Tuesday, July 02, 2013

ફિક્સિંગ અત્ર તત્ર સર્વત્ર



| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૩-૦૬-૨૦૧૩ | અધીર અમદાવાદી |

બેન્કમાં ડિપોઝીટ ફિક્સ હોય છે. લોજમાં ભાણું ફિક્સ હોય છે. ઈન્ટરનેટમાં ડેટા પ્લાન ફિક્સ હોય છે. બેન્કમાં ડીપોઝીટો ફિક્સ હોય છે. દસ રૂપિયાની રીચાર્જ કૂપનમાં ટોક ટાઈમ ફિક્સ હોય છે. લોકસભા અને વિધાનસભાની મુદત ફિક્સ હોય છે. અમુક વિદ્યાર્થીઓમાં કઈ લાઈનમાં જવું એ પહેલેથી ફિક્સ હોય છે. આ વિદ્યાર્થીઓને ભણાવનાર વિદ્યાસહાયકોનો પગાર ફિક્સ હોય છે. ઓછી લાયકાત ધરાવનાર શિક્ષકોને કારણે પેદા થનાર આવતી પેઢીનું ભાવિ અંધકારમય છે, એ પણ ફિક્સ છે. સાસુ ઘરમાં રહેવા આવે પછી જમાઈની પોઝીશન ફિક્સ હોય છે. અરે દસ રૂપિયામાં કેટલી પાણીપુરી મળશે એ પણ ફિક્સ હોય છે. પણ ક્રિકેટમાં મેચ ફિક્સ થાય તો હોબાળો મચી જાય, આ તે કંઈ રીત છે?


બેટિંગ માણસના સ્વભાવમાં જન્મજાત છે. સટ્ટાની શરૂઆત અનુમાનથી થાય છે. ‘આજે વરસાદ પડશે કે નહી પડે?’, ‘બોર્ડનું રીઝલ્ટ ક્યારે આવશે?’, ‘આ વખતે એડમિશન કેટલાએ અટકશે?’, ‘લાલો પાસ થશે કે નહી?’, ‘ટ્રેઈન સમયસર આવશે કે નહી?’, ‘‘બાબો આવશે કે બેબી આવશે?’ કામવાળો સમયસર આવશે?’, ‘કેટલા કરોડનું કૌભાંડ હશે?’, ‘સલમાન લગ્ન કરશે કે નહી?’, ‘વિદ્યા પ્રેગ્નન્ટ છે કે નહી?’, આવા અનેક વૈવિધ્યસભર વિષયો પર અનુમાન કરવાની આપણને પહેલેથી જ ટેવ છે. આ અનુમાનની ટેવ આગળ જતાં સટ્ટા તરફ દોરે છે. સટ્ટો ફિક્સિંગ તરફ લઈ જાય છે. અને આ બધું અંતે બરબાદી તરફ!

લગ્નને પણ ઘણા બરબાદીની શરૂઆત ગણે છે. આમાં લાકડાને માંકડું અને માંકડાને લાકડું વળગાડવાનો રીવાજ માંકડામાંથી માણસની બન્યા જેટલો જૂનો છે. લગ્ન બાબતમાં ફિક્સિંગ કંઈ નવું નથી, ખાલી ફિક્સિંગના પ્રકાર બદલાયા કરે છે. પહેલાના વખતમાં જયારે મન મળે કે ન મળે કુંડળી મળવી આવશ્યક હતી ત્યારે જાણકાર લોકો કુંડળીમાં ગ્રહોની ફેરબદલ કરી દેતાં હતાં. નીચનો મંગળ ઉચ્ચનો બની જતો, પછી લગ્ન થઈ જતાં, અને મંગળ કશું અમંગળ કામ કરે તો એમાં કુંડળી જોનારનો દોષ ભાગ્યે જ કોઈ જોતું. એ પછીનો વખત લવ કમ એરેન્જડ મેરેજનો જમાનો આવ્યો જેમાં છોકરી કે છોકરો પોતાની મોટી બહેન ને બનેવીને ફોડી ધીમેધીમે લવમેરેજને એરેન્જડ મેરેજમાં ફેરવતા થયા. હવે મેરેજમાં ગોર મહારાજ સાથે ફિક્સિંગ કરી વિધિ જલ્દી અને ઓછો ધુમાડો ખાવો પડે એવી કરવામાં આવે છે. ફેરો ફર્યા બાદ વર કે કન્યા કોણ પહેલાં બેસી જશે એ ઘણાં માટે કુતૂહલનો વિષય હોય છે. આમાં પાછું સુપર ફિક્સિંગ હોય છે. છોકરો કે છોકરી જાણી જોઈને સામી પાર્ટીને જીતાડતી હોય છે. હા ભાઈ, તું પહેલો બસ! મતલબ કે ભાઈ નહી હબી!

પણ સવાલ એ થાય કે શું સટ્ટો રમતા લોકોને રોકી શકાય એમ છે? સટ્ટાની શરૂઆત સ્કૂલથી થાય છે. ટીચર એક કલાકમાં કેટલી વખત ‘ઓકે’ બોલશે એનાં પર શરતો લાગતી હોય છે. વરસાદ આવશે કે નહી એનાં પર સટ્ટો રમાય છે. રાજકોટમાં લક્ષ્મણના કોમનમેનના શર્ટમાં કેટલાં સ્ક્વેર આવશે એનાં પર સટ્ટો રમાતો હતો તેવું વાંચ્યાનું અમને યાદ છે. શિક્ષકો ને પ્રોફેસરોમાં દિવસના કેટલા પેપર ચેક થશે એ બાબતે શરતો લાગતી હોય છે. આમાં કોઈ અજાણ્યો હોય એ તો બની જ જાય!

અમારું દ્રઢપણે એમ માનવું છે કે ફિક્સિંગ ન હોય એ બિલકુલ ઈચ્છવાયોગ્ય નથી. ઇન ફેક્ટ, કોઈ વસ્તુ કે પરિસ્થિતિ ફિક્સ ન હોય ત્યારે (અસમંજસ સ્થિતિ) સમસ્યાઓ સર્જે છે. જેમ કે, કેન્દ્રમાં ગઠબંધન ફિક્સ નથી, એમાં કેટલા અડુકિયા દડુકિયા લાભ લે છે? વિધાનસભામાં માઈકો અને ખુરશીઓ ફિક્સ નથી હોતાં તે કેવા ઉછાળી ઉછાળીને ફેંકે છે? મલ્લિકા શેરાવતની ઉમર ફિક્સ નથી, હવામાન ખાતાની આગાહીઓ ફિક્સ નથી, માયાવતી અને મુલાયમ કઈ બાજુ ઢળશે એ ફિક્સ નથી. એટલે જ જે બાબતો ફિક્સ નથી એની ઉપર પર સટ્ટો રમી શકાતો નથી. આ યુવાધન અને બેકાર લોકો સટ્ટો રમી ટાઈમ પાસ કરે છે તે નવરા હોત તો વધુ નખ્ખોદ ન વાળત?

સટ્ટો રમનારા અંધશ્રદ્ધાળુ હોય છે. જીતવાની શક્યતાઓ જયારે ગણિત પર આધારિત હોય ત્યાં સટ્ટેશો કુદરતના સંકેત પર સટ્ટો લગાડે. રસ્તામાં સામે બાવન નંબરની બસ મળે તો બાવન નંબર ગોડ સેન્ટ છે એમ સમજી એ નંબર પર દાવ લગાડે છે. જો રસ્તામાં કોઈ લાંબા વાળવાળી છોકરી સામે મળે તો એ ઇશાંત શર્મા પર અને લઘરવઘર ભિખારી મળે તો મલિંગા વિકેટ લેશે એવી બેટ લગાડે છે! 

યુદ્ધ પ્રારંભ થયાનો સંકેત મહાભારત યુગમાં શંખ વગાડીને કે ધનુષ્ય ટંકાર કરીને અપાતો હતો. એટલું જ નહી દરેક યોદ્ધાના પોતાના ખાસ શંખ રહેતા જેના અવાજથી યોદ્ધાની ઓળખ થતી. શ્રીકૃષ્ણનો પાંચજન્ય, અર્જુનનો દેવદત્ત, ભીમનો પૌંડ્ર, યુધિષ્ઠિરનો અનંતવિજય, નકુળનો સુઘોષ અને સહદેવ પાસે મણિપુષ્પક નામનો શંખ હતો. એ મહાન પરંપરાને આગળ ધપાવતા ક્રિકેટરો જો પીચ વિષે કે મેચ વિષે કોઈ રીતે અંગુલી નિર્દેશ કરે તો આજના સમયમાં એને અધર્મ કે અપરાધ ગણવામાં આવે છે! વિકેટ કીપર કમ કેપ્ટન બોલરને કેવો બોલ નાખવો એ વિષે સાંકેતિક ભાષામાં કહી શકે પણ બોલર એનાં ઇન્વેસ્ટરોને ઈશારો ન કરી શકે એ ક્યાંનો ન્યાય? સ્વયમ ભગવાને ગીતામાં કહ્યું છે કે, આ પૃથ્વી પર બધું જ પહેલેથી નિયત (અર્થાત ફિક્સ) છે. સૌ ભાવિકજન પણ એવું માને છે કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી. તો આ બધા ફિક્સિંગ પણ ઈશ્વર ઇચ્છાથી જ થતાં હશે ને? રામ જાણે !

1 comment:

  1. આના ઉપરથી તો એવું લાગે છે કે મેચ ફિક્સ કરવાનું પણ ભગવાને પહેલેથી ફિક્સ કરેલું છે, તો માથાકૂટ શાને?

    ReplyDelete