Wednesday, November 06, 2013

પુરુષોની ખરીદી

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૩-૧૧-૨૦૧૩ | અધીર અમદાવાદી |




આ લેખમાં સ્ત્રીઓ માટે કોઈ વિશેષ જાણકારી નથી આપવામાં આવી. પુરુષોની ખરીદી વિષે સ્ત્રીઓને સંપૂર્ણ સમજ હોય છે જ. ઘણાખરા કેસમાં બાળક તરીકે મમ્મી, કોલેજમાં ગર્લફ્રેન્ડ અને પરણ્યા પછી પત્ની એમનાં વતી ખરીદી કરતી હોય છે. અન્ડરગારમેન્ટ સુધ્ધાં! આ જોયેલું, જાણેલું અને અનુભવેલું છે. તમે માનો છો એટલાં ગપ્પા નથી હાંકતા અમે. એનો મતલબ એ નથી કે સ્ત્રીઓ પુરુષો કરતાં સારી ખરીદી કરે છે. ઉપર જણાવેલી કેટેગરીની સ્ત્રીઓ (મમ્મી, ગર્લફ્રેન્ડ અને પત્ની) પોતે એવું માનતી હોય છે કે એમનાં ગગાને ખરીદી કરતાં નથી આવડતું. 
નવરાત્રિ પહેલાની વાત છે. મોટાભાઈ અને ભાભી ખરીદી કરવા ગયા. ભાઈને ઝભ્ભાનો શોખ. એ ડોક્ટર છે, કવિ નથીતોયે. ચોખવટ પૂરી. તો એ બે જણા એક જયપુરી કોટન મટીરીયલ મળે એવા શો રૂમ પર ગયા. ભાઈને ભારે શોખ એટલે એમણે પાંચ-છ ઝભ્ભાનું કાપડ એક સાથે ખરીદી લીધું. જોકે પછી ભાભીનો વારો આવ્યો. એમણે દસ-બાર ડ્રેસના કાપડ આંખનું મટકું માર્યા વગર સિલેક્ટ કરી લીધાં. ભાઈની હવા નીકળી ગઈ. ભાઈને એમ કે છ ઝભ્ભાનું કાપડ એક સાથે ખરીદીને એમણે કોઈ મોટો વર્લ્ડ રેકોર્ડ કર્યો હશે. હશે.પણ ધાર્યું ભાભીનું જ થાય છે. આવું અમે નથી કહેતા, બધાં ભાઈઓ કહે છે.

પ્રવાસે જનાર લોકો જર્ની અને ડેસ્ટીનેશનની ચર્ચા કરતાં હોય છે. કોઈ એક સ્થળે પહોંચવાની ઉતાવળ અને અધીરાઈમાં લોકો રસ્તો માણવાનું ચૂકી જાય છે. પુરુષો ખરીદી કરે તો ઝડપી ખરીદી કરે છે. એમને મન જર્ની નહી ડેસ્ટીનેશન જ મહત્વનું હોય છે. આવા માણસ ખરીદી ‘કામ પતાવવા’ કરે છે. જયારે સ્ત્રીઓને મન મહત્વ વસ્તુનું નહી, ખરીદી કરવા જવાનું છે. એમને ન જોઈતી વસ્તુઓ કઢાવવા અને જોવામાં જબરજસ્ત આનંદ પ્રાપ્ત થાય છે.અગાઉ બીજે ક્યાંકથી ખરીદેલી આઈટમના ભાવ ચેક કરવામાં એમને ગજબનો સંતોષ મળે છે. ચીજ-વસ્તુઓના ભાવતાલ કરવામાં ભગવાન મળ્યાનું અને પછી એ વસ્તુમાં દુકાનદાર અમુક રંગ કે પેટર્નની વસ્તુ નથી રાખતા એ સાબિત કરવામાં એમને સ્વર્ગનું સુખ મળે છે.

પુરુષોમાં સામાન્ય રીતે બે પ્રકારના ખરીદબાજ હોય છે. એક કે જે પહેલેથી જાણતા હોય છે કે કઈ દુકાનેથી શું લેવાનું છે. એ લોકો એક જ દુકાને જાય છે, જ્યાંથી ખરીદી કરવાની હોય. એમને ભાવ પૂછવાની જરૂર નથી હોતી. એમની ખરીદીની સ્ટાઈલ સિમ્પલ હોય છે. દુકાને જાવ, જોઈતી વસ્તુ કાઢવો, બિલ ચૂકવો અને વટો. સ્ત્રીઓની જેમ એ ન ખરીદવાની વસ્તુ, ખરીદવાની વસ્તુ પડતી મૂકી, જોવા નથી બેસી જતાં. બારેગેઈનીંગ કરવામાં ન એમને રસ હોય છે કે ન એમની પાસે એનાં માટે સમય. એટલે જ દુકાનદાર આવા મહા-પુરુષોની ભાગ્યે જ અવગણના કરે છે.

પણ બીજાં પ્રકારના પ્રાણી કે જે અડધાપડધા પત્ની પર ડિપેન્ડન્ટ હોય તેવાને ભાગે જો ભોગે જોગે જાતે ખરીદવાનું આવે તો શું કરવું એ નક્કી નથી કરી શકતાં કે ક્યાં જવું? શું લેવું? કયા રંગનું લેવું? ભાવ વાજબી છે કે નહી? જેન્ટસોમાં પણ ‘બ્લુ લઉં કે ગ્રે’ એ નક્કી ન કરી શકતાં બેમાંથી એકેય ખરીદ્યા વગર મોલની બહાર નીકળી જાય એવા કિસ્સા બનતાં જોવા મળે છે. દરેક વસ્તુ માટે એમને ‘કભી હાં કભી ના’ થાય છે. છેવટે જો ખરીદી કરે, તો દેખાવે સોહામણા હોવા છતાં ખરીદી કર્યાં પછી ‘તમારા મ્હોં જેવું લઈ આવ્યાં’ એવા કઠોર વચનો સાંભળવા પામે છે. આમ ખરીદીની સાથે દેખાવ બાબતે પણ નાહકમાં ગાળ ખાય છે.

પતિની ખરીદીની સૌથી મોટી ક્રિટીક એની પત્ની જ હોય છે. પતિ બાબતે પત્નીઓની એક યુનિવર્સલ ફરિયાદ એ છે કે ‘એ ભળતું જ ઉઠાવીને આવે છે’ કે ‘કાયમ છેતરાઈને આવે છે’. જોકે એ સહેલાઈથી છેતરાઈ જાય એવો ભોળિયો ન હોત તો એ તારી સાથે પરણ્યો જ ન હોત ને? પણ આવું જ્ઞાન થાય તેટલી સમજ પત્નીઓમાં હોત તો જોઈતું જ શું હતું? પાછું હકીકતમાં એવું હોય કે જેમની પત્ની એમ માનતી હોય કે ભોલાનાથ છેતરાઈને આવે છે, એમના ઓપીનીયન પર તો અડધી ઓફિસ ખરીદી કરતી હોય!

સ્ત્રીઓ એમ જ માનતી હોય છે કે પુરુષ ખરીદી કરવા જાય એટલે દુકાનદારના કાન ઉંચા થઈ જતાં હશે, અને બીજાં દસ લેડીઝ ઘરાક મૂકીને ભાઈને એટેન્ડ કરતાં હશે. કારણ કે પુરુષ ઘરાક એ સેકન્ડ-હેન્ડ, ફાટેલો તૂટેલો, કે આઉટ ઓફ ફેશન માલ વળગાડવા માટે ભગવાને મોકલેલો ફરિશ્તો છે! એમાંય જો પુરુષ સ્ત્રી માટે કોઈ ખરીદી કરી લાવે તો પતી ગયું. જેમ કે કોઈ ભાઈ મદ્રાસ કે બેંગલોર બિઝનેસના કામે ગયા હોય અને સાડી લેતા આવે તો એમાં ‘આંતરી દેખાઈ નહી, ખોલીને જોવાનો ટાઈમ કોને છે!’, ‘આ જ  કલરની બીજી દસ સાડી છે મારી પાસે, પણ યાદ રહે તો ને!’,

એટલે જ પરણેલા પુરુષ જો કોઈ વસ્તુ ખરીદ કરી ઘેર જાય તો એ વસ્તુનો ભાવ કહેવા બાબતે સાવચેત રહે એ જરૂરી છે. થોડીક ડિપ્લોમસી પૃરુષોએ શીખવી જરૂરી છે. બેસ્ટ ઉપાય એ છે કે તમે ખરીદેલી વસ્તુની સાચી કિંમત વાઈફના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલી કિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો તમે પાડી દો. તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો "તમે છેતરાયા" એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટે તમે "કાયમ હલકી વસ્તુ લાવો છો" એ વાત પર મામલો બીચકશે.

No comments:

Post a Comment