Tuesday, September 17, 2013

અલા, આવું તે હોતું હશે ?

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૫-૦૯-૨૦૧૩| અધીર અમદાવાદી |

બી.એ. પાસ મીનીસ્ટર વીરપ્પા મોઈલીએ પેટ્રોલનો વપરાશ ઘટાડવા રાત્રે આઠ પછી પેટ્રોલ પંપ બંધ રાખવાનું સૂચન કર્યું અને પાછું પણ ખેંચી લીધું. થોડા સમય પહેલા ફાઇનાન્સ મીનીસ્ટરે સોનું ન ખરીદવા અને પહેરવાની હિમાયત કરી હતી. વિદેશી વસ્તુઓ ન ખરીદવાની બુમો તો આઝાદી પહેલેથી પડે છે. આમાં બધો ભાર પ્રજા નામની કુંવારી કન્યાની કેડ પર નાખવામાં આવી રહ્યો છે. જોકે આવા અનુભવોથી આ પ્રજા નામની કુંવારી કન્યાની કેડ જિમ ગયા વગર મજબૂત થઈ રહી છે. અહિં સોનું ન ખરીદવાની સલાહ આપવી સહેલી છે. પણ સવારમાં મંદિર દર્શન કરવા જતાં પણ દસ તોલાના દાગીના ઠઠાડીને જતી માજીઓને સમજાવવી મુશ્કેલ છે. અને આ બપ્પી લહેરી જેવા શોખીન ને કોણ સમજાવે? બપ્પીદા જિમમાં જાય તો ઇન્સ્ટ્રક્ટર એને એમ કહે છે કે ‘તમે સોનાનું વજન રોજ ઊચકો જ છો, માટે તમારે વેઈટ લીફટીંગ કરવાની જરૂર નથી’. અને આપણે ચેઇન સ્નેચર ભાઈઓના જીવન નિર્વાહનું પણ વિચારવું તો રહ્યું જ! 

પણ અમને એ વિચાર આવે છે કે મોઈલી અને ચિદમ્બરમના આવા બ્રિલિયન્ટ આઈડીયાને બીજી સમસ્યાઓના સમાધાન માટે કેમ ન વાપરી શકાય? આપણા હજારો કરોડો રૂપિયાનો વહીવટ કરતાં નેતાઓનું બોલેલું ફોક ન જવું જોઈએ. સિવાય કે એ જાતે બોલીને ફરી જાય! નેતાઓનાં કાર્યકાળમાં કરાતા ખર્ચા અને નિર્ણયોમાં વપરાતો સમય લોકોની જિંદગી કરતાં પણ કિંમતી હોય છે. એટલે જ તો મીનીસ્ટરનો કાફલો જતો હોય ત્યારે એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં અટવાઈ જાય તો ભલે, પણ નેતાને મોડું ન થવું જોઈએ. માટે અમે કહીએ છીએ કે મોઇલી અને ચિદના આઈડીયાને પગલે લોકલ નેતાઓના સહયોગમાં નવી નીતિઓ ઘડાવી જોઈએ.

પેટ્રોલ જેવી જ એક બીજી સમસ્યા છે રૂપિયો ગગડવાની. રૂપિયો ગગડવાથી અત્યારે ઘણા લોકોના હાંજા ગગડી ગયા છે. હવે તો આવામાં સરકાર તરફ કોઈ આશાભરી નજરે પણ જોતું નથી. એટલે સરકારે યેન કેન પ્રકારેણ, જોર જબરજસ્તી કરીને પણ રૂપિયાને સ્થિર કરવો જરૂરી છે. આ માટે સરકારે રૂપિયાના સિક્કાને  ચોરસ આકારમાં બનાવી શકે. પણ એનાથી પ્રજા રૂપિયા ખર્ચતા અટકે એમ નથી. માટે સરકારે ૧૦૦ રૂપિયાથી વધારે ખરીદી કરનારે પાન-કાર્ડની કોપી આપવી ફરજિયાત કરી દેવું જોઈએ. આમ ઝેરોક્સની દુકાનો પર લાઈનો લાગશે અને અમુક લાઈનમાં ઊભા રહેવાના કંટાળાને લીધે પણ રૂપિયા ખર્ચવાનું માંડી વાળશે. આ ઉપરાંત સરકારે ૨૦ રૂપિયાથી મોટી નોટો જ છાપવાનું બંધ કરી દેવું જોઈએ. નાની નોટો અને પરચૂરણ માણસ લઈ પણ કેટલું જઈ શકે? અને જ્યાં જાય ત્યાં માણસ ગણવામાંથી જ ઊચો ન આવે ને? આવું થાય તો ફિલ્મો પણ સો કરોડને બસો કરોડનો ધંધો કરવાનું ભૂલી જાય!


ડુંગળી એ દેશ માટે માથાના દુખાવારૂપ સમસ્યા છે. એકાદ સરકારનું પતન આ ડુંગળીના ભાવના ઉર્ધ્વગમનને કારણે થયું હતું તેવું પણ મનાય છે. ડુંગળીના ભાવ તોફાની છોકરાની જેમ સરકારનો હાથ છોડાવીને ભાગે છે. સરકાર પણ એ ઓરમાન છોકરો હોય એમ એને ભાગવા દે છે. પછી પબ્લિક યાદ કરાવે એટલે લોકલાજે એને સંભાળવા કોશિશ કરે છે. પણ સરકાર ડુંગળીના ભાવ કાબુમાં રાખવા ઘણા નવતર ઉપાયો કરી શકે છે. પંજાબી શાકમાં ડુંગળી ખાસ વપરાય છે. તો સરકારે પંજાબી શાક પર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. અલબત્ત પંજાબ સિવાય. પંજાબીઓ બિચારાં છો ખાતાં. હવે એમ ન કહેતા કે ગુજરાતીઓએ શું ગુનો કર્યો. કેમ ભાઈ? તમે ગુજરાતી છો તો ગુજરાતી શાક ખાવ ને. ટીંડોળા, કારેલા, કંકોડા અને ગલકાં. કે પછી કોબી અને ફૂલાવર. એકેયમાં ડુંગળી ન આવે. હા, આપણે ત્યાં શાકમાં ખાંડ નખાય, એટલે ખાંડના ભાવ જરૂર વધે!

આવી જ બીજી એક સમસ્યા ટ્રાફિકની છે. મોઇલી સાહેબના પેટ્રોલપંપ બંધ રાખવાના સૂચનથી પણ ચડિયાતાં ઉપાયો છે અમારી પાસે. જેમ કે કચરાવાળું પેટ્રોલ સપ્લાય કરવું. કેમ? મુનસીટાપલી તો ઘણી વખત કચરાવાળું, ડહોળું, રોગિષ્ઠ પાણી સપ્લાય કરે છે, અને આપણે પીવું પણ પડે છે. જખ મારીને! તો કચરાવાળું પેટ્રોલ સપ્લાય ન કરાય? પછી બધાં વાહનોને કીકો કે ધક્કા માર્યા કરે. ગેરેજવાળાને ત્યાં લાઈનો લાગે. એકંદરે લોકો કંટાળી જાય. લોકો પેટ્રોલપંપ પર માથાકૂટ કરે તો કહી દેવાનું કે જે છે એ આ છે, લેવું હોય તો લો નહિતર જાવ’. કેમ રેશનિંગની દુકાને જેવું અનાજ મળે તેવું લોકો લે છે જ ને? આમ લોકોનો સમય પેટ્રોલપંપથી લાવેલું પેટ્રોલ શુદ્ધ કરવામાં વીતી જાય એટલે રોડ ઉપર એ જ લોકો ફરે જે માથાકૂટ કરી શકે. 

ભારતમાં વસ્તી કંટ્રોલ કરવા માટે સરકાર અથાગ પ્રયત્નો કરે છે. જાહેરાતો આપે છે. જાહેર સ્થળો પર કૉન્ડોમ વેન્ડિંગ મશીનો મૂકે છે. પણ આ મશીનો પણ ચોરાઈ જાય છે. એકાદ બે નહી. આવા પુરા દસ હજાર મશીનો ચોરાઈ ગયા છે. રામજાણે એ ચોરીના મશીનો ક્યાં વેચાતાં હશે! પાછું મઝાની વાત એ છે કે જાતીય રોગો અને અનિચ્છિત સંતાન માટે ઇન્સ્યોરન્સ સમા કૉન્ડોમના મશીનનો ઇન્સ્યોરન્સ નહોતો લેવામાં આવ્યો. પણ મશીન વસ્તીની સાથે સાથે એઈડ્ઝ જેવા જાતીય રોગોની સમસ્યા સર્જાય છે. તો આ સમસ્યાનું સમાધાન પણ આપણા અભણ મીનીસ્ટરોએ આપવું જોઈએ (ભણેલાં પરધાનો પણ ક્યાં કંઈ ઉકાળે છે?). જેમ કે સેક્સ માટે સરકારી પરમિશન. આ નિયમ પરણિત લોકોને પણ લાગુ પાડવામાં આવે. કેમ ચોંકી ગયા? આવું તે હોતું હશે? આવા સવાલો થાય એ સ્વાભાવિક છે. પણ સરકારી ઘણી યોજનાઓની જાહેરાત વાંચીને અમને આવો જ આંચકો લાગે છે. પછી એ મફત અનાજ હોય કે કેશ ટ્રાન્સ્ફર. અલા, આવું તે હોતું હશે?’

No comments:

Post a Comment