| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૪-૦૪-૨૦૧૩ | અધીર અમદાવાદી |
બે કીડી ખાંડના ઢગલા
પર બેઠી હતી. બીજી કીડી ખાંડ ખાતી હતી અને પહેલી સુનમુન બેઠી હતી. બીજી કીડીએ
પહેલી કીડીને પૂછ્યું: ‘કેમ બેન તું ખાંડ નથી ખાતી, શું તને ડાયાબીટીસ છે?’, પહેલી
કીડીએ જવાબ આપ્યો: ‘ના બેન, હું તો રોજ બ્રિસ્ક વોકિંગ કરું છું, પણ આ તો છાપામાં
વાંચ્યું કે ખાંડ કડવી થઈ ગઈ છે, એટલે ચાખતાં ડરું છું’.
--
ખાંડના જરાક ભાવ વધે
એટલે છાપાંઓ ‘ખાંડ કડવી થઈ’ એવું છાપી મારે છે. પણ ખાંડ કદી કડવી થતી નથી. સત્ય
કડવું હોય છે. રોગ કરતાં જેનો સ્વાદ વધુ કનડે છે એવી આયુર્વેદિક દવાઓ કડવી હોય છે.
કારેલા અને કંકોડા જેવા સજા-એ-શાક કડવા હોય છે. પણ ખાંડ કડવી નથી હોતી. ગુજરાતી
કાર્યક્રમના સંચાલકની ભાષામાં કહું તો ખાંડને કડવી કહેવી એ ખાંડના મધુરત્વનું કડવું
અપમાન છે. ખરેખર તો ભાવ વધવાથી લોકોમાં પણ ખાંડ તરફ જરા પણ કડવાશ નથી આવતી. કોઈ ચા
પીવાનું નથી છોડતું. જગતમાં જેટલા નશીલા પદાર્થોના બંધાણી છે એનાંથી વધારે ચાના
બંધાણી હશે. અને ચા ખાંડ વગર નથી બનતી. ખરેખર તો ડાયાબીટીસ હોય એવા લોકોને ગળી
આઇટમ્સ ખાવાનું વધારે મન થાય છે. જેની મનાઈ હોય એ કરવાની સામાન્ય રીતે વધારે ઈચ્છા
થતી હોય છે.
અમને પોતાને શીખંડ, રસગુલ્લા,
બાસુંદી, હલવા જેવી આઇટમ્સ, કે જે ખાંડ વગર બનતી જ નથી એવી આઇટમ્સ વિશેષ ભાવે છે.
અમારું તો સુત્ર જ છે કે ગળ્યું એ ગળ્યું બીજું બધું બળ્યું. અમે ગળ્યું ખાવા માટે
જીવીએ છીએ, જીવવા માટે નથી ગળ્યું ખાતા. એટલે જ અમને કોઈ ભાજીપાઉં (અથવા પાઉંભાજી
બસ!) કે ઈડલી-સંભારની મીની-પાર્ટીમાં બોલાવે તો એ અપમાન જેવું લાગે છે. અરે, બ્રેડ કે
ઇડલીના ડૂચાની તો કંઈ પાર્ટી હોતી હશે? પણ શું થાય, ખાંડ આટલી મોંઘી હોય પછી આવી
ચીંથરા જેવી આઇટમ્સની જ પાર્ટી થાય ને?
અમે વર્ષો ખાંડના
ભાવને લીધે રેશનીંગની ખાંડ ખાધી છે. લાઈનમાં ઊભા પણ રહ્યાં છીએ. અમારો ‘ખાંડ
ખાવાનો’ વર્ષોનો અનુભવ છે. એટલે જ અમે ખાંડ વિષે લખવા માટે ક્વોલીફાય થઈએ છીએ એવું
પણ કહી શકાય. ખાંડ એ ગળપણ છે, પણ ગુજરાતી સાહિત્યકારો દ્વારા ઉપેક્ષિત રહી છે. તમે
જુઓ ‘મીઠું મધ જેવું’ એવી કહેવત સાંભળવા મળશે, ગળ્યું સાકર જેવું પણ સાંભળ્યું
હશે, પણ જે સાકરના નાના નાના સુંદર ચોરસ દાણા બને છે એ ખાંડ જેવું ગળ્યું એવું કોઈ
નહિ કહે. સગાઈમાં ગોળ-ધાણા વહેંચશે, પણ ખાંડ-ધાણા કોઈ વહેંચતું નથી. અરે, ડોક્ટરો
અને નેચરોપેથ ખાંડ તમારી દુશ્મન છે એવો પ્રચાર કરે છે. નમક હરામ અને નમક હલાલ જેવા
નામવાળી ફિલ્મોમાં નમક ઉર્ફે મીઠાના ગુણ ગવાય છે. જો ખાંડ ડાયાબિટીસ માટે ઝેર છે
તો મીઠું બ્લડ પ્રેશર. અને તોયે શોલેમાં કાલિયા ગબ્બરનું નમક ખાધું હોવાની વાત કરે
છે, એ ગબ્બરની વધારે ખાંડવાળી ચા પીધી છે એવું પણ કહી શક્યો હોત, પણ સલીમ-જાવેદે
એવું થવા દીધું નહિ. કદાચ એ જોડીમાંથી કોઈને ડાયાબિટીસ હોય એવું બને!
ખાંડનો ભાવ વધે એટલે
રોડસાઈડ કીટલી પર ચાના ભાવ વધે છે. એક વાયકા મુજબ વર્ષો પહેલાં અમદાવાદમાં
રતનપોળમાં કપડાં ખરીદવા જાવ તો વેપારી દુરથી બે આંગળી ઉંચી કરી ચાવાળાને બે અડધી
ચા ઓર્ડર કરે. ઘરાક ખરીદી કરીને ચા આવવાની રાહમાં કંટાળીને જતો રહે ત્યાં સુધી ચા
ન આવે કારણ કે વેપારીએ હાથ ડાબે જમણે હલાવી ચા ન લાવવાનો સંકેત કર્યો હોય. આજ અમદાવાદ
અત્યારે એની કટિંગ ચા માટે વિશ્વમાં ખ્યાતિ મેળવી ચૂક્યું છે. પણ ચા-ખાંડ-દુધના
ભાવવધારા પછી એ કટિંગ ચા માઈક્રો કટિંગ બની ગઈ છે. અત્યારે મ્યુનીસીપાલીટી દ્વારા
પ્રતિબંધિત પ્લાસ્ટિકના કપમાં જેટલી ચા મળે છે એ જોઈ કહેવાનું મન થાય કે ‘આજ ઇતની
ચાય નહિ ચાય કે પ્લાસ્ટિક કપમેં, જીતની હમ છોડ દિયા કરતે થે કાચ કે પ્યાલેમેં’.
છઠ્ઠા પગાર પંચ અને
ફુગાવાને લીધે સરકારને કદાચ એમ લાગે છે કે મધ્યમ વર્ગ ખુબ સમ્પન્ન થયો છે, એટલે
એમને મોંઘવારી અને ટેક્સ થકી લૂંટો. એટલે જ શેરડી અને ખાંડની વાત આવે એટલે કલાપીની
ગ્રામ્યમાતા યાદ આવે, જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે;
પીતો'તો રસ મિષ્ટ હું પ્રભુ! અરે ત્યારે જ ધાર્યું હતું
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં
છે તો યે મુજ ભાગ કૈં નહીંસમો, તે હું વધારું હવે
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની,પાસેથી લેવું નહીં ?
ગ્રામ્યમાતામાં
શેરડીમાંથી રસ નથી નીકળતો એ ઘટના પછી માતા કહે છે કે,
'રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ’
નહિ તો ના બને આવું' બોલી માતા ફરી રડી
ખાંડ શેરડીમાંથી બને
છે અને આ ખાંડના ભાવ સરકાર નક્કી કરે છે. એટલે લોકોની ચામાંથી ખાંડ અને ખાંડમાં રસ
ઓછો થવા માટે સરકાર જવાબદાર છે. હા, ભાવવધારાથી લોકોને ખાંડમાંથી રસ ઉડી ગયો છે.
આજના દોરમાં દ્રોણ હોત તો એમની પત્ની બાળકને લોટનું દૂધ જ આપતી હોત, એ પણ ખાંડ
વગરનું, અને સમજાવતી હોત કે ‘ખાંડ ખાવાથી ડાયાબિટીસ થાય, પછી ડોક્ટર પાસે જવું પડે
અને ડોક્ટર ઇન્જીક્સન આપે, માટે આ મોળું દૂધ પી લે!’
wah maja padi gayi ane khaand ni ram kahaani vanchi ne ankho pan ughdi gayi ....maari nahi je loko idli chtni ni party rakhe chhe eni....
ReplyDelete