| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૫-૦૮-૨૦૧૩ | અધીર અમદાવાદી |
હમણાં અહિં અમદાવાદમાં ગાયોનો ઉપદ્રવ વધ્યો છે. આમ તો આખું વરસ કંઈ ઓછો નથી
હોતો, આ તો ખાલી માત્રાની વાત છે.
રસ્તે જતાં હોઈએ, જમણી બાજુ
ડીવાઈડર હોય, ડાબી બાજુ પાણી
ભરાયેલા હોય, ખાડા હોય,
લારીઓ ઊભેલી હોય, કે કીડી-મકોડાની જેમ માણસો ચાલ્યા જતાં હોય અને
એવામાં આગળ ગાય જતી દેખાય. વરસાદ ઝરમર ચાલતો હોય એટલે એક તરફ આપણી કારનું વાઈપર
ચાલુ હોય અને એવામાં કારનાં આગળના કાચમાંથી દેખાતી ગાય એનું પૂંછડું વાઈપરની જેમ
હલાવતી જણાય. એકવાર તો વરસાદ બંધ હતો અને આમ જતો હતો ત્યાં આવી રીતે ગાય જતી દેખાઈ
બે ઘડી તો અમને ભ્રમ થયો કે આ કારનું વાઈપર પાછું કેમ ચાલુ થઈ ગયું? આપણે ભલે ગાયથી ત્રસ્ત હોઈએ પણ ચોખ્ખા રોડ પર
પૂંછડું હલાવતી ને બિન્દાસ મહાલતી ગાયો પોતાની મસ્તીમાં મસ્ત હોય છે.
એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી અનેક કષ્ટસભર વૈતરણી નદી પાર કરવામાં
જેમણે પુણ્ય કર્યાં હોય તેઓ ગાયનું પૂંછડું પકડીને તરી જાય છે. આપણું શહેર પણ
ચોમાસામાં આ મીની-વૈતરણી જેવું જ થઈ જાય છે. એમાં વધુ પાણી ભરાયું હોય અને ગાડી
બંધ પડી જાય ત્યારે ‘આવી ગાય સર્વિસ
મળે તો કેવી મઝા આવે?’ એવા વિચારો અમને
અચૂક આવે છે, પણ આપણે કદાચ
એટલાં પુણ્ય નહીં કર્યાં હોય. જોકે પૃથ્વીલોક પર આ ગાયોને હાંકવા માટે એનું પૂછડું
મરડવામાં આવે છે એ અલગ વાત છે. આજકાલ તો ગોવાળો બાઈક લઈને ગાયોના ધણને હાંકતા હોય
છે. બાકી જુનાં સમયમાં તો હાંકનારા પૂંછડી અમુક રીતે આમળી ગાયોને દિશાસૂચન પણ
કરતાં જોવા મળતાં.
અમુક ગાયનું પૂછડું શ્રદ્ધાથી માથે અડાડતા પણ જોવા મળે છે. આવું કરનાર જોકે
સંસારથી પરવારી ચૂક્યા હોય છે. બાકી કોઈ બ્યુટી પાર્લર જતી યુવતી કે માથે મોંઘી
ડાઈ કરાવતી અર્બન વામા કદી ગાયનું પૂછડું માથે ન ચઢાવે. બીજું કે ગાયનું પૂંછડું
માથે અડાડવામાં એક પ્રકારની નિર્ભયતા જોવા મળે છે, કારણ કે ગાય કદી લાત મારતી નથી.
કદાચ કુદરતે એનાં પગમાં પાછળ પ્રહાર કરી શકે એવી શક્તિ નથી આપી. કોઈ ધર્મમાં જો ગધેડાને
પવિત્ર ગણવામાં આવતું હોય તો પણ કોઈ ગધેડાનું પૂછડું માથે ન ચઢાવે તે પણ એટલી જ
ચોક્કસ વાત છે.
પૂંછડી તો કૂતરાની પણ મસ્ત હોય છે. સોનાક્ષીની કમર જેવી કરવેશીયસ. પણ માણસ જાત,
એની પણ પંચાત કૂટે છે.
ટુ-વ્હીલર પર જતાં હોવ તો વાઈપરની માફક પૂંછડું હલાવતી ગાય કે ભેંસ પાસેથી પસાર
થાવ તો ગોબર-મઢયા પૂંછડાની ઝપટમાં આવો તો શર્ટ બગડી શકે છે. પણ કૂતરાની આસપાસમાં
પસાર થતાં હોવ તો એની પૂંછડીથી તમને કોઈ જોખમ નથી. તોયે માણસ જાત વાતો કરે કે
કૂતરાની પૂંછડી બાર વરસ જમીનમાં દાટી દો તો પણ સીધી ન થાય. પણ વિચારવાનું એ છે કે
આપણે કૂતરાની પૂછડી બાર વરસ જમીનમાં દાટવી શું કામ પડે? અને ધારો કે એકવાર તમે દાટી તો પછી બાર વરસ
કૂતરું શું કરે? ત્યાંનું ત્યાં
ઊભું રહે? એને ખવડાવે કોણ?
આવા અનેક સવાલો ઊભા થાય.
અને સૌથી મોટો સવાલ તો જીવદયાનો છે. બિચારાં કૂતરાની આવી દશા કરાય? મને તો કૂતરા માટે આવું હીણપતભર્યું વિચારનાર
પર એવો ગુસ્સો આવે છે કે એનો એક હાથ પકડીને જમીનમાં દાટી દઉં!
ખુશાલી વ્યક્ત કરવા ભગવાને કૂતરાને પૂંછડી
આપી છે. કૂતરું ભોજન મળવાની આશામાં કે પછી માલિકને જોવા માત્રથી આનંદમાં આવી જઈ
પૂંછડી હલાવી ખુશી વ્યક્ત કરે છે. આમ કૂતરા સ્વભાવે સાલસ અને પારદર્શક સ્વભાવના
હોય છે. એની પૂંછડી હાલતી જોઈને આપણને એનાં મનમાં શું ચાલે છે એ ખબર પડી જાય છે.
કૂતરો જ્યારે ડરી જાય ત્યારે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ભાગે છે. હિન્દીમાં એટલે
જે ‘દુમ દબાકે ભાગના’ જેવા મહાવરા પ્રચલિત થયા છે. પણ આમાં પણ અમને
કૂતરાની પારદર્શકતા જ દેખાય છે. બાકી માણસોને તો ઘણીવાર ખુશાલી વ્યક્ત કરવા ‘શબ્દો નથી મળતાં’, આવામાં જો આપણી પૂંછડી લુપ્ત ન થઈ હોત તો ઘણી
સવલત રહેત.
કૂતરાની વાતથી યાદ આવ્યું કે અમે જ્યારે જ્યારે ફેસબુક પર ઉપરાછાપરી બે ચાર
સ્ટેટ્સ કૂતરાને લગતા મૂકીએ એટલે બધાં તરત પૂછે છે: ‘કેમ અધીરભાઈ કૂતરાની પાછળ પડી ગયા? હમણાં મિત્ર મિતેશભાઇએ પણ આવો જ પ્રશ્ન કર્યો
હતો. પણ અમારો ૬૨ રૂપિયા ભાવવાળો મિલિયન ડોલર સવાલ એ છે કે શું માણસ કૂતરાની પાછળ
પડવા માટે સક્ષમ છે ખરો? અમે તો મોટે ભાગે
કૉર્પોરેશનની કૂતરા પકડવાની ગાડીના સ્ટાફ સિવાય કોઈને કૂતરા પાછળ પડેલા જોયા નથી.
હકીકતમાં સદીઓથી કૂતરા જ માણસોની પાછળ પડતાં આવ્યાં છે અને હવે એ માત્ર માણસો જ
નહીં, વાહનોની પાછળ પણ પડે છે.
પણ વાહનોને કરડ્યા વગર જવા દે છે. જોકે આ
આડવાત થઈ.
જોકે નાના છોકરાઓ કે જેમને કૂતરાની વિકરાળતાનો
અનુભવ નથી તેમને કૂતરાની પૂંછડી ખેંચતા જોવા મળે છે. પણ વાંદરાની પૂંછડી ખેંચતો
કોઈ મરદનો બચ્ચો કે મરદની બચ્ચી હજુ અમારા જોવામાં નથી આવી. ન અમે એવા ફોટા ફેસબુક
ઉપર જોયા. હા, વાંદરા સમાજના
નાના નાના બચુડીયાઓ બુઢીયા પ્રકારના વાંદરાઓની સળી કરતાં જરૂર જોવા મળે છે.
ગાય-ભેંસ સિવાય પૂંછડીનો જો કોઈ સુંદર ઉપયોગ કરતું હોય તો એ આપણા પૂર્વજો
વાંદરા છે. એ તો જાણીતું છે કે વાંદરાને પૂંછડી બેલેન્સ જાળવવામાં મદદ કરે છે. ડાર્વિનના
ઉત્ક્રાંતિવાદના ચક્કરમાં આવીને માણસની પૂંછડી જતી રહી છે. બાકી આપણી પાસે પૂંછડી
હોત તો આ પેટ્રોલના ભાવ વધે એમાં આપણને કોઈ વાંધો ન આવત. એક ઝાડથી બીજા ઝાડ,
અને કમ્પાઉન્ડ વોલો ઠેકતા
ઠેકતા મોજથી ઓફિસ પહોંચી જાત. પણ માણસને પૂછડું હોત તો એ વાંદરો ન કહેવાત?
--
by Adhir Amdavadi
Your comment will be appreciated....
કૉમેન્ટ મા પિકચર અપલૉડ કરી શકાય એવુ ઑપ્શન આપૉ.,વાંદરાની પૂંછડી ખેંચતો મારા છૉકરા નૉ ફૉટૉ મુકવૉ હતૉ.
ReplyDeleteબહુ સરસ લેખ.