| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૧-૦૪-૨૦૧૩ | અધીર અમદાવાદી |
ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર આદેશ પાલ બહુ લકી છે. લોકો રૂપિયા ખર્ચીને
છાપામાં જાહેરાતો આપી ચમકે છે ત્યારે આદેશ માત્ર છીંક ખાય તો પણ એ ન્યૂઝ બની જાય
છે. જોકે પછી સમાચાર કંઈક એવા આવે છે કે એક વાઈસ ચાન્સેલર થઈને છીંક ખાતી વખતે
રૂમાલ કેમ ન ધર્યો? શું વાઈસ
ચાન્સેલર વિધાર્થીઓમાં ફ્લૂ ફેલાવા માંગે છે? આવા આદેશ પાલ પોતાના સત્તાવાર નિવાસસ્થાનમાં
સ્વીમીંગ પુલ બાંધે, અને એ પણ મંજૂરી
વગર, તો પછી કોઈ છોડે એમને?
એટલે સ્વીમીંગમાં હજારો
લીટર પાણી બરબાદ થશે, રૂપિયા વેડફાશે
એવી ટીકાઓ થઈ રહી છે. પહેલાં જ બાઉન્સર્સ રાખી શારીરિક શક્તિનો મહિમા ગાનાર વીસી
સ્વીમીંગ કરી જાતે ફીટ રહે તે લોકોને પોસાતાં નથી લાગતું!
ખરેખર તો સ્વીમીંગ જેવી શારીરિક મહેનત માંગી લે તેવી પ્રવૃત્તિમાં આપણી પ્રજા
બિલકુલ માનતી જ નથી. અને આમ જોવા જાવ તો પબ્લિક સ્વીમીંગ પુલ પણ આપણે ત્યાં એટલાં
સુલભ નથી. કદાચ સુલભ શૌચાલય જેટલા પણ જો જાહેર સ્વીમીંગ પુલ હોય તો ડાયાબીટીસ અને
હાર્ટના પેશન્ટ અડધા થઈ જાય. પણ આપણે ત્યાં તો જાહેર સ્નાનાગારમાં ઍડ્મિશન જોઈતું
હોય તો સાત ચોપડી પાસ ન હોય એવા કોર્પોરેટર સાહેબોની ઓળખાણ લગાડવી પડે છે. ક્લબમાં
સ્વીમીંગ પુલ હોય છે પણ ક્લબોની મેમ્બરશિપ પણ એટલી તગડી હોય છે કે સામાન્ય માણસને
એ પોસાતી નથી. હવે તો ક્લબના સ્વીમીંગ પુલમાં પણ હવે વોટર પાર્કની જેમ જ કડિયારું ઊભરાતું હોય છે, વેકેશનમાં તો ખાસ.
આપણે ત્યાં જેમ ઉનાળો બેસતો જાય એમ વોટર પાર્કમાં ભીડ થવા લાગે. રેલવે સ્ટેશન
અને વોટર પાર્કની ભીડ લગભગ સરખી જ હોય છે, ખાલી પરસેવાનો ફેર હોય છે! રેલવે સ્ટેશન પર પરસેવો દેખાય છે, જ્યારે વોટર પાર્કમાં તો જાણે દુધમાં સાકર ભળે
તેમ પરસેવો પાણીમાં ભળી જાય છે. વોટર પાર્કમાં તો ઉનાળામાં એટલી ભીડ હોય છે કે
ખાલી ઊભા રહેવા માટે પણ રેલવેની જેમ રૂમાલ નાખવો પડે એવી પરિસ્થિતિ સર્જાતી હોય
છે. પ્લાસ્ટિકના પાણીમાં તરે એવા ચાઈનીઝ રૂમાલો શોધાવા જોઈએ, એવું આ ભીડમાં ઊભા રહેવા માટે જગ્યા શોધતાં
અમને લાગે છે.
વોટર પાર્કમાં તો આજકાલ કોશ્ચ્યુમ ભાડે પણ આપે છે. તો પણ આપણી ગુજીષાઓ પંજાબી
પહેરીને પાણીમાં ઊતરી જતી હોય છે. પાછી પાણીમાં ઊભા ઊભા ઘાંટા પાડી ધણીને તતડાવતી
હોય! ‘પેલા રાજનું ધ્યાન રાખો
જુઓ ક્યાં ગયો તે’. ગુજ્જેશ ત્યાં
ઊભા ઊભા, બીજે ફાંફાં
મારવાનું છોડીને, શોધી કાઢે કે રાજ
તો ગુજીષાની જ બગલમાં જ ઊભો છે. એટલી ભીડ હોય. બાકી હોટેલના સ્વીમીંગ પુલમાં તો
ઘણીવાર કોટન ચડ્ડીઓ પણ પાણીમાં ધુબાકા મારતી જણાય છે. પણ આવી ચડ્ડીઓએ ધ્યાન એ
રાખવું પડે કે નાડું ઢીલું હોય તો માણસ સાંમાં છેડે પહોંચી જાય, પણ ચડ્ડી વજનના કારણે આ છેડે રહી જાય!
પાછું સ્વીમીંગ પુલમાં શેરવાની, સુટ-બૂટ કે ટીશર્ટ પહેરીને ઊતરવા દેતા નથી. આથી ગુજ્જેશોને એક મોટો ગેરફાયદો
થાય છે, અને તે છે ફાંદ
સંતાડવાનો. સ્વીમીંગ પુલ એવી જગ્યા છે જ્યાં ગુજ્જેશકુમારની ફાંદને સુર્યપ્રકાશ
જોવા મળે છે. આવા ફાંદેશોને વોટરપાર્કના ‘ફાંદડૂબ’ કરતાં સ્વીમીંગ
પુલનું ‘ગળાડૂબ’ પાણી વધારે અનુકૂળ આવે છે. પણ એ ડાઈવિંગ બોર્ડ
પરથી ભૂસકો મારે તો પુલમાં ખાસ પાણી બચતું નથી, અને બહાર બેઠેલાંને વગર મરણે નહાવાનું થાય છે.
સ્વીમીંગ પુલ હોય કે વોટર પાર્ક, અમુક તો તરવા પડ્યા કે છે કે ઉલેચવા એ જ નક્કી ન થાય. અમુક વોટર પાર્કના અઢી
ફૂટ પાણીમાં ઊભા ઊભા ડાઈવ મારે. પાછાં મિત્રો સગાવહાલાઓ ગૌરવ લેતા હોય એમ હસે.
પેલો હિપ્પોપોટેમસ પણ જાણે ઓલમ્પિકમાં ડાઈવિંગ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો હોય એમ
વિજયી સ્મિત કરે. અમુક મગર જેવા હોય. કલાકો સુધી કશું પણ કર્યાં વગર પગથિયું
શોધીને બેસી જાય. અમુક ભેંસ જેવા હોય, એકવાર અંદર પેસે પછી બહાર નીકળવાનું નામ જ ન લે.
કેટલાક ‘વોટર પાર્કમાં
આવ્યા છીએ તો સ્વીમીંગ શીખીને જ જઈએ’ એવા નિર્ધાર સાથે આવ્યા હોય. પાછું પોતાને આવડતું ના હોય તોયે બીજાં ને
શિખવાડતા જાય. ‘એ લાલા એમ નઈ,
પગ હલાવવા પડઅ, જો ઓમ.’ પણ લાલો પગ હલાવવા જાય તો હાથ હાલતા બંધ થઈ
જાય. એકંદરે પાણીમાં સાડા છ ફૂટ અંતર કાપે એમાંનું સાડા પાંચ ફૂટ અંતર તો પગથી
પાળી ઉપર ધક્કો માર્યો હોય એમાં કપાયું હોય! આવા કોઈ ગુજ્જેશને પૂછો કે ‘સ્વીમીંગ આવડે છે?’ તો જવાબ મળે કે ‘ઓમ તો ફાવ છ, પણ ખાલી શેલોમાં. ડીપમાં થોડું ઓછું ફાવઅ’.
હવે આ આખો આર્ટિકલ વાંચીને કોઈને એમ થાય પણ ખરું કે ‘હેં
અધીર ભાઈ તમે આ સ્વીમીંગ વિષે આટલું ભરડ્યું તે તમને સ્વીમીંગ આવડે છે કે
પછી તમે પણ પેલા શેલોવાળા જ?’ તો અમારો જવાબ છે
‘ના, અમને નથી આવડતું’. તોયે અમે લખીએ છીએ. અને અમે લખીશું. એમ તો
હમણાં જ એક કાર્યક્રમમાં કુંવારા એવા મિત્ર જય વસાવડાએ લગ્ન ઉપર ભાષણ આપ્યું હતું!
એટલે એમણે જે વાત બચાવમાં કહી હતી એ અમે પણ કહીએ છીએ કે, ઋષિ મુનિઓ અને જ્ઞાનીઓ મૃત્યુ વિષે વાત કરે છે
તે એમણે ક્યાં મરવાનો અનુભવ કર્યો હોય છે? છે કોઈ જવાબ?
No comments:
Post a Comment