| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૯-૦૬-૨૦૧૩ | અધીર અમદાવાદી |
દ્રશ્ય-૧ : એણે એની
પહેલી આંગળી બાયોમેટ્રિક સ્કેનર પર મૂકી અને લીફ્ટનો દરવાજો ખુલી ગયો. એણે કાર
લીફ્ટમાં લીધી. લીફ્ટ બાવીસમાં માળે આવેલા એનાં એપાર્ટમેન્ટ પહોંચી ઊભી રહી ગઈ.
દરવાજો ખુલ્યો એટલે કાર એણે એનાં પર્સનલ પાર્કિંગમાં મૂકી. ફરી એનાં ફ્લેટના
દરવાજા પર સેકન્ડ લેવલ સિક્યોરીટી માટે ફિંગર સ્કેન કરી. ક્લિક અવાજ સાથે
એપાર્ટમેન્ટનો દરવાજો ખુલ્યો. અંદર એસી પહેલેથી જ ચાલુ થઈ ગયું હતું. એને ગમતી
વાઈલ્ડ લૈલેકની મંદ ખુશ્બુ એ બાથરૂમમાં ગઈ ત્યાં સુધી આવતી હતી. સેન્ટ્રલ
એરકન્ડીશન્ડ ફલેટનો આ ફાયદો. એનાં પ્રવેશથી લાઈટ થોડીક બ્રાઈટ થઈ. નળ નીચે હાથ ધરી
એણે ફીણનુમા પાણીને ફીલ કર્યું. કપડાં ઉતારી એ શાવર લેવા લાગી. આખો દિવસનો
કોર્પોરેટી થાક ઉતારવા શાવર પેનલમાં ૩૯ ડીગ્રી પર સેટ કરેલા વોર્મ પાણીનાં બે ઈંચ
જાડા ધાધુડાથી એણે પીઠ પર મસાજ કર્યો. પાણી ગરમ ઠંડાની ઓલ્ટરનેટ શાવર સાઈકલ હવે
એને રીલેક્સ કરી ચૂકી હતી. શરીર લૂછી એન્ટીસ્કીડ ફલોરીંગ પર એ પગ જમાવતી બહાર
ચેન્જ એરિયામાં આવી વોર્ડરોબ ખોલ્યું. મિરરમાં એને એક ફ્રેશ છોકરી દેખાઈ. એણે એક
ફ્લોરલ વનપીસ સિલેક્ટ કર્યો. ફ્રેશ થઈ એ લાઉન્જમાં આવી.
આગળ વર્ણન કર્યું એ
દ્રશ્યની વાસ્તવિકતા કંઇક આવી હતી.
દ્રશ્ય-૨ : એપાર્ટમેન્ટનાં
ગેટમાં પ્રવેશી તો સામે છોકરાઓ ક્રિકેટ રમતાં હતાં. એમને બચાવતી એ પાર્કિંગ શોધવા
લાગી. કાર પાર્કિંગમાં આડાંઅવળાં પાર્ક થયેલા ટુ-વ્હીલરો વચ્ચે કાર ઘુસાડી અડધાં જ
ખુલતા ડોરમાંથી આડી થઈને એ બહાર નીકળી. સામાન ભેગો કરી એ લીફ્ટ સુધી પહોંચી. ત્યાં
ઉપરના કોઈ માળે લીફ્ટનું ટુક ટુક સંભળાતું હતું. કોક બેવકૂફ લીફ્ટની જાળી ખુલ્લી
રાખી મહેમાન સાથે નિરાંતે ગપ્પા મારતું હશે. પાંચ મીનીટે લીફ્ટ આવી. જાળી
ગુસ્સામાં પછાડીને બંધ કરી એણે ચોથા માળનું બટન દબાવ્યું. ભુઉંવ્વ્વ્વ એવા અવાજ
સાથે શરું થઈ લીફ્ટ એક ઈંચ ઉપર ચઢી ઊભી રહી ગઈ. એણે પાછુ ગ્રાઉન્ડનું બટન
દબાવ્યું. જાળી ફરી ફિક્સ કરી એટલે લીફ્ટ ઉપડી. ઉપર જઈ એણે પીળાં કલરનું તાળું
ખોલ્યું. ભેજથી પોપડા ખરેલી દીવાલની તીવ્ર વાસ એનાં નસકોરામાં ઘૂસી ગઈ. એ વોશબેસીન
તરફ ગઈ. અપેક્ષિત રીતે પાણી નહોતું આવતું. એણે બાલ્કનીમાં જઈ વોચમેનને બુમ મારી
પાણી ખલાસ થઈ ગયું છે એની જાણ કરી. પાણી આવે ત્યાં સુધી થાક ઉતારવા પથારીમાં પડી
સામે દીવાલ પર દોડાદોડ કરતી ગરોળીને તાકી રહી.
-
જાહેરાત અને હકીકતમાં દ્રશ્ય ૧ અને ૨ જેટલો ફેર. આ જોતાં વિચાર આવે કે ખરેખર ‘લક્ઝરી’ કોને કહેવાય? અમુક
અપવાદને બાદ કરતાં લક્ઝરી શબ્દનો એડ
એજન્સીઓ, સૌરાષ્ટ્ર સાઈડના ટ્રાવેલ ઓપરેટરો અને બિલ્ડરોએ કચરો કરી નાખ્યો છે.
આજકાલ રેડિયો પર એક જાહેરાત આવે છે, ‘વન બેડરૂમ સ્પેસિયસ અને લક્ઝુરીયસ એપાર્ટમેન્ટસ’. આમાં કેટલી સ્પેસ હશે? શું બેડરૂમમાં બેડ
મૂક્યા પછી કબ્બડી રમાય એટલી જગા બચતી હશે? અને લક્ઝુરીયસ શું હશે? દ્રશ્ય-૧માં જણાવ્યું એવું કંઇક? નહિ? તો પછી આ બિલ્ડરિયાઓ
લક્ઝરી કોને કહે છે? ચકચકતી ટાઈલ્સને? પ્લેટફોર્મ પર ગ્રેનાઈટને? કે પછી
બાલ્કનીમાં લાઈટને? સળિયા રિસાયકલ કરેલા વાપરે. કપચી ‘સેમી’ વાપરે. રેતી વધારે
નાખે. બારીઓ એલ્યુમિનિયમની (૫૦% જ ખુલે). દરવાજા ભૂસું ભરેલાં ફૂલીને ફાળકો થાય
એવા. અને અમદાવાદમાં તો પ્રોપર્ટી હજુ સુપર બિલ્ટ-અપ એરિયાને (સીડી, પાર્કિંગ,
ક્લબ હાઉસ બધું ફ્લેટના એરિયામાં ગણાય એવું) આધારે વેચાય છે. અમુક ટકા ગેરકાયદેસર
બાંધકામ ફ્રીમાં અને બિલ્ડીંગ યુઝ પરમિશન મળે તો તમે નસીબદાર. આવી લક્ઝુરીયસ
પ્રોપર્ટી ખરીદો અને ચોમાસામાં દીવાલોમાંથી ભેજ ફૂટે તો કવિની જેમ એ દીવાલને ટેરવા
અડાડી ભીનાં થવાનો આનંદ લેવા સિવાય તમે કશું ન કરી શકો!
સૌરાષ્ટ્ર સાઈડ પર
જવા માટે ટ્રેઈનનો ઉપયોગ ઓછો થાય છે. મોટે ભાગે કહેવાતી ‘લક્ઝરી’ બસો ચાલે છે.
આમાં એસી અને નોન-એસી બધી લક્ઝરી જ કહેવાય. સીટો પાછળ નમે એ લક્ઝરી! પણ આમ સીટ
પાછળ નમાવો એટલે પાછળ બેઠેલ વ્યક્તિની લક્ઝરી છીનવાઈ જાય એ અલગ વાત છે. એસી હોય તો
ઘણીવાર એટલું તેજ હોય કે પડદાથી એ રોકવું પડે. નોન-એસીમાં તો કોક પાછલી સીટ પર
બીડી સળગાવે સળગાવે ને સળગાવે જ! એમાં લકઝરીમાં લક્ઝરી એટલે થ્રી-સ્ટાર હોટલનાં
ભાવની ઓર્ડીનરી ચા મળે એવી સેટિંગ હોટલ પર આ લક્ઝરી કાફલો વિરામ લે. હા, ચલાવે
એટલી સ્પીડથી કે આપણે જાણે રોલર-કોસ્ટરમાં બેઠાં હોઈએ એવું ચોક્કસ ફીલ થાય!
સાબુમાં પણ લકઝરી
સાબુની જાહેરાત આવે છે. એમાં સાબુ કંઈ જાતે શરીર પર ઘસાતો નથી, આપણે હાથમાં લઈને જ
ઘસવો પડે છે. સાબુમાં હજુ કેટલા દિવસ ચાલશે એવું કોઈ ઈન્ડીકેટર પણ નથી આવતું. નથી
એમાં સ્લીપ પ્રોટેક્શન હોતું. સ્લીપ પ્રોટેક્શન બોલે તો સાબુ હાથમાંથી સરકી ન જાય
તેવી પ્રોપર્ટી. મોઢા પર સાબુ ચોળ્યા પછી સાબુ ક્યાં મૂક્યો છે એ શોધવા માટે
સુગમતા પડે એવી રીમોટ સાબુ સર્ચ સગવડ પણ નથી આવતી. એક જ સાબુ બધી જાતના પાણી માટે
બન્યા હોય છે. લીલવાળું, બોરનું, મ્યુનીસીપાલીટીનું, કૂવાનું આ બધા પાણીમાં એક જ
સાબુથી ન્હાવાનું. કદી સાંભળ્યું કે લીલવાળા કે કેમિકલયુક્ત પાણીમાં નહાવા માટેનો
સ્પેશિયલ સાબુ હોય? તો પછી લક્ઝરી સાબુની સફ્ફાઈઓ શેની ઠોકતી હશે કંપનીઓ?
જે મેંગો પીપલને મળતું
નથી એ તમને મળે તો એ લક્ઝરી કહેવાય. મેંગો પીપલ બસમાં ફરે. તમે કારમાં ફરો તે
લક્ઝરી, જોકે અમુક તમુક બ્રાન્ડની કાર હોય તો જ. એમ તો પ્રેમ, લગ્ન અને બાળકો પણ
લક્ઝરી જ છે ને આજકાલ?
અમારે ત્યાં ખેતાજીની લારી પર તો લક્ઝરી અને બાદ્શાઈ એમ બે પ્રકારની ચા મળે, (સાદી ચા નું પુછાનું નહિ,) લક્ઝરી એટલે નાનો કપ અને બાદશાહી એટલે થોડો મોટો કપ, (આ પ્લાસ્ટીકના કપ શરુ થયા પહેલાની વાત છે) ટૂંકમાં પોસાય એટલે લક્ઝરી અને બાદશાહી, ફૂલસ્ટોપ,
ReplyDelete