| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૫-૦૫-૨૦૧૩ | અધીર અમદાવાદી |
લેંઘો એ ભારતીય સંસ્કૃતિનો અવિભાજ્ય હિસ્સો છે કે નહીં એવી કોઈ ચર્ચાઓ થતી નથી
એટલું સારું છે. એટલે લેંઘો દિવસે દિવસે આઉટડેટેડ થતો જાય છે. એટલીસ્ટ નાઈટડ્રેસમાંથી
તો ખરો જ. એક તરફ સુતરાઉ કપડા મોંઘાં થતાં જાય છે અને બીજી તરફ લેંઘા જેવી તુચ્છ
વસ્તુ સીવવા નાખવાનો દરજીઓ પાસે સમય નથી. પેલી તરફ સફેદ લેંઘો પહેરીને તમે ચા
પીતાં હોવ તો ચાનું ટીપું રકાબી કે કપના ધારથી તમારા લેંઘા તરફ પ્રયાણ કરે તે
સમગ્ર ઘટના પર પત્નીઓ ચાંપતી નજર રાખે છે, પણ ચાના ટીપાં પત્નીઓની બાજનજર ચૂકવીને લેંઘા પર ડાઘો પાડીને જ રહે છે. પછી અપેક્ષિત
બુમાબુમ થાય છે. એટલે જ કદાચ પુરુષો હવે લેંઘા-વિપગ (વિમુખની જેમ!) થતાં જાય છે.
આમ છતાં જ્યાં સુધી ગુજરાતી સુગમ સંગીત જીવે છે ત્યાં સુધી લેંઘાને ઉની આંચ નહિ
આવે એવું પણ અમારું માનવું છે.
લેંઘા એનાં પુરોગામી ધોતિયાં કરતાં ઓછાં બદનામ છે. કારણ કે લેંઘા વધુ સભ્ય છે.
પણ આ લેખનો મુદ્દો લેંઘા નહિ લેંઘાનું નાડું
છે. લોકો ભલે લેંઘામાં ઇલાસ્ટીક કે બટન નખાવતા હોય, પણ લેંઘાની શાન અને જાન એનું નાડું છે. અનેકવિધ
ઉપયોગો ધરાવતા નાડા જરૂર પડતાં મુસાફરીમાં લેંઘા-ચણિયામાંથી નીકળી બેગોની ફરતે
વીંટાતા પણ જોવા મળે છે. ઘરમાં ફાટેલા લેંઘાના નાડા રીસાયકલ થઈ પસ્તી બાંધવા વપરાય
છે. પણ નાડું મૂળભૂત રીતે નેફામાં થઈ કમર ફરતે ચકરાવો લઈ અંગ્રેજી આઠડાની માફક
ગાંઠ રૂપે બંધાય ત્યારે બાંધનાર આ ક્રિયા પછી જાણે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ
ગયો હોય એટલો હળવો થઈ જાય છે.
લેંઘાનાં નાડાનો એક ગુણ ખોવાઈ જવાનો છે. મતલબ કે નાડું નહિ, એનો છેડો. સામાન્ય રીતે સાંજે ઓફીસના કપડામાંથી
નીકળ્યા અને લેંઘામાં બે પગના પ્રવેશ બાદ એ જાણકારી મળે છે કે નાડાનાં બે છેડા
પૈકી એક છેડો તો સંતાકૂકડી રમી રહ્યો છે. પછી લેંઘાને બે પગ વચ્ચે દબાવી છેડો બહાર
કાઢવાના પ્રયત્ન થાય છે. એમાં ટચલી આંગળીથી પણ નિષ્ફળતા મળે એટલે અન્ય
અસ્ત્ર-શસ્ત્રની તલાશ શરુ થાય. પણ અમારા જેવા આળસુ લોકો આવા સમયે લેંઘામાંથી બહાર
નીકળી ટુવાલ કે પહેલાં પહેરેલ પૅન્ટમાં પાછાં જવાની મહેનત કરવાના બદલે અડધી કાઠીએ
પહેરેલા (કે ઊતરેલા) લેંઘા સહિત નજીકના પડેલ ટેબલનાં ખાના સુધી યુ-પીન, હેરપીન જેવા પદાર્થ શોધવા પહોંચી જાય છે.
એકંદરે ખાસી મહેનત, અકળામણ અને
ગુસ્સા પછી નાડું બહાર આવે ત્યારે એને કસીને બાંધવામાં આવે છે. આમ તમે દાઝ ઉતારો એ
નાડાને પસંદ ન આવે તો એ તૂટી પણ જાય છે.
નાડું બાંધવું એ એક કળા છે. જેને છેડો ગુમ થવાનો કે નાડું તૂટવાનો અનુભવ હોય
તેવા દુધનો દાઝેલો છાશ ફૂંકી ફૂંકીને પીવે એમ અનેકગણી સાવચેતી વર્તે છે. નાડાનો
છેડો ગુમ થતો રોકવા નાડાનાં બેઉ છેડાને પરસ્પર બાંધી દેવાની રીત પ્રચલિત છે. આમ
કર્યાં પછી ગાંઠ મારવા માટે પુરતા પ્રમાણમાં વધારાનું નાડું હોવું જરૂરી છે. પણ
અમારા જેવા કંજૂસ પ્રકૃતિના માણસોને નાડાનો વૈભવ પોસાતો નથી એટલે છેડા ટૂંકા રાખી
ગાંઠ મારે છે. આ રીતે મરાયેલી ગાંઠ શાંતિના સમયમાં માફક આવે છે પણ યુદ્ધ જેવા
ઉતાવળના સમયે ગાંઠ જલ્દી ખુલતી નથી. આવા ટાઈમે કાતર વડે નાડા કટિંગ કરી સમય સાચવી
લેવામાં આવે છે. આવો અનુભવ હોય તેવા મનુષ્યો નાડાનાં છેડા લાંબા રાખવાનું પસંદ
કરતાં થઈ જાય છે. આમ ગમે તેટલા લાંબા રાખો તો પણ છેડો ખોવાઈ શકે છે, એટલે જ લેંઘાના
નાડાનું સેન્ટર બેલેન્સિંગ અવારનવાર કરતાં રહેવું પડે છે.
લેંઘો સામાન્ય રીતે ડૂંટીપ્રદેશથી ઉપર સુધી પહેરાતો હોય છે. ઉંમરલાયક લોકો
માટે આ ફૅશન છે અને ફાંદેશો માટે એ જરૂરિયાત. નાડું જો ફાંદ નીચેનાં ઢોળાવ તરફ બાંધ્યું હોય તો નીચે સરકી જવાની
પ્રબળ શક્યતા રહેલી હોય છે. આવી મજબૂરી સિવાય પણ લેંઘા ઉપરની તરફથી પહેરવામાં આવે
છે. ગંજીને લેંઘામાં ઇન-ગંજી (ઇન-શર્ટની જેમ!) કરવાની
ફૅશન પણ હજુ પ્રચલિત છે. આમ થવાથી નાડાનું ફૂમતું અગ્રભાગમાં ઝૂલી ધ્યાનાકર્ષિત
કરે છે. નાડા જો બ્રાન્ડેડ આવતા હોત તો આવા લોકો થકી નાડા કંપનીઓ મફત પબ્લીસીટી પણ
થઈ શકે.
નાડાનાં વિકલ્પ તરીકે વપરાતું ઇલાસ્ટીક નાડા કરતાં વધારે જોખમી છે. એમાં
ઇલાસ્ટીકનાં કોઈ ટેસ્ટ થતાં નથી. સાયન્સની રીતે કહીએ તો ઇલાસ્ટીક સમય જતાં પોતાની
સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. સાદી ભાષામાં એ ઢીલું પડી જાય છે. સ્થિતિસ્થાપક પદાર્થ
પર આપેલ બાહ્યબળ જ્યારે પાછું ખેંચી લેવામાં આવે ત્યારે પદાર્થ પોતાની મૂળ
સ્થિતિમાં પાછો ફરે છે. એટલે ૩૪ની કમર પર શરૂઆતમાં ફીટ આવતું ઇલાસ્ટીક સમય જતાં
૩૬ની કમરને માફકસર બંધ બેસે છે. કમરમાં વધારો ન થયો હોય તો આ વધારાના આ બે ઇંચ
લેંઘાને ભૂમિગત કરવા માટે જવાબદાર બને છે, અને આવી ઘટના બાદ માણસ બેજવાબદાર ગણાતો થઈ જાય છે. એટલે જ જવાબદાર માણસે
ઇલાસ્ટીકનાં નાડાવાળા લેંઘાના ખીસામાં વજનદાર મોબાઈલ કે વધારે પરચૂરણવાળું પાકીટ
મૂકવું ના જોઈએ!
લેંઘો જો દેશ હોય તો નાડું એની આંતરિક સુરક્ષા ખાતું છે. પણ એ આપણા દેશની આંતરિક
સુરક્ષા જેવું જ છે, જેમાં દુર્ઘટનાઓ
ઘટે પછી જ એનું મહત્વ લોકોને સમજાય છે. આમ છતાં નાડા બ્રાન્ડેડ નથી આવતા. નાડાની
જાહેરાત ટીવી પર કે અખબારોમાં જોવા મળતી નથી. હેમા, રેખા, જયા અને સુષ્મા આ બધીઓ
ઘર માટે મહદ અંશે રેલવે સ્ટેશન આસપાસની લારીઓ પરથી નાડું ખરીદે છે જેની કોઈ ગુણવત્તા
ચકાસણી નથી થતી. નાડું કેટલું ખેંચાણ સહન કરી શકશે એ અંગે બ્યુરો ઑફ ઈન્ડીયન
સ્ટાન્ડર્ડ દ્વારા માનક પણ બહાર નથી પાડવામાં આવ્યા. એટલે જ તો ઉપર જણાવી એવી
દુર્ઘટનાઓ ઘટે છે !
અધીરભાઈ, નાડા અને લેંઘા માં જો દરજી લેંઘો સીવી આપે પણ નાડુ નાખી આપતો નથી કે આપતો પણ નથી પરિણામે જુના લેન્ઘાનું નાડુ જયારે better cum bitter half નવા લેંઘામાં નાખી આપે ત્યારે તે ગમે ત્યારે તૂટી જવાનો ભય ઉભો થાય છે આ અંગે આપના વિચાર જણાવશો, આભાર, સુંદર નિરીક્ષણ,
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete