Tuesday, June 04, 2013

જમાઈ કુજમાઈ થાય પણ સસરા કુસસરા ન થાય

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૨-૦૬-૨૦૧૩ | અધીર અમદાવાદી |

આમ તો જમાઈઓને બદનામ કરવા એમને દશમા ગ્રહની ઉપમા અપાય છે. પણ અત્યારે જમાઈઓની કુંડળીમાં કોઈ ગ્રહ વક્રી હોય એવું લાગે છે. રોબર્ટ કુમાર પછી કોઈએ મોટા માથાઓના જમાઈઓનો એક પછી એક વારો કાઢ્યો હોય એવું લાગે છે. જોકે મોટા માથાના જમાઈઓને છેવટે ક્લીન ચીટ આપવાનો ભારતમાં રીવાજ છે. શોર્ટ ટર્મમાં બદનામી જરૂર મળે છે પણ અંતે તો ઘીના ઠામમાં ઘી, સ્વીસબેંકમાં ડોલર અને લોકરોમાં ગોલ્ડ પડ્યું રહે છે!

આમેય કૌભાંડ કે કાંડમાં સંડોવાય એ વ્યક્તિ પરણિત હોય તો એ કોઈની જમાઈ તો હોવાની જ. આ સૃષ્ટિનો અફર નિયમ છે. એ રીતે જોઈએ તો દરેક જમાઈ સસરાને નામોશી અપાવી શકે છે. અને આમેય જમાઈની મથરાવટી મેલી છે. પણ આ મય્પ્પનની ધરપકડથી શ્રીનિવાસનને રાજીનામું આપવાનું કહેવામાં આવે એ ‘બહોત નાઈન્સાફી હૈ’. હજુ તો મુરબ્બી શ્રીનિવાસને ઘણા કાવાદાવા કરવાના બાકી છે. અને જમાઈ કુજમાઈ થાય એટલે સસરાને કુસસરા કેહવા એ ક્યાંનો ન્યાય છે? છોકરો ‘સ્ટ્રેઈટ’ નથી, તેથી બાપ એવા બેટા નાતે કોઈ શ્રીનિવાસને વાંકો કહી શકે, પણ જમાઈ એવા સસરા એવું હોવું જરૂરી થોડું છે? છતાં ઘણાં લોકો એવું માને છે કે બીસીસીઆઈ નામનાં સાસરામાં માય્પ્પ્નને સસરા પીરસનાર હોય તો લાભ જરૂર થાય.

આપણને વાતવાતમાં જ્યાં જોવાનું કહેવામાં આવે છે એવા અમેરિકામાં વોટરગેટ અને મોનિકા કાંડ ભલે થાય પણ ત્યાં કદી સન-ઇન-લો કાંડ નથી થયા. કારણ કે અમેરિકા જેવા દેશમાં જ્યાં લોકો મા-બાપમાં જ ખાસ માનતા નથી ત્યાં જમાઈ થકી સસરા સુધી રેલો ક્યાંથી આવે? પછી અમેરિકામાં કરપ્શન કે સગાવાદ નથી એવી ચર્ચાઓ બૌદ્ધિકો કરે, એમાં અમેરિકા દેશની પોતાની કોઈ ખૂબી છતી નથી થતી. આ તો ત્યાંની સંસ્કૃતિ જ એવી છે. આપણે ત્યાં તો ‘આમ તો અમારે એ દુરનો ભાઈ થાય, પણ સગ્ગા ભાઈ કરતાં વધારે’ એવી વાત કરવામાં ગર્વ લેવામાં આવે છે. એટલે જ જો આપણે ત્યાં કોઈ નેતા કે વગદાર માણસના પુત્ર, પુત્રી, જમાઈ, ભત્રીજા કે ભાણિયા થકી કરપ્શન કરવામાં આવે તો એ આપણી સંસ્કૃતિની દેન છે એમ માની નજરઅંદાજ કરવું જોઈએ. એમાં જમાઈનું તો ખાસ. કારણ કે જમાઈને આપણે ત્યાં હજુ પણ ભગવાનની જેમ પૂજવામાં આવે છે. લગ્નમાં હજુ પણ સાસુ-સસરા જમાઈના પગ ધૂવે છે.

પહેલાના જમાનામાં જમાઈઓના નખરાં પણ ભારે રહેતા. એમની સરભરા થતી નહિ, કરવી પડતી હતી. જમાઈ જાતે પાણી પણ ન પીવે. કોઈએ આપવું પડે. જમાઈને કાચના કપ-રકાબીમાં ચા આપવી એ અપમાન ગણાતું, એમને સ્ટીલના કપ-રકાબીમાં ચા અપાતી, ભલે પછી પેલો દાઝી મરે! અને જમાઈ આવવાના છે એવા સમાચાર આવે એટલે કાચાપોચા હ્રદયની સાસુઓ ફફડી ઉઠતી. મજબુત હ્રદયનીઓ ફફડી ન ઊઠે તો બીજાને ફફડાવીને પણ જમાઈની યથાયોગ્ય ખાતિરદારી તો કરતી જ. જમાઈ સાસરે આવે તો એની સારસંભાળ હજુ પણ લેવાય છે. પહેલાના વખતમાં જમાઈને જમવા બેસાડે તો સામે બાજઠ પર થાળી મુકાતી. ઘરની મુખ્ય સ્ત્રી એને બધું પીરસાય એ જોવાં ખડે પગે હાજર રહેતી. હવે તો બહારથી પિઝા અને આઈસ્ક્રીમ મંગાવી ખવડાવવામાં આવે છે. કારણ કે ઘરનું ખાવાનું ખાય એવા જમાઈ આજકાલ સર્ચલાઇટ લઈને શોધો તો પણ જડે નહિ. ને છોકરીઓ પણ એટલી આગળ નીકળી ગઈ છે. એ પતિને પોપટ જેવો બનાવી શકે છે. ને બજારના પીઝામાં કયો જમાઈ વાંધો કાઢવાનો છે? એટલે જ આજકાલ જમાઈ દીકરા સમાન થતાં જણાય છે.

આ જમાઈઓ માટે સાસરાપક્ષ લાંબો થાય એ કંઈ આજકાલનું નથી. છેક મહાભારતમાં ધ્રુપદની સેના અર્જુન અને પાંડવો તરફે ઊભી જ હતી. ટીએડીએ ક્લેઈમ કર્યા વગર ૧૮ દિવસ લડાઈ પણ લડી હતી. ગાંધારોએ ધુતરાષ્ટ્ર પુત્ર દુર્યોધનનાં કલ્યાણ અર્થે શકુનિને હસ્તિનાપુરમાં પરમેનન્ટ ઇન્સ્ટોલ કરેલો હતો. તો કંસ માટે જરાસંઘ ખાલી દોસ્તી ભાવે થોડો ઘસાતો હતો? જરાસંઘની દીકરીઓ અસ્તિ અને પ્રાપ્તિ કંસને પરણાવી હતી. એટલે જ તો મહાસમર્થ શ્રીકૃષ્ણ સાથે વેર જમાઈ કંસની સદભાવના મેળવવા જ તો જરાસંઘે ઉભું કર્યું હતું. અને યુગપુરુષ કૃષ્ણ પણ અર્જુન નામનાં બનેવીના સારથી બનેલા એ ક્યાં કોઈને યાદ કરાવવું પડે એવું છે?

મહાભારતમાં જ મહાયોદ્ધા અભિમન્યુને મારનાર જયદ્રથ ધુતરાષ્ટ્રનો જમાઈ હતો. આપણે ભલે એને આદર્શ ન માનીએ પણ સસરા અને સાળા માટે એણે જાન આપ્યો હતો. ખુદ કૃષ્ણે એને મારવા સૂર્યાસ્તનું નાટક કરવું પડ્યું હતું. આજકાલ તો એવા જમાઈઓ પણ ક્યાં પાકે છે? કોઈને એવો પણ પ્રશ્ન થાય કે શું આદર્શ જમાઈઓ હવે નહિ પાકતા હોય? કદાચ પાકતા હશે. પણ એવા જમાઈ પેદા કરવા માટે આદર્શ સસરો જોઈએને? ભગવાન રામને આદર્શ ગણવામાં આવે છે. પણ રામને જમાઈ તરીકે સિલેક્ટ કરવા માટે શ્વસુર જનકે આકરી પરીક્ષા રાખી હતી, જેમાં ખુદ રાવણ ફેઈલ થયો હતો. આજકાલ આવી પરીક્ષાઓ ક્યાં થાય છે કે રામ જેવા જમાઈ મળે? એટલે જ આપણે જેવા મળે તેવા જમાઈઓથી કામ ચલાવી લેવું પડે છે.

આ બધા વચ્ચે જમાઈઓમાં સુપર જમાઈ જો કોઈ હોય તો એ છે અક્ષય કુમાર. ગુજરાતીઓમાં જમાઈને માન આપવા નામ પાછળ ચન્દ્ર, કાન્ત, રાય, કે કુમાર લગાડવાની એક જમાનામાં ફેશન હતી. અક્ષય પંજાબી છે પણ એનાં નામ પાછળ જમાઈ બન્યા પહેલેથી જ કુમાર લાગેલું છે. સૌને ખબર છે કે એ ગુજરાતણ ડિમ્પલબેન અને રાજેશ ખન્નાનો જમાઈ છે. એણે એનાં સસરા કાકા માટે જે કર્યું એનાંથી કદાચ કાકાનો અંત ચોક્કસ સુધર્યો. જમાઈ હો તો ઐસા! 

1 comment:

  1. વાહ ભાઈ વાહ, જમાઈ ની વાતો ખુબ જમાવી, પણ એક વાત છે કે તમે કહો છો કે હવે પહેલાના જેવા જમાઈ નથી રહ્યા, તે ખોટું છે, હવ પહેલાના જેવા સસરા ક્યાં છે? જમાઈની સાચી કે ખોટી વાત પર અક્ષોહિણી સેના મોકલી આપનારા સસરા જુના કાળ માં થઇ ગયા, આજે તો જીવોને આ શ્રીનિવાસન સાહેબ કહે છે કે જે કર્યું તે જમાઈ એ કર્યું, મારો કોઈ દોષ નથી, શું આ સારું લાગે છે? રોબર્ટભીની વાત જુદી છે એમને તો સાસુ છે અને સાસુજી એ એમનો વાળ વાંકો થવા દીધો નથી,ક્કાહેનારે સાચું જ કહ્યું છે, કે " જમાઈ તો દરેક થઇ ગયા પણ મહાભારત કાળ માં હતા એવા સસરા પેદા થયા નથી".......

    ReplyDelete