Wednesday, August 14, 2013

કેટલીક માન્યતાઓ: બુધવારે બેવડાય


અમદાવાદની નજીક જ એક બીજું બહુ મોટુ શહેર હતુ એનુ નામ છોટાપુર હતુ, એની બગલમાં જ એક બુધવા કરીને એક ગામ હતુ. આ બુધવા એક નદી કિનારે આવેલુ હતું. આ નદીનુ નામ ચિક્કાર નદી હતુ. આ નદી બાર મહિનામાંથી બારેમાસ કોરી જ વહેતી હતી. આ નદીમાં એક ઝુપડપટ્ટી પણ હતી. આ વસ્તીનુ નામ અમીરવાસ હતુ. આ વસ્તીનાં લોકો નાહવા માટે ગામમાં આવેલા સર્વજનિક નળ પર જતા હતા. તો ગામ ના લોકો નદીએ દેશી દારુની ભટ્ટીઓ પર લઠઠો પીવા જતા હતા. આ ગામમાં એક બગીચો પણ હતો, તેનું નામ ઉજ-ડે-ચમન હતુ.

આ બુધવા ગામની દક્ષિણે એક ઉત્તરવા કરી ને બીજું ગામ હતુ. ને બુધવાની સાવ નજીકમાં ઉત્તર દિશામાં એક દક્ષિણકુટ્ટમ કરીને બીજું ગામ હતુ. બુધવાની પુર્વ દિશામાં એક પશ્ચિમપુર કરીને ત્રીજુ ગામ હતુ જ્યારે પશ્ચિમ દિશામાં પુર્વનગર આવેલુ હતુ.

હવે તમને બુધવા ગામની જ્યોગ્રાફી સમજાઇ ગઇ હોય તો આપણે મુળ વાત પર આગળ વધીએ.

બુધવામાં એક બજાર હતુ, જેનુ નામ પેગ-બજાર હતુ. એવું કહેવાય છે કે ત્યાં બુધવારે મોટા સેલ લાગતા હતા. આ સેલમા એવુ કહેવાય છે કે સૌથી સસ્તી અને સૌથી ઘટીયા દારુ મળતી હતી. હવે, તે વખતે હજુ ૨-જી કાંડ, રીલાયંસ પાવર કાંડ, સત્યમ કાંડ, અને તેલગી કાંડ જેવા કાંડ થવાના બાકી હતાં, અને ચૂંટણી પણ હજુ હમણાંજ ગઇ હતી એટલે લોકો પાસે પણ થોડા ઘણા પૈસા હતા. એટલે પ્રજા પોતાના વધારાના પૈસા વાપરવા પેગબજાર આવતી હતી. બુધવારે અહિ એક પેગ પર એક પેગ ફ્રી એવી બારમાસી ઓફર ચાલતી હતી. બુધવારે સવારે બુધવામાં પાણીની તંગી પડતી હતી, અને સાંજે નળ બંધ કરવા કોઇ હોશમાં નહોતુ રહેતુ. ગુરુવારે બુધવામાં હેંગ-ઓવરને લીધે નોકરી-ધન્ધા અને બજારો બંધ રહેતા હતા. આવા કારણોસર સરકારમાન્ય અને પોલીસ ખાતાની  ડાયરીઓમાં નોંધાયેલા બુટલેગરોનો ધંધો ત્યાં બુધવારે ડબલ થતો હતો. આથી પોલીસવાળાઓનો હપ્તો પણ ડબલ થતો હતો. મ્યુનિસિપાલીટી વાળા પાણીની તંગી ને ધ્યાનમા લઇ ખાળકુવા સાફ કરી જતા ટેંકરોને ખાલી કરવા બુધવા મોકલતા હતા, તેથી મ્યુનીસીપાલીટીની આવક પણ ડબલ થઇ જતી હતી. દારુ પીને તુન્ન થયેલા લોકોને પહેલા બધુ ડબલ દેખાતુ અને ક્યારેક સાવ દેખાતુ બંધ પણ થઇ જતુ હતુ. અરે, આ ગામમા એક જાડેજા સાહેબ કરીને કીમિયાગર હતા જે એક ના ડબલ કરી આપતા હતા ! આમ, અહી બધુ ડબલ થતુ હતુ તેથી, બુધવારે બેવડાય એવી માન્યતા (સંજય દત્ત વાળી નહીં યાર) પ્રચલિત થઇ છે ! સાચે જ ! 
--------------
ચેતવણી : ગુસ્સામાં પોતાના વાળ ખેંચવાથી ટાલ પડી શકે છે.
--
કોમેન્ટ આપી ? બહુ આળસુ તમે તો યાર .....

by Adhir Amdavadi

3 comments:

  1. બહુ આળસુ તમે તો યાર

    ReplyDelete
  2. વાળ ખેંચ્યા વગર જ જતા રહ્યા છે, તો હું શું ખેંચું?

    ReplyDelete