| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૮-૦૮-૨૦૧૩ | અધીર અમદાવાદી |
--
--
શનિવારે રાત્રે
સાડા સાત વાગ્યે
કોમ્પ્યુટર શટ-ડાઉન
કર્યાં પછી જ જેને
‘એક અગત્યનું કામ’
યાદ આવે
એવું
ચશ્માધારી,
ગીધ પ્રજાતિનું
પ્રાણી.
--
સો શિયાળ, એકસો દસ ગીધ અને એકસો વીસ વરુ મારીને જો કોઈ
વ્યક્તિને બનાવવામાં આવે તો એ કેવી હોય? મારા, તમારા, આપણા સૌના ‘વ્હાલાં’ બોસ
જેવી હોય. અહિં ‘વ્હાલાં’ શબ્દ અમે દાંત કચકચાવીને લખ્યો છે એમ સમજવું. હા બોસ
પ્રાણી જ એવું છે. બોસ એટલે જે આપણને કરોળિયો ગણીને એકનું એક કામ દસ વાર કરાવે,
અને એને જેવું જોઈતું હોય તેવું કામ મળે ત્યારે જ જંપે તેવું પ્રાણી. બોસ એટલે જેની
બકવાસ ડિક્શનરીમાં ઈમ્પોસિબલ શબ્દ નથી, એવું લોકોના મગજમાં ઠસાવતો હેમ એક્ટર. બોસ
એટલે જેને ‘ના’ શબ્દ સંભળાતો જ નથી, તેવું ધ્યાનબહેરું પ્રાણી. બોસ એટલે જેના બુટ
એનાં ચમચાઓ કાયમ ચકચકિત રાખે છે, એવો ખુશામતપ્રિય શખ્સ. બોસ એટલે જેને ઘર-બાર,
પત્ની-સાસુ, શોપિંગ-બેબી શાવર જેવા કોઈ બંધનો નથી તેવું અસમાજિક પ્રાણી. જવા દોને હજી
કેટલાં વખાણ કરું!
સાચ્ચે. માણસ એ
સામાજિક પ્રાણી છે એવું જે ભણવામાં આવતું હતું, તે કેટલું ખોટું છે તે નોકરી કરો
એટલે તમને ખબર પડે. આ ખોટું ઠરાવવા માટે બોસ જવાબદાર છે. બોસ સાંજે લેપટોપનું શટર
પાડે ત્યારે ઓફિસમાં ખાલી પટાવાળો બચ્યો હોય. ઓફિસનું શટર પાડવા માટે. એ પણ બગાસાં
ખાતો હોય બિચારો. કારણ કે સવારે તો પાછું હાજર થવાનું જ. એ પણ સમયસર. સાંજે રોકાયા
હતાં એટલે સવારે મોડા આવીશું એવું ન ચાલે.
આ બોસ લોકોને ઘેર કોઈ પૂછતું જ નહી હોય? એમની પત્ની એમનો કોલર કે ટાઈ નહી પકડતી હોય? એમની ઘેર ઉલટતપાસ નહી થતી હોય, કે રોજ રોજ આટલા લેટ કેમ આવો છો? એમની પત્નીને સાંજે શોપિંગમાં ક્રેડિટ કાર્ડ સહિત કંપની આપવા નહીં જવું પડતું હોય? એમને ‘આજે મારી બહેન આવવાની છે તો વહેલાં આવજો, અને સાંભળો ..... રસ્તામાં આવતાં ખમણ લેતા આવજો’ એવી ફરમાઈશ કમ હુકમો નહીં છુટતાં હોય? કે આવું બધું ખાલી અમારી સાથે જ થાય છે?
એવું મનાય છે કે બોસ એક આદર્શ ફોલ્ટ ફાઈન્ડીન્ગ મશીન છે. આપણને જે ભૂલો બીલોરી કાચ લઈને ન દેખાય, અથવા તો કમ્પ્યુટર વાપરતા હોવ તો ઝુમ કર્યાં પછી પણ ન દેખાય, એ ભૂલો બોસને વગર ઝુમ કર્યે દેખાય છે. તમે પચાસ પાનાનો ડ્રાફ્ટ લઈને જાવ અને બોસ જો એનું સત્તરમું પાનું અડસટ્ટે ખોલે તો એમાંથી એ ભૂલ શોધી બતાવે. બોસની મેમરી પણ પાછી એટલી શાર્પ હોય કે તમે આજ ભૂલ પહેલાં કેટલી વખત કરી હતી તે કહી બતાવે. ઘણીવાર તો માઈક્રોસોફ્ટ વર્ડ જે સ્પેલિંગ પાસ કરી દે એ બોસ રીજેક્ટ કરી દે. એમ કહીને કે આ વર્ડ અહિં ન વપરાય. વાર્તામાં રાત પડે દાનવોની શક્તિ બમણી થઈ જાય છે એમ જયારે અપ્રેઈઝ્લ અને ઇન્ક્રીમેન્ટનો સમય આવે એટલે બોસની ભૂલો શોધવાની શક્તિ બમણી થઈ જાય. આપણા જેવા અનેકને ઇન્ક્રીમેન્ટમાં દબાવીને કંપનીને લાખોનો ફાયદો કરાવે અને પોતે મસમોટું ઇન્ક્રીમેન્ટ લઈ જાય! આવા બોસ હોય તેવી કંપનીના કર્મચારીઓ દિવસ જતાં આસ્તિક થઈ જાય છે.
આમ છતાં બોસ ધાર્મિક વૃત્તિનો ન હોય તેવું બને. તોયે બોસ વ્યક્તિપૂજામાં જરૂર વિશ્વાસ ધરાવે છે. કારણ કે બોસ સ્ટાફના માણસો પોતાને સન્માન આપે, કાયમ તેની આરતી ઉતારે તેવું ઇચ્છતો હોય છે. પછી ભગવાન જેમ પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે એમ બોસ પણ એમનાં ભક્તોનું ધ્યાન રાખે છે. એટલે જ બોસની કેબિનમાં પ્રવેશતા પહેલાં વાંકા વળી ઉમરાને પગે લાગવાનું અથવા ઉપર ડોર-ક્લોઝરની જગ્યાએ મંદિરનો ઘંટ લટકે છે એમ માની એનાં પર હાથ ઊંચો કરી ટન્ન એવું મનમાં બોલી પ્રવેશ કરવાથી બોસની ક્રિપા જરૂર આવે છે. સહકર્મીઓ જયારે તમને કોઈ કામમાં સહકાર ન આપે ત્યારે બોસનું નામ દેવાથી ભલભલાં કામ થઈ જાય છે.
બોસની બીજી એક
ખાસિયત છે. બોસ અને બગાસું ગમે ત્યારે આવે. બોસ એની અનપ્રેડીકટેબીલીટીને કારણે ભય
ફેલાવે છે. તમે જે દિવસે ઓફિસ મોડા પહોંચો એ દિવસે બોસ વહેલાં આવી ચશ્માં લગાવીને
બેસી ગયા હોય. અને તમે આગલી સાંજે આપેલા પ્રિન્ટ આઉટમાં દોઢસો ભૂલો શોધી રાખી હોય.
પણ તમે કવચિત ચઢેલું કામ પતાવવા કે કોઈ અર્જન્ટ કામ માટે કલાક વહેલાં ગયા હોવ તો
તે દિવસે બોસ મોડા આવે.
બોસ વિષે જાત જાતની માન્યતાઓ પ્રવર્તે છે. એમાંની એક છે ‘બોસ ઇઝ ઓલ્વેઝ રાઈટ’. બોસ કહે તે બ્રહ્મવાક્ય. પણ આમાં વાંક બોસનો નથી, બોસનાં ફોલોઅર્સનો છે. બોસ પોતાના અનુભવને આધારે સાચા પણ હોય અને ખોટા પણ હોય, પણ આપણે એમની જીહજૂરી કરવામાં વિવેકબુદ્ધિ વાપરવી જોઈએ કે નહી? કે બસ વખાણ દીધે રાખવાના? પણ યાર, એવું કહેવાય છે કે ખુશામત તો ખુદાને પણ પ્યારી હોય છે તો બોસ કિસ ખેત કિ મુલી? એ પણ માણસ છે. ઘરમાં કંઈ ઉપજતું ન હોય, મહેનત કરીને માર્કેટમાંથી સારા શાકભાજી લઈને એ ઘેર જાય અને એનાં માથે એજ શાકભાજી ધોવાતાં હોય (હા, વેજીટેરીયન હોય તો માથે માછલા ન ધોવાય બોસ!) એવામાં કોઈ એનાં વખાણ કરે તો બચારો ગળગળો થઈ જાય એ સ્વાભાવિક છે. છેવટે બોસ પણ માણસ છે. નથી?
ઘણી વખત જોયું છે કે બોસ હાથ નીચેના માણસો નો જશ પોતાનો ગણાવે છે, પણ બોસને કશું કહેવાય નહિ,
ReplyDeleteઆપે તો બોસ, બધા મારા વિચારો જ લખી નાંખ્યા? LOL.
સુંદર લેખ અને અવલોકન,
બાપુ રમઝટ બોલાવી દીધી હો ! બોસ વિષે આટલું ચીવટ ભર્યું સંશોધન ભાઈ મજા પડી ગઈ થયું કે બોસ ને પણ કહીએ હે વાંચો પણ પછી ભાન થયું કે વધારે ડહાપણ કરવા માં "હવાદ" નથી એટલે માડી વાર્યું
ReplyDeletehahaha ... yes ... બોસની આગળ અને ખાલી રિક્ષાની પાછળ ચાલવું નહી ...
Deleteadbhut...!! BOSS....
ReplyDelete