| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૩-૦૬-૨૦૧૩ | અધીર અમદાવાદી |
ચોમાસામાં સરકારી સહાયની જેમ વરસાદ એકાદ ઝાપટું નાખી જતો
રહે એટલે પાછળ મુસીબતો શરું થાય. શરૂઆત ગંદકીથી થાય. શહેરના રસ્તા ઉપર ખાડા પડે.
કપડાં પર કાદવ કીચડ ઉડે અને ડ્રાય ક્લીન કરાવવા પડે. રાત્રે ઘરમાં પાંખોવાળા
જીવડાં ઘૂસી આવે. પણ ખરી મુસીબત તો આ એક ઝાપટા પછી વરસાદ ચાલ્યો જાય એટલે શરુ થાય.
ઠંડક ઓસરતી જાય અને બફારો પ્રસરતો જાય. સૂરજની અવરજવર ચાલુ હોય એટલે પરસેવો થાય.
નાના હતાં ત્યારે રાક્ષસની વાર્તા વાંચવાની મઝા આવતી હતી. મઝા
એટલે આવતી કે વાર્તામાં છેલ્લે રાક્ષસ મરી જતો. મોટા થયા પછી હવે રાક્ષસોના સમાચાર
વાંચીએ છીએ. એમનાં કાળા કૃત્યો અને કૌભાંડો વિષે વાંચીએ છીએ. પણ વાસ્તવિકતામાં
રાક્ષસ વાર્તાની જેમ પોપટની ડોક મરડવા જેટલી આસાનીથી મરતા નથી. જોકે આ તો આડવાત
થઈ. મૂળ વાત એ છે કે રાક્ષસની વાર્તામાં રાક્ષસ ‘માણસ ગંધાય માણસ ખાઉં’ આ ડાયલોગ છૂટથી
મારતા. આ ડાયલોગમાં પરસેવાથી ગંધાતા માણસોથી ત્રાસેલો રાક્ષસ એમને ખાઈ જવાની વાત
કરતો હશે એવું અમને નાના હતાં ત્યારે લાગતું હતું. એટલે જ અમે બરોબર સાબુ ચોળીને
ન્હાતા પણ હતાં!
પણ આ ત્રાસજનક પરસેવાના કેટલાંક લોકો માર્કેટિંગ કરી ગયા
છે. કોઈકે ખરું નથી જ કહ્યું કે ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય’. અમને નથી
લાગતું આજકાલની સિધ્ધિઓ લારીઓ ખેંચી કે સાયકલ ચલાવી પરસેવો પાડતાં હોય એમને જઈને પરણતી
હોય! આજકાલ સિદ્ધિ-છોકરી હોય કે સિદ્ધિ-અચીવમેન્ટ એને પરસેવા સાથે નહાવા નિચોવાનો
સંબંધ નથી રહ્યો. હવે તો સેટિંગ કરો અને કરોડો કમાવ. ફિક્સિંગ કરો અને કરોડો કમાવ.
કોઈના ગેરકાયદેસર ધંધાને કાયદેસર કરી આપો, કરોડો કમાવ. નેતા બનો, કરોડો કમાવ.
સરકારી નોકરી કરો કરોડો કમાવ. આમાં પરસેવો પાડવાની જરૂર જ નથી. બધું સેવન સ્ટાર
હોટલમાં ગોઠવાય. કાર એસી હોય. એસી ઘર, એસી જીમ, એસી ઓફિસ, એસી બાથરૂમ, એસી પૂજારૂમ,
અરે સરકારી સેવાકેન્દ્રો પણ એસી હોય છે ત્યાં સિદ્ધિ પરસેવા ભીનાં કંથને શોધે
ક્યાંથી ?
કેટલાક નવરા વૈજ્ઞાનિકોએ હવે પરસેવો બહાર ફેંકી દેતાં
વસ્ત્રોનું નિર્માણ કર્યું છે. એમનો દાવો છે કે આ વસ્ત્રો ચામડીની જેમ પરસેવો બહાર
ફેંકી દેશે. એટલે હવે ફૂટબોલ કે ક્રિકેટની મેચ પછી ટી-શર્ટ નીચોવતા ખેલાડીઓ નહીં જોવા
મળે. હાસ્તો, આવા વસ્ત્રો મજૂરી કરનારને પોસાય એવું જણાતું નથી. ક્રિકેટર્સ,
ફૂટબોલ પ્લેયર્સ અને એથલેટ્સને પોસાય કદાચ. આ શોધનાર વૈજ્ઞાનિકો મેડ ઇન ચાઈના હોઈ
તેઓ પોતે બીજાનાં પરસેવાની ગંધથી ત્રાસી અને આ શોધ કરવાં પ્રેરાયા હશે તેવી ધારણા
અમે કરી છે.
આ પરસેવાની વાસનો ઉપાય છે ડીઓડરન્ટ. ઘરમાંથી બહાર નીકળીએ
ત્યારે ચંપલ-બુટ પહેરીએ એટલું સહજ અમેરિકામાં યુવાનોમાં ડીઓ છાંટવાનું છે. પણ આપણે
ત્યાં પચાસ રૂપિયાના ડીઓનો ખર્ચો પાડવાને બદલે યુથ પાન-મસાલા ખાય છે. એટલે
પરસેવાની ગંધ ઉપરાંત તમાકુની ગંધ આવે. આવો
એક માવા-બાજ સ્ટૂલ પર ચઢીને લાઈટનો બલ્બ બદલતો
હતો ત્યાં એકાએક નીચે પટકાયો અને બેભાન થઇ ગયો. લોકો ભેગા થઇ ગયા. કોઈ એ પાણી છાંટ્યું, કોઈએ
ડુંગળી સુંઘાડી, કોઈ એ હવા નાખી. છેવટે એ ભાનમાં આવ્યો એટલે લોકો એ
પૂછ્યું કે "શું થયું હતું?" તો પેલો કહે "કંઈ નથી થયું.... બાંય પર મોઢું લૂછતાં બગલ સુંઘાઈ ગઈ!" અમને લાગે છે તોફાનીઓને વિખેરવા ટીયર ગેસ છોડવાને બદલે પોલીસ ખાતામાં આવી
પાંચ-દસ ખતનાક બગલો ભરતી કરી હોય તો
આખું ગામ ખાલી કરાવવું હોય તો પણ વાંધો ન આવે!
જાહેરાત કંપનીઓ તો ડીઓ છાંટવાથી છોકરીઓ ભાવ આપે કે પાછળ પડે
એવા થીમની જાહેરાતો કરે છે. એમાં ભારતીય સ્ત્રીઓની જે ઉચ્ચ છબી હતી એ તો ખરાબ થાય
જ છે ને બિચારા છોકરાં, પચાસ સો રૂપિયાનું ડબલ ફૂસ ફૂસ લગાડીને ફરે અને તોયે સાંજ
સુધી માત્ર લેણદારો, ભિખારીઓ અને શેરીના કૂતરા જ પાછળ પડે ત્યારે હતાશ થઈ જાય છે. આમેય
મરેલા ઉંદર પર અત્તર છાંટો તો કેવી ગંધ આવે? આવી ગંધ નહાયા વગર, ધોયા વગરના કપડાં પહેરી
ડીઓ છાંટનારમાંથી આવે છે.
પરસેવાથી બચવા જેને એસી નથી પોસાતું એવા મધ્યમ વર્ગમાં અને
એમાંય ખાસ કરીને પુરુષ વર્ગમાં ગંજી પહેરવાનો રીવાજ છે. ગંજીમાં કુલ ચાર મોટા કાણા
પહેલેથી આપલા હોય છે. એક ગળા, બે હાથ માટે અને એક કાણું નીચેની તરફ હવા ઉજાસ માટે.
પછી કપડાં સૂકવતા અને ગંજીના અતિશય ઉપયોગથી એમાં વધારાના કાણા પડે છે. જે ઠંડકમાં
વધારો કરે. પાછું ગંજી હોય કોટન જ. કદી નાયલોન, જીન્સ કે પેરેશુટ મટીરીયલના ગંજી ન
આવે. કોટન ગંજીની ખૂબી એ કે એ પરસેવો શોષી લે. પછી પરસેવાગ્રસ્ત માનવ ઠંડી હવા
ખાવા લલચાય છે. એ બાલ્કની કે પેસેજમાં આંટા મારી પરસેવો સૂકવે એટલે ગંજી ડ્રાય
પરસેવામય બને. આ માનવ ઘરમાં પાછો ફરે કે ઉપર શર્ટ ચઢાવી અડોસ પડોસમાં જાય તો
ખુશ્બુ ગંજી કિ ફેલાવતો ફરે છે. જોકે બફારામાં જ્યાં સૌ કોઈ ગંધાતું હોય, અને એમાં
જે મુંબઈની લોકલ ટ્રેનમાં ફરેલું હોય તેને આવી ખુશ્બુ ખાસ વિચલિત કરી શકતી નથી.
આમ તો બીકથી પણ પરસેવો છૂટે. પરીક્ષા આપતાં ઘણાને પરસેવો
છૂટે. સીબીઆઈ કે પોલીસ તપાસ આવે એટલે પરસેવો છૂટે. છોકરાને છોકરીને પ્રપોઝ કરતાં
હથેળીમાં પરસેવો વળી જાય છે. જમવાનું તીખું બન્યું હોય તો પપ્પા નેપકીન વડે ટાલ
લૂછતાં લૂછતાં જમતા એ તો અમને પાકું યાદ છે. જોકે ગુજરાતીઓ કંઈ પરસેવાને ગાંઠે એવા
નથી. ગુજરાતીઓનું ચાલે તો એ પરસેવામાંથી મીઠું પકવે !
આ બધું વાંચતા પણ પરસેવો વળી ગયો, અને .... સુકાઈ પણ ગયો, હવે વાતાવરણ સુ ગંધિત થયું કે કહેવું શું?
ReplyDeleteExcellent write up, Adhirbhai, Javaab nahi.