Thursday, September 26, 2013

આત્મશ્ર્લાઘા

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૨-૦૯-૨૦૧૩ | અધીર અમદાવાદી |
પોતાના વખાણ કરવા એ કળા છે. એવું મનાય છે કે અમારા નાગરોમાં ભગવાને ભારોભાર કળાઓ ભરી છે, એમાં એક આ પોતાના વખાણ કરવાની કળા પણ આવી ગઈ. પોતાના વખાણ એ જ વ્યક્તિ કરી શકે જે પોતાની જાતને અનહદ પ્રેમ કરતી હોય. આને સંસ્કૃતમાં ‘સ્વાનુરાગ’ અને ઇંગ્લિશમાં ‘નાર્સીસીઝ્મ’ કહેવાય છે. નાગરોના જીન્સ પર સંશોધન થાય તો કદાચ સ્વાનુરાગને લગતી ડી.એન.એ. ચેઈન મળી પણ આવે. આ કારણથી જ આત્મ-પ્રશંસાની બાબતમાં અમે સ્વાવલંબી છીએ. કોઈના ભરોસે રહેવું અમને પરવડતું નથી. અમારી જ વાત કરું તો અમે બે માસ્ટર્સ સિવિલ એન્જિનિયરિંગમાં અને એક મેનેજમેન્ટમાં કર્યું છે, અને પી.એચડી. પતવામાં છે, પણ એ બાબતનું અમને જરાય અભિમાન નથી. બાકી ભણવાનું છોડી મુંબઈ નાસી જવાનું હાસ્યલેખકોમાં સામાન્ય છે અને એ આત્મકથાઓમાં લખાઈ ચૂક્યું છે!

ઘણા લોકો પોતાની જાતને માનવાચક શબ્દોથી નવાજતા હોય છે. જેમ કે આ લખનાર. અમે એકલા હોવા છતાં લેખમાં અમારો ઉલ્લેખ ‘અમે અમે’ તરીકે જ કરીએ છીએ. ફોન ઉપર ‘રમણ ભ’ઈ બોલું છું’ કે ‘બચુ ભાઈ આવે તો કહેજો’ કે ‘બાબભ’ઈ આવ્યા હતા’ એવું પણ લોકો બોલતા હોય છે. સ્વ. રાસબિહારી દેસાઈ પણ પોતાને રાસભાઈ કહેતા હતા. ઘણાં વર્ષો પહેલાં એક કાર્યક્રમમાં રાસભાઈ સમયસર પહોંચી ગયા. પહોંચીને એ તો એન્ટ્રન્સ પાસે બિલ્લા લગાડેલા આયોજકો ઊભા હતા ત્યાં જઈ ઊભા રહી ગયા. હાજર આયોજકોમાંથી કોઈએ કદાચ એમને ઓળખ્યા નહીં, ગમે તેમ પણ તેઓ અંદર અંદર વાત કરતા હતા કે ‘રાસબિહારીભાઈ હજું આવ્યા નહીં’. એ સાંભળી રાસભાઇએ જાહેર કર્યું કે ‘રાસભાઈ આવી ગયા છે’. એટલે ત્યાં ઊભા હતા એમણે પૂછ્યું કે ‘ક્યાં છે રાસભાઈ?’, ત્યારે એમણે ચોખવટ કરી કે ‘હું જ રાસભાઈ છું’. આમાં વાત વખાણની નહીં, પણ પોતાને માન આપવાની છે. રાસભાઈ નાગર હતા.

બક્ષી અટક જનરલી નાગરોમાં હોય. પણ ગુજરાતી સાહિત્યમાં ચંદ્રકાંત બક્ષી નામના જે લેખક થઈ ગયા તે વાણિયા હતા. એમનો આઈ કેપિટલ હતો, બીજા બધાના આઈની ફોન્ટ સાઈઝ જો બાર હોય તો બક્ષીના આઈની સાઈઝ છત્રીસની હતી એવું કહી શકાય. કોઈએ એવું પણ નોંધ્યું છે કે બક્ષી પોતાને ભગવાન બક્ષી નથી કહેતા એટલું સારું છે. વિનોદ ભટ્ટ લખે છે કે બક્ષી સાથે હોય ત્યારે બોલવાનું ઓછું અને સાંભળવાનું વધારે હોય. શાહરૂખ ખાને તો બચ્ચન દાદાના ફેન્સને ખુશ કરવા કહ્યું હતું કે ‘જહાં મેરી હાઈટ ખતમ હોતી હૈ, વહાં સે આપકી હાઈટ શુરૂ હોતી હે’, પણ બક્ષી પોતે એવું માનતા કે બીજા બધા સાહિત્યકારોને એક ઉપર એક ગોઠવ્યા હોય એ જેટલે પહોંચે ત્યાંથી એમની ઊંચાઈ શરૂ થાય છે. આવું બક્ષીએ કીધું નથી, પણ બક્ષી વિષે આવું કશું ભળતું-સળતું લખી દીધું હોય તો બક્ષીને ઓળખનારા સાચું માની લે તેવી સો ટકા શક્યતા છે.

બીજાનાં વખાણ કરવા એ કોઈ મોટી વાત નથી. કોઈ પોતાની નમ્રતા દેખાડવા પણ બીજાનાં વખાણ કરે. કોઈ અહો રૂપમ અહો ધ્વનિના ધોરણે કરે. તો કોઈ રૂપિયા લઈને, જેમ મોટા સ્ટારની ફિલ્મોના વખાણ થાય છે એમ વખાણ કરે. કોઈ વખાણ કરવા માટે આખું સોશિયલ નેટવર્કિંગ સેલ ઊભું કરે. હમણાં જ દિલ્હીના સત્તાધારી પક્ષના અમુક નેતાઓ, કે જેમને સારા કામ કરી ફોલોઅર ઊભા કરવાનો સ્કોપ છે, તેઓના ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ફોલો કરનાર ઇટલી અને ચીલીમાં સૌથી વધુ હતા એવા સમાચાર બહાર આવ્યા હતા.

આ બધું કરવા રૂપિયા ઢીલા કરવા પડે છે. પણ પોતાની જાતને હવા ભરવામાં રૂપિયો પણ ખર્ચવો પડતો નથી. પોતાના વખાણ કરવામાં કેટલી બધી સરળતા છે! પોતે જાતે એ એક એવી વ્યકિત છે જેને તમે જન્મથી ઓળખો છો. જોકે આગળના વિધાન બાબતે અમુક વિદ્વાનો વિવાદ કરી શકે છે. એમ કહીને કે જાતને ઓળખવામાં તો આખી જિંદગી જતી રહે છે. પણ આ તો સામાન્ય માણસની વાત છે, એમાં વિદ્વાનોને વચ્ચે લાવવાની જરૂર નથી. સામાન્ય માણસ પોતાની જાતને તો ઓળખતો જ હોય છે. એને જ ખબર હોય છે કે આ ભાઈને આઈસક્રીમ ઓફર કરો તો ના નથી પાડી શકતા’ અથવા તો આ ભાઇ તો જુગારી છે’.

પાવર ઓફ માઈન્ડ અને પોઝિટિવ થિન્કિંગની ફિલોસોફીમાં પણ પોતાને સુંદર, સ્વસ્થ, સબળ, સક્ષમ, સર્વશક્તિમાન કલ્પવાનું કહ્યું છે. એમ કહે છે કે તમે જ તમારી નજરમાં મહાન નહીં હોવ તો દુનિયા થોડી તમને મહાન ગણવાની છે? તો સવાલ એ થાય કે પોતાને પોતાની નજરમાં મહાન દેખાડવા શું કરવું જોઈએ? સૌથી પહેલાં પોતાની આવડતનું લિસ્ટ બનાવો. જેમ કે હું સારો એકાઉન્ટન્ટ છું’, કે મારું જી.કે. બહુ સારું’. આવું કંઈ ન જડે તો ડરવાનું નહીં. આપણી ઘણી છૂપી ખાસિયતો હોય છે જે વિષે આપણે ખણખોદ કરી શકાય. જેમ કે તમે સારા ઘૂસણખોર હોઈ શકો છો. આવું હોય તો તમે તમારી જાતને સ્ટ્રેટેજીસ્ટ તરીકે પ્રોજેક્ટ કરો. અને તમને ગોસિપ કરવાની કુ-ટેવ હોય તો કમ્યુનિકેશન ડિસેમિનેશન એક્સપર્ટ છું એવું કહી શકો.

જ્ઞાતિના ફંક્શનોમાં સફળ ઉદ્યોગપતિ કે કરોડપતિને અતિથિવિશેષ તરીકે બોલાવ્યા હોય છે. એમનો બાયોડેટા એડવાન્સમાં મગાવ્યો હોય, એમાંથી ટૂંકું કરી આ વિશિષ્ઠ પ્રતિભાનો પરિચય કરાવવામાં આવે. પણ જો આપણે પોતાનો પરિચય કરાવવો હોય, એટલે કે પોતાના વખાણ કરવા હોય, તો પોતાનો બાયોડેટા મગાવવો પડતો નથી. એમાં તો જે ન કર્યું હોય એ પણ આપણને યાદ હોય. સાઉથની કોઈ યન્ના યુનિવર્સિટીમાંથી ડિગ્રી ખરીદી હોય તે પણ યાદ હોય, ભલે જાહેરમાં કહીએ નહીં. કવિ સંમેલનોમાં જાવ તો પણ આ જ હાલ હોય. સંચાલક કવિના કવિત્વ વિષે ખૂબ હવા ભરે પણ આપણને કાર્યક્રમના અંતે ખબર પડે કે આ કવિની કવિતા કરતાં સંચાલકનું માર્કેટિંગ મહાન હતું. પણ વખાણ કરવાની સ્પેશિયલ ટ્રેનિંગ ન લીધી હોય એવા સંચાલકના હવાલે ચડવા કરતાં પોતાની જાતે વખાણ કરવા બહેતર રહે.

પોતાના વખાણ કરે એનાં માટે ‘આત્મશ્ર્લાઘા’ એવો નેગેટિવ શબ્દ ગુજરાતીમાં પ્રયોજાય છે. પણ આત્મશ્ર્લાઘા કરનારને ઘણીખરી આ ખબર હોતી નથી. બીજા કોઈ એને જાણ કરે કે ઉતારી પાડે ત્યારે ભાન પડે કે આઈ-ટોક વધારે પડતી થઈ ગઈ. ગુજરાતીમાં એક કહેવત પ્રચલિત છે કે આઈ હંમેશા કેપિટલ હોય’. કદાચ એટલે જ ગુજરાતીઓમાં ગેરસમજ ન થાય એ હેતુથી એપલની પ્રોડક્ટ્સમાં સ્મોલ આઈનો ઉપયોગ કરવામાં આવે છે. અધીર અમદાવાદી અંગ્રેજીમાં લખો તો એમાં બે આઈ આવે. પણ સ્મોલ હોં!

1 comment:

  1. સરસ--- એમાય નાગરોના ગુણધર્મ એકદમ સુંદર રીતે બતાવ્યા,

    ReplyDelete