| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૮-૦૪-૨૦૧૩ | અધીર અમદાવાદી |
ચેતન ભગત નામ ઘણું પ્રચલિત છે. એ અમદાવાદની પ્રસિદ્ધ આઇઆઇએમ સંસ્થામાં ભણ્યા
છે એટલે એ ઇન્ટેલીજન્ટ હશે એવી ધારણા લોકો કરે છે. આ ચેતન ભગત લેક્ચર્સ, ઉદ્ઘાટનો અને ટ્વીટરના માધ્યમથી પોતાના વિચારો
છૂટથી રજૂ કરતાં ફરે છે. આપણા દેશમાં વાણી સ્વતંત્રતા છે એ વાતનો લાભ લઈ નેતાઓ,
અભિનેતાઓ અને દરેક
વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરે છે. અમે પણ.
આ ચેતન ભગતે હમણાં ગુજરાતમાં આવી એવું કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હટાવી
લેવી જોઈએ. ભગત સાહેબે દલીલ એવી કરી કે આમેય દારૂબંધી હોવા છતાં દારુ છૂટથી મળે
છે. કદાચ ભણતી વખતે એમણે એનો લાભ પણ લીધો હશે. આમ દારુ છૂટથી મળતો જ હોય અને લોકો
પીતાં જ હોય તો પછી દારૂબંધી હટાવી જ લેવી જોઈએ. ચેતનભાઈએ એવું પણ કહ્યું કે
દારૂબંધીને કારણે ગુજરાતને હજારો કરોડો રૂપિયાની એક્સાઈઝની આવક ગુમાવવી પડે છે.
ગુજરાતના ડેવલોપમેન્ટ મોડલમાં દારૂબંધી ફીટ નથી થતી એવું એમનું માનવું છે. એ કહે
છે કે આખા દેશમાં, અને આખી
દુનિયામાં દારુની છૂટ છે અને ત્યાં બધું બરોબર ચાલે છે. આ ભગત એવું પણ કહે છે કે
દારૂબંધી ન હોય તો યુવાનોને એમ્પ્લોયમેન્ટ પણ મળી રહે.
પણ ભગતના આ સ્ટેટમેન્ટથી તાનમાં આવી ગયેલા બુટલેગરોએ દેશી દારૂની પ્રીમિયમ
પોટલીઓ ‘ભગત પાઉચ’ના નામ હેઠળ પાનની દુકાનોમાં ઠાલવવાનું ચાલુ કર્યું છે એવું સાંભળવા મળે છે.
અમુક તો આ ધંધામાં હાલ કેટલી નોકરીઓ છે અને વધુ કેટલા માણસને રોજીરોટી મળી શકે એમ
છે એના સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં પડ્યા છે. આ સક્સેસ સ્ટોરીઝમાં સ્કુટરની ટ્યુબમાં
દારૂ ભરીને ફેરી કરતાં કરતાં હપ્તાબળે આગળ વધીને
હોન્ડા સીટીમાં ફરતી થઈ ગયેલી ‘સફળ’ વ્યક્તિઓના
મૅનેજમેન્ટ કેસ સ્ટડીઝ પણ છે.
સર ચેતન કહે છે કે એ પોતે ‘ખાસ’ દારુ નથી પીતાં, ન એ પીવાની હિમાયત કરે છે. પણ કદાચ ગુજરાતના
વિકાસ માટે એમનાં દિલમાં ઊંડી લાગણી છે એટલે જ એ વગર માંગ્યે દારૂબંધી ઉઠાવવાની
હિમાયત કરે છે. ભગતજી તો બસ ફ્રીડમ (રસ્તા ઉપર ટુન્ન થઈને પડવાની!), ચેન્જ (પોલીસના ડર વગર પીવાનો!) અને મોડર્નીટી
(મા-દીકરો સાથે બેસીને દારુ પીવે) માં માને છે.
અમને તો ભગત ચેતનની વાત ખૂબ ગમી ગઈ છે. એટલે જ આ ‘ભચે’ વતી અમે બીજાં ક્ષેત્રોમાં પણ સરકારને લિબરલ બનવા અપીલ કરીએ છીએ. બીજાં ઘણાં
એવા ક્ષેત્રો છે જ્યાં થોડા પ્રૅક્ટિકલ થઈએ તો આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝની હરીફાઈમાં
ઊભા રહી શકીએ એમ છીએ.
અમારા અમદાવાદમાં ટ્રાફિકની ઘણી સમસ્યા છે. લોકો રોંગ સાઇડમાં પણ વાહન ચલાવે
છે. પોલીસ દાદાનું ધ્યાન હપ્તો આપ્યા વગર જતાં ટેમ્પો તરફ હોય તેવામાં સિગ્નલ રેડ
હોય તો પણ લોકો ઘૂસી જાય છે. નો પાર્કિંગમાં લોકો વાહનો પાર્ક કરે છે. સિગ્નલ
બતાવ્યા વગર ડાબી જમણી બાજુ કટ મારવી રસ્તા પર પાનની પિચકારી મારવા જેટલું સહજ છે.
એકાએક વળવાનું અથવા તો કામ યાદ આવે તો રસ્તા વચ્ચે ઊભા રહી જવામાં કોઈને કાયદાનો
ભંગ થતો હોય એવું લાગતું નથી. હેલ્મેટ તો ખુદ પોલીસ દાદાઓ જ નથી પહેરતા! તો ગુજરાત
સરકારને સર ચેતન ભગત તરફથી અમારી વિનંતી કે અમદાવાદને ફ્રી-ટ્રાફિક ઝોન ડીકલેર
કરવામાં આવે. આ ફ્રી-ટ્રાફિક ઝોનમાં રસ્તાની બન્ને બાજુ વાહનો ચલાવી શકાય. મને
ફાવે ત્યાં પાર્ક કરી શકાય. બદલામાં બસ ઇમ્પેક્ટ ફીની રાહે વન ટાઈમ પોલીસ ટૅક્સ
ભરી દેવાનો. સરકારને આવક જ આવક!
અને હમણાં પોર્ન ફિલ્મો વિષે ચર્ચા ચાલુ થઈ છે. ઈન્ટરનેટના માધ્યમથી આવી
ફિલ્મો આખા દેશમાં જોવાય જ છે. તો પછી ‘ભચે’ થિયરી અનુસાર આ
પોર્ન ફિલ્મ પર પ્રતિબંધ લાવવાને બદલે સરકારે એનાં પણ હેવી ટૅક્સ નાખી કાયદેસર કરી
નાખવી જોઈએ. સરકારમાન્ય વેબસાઈટ પર ક્રેડિટ કાર્ડ ઘસી લોકો ફિલ્મોનો આનંદ મેળવી
શકશે અને સરકાર આ સેવા ઉપર સર્વિસ ટૅક્સ નાખી કરોડો કમાઈ શકશે. મોબાઈલ કંપનીઓ પણ
ચાર્જ વસૂલી કાયદેસર રીતે એમએમએસ જે તે જગ્યાએ પહોંચાડી આપશે. આવી કંપનીઓને મંજૂરી આપવામાં સરકાર અને નેતાઓને
વ્હાઈટ અને બ્લેક બે પ્રકારની કમાણી થયા એ નફામાં. હવે કોઈ ચોખલિયો એમ પૂછે કે ‘પછી આપણા સંસ્કારોનું શું ?’ ‘આપણી સંસ્કૃતિનું શું?’, તો એને ભગતના ભાષણ સાંભળવા મોકલી દેવાનો!
અને અમે તો વર્ષોથી લાંચને કાયદેસર કરવાની હિમાયત કરીએ છીએ. આમેય સરકાર ગમે
તેટલા કાયદા કરે પચીસ રૂપિયાથી લઈને અમુક લાખ કરોડ સુધીની લાંચ લેવાય છે એ દેશમાં
લાંચ કાયદેસર કરી નાખીએ તો કોઈએ પછી ‘અન્ડર ધ ટેબલ’ વ્યવહાર કરવા ન
પડે, કોઈનું સમાજમાં ખરાબ ન
દેખાય. દરેક પ્રકારની લાંચના બાંધ્યા ભાવ કરી નાખવાના. સરકારી કર્મચારીઓને પછી
પગાર નહિ આપવાનો. આવા કર્મચારીઓના સિલેક્શનમાં પણ જે વ્યક્તિ પોસ્ટની હરાજીમાં
સૌથી વધારે બોલી બોલે તેને આ પોસ્ટનો ઠેકો આપવાની રીત અપનાવી શકાય.
ભગત સાહેબ મૅનેજમેન્ટ ભણ્યા છે એટલે ઇકોનૉમીની વાત કરે છે. એમનું કહેવું છે કે
દારૂબંધી ઉઠાવી લેવાય તો વધુ નોકરીઓની તક ઊભી થશે. વાત તો ૧૦૦% સાચી છે. બાર
ટેન્ડર, કૅશિયર, બાઉન્સર, સ્ટોર્સ અને લોજીસ્ટીક્સ બધામાં નોકરી જ નોકરી.
હા એ અલગ વાત છે કે અત્યારે પણ કોઈ આ કામ જીવના જોખમે કોઈ કરે જ છે.
પછી તો દારુ કાયદેસર થતાં ગુજરાતની વેપારી પ્રજા પછી દારૂના ધંધામાં ઝંપલાવશે.
પછી વિજયભાઈ માલિયાને ચોક્કસ ટફ કમ્પીટીશન મળે. અથવા તો એવું પણ બને કે વિજયભાઈ
ગુજરાતમાં ઇન્વેસ્ટર બની ને આવે. એનાથી બીજું કશું થાય કે ન થાય, ગુજરાતની છોકરીઓ કિંગફિશરના કેલેન્ડર પર ચમકતી
જરૂર થઈ જશે! ચેતનભાઈનો ગુજરાત પ્રેમ કહેવું પડે !
ખુબ જ અસરકારક ભાષા માં ચેતન ભગત ના ગુજરાત ના વિકાસ માટે અથવા ???????????વિકાસ માટે જે ચિંતા છે... તેની રજૂઆત છે... દારૂ ને લીધે માત્ર એક વ્યક્તિ નહી પણ તેનું આખું કુટુંબ કઈ રીતે પાયમાલ થઇ જાય છે... તે જરાક દારૂબંધી ઉઠાવી લેવાના હિમાંયાત્દારો ને જોવાની જરૂર છે.. અને અગર એમને ખ્યાલ છે અને જાણી જોઈને આવી સલાહ આપે છે... તેમને હવે શું કહેવું????
ReplyDelete