| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૬-૧૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |
આ વરસ તાત્કાલિક અમલમાં
આવે એ રીતે સરકારી તુક્કા વર્ષ જાહેર કરવું જોઈએ એવું અમને લાગે છે. અગાઉ નાણામંત્રીએ
સોનું ન પહેરવા વિનંતી કરી હતી. પછી તેલમંત્રીએ પેટ્રોલપંપ રાત્રે બંધ રાખવા સૂચન
કર્યા. સરકારે નવી ભરતી પર રોક લગાવવાની નિર્ણય લીધો છે. કદાચ આ રોકથી શિક્ષકો અને
પ્રોફેસરો પણ નહીં નીમાય. આમ થશે તો ક્યાં આવનારી પેઢી અભણ રહેશે અથવા પોઝીટીવ
વિચારો તો એવું વિચારાય કે જથ્થાબંધ એક્લવ્યો પાકશે. આટલા તુક્કા ઓછાં હોય એમ અમદાવાદ
પોલીસે જનતા પર પેટ્રોલ ખરીદવું હોય તો પેટ્રોલ પંપ પર હેલ્મેટ, રજીસ્ટ્રેશન
પેપર્સ, અને લાઈસન્સ બતાવવું ફરજીયાત થાય તેવો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.
આમ તો એક રીતે આ આઉટ
સોર્સિંગ જ થયું. અગાઉ જણાવ્યું એમ સ્ટાફની તંગીને કારણે પૂરતા ટ્રાફિક પોલીસ
શહેરમાં હોતાં નથી. એમાં વાહનો વધતાં જાય છે. એમાં પાછું માલ-સામાન લઈ જતાં
ટેમ્પો-ટ્રકનું ચેકીંગની હાઈ-પ્રાયોરિટીમાં આવે. ઉપરથી જે વાહનચાલક પકડાય એ લાંબી
લમણાઝીંક કરે. પાછું દરેક વાહનચાલકના છેડા કોક અધિકારી કે નાના-મોટા નેતા કે
લુખ્ખા સાથે અડતા હોય. પચાસ રૂપિયા દંડ ન ભરવા માટે ચૌદ તો ફોન લાગાવે. એવામાં
પોલીસ કામ કઈ રીતે કરે? એટલે આ જે કર્યું તે સારું કર્યું. પોલીસનું કામ હવે
પેટ્રોલ પમ્પ કરશે.
પછી તો પેટ્રોલ પંપ
પર કર્મચારીઓ પણ ભણેલાં ગણેલા રાખવા પડશે. હાસ્તો, આરટીઓ બુક અને લાઈસન્સ ચેક
કરતાં આવડવું જોઈએ ને? ઓરીજીનલ છે કે ડુપ્લીકેટ એ પણ ખબર પડવી જોઈએ. પછી તો
પેટ્રોલ પંપ એટેન્ડન્ટસની ટ્રેનિંગના કામો નીકળશે. કેટલી બધી ધંધા અને નોકરીની તકો
ઊભી થશે?
જોકે એવું પણ કરી
શકાય કે પેટ્રોલ પંપ પર એટેન્ડન્ટ તરીકે કોન્સ્ટેબલને જ ગોઠવી દેવાનાં. બધે જ અને
છુપા વેશમાં. આ સારું. બધાએ જખ મારીને પેટ્રોલ પુરાવવા આવવું પડે. એમાં આરોપીઓ અને
ધૂમ સ્ટાઈલમાં મહિલાઓની ચેઈન ઉડાવતા ચેઈન સ્નેચર્સ પણ આવી ગયા. બસ એ પેટ્રોલ
પુરાવવા આવે એટલે “કેટલાનું નાખું?’ એવું પૂછવા નજીક જઈને રૂપિયા રાખવાના ચામડાના
પાકીટમાંથી રિવોલ્વર કાઢી કાનપટ્ટી પર મૂકી દેવાની. બીજાં હાથે બાઇકમાંથી ચાવી
કાઢી નાખવાની. વધારે હાઈટેક થઈએ તો સીસી ટીવી કેમેરા પરથી ચાલકની ઈમેજ લઈ સર્વર પર
મોકલી શકાય, અને ત્યાંથી કન્ફર્મ થાય કે ‘એજ કબુતર છે’ એટલે દબોચી લેવાનો. છે ને જબરજસ્ત
આઈડિયા?
જોકે પ્રજાને આ
આઈડિયા જચ્યો નથી. અમદાવાદમાં કહે છે કે સૌથી મોટો વિરોધ રિક્ષા ડ્રાઈવરોએ કર્યો
છે. બાપડા અભણ છે એટલે એ લોકો લાઈસન્સ મેળવી શકતાં નથી. અને એટલે પચાસ ટકા રીક્ષાઓ
વગર લાઈસન્સથી ચાલે છે. આવું અમે વાંચ્યું છે, સાચું ખોટું લખનાર જાણે. પોલીસ પણ
અત્યાર સુધી મોટું મન રાખીને આ રીક્ષાઓ
ચલાવનારને ચલાવી લેતી હતી. પણ આમ એકાએક રાતોરાત કાયદા આવી જાય તો બિચારા ગરીબ
રિક્ષા ચાલકો જાય ક્યાં? જો લાઈસન્સ વગર રિક્ષા નહોતી ચલાવવા દેવી તો પહેલેથી
કરવું જોઈએ ને એવું? હવે લાઈસન્સ વગર ચલાવવા સૌ ટેવાઈ ગયા છે, ત્યારે આ નવા ડફાકા
કરવાની શી જરૂર છે? અમારી અમદાવાદ પોલીસ કમિશનરને નમ્ર અરજ છે કે ગરીબ ભાઈઓના પેટ
પર લાત ન મારશો. એમને જેમ ચલાવવી હોય એમ રિક્ષા ચલાવવા દો. અથડાવવી હોય એમ અથડાવવા
દો. ભાડું તો લે છે જ એ લોકો જેમ લેવું હોય એમ!
જનરલ કેટેગરીને પણ આ
નિયમથી તકલીફ પડશે. હેલ્મેટ માટે તો ચાલો પંપની બહાર કોક બે-પાંચ રૂપિયામાં ભાડે
આપનાર પણ મળી આવશે, પણ રજીસ્ટ્રેશન પેપર કઈ રીતે સાથે હોય? અમારા જેવા ઘણાં છે કે
જેમને જેના અને તેના વાહન ઉછીના લેવાની ટેવ છે, ‘લાવને યાર બાઈક અડધો કલાકમાં
આવું’ એમ કહીને. તે એમ અડધો કલાક માટે ઉછીનું લીધું હોય તો એનાં રજીસ્ટ્રેશન પેપર
પણ આપ લે કરવા પડે. અને બાઈકમાં તો કાગળો પલળી ન જાય? અને રોજ રોજ સાથે લઈને ફરો
તો ખોવાઈ ન જાય? પછી પેટ્રોલ પંપ પર ‘કાગળ કેમ નથી’ એની નવરાશથી માથાકૂટ કરતાં
કાકાઓ અને આંટીઓને કારણે જો નોકરીએ પહોંચવામાં કોઈને મોડું થાય તો એનાં માટે કોણ જવાબદાર?
કાકા, આંટી, પોલીસ કે પ્રજા પોતે?
પેટ્રોલ પંપ એસોશિયેશન તરફથી હજુ સુધી કોઈ વિરોધ પ્રગટ નથી
થયો એ નવાઈની વાત છે. કારણ કે આ નિયમથી પંપ પર ઘર્ષણના બનાવો વધશે. પંપ પર
બાઉન્સર્સ રાખવા પડશે. લુખ્ખાઓ અને સ્થાનિક નેતાઓ પંપ પર પોતે ડોક્યુમેન્ટ વગર
પેટ્રોલ ભરાવી શકે છે એ વટનો પ્રશ્ન બનાવી દેશે. તો કોઈ પમ્પ ઓપરેટરને દસ-વીસ
પકડાવી ડોક્યુમેન્ટ વગર પેટ્રોલ ભરાવી જવાની વ્યવહારિક કોશિશો પણ કરશે. પોલીસ
ખાતું ‘પંપ માલિકો ગડબડ નથી કરતાં ને?’ એ ચેક કરવા અલગ સ્કવોડ રચશે, અને એમાં પણ
તોડપાણી ચાલુ થાય તો નવાઈ નહી. કદાચ નવા પ્રકારના હપ્તા ચાલુ પણ થાય. એકંદરે ન
પેટ્રોલનો વપરાશ ઓછો થશે, ન ઉપરની કમાણી, બસ આમ જનતાની પરેશાની વધશે. પણ એટલે જ તો
આપણને માંના પેટમાંથી જ લાતો મારવાનું શીખવાડવામાં આવે છે!
જોકે સરકાર આમ
તુક્કાબાજીથી જ કામ ચલાવવાની હોય તો અમને અમારું અને અમારા જેવા ઘણાઓનું ભવિષ્ય
ઉજળું દેખાય છે. સરકાર કદાચ અમારા જેવા તુક્કાબાજોના લાભાર્થે કોઈ શેખચલ્લી સહાય
યોજનાઓ શરું કરે એવું બને. કે પછી શ્રેષ્ઠ તુક્કા માટે તઘલખ ઇનોવેશન એવોર્ડઝ અપાય.
પણ આવું કશું નહીં થાય ‘અધીર’. કઈ સરકારને કોમ્પીટીશન ગમે છે?
--
by adhir amdavadi
Aflatoon tukka lekh! ;) hahaha....perfect shot on stupid Govt.
ReplyDeleteThank you !
Deletejabra tukka aave chhe tamne pan :)
ReplyDeleteકઈ સરકારને કોમ્પીટીશન ગમે છે?
ReplyDeleteJordaar article baapu!