન્ડિયાની પ્રાઈવેટ એરલાઈન્સ અને એમાય વિજયભાઈની એરલાઈનમાં મુસાફરી કરી હોય એમને એરહોસ્ટેસ માટે ખુબ એક્સ્પેકટેશન હોય એ સ્વાભાવિક છે. પણ કાકીઓ અને માસીઓ તો અમેરિકન એરલાઈન્સમાં પણ હોય છે એટલે એર ઇન્ડિયામાં હોય તો જરાય નવાઈ ન લાગે. પુરુષ તરીકે એવો વિચાર આવે કે એરહોસ્ટેસ તો રૂપાળી હોવી જોઈએ. જ્યારે સ્ત્રીઓને એ વારેઘડીયે ઓવરહેડ લોકર્સમાંથી બેગ ચડાવવા ઉતારવામાં મદદ કરે તેવી હોવી જોઈએ તેવું લાગે. પણ અહીં પુરુષો અને સ્ત્રીઓ બધાની ઈચ્છા ઉપર પાણી ફરી વળે. આવી સર્વિસ અને એરહોસ્ટેસને કારણે ક્યારેક એવું લાગે કે આ એરલાઈનમાં મુસાફરી કરવી એ કોઈ પૂર્વજન્મમાં કરેલા પાપનું ફળ હશે. પણ એકંદરે મુસાફરી પૂરી કરો અને દેશી લોકોએ કરેલી ગંદકી જુઓ ત્યારે એમ થાય કે પાપ તો એરહોસ્ટેસોએ પણ કર્યા હશે, કે આવા પેસેન્જર્સ મળ્યા!

1 comment:

  1. એર ઇન્ડિયા ની હોસ્ટેસ ક્યારેય પેસેન્જર સાથે Professional Smile સાથે વાત કરે નહિ અને જો કઈ માંગો તો મ્હો બગાડે, અને એવું જ બીજા કેબીન ક્રુ ની બાબતમાં હોય છે, આપે એ પણ નોધ્યું જ હશે,
    સરસ રજૂઆત, આખો નજારો જનર સમક્ષ આવી જાય એ રીતે વર્ણન કર્યું છે,

    ReplyDelete