| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૭-૦૭-૨૦૧૩ | અધીર અમદાવાદી |
એ ગમે તે ઘડી હોય પણ
એકવાર એક કવિને ક્રેડિટ
કાર્ડ વેચવા માટે ફોન આવ્યો. કવિ પાસે કાર્ડ હતું નહી, એટલે ઉત્સાહભેર વાત કરી. પણ
સામે છેડે કવિ છે એ ખબર પડતાં પેલી છોકરીએ માર્કેટિંગ અને ફોન બેઉ પડતાં મૂક્યા. કવિને
ક્રેડિટ કાર્ડ ન મળ્યું. ક્રેડિટ કાર્ડ માટે ઇન્કમ ટેક્સ રીટર્ન જોઈએ અને ટેક્સ
રીટર્ન માટે ઇન્કમ. પણ આ જ કવિના એક મિત્ર
કે જે નોકરીયાત હતા અને એલટીસી લઈ પ્રવાસ કરવાથી જેમનો મોબાઈલ નંબર વેબસાઈટો ઉપર
ફરતો થઈ ગયો હતો એમને બે ક્રેડિટ કાર્ડ હોવા છતાં અઠવાડિયે એક ઓફર આવતી હતી. બાલાશંકર કંથારિયા જે કહી ગયા છે કે ‘અરે પ્રારબ્ધ તો ઘેલું
રહે છે દૂર માંગે તો, ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે’ એ ક્રેડિટ કાર્ડ
બાબતમાં સાચું જણાય છે!
ક્રેડિટ કાર્ડ વેચવું એ પાપ નથી. માર્કેટિંગવાળાનું તો એ કામ જ છે. પણ એકના એક
માણસને કેમ બધી કંપનીઓવાળા અને એક જ કંપનીવાળા એક જ માણસને વારંવાર કેમ ટાર્ગેટ
કરતાં હશે તે અમારી સમજની બહાર છે. પાછું આ કામ માત્ર છોકરીઓ જ કેમ કરતી હશે એ પણ સવાલ
થાય. અમને અત્યાર સુધીમાં ક્રેડિટ કાર્ડ વેચવાના અગણિત ફોન આવ્યા હશે પણ એમાં કોઈ
દિવસ ભાયડાનો અવાજ નથી સાંભળ્યો. હશે, કદાચ બેનો વધારે વેચી શકતી હશે! ફોન આવે
એમાં શરૂઆતમાં આપણને અનુભવ ન હોય એટલે ‘રૂપાની ઘંટડી જેવો અવાજ છે અને આટલી સરસ
વાત કરે છે, એને ના કઈ રીતે પાડવી?’ એવી મૂંઝવણ થાય. એટલે પછી રૂબરૂ મુલાકાત
ગોઠવાય, જેમાં પેલી રૂપાની ઘંટડી તો આવે જ નહી! એટલે ત્યાં ‘મેરે કુ જરૂરત નહી હૈ,
ક્યા હૈ .. મેરા સબ કામકાજ કેશ મેં હૈ’ કે પછી એ વખતે બીજા જે વિચાર આવે એ બહાના
કાઢી એને વટાડી દેવો પડે.
ક્રેડિટ કાર્ડ માટે ટેલી-માર્કેટિંગ કરનારની કડક ટ્રેનિંગ થતી હશે. જેમાં
પહેલાં તો લોકોને કઈ રીતે બાટલીમાં ઉતારવા એ માટેની બેસિક ટ્રેનિંગ અપાતી હશે. પછી
ફોન પર વાત કરવાની, સામેવાળા પાસે ઓછો સમય હોય તો શું કરવું, કોમન બહાના જેવા કે
‘આજે ટાઈમ નથી’, ‘મારી પાસે એક છે’, ‘મારે જરૂર નથી પડતી’ જેવાનો ઇન્સ્ટન્ટ તોડ કઈ
રીતે કાઢવો એ શિખવાડાતું હશે. માટે જ આવા કોલ આવે તો બહાના અને જવાબ એવા ઇનોવેટીવ
આપવા જોઈએ કે જેથી ફરી ફોન કરતાં પેલી વિચાર કરે અને જવાબ એટલો ઉશ્કેરણીજનક હોવો
જોઈએ કે આપણો નંબર જ બ્લેકલીસ્ટ કરી દે!
જેમ કે ‘બેન હું કોર્ટમાં જ બેઠો છું, જૂની ક્રેડિટ કાર્ડના બિલ માટે કેસ ચાલે
છે તે, એ પતે એટલે તમારી કંપનીનું જ લેવું છે આપડે, તમારો નંબર આપોને હું સામેથી
કોલ કરીશ’. કે પછી ‘પીચ કલરનું કાર્ડ મળશે? મારી વાઈફને એ કલર જ ગમે છે’. કે પછી
‘વોરેન બફેટે ક્રેડિટ કાર્ડ વાપરવાની મનાઈ કરી છે’, અથવા તો ‘પહેલાં રેશન કાર્ડ કઢાવવું
છે, બહુ ધક્કા ખવડાવે છે. તમે એ કઢાવી આપો તો ક્રેડિટ કાર્ડ ચપટીમાં લઈ લઉં’. ને
એમ પણ કહેવાય કે ‘મેડમ, મારી પાસે એક સેકન્ડનું જુજ વપરાયેલું નવા જેવું જ કાર્ડ
છે એ સેકન્ડમાં વેચવાનું છે, તમે વેચી આપોને, આકર્ષક કમિશન આપીશ’. અથવા તો એમ કહી
શકાય કે ‘આંટી મારી પાસે એટલાં કાર્ડ છે કે શ્રાવણમાં અમે એ પત્તાં રમવા વાપરીએ
છીએ, મૂકો ફોન હવે!’. હવે આંટી કહો તો આજકાલ આંટીઓને પણ ખોટું લાગે છે તો પછી સામે
કોઈ વીસ-પચ્ચીસ વરસની હોય તો તો ગાળ જ સમભાવે ને? પણ ત્યાં એની ટ્રેનિંગ કામ આવે
છે. ઊંડા શ્વાસ લઈ પેલી ફોન કાપી નાખે અને બીજાને ત્રાસ આપવા પર ધ્યાન કેન્દ્રિત
કરે.
ટેલી-માર્કેટિંગનું સુત્ર છે કે ‘હેપી પીપલ સેલ’. એટલે જ સામાન્ય રીતે કોલર
ચીઅરફૂલ સાઉન્ડ કરે છે. ‘હેલ્લો ગુડ મોર્નિંગ ...’ કરીને રેડિયો જોકીની જેમ ફોન પર
વાતની શરૂઆત કરે. પણ સામેવાળો એ વખતે હેપી હોય એ જરૂરી છે. ઘેર સરખો બ્રેકફાસ્ટ ન
મળ્યો હોય કે બોસે ઠમઠોર્યો હોય એવા એમ્પ્લોયીને ફોન કરો તો શક્ય છે કે સામે છણકો
સાંભળવા મળે. બાકી અમે તો આવા ચીઅરફૂલ સાઉલ સામે મળી જાય તો સામે એકીશ્વાસે શરું જ
થઈ જઈએ કે ‘અરે સુપર ગુડ મોર્નિંગ, જુઓને અહિં કોયલ ટહુકા કરે છે, ઝાકળ સિંચાઈને
ફૂલ અતિ ખુબસુરત બની ગયા છે. મંદ મંદ પવનની લહેરકી નૈઋત્ય દિશામાંથી આવી રહી છે. બફારા
વચ્ચે વરસાદ જાહેરાતો વચ્ચે રેડિયો પર વાગતાં જુનાં ગીતની જેમ મનને આનંદ આપે છે.
ઘેર કામવાળો સમયસર આવ્યો હતો એટલે આજે ઘરકામ પણ મારે કરવું નથી પડ્યું એટલે હું પણ
પ્રફુલ્લિત છું, બોલ બાલિકે, હું તારી શી સેવા કરી શકું?’ ને આવું સાંભળીને બાલિકે
ફોન હળવેકથી મૂકી દેશે એ અમારી ગેરંટી!
આવા ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ન કરીએ તો પહેલાં તો ૪૦૦-૫૦૦ રૂપિયા દંડ લાગે,
પછી વ્યાજ પણ લાગે. આ દંડ કંપનીઓને બહુ મીઠો લાગે. શરૂઆતમાં કોયલ જેવા અવાજે ફોન
પર ‘સર તમારું બિલ બાકી છે, ક્યારે ભરશો?’ એવું યાદ દેવડાવે. પણ પછી બીજાં ત્રીજા
મહિને પેમેન્ટ ન કરીએ ત્યાર પછી ફોન પર કોયલને બદલે કાગડાનો અવાજ સંભળાવા લાગે.
કદીક એ બોડી-બિલ્ડર કાગડો હાથમાં કડું ફેરવતો રૂબરૂ પણ થઈ જાય. ત્યારે આપણને થાય
કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ થકી થતાં પ્રેમ અને લગ્નની જેમ અહિં કાર્ડ વેચતી વખતે
આપણામાં જે અતુટ વિશ્વાસ મૂક્યો હતો તે એક દસ હજારના પેમેન્ટ મોડું થવામાં ક્યાં
અદ્રશ્ય થઈ ગયો?
http://www.youtube.com/watch?v=LQJm1dTl2UM
ReplyDeleteaajmaish thayi ane fal swarup sukun pan malyu...! ;)
ReplyDelete