અમદાવાદ :
ઇ-મેઈલ અને ફેસબુક પર જાત જાતની માહિતી ફોરવર્ડ થતી રહે છે. એમાં અમુક
હેલ્થફ્રીક્સ એવા હોય છે કે જે સાયન્ટીસ્ટસ દ્વારા થયેલા વર્ષોના રિસર્ચને
બદલે કોકની કહેલી સાંભળેલી વાત ઇ-મેઈલ પર ફોરવર્ડ થાય એનાં પર વિશ્વાસ રાખી
જાતજાતની વસ્તુઓ ખાવાના પ્રયોગો ચાલુ કરી દે છે. પોતે તો એવા પ્રયોગોથી
દુઃખી થાય છે પણ, આવેલી ઇ-મેઈલ ફોરવર્ડ કરી બીજાને પણ દુઃખી કરે છે. આવી જ
એક ઇ-મેઈલ કોઈ અધીર અમદાવાદી નામનાં ભેજાગેપ શખ્સે ફોરવર્ડ કરી છે જેના
લીધે બજારમાં કંકોડાની અછત સર્જાઈ ગઈ છે, આ ઇ-મેઈલ શબ્દસ: નીચે પ્રમાણે છે.
મિત્રો,
કંકોડાના સદગુણોથી તો તમે સૌ વાકેફ છો. રામાયણમાં રામના લગ્નમાં જે
તેત્રીસ શાક પીરસાયા હતાં એમાં એક કંકોડાનું શાક પણ હતું. ધીરુભાઈએ મુકેશના
લગ્નના રિસેપ્શનમાં કંકોડાનો હલવો ખાસ ચોરવાડથી મહારાજ બોલાવી કરાવ્યો હતો
તે સમાચારની શાહી ભલે સુકાઈ હોય પણ તેનો ટેસ્ટ હજુ લોકોના મ્હોમાં છે.
ભાવનગર પાસેના તરસામાં સ્ટેટમાં એક જમાનામાં કંકોડા સ્ટેટ શાકનો દરજ્જો
ભોગવતું હતું. તો આવો મિત્રો આ કંકોડાના એવા સત્યાવીસ ગુણો વિષે જાણીએ કે જે
જાણ્યા પછી તમે કંકોડા વગર રહી જ નહી શકો.
૧. કંકોડા છાલ ઉતાર્યા વગર મોઢા પર ઘસવાથી ખીલ ફૂટી જાય છે.
૨. ખસ, ખરજવું જેવા ખુજલીકારક રોગોમાં ખણવા માટે કંકોડા ઉત્તમ છે.
૩. સવારે નરણે કોઠે કંકોડાનો જ્યુસ પીવાથી ટીવીનો રીમોટ આખો દિવસ તમારા હાથમાં રહે છે.
૪. કંકોડાને સુકવી એનો પાઉડર રોજ જમ્યા પહેલાં બે ચમચી ફાકવાથી કોઈ પણ
શિખાઉ રસોઈયાએ બનાવેલી કે રસોઈ શોમાં જોઈ બનાવવામાં આવતી કોઈપણ પ્રકારની
રસોઈ સ્વાદિષ્ટ લાગે છે.
૫. સિલ્કના જાંબલી કાપડની થેલી ભરીને કંકોડા ઓશિકા નીચે મૂકી સુઈ જવાથી રાત્રે સ્વીટ ડ્રીમ્સ આવે છે.
૬. ઈન્ટરનેટ મોડેમ નજીક કંકોડાની ઊભી સ્લાઈસ કરીને મુકવાથી વાયરલેસ સિગ્નલ સિત્તેર ફૂટ સુધી આસાનીથી પકડાય છે.
૭. કંકોડાના ટૂકડા કરી કાનમાં ભરાવવાથી શિયાળામાં કાનમાં પવન ભરાતો અટકે છે.
૮. કંકોડા શબ્દ દિવસમાં એકવીસ વખત બોલવાથી ધાર્યા કાર્યો સિદ્ધ થાય છે.
૯. જે ઘરમાં કંકોડાનું શાક બને છે તે ઘરમાં ચોર ચોરી નથી કરતાં.
૧૦. કંકોડાનું અત્તર છાંટવાથી ગર્લફ્રેન્ડ પાછળ થતાં ખોટા ખર્ચા અટકે છે.
૧૧. કંકોડાની ચોકલેટ ખાવાથી દાંત મજબૂત બને છે.
૧૨. કંકોડા શબ્દ ગાળ તરીકે વાપરવાથી ભલભલાં લોકોને ગુસ્સો આવે છે.
૧૩. કંકોડા ખીસામાં રાખવાથી ખીસાકાતરું તમારું ખિસું કાપતા અચકાય છે.
૧૪. કંકોડાનો સ્પ્રે કરી ઘરની બહાર નીકળો તો કૂતરા તમને સૂંઘતા નથી.
૧૫. લાંચમાં એકવાર કંકોડા આપો તો ટ્રાફિક પોલીસ તમને ફરીવાર રોકતો નથી.
૧૬. કંકોડાનો ફોટો ડેસ્કટોપ પર રાખવાથી બોસ ઓવરટાઈમ કરાવતા નથી.
૧૭. કંકોડા ટાલમાં ઘસવાથી ટાલ મેટ ફિનિશ દેખાય છે.
૧૮. જમવામાં બે ટાઈમ કંકોડા ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે.
૧૯. ઘરમાં એક મણ કંકોડાનો સંગ્રહ કરવાથી સાસુ સાત દિવસથી વધારે ઘરમાં ટકતી નથી.
૨૦. સાંજે ભોજનમાં કંકોડાનો સૂપ પીવાથી દારુ પીવાની ઇચ્છા નથી થતી.
૨૧. કપડાં ઉપર હળદરના ડાઘ લાગ્યા હોય તો ઉપર કંકોડું ઘસવાથી હળદરને બદલે પછી માત્ર કંકોડાના ડાઘ દેખાશે.
૨૨. વાળ કંકોડાકટ કરવાથી મિલીટરીમાં સહેલાઈથી ભરતી થાય છે.
૨૩. પત્નીને જન્મદિવસ પર કંકોડાની રિંગ ભેટમાં આપવાથી જલ્દી છૂટાછેડા થાય છે.
૨૪. કંકોડાનું ફૂમતું ચોટલામાં નાખવાથી નવરાત્રીમાં બેસ્ટ ડ્રેસિંગનું પ્રાઈઝ મળે છે.
૨૫. કંકોડાની ચીપ્સ ખાતાખાતા મેચ જોવાથી સામેવાળી ટીમની વિકેટ પડે છે.
૨૬. સવારે ઉઠીને કંકોડા સુંઘવા વિદ્યાર્થીઓની યાદશક્તિમાં વધારો થાય છે.
૨૭. કંકોડા વિશેની આ મેઈલ-આર્ટીકલ-સ્ટેટ્સ શેર કે લાઈક કરવાથી સાડા ત્રણ કલાકમાં ગુડલક આવે છે.
Hilarious !
ReplyDeleteThanks !
Deleteવાહ ....હાસ્ય પ્રચૂર કંકોડા ... મને કંકોડા નું શાક બહુ ભાવે છે ..પણ અહીં ચેન્નાઈ માં નથી મળતા સરળતા થી ...
ReplyDeleteThank you !
Delete