| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત, વાતની વાત | અધીર અમદાવાદી | ૨૮-૦૮-૨૦૧૧ |
અમદાવાદમાં આજ કાલ હેલ્મેટ બોલે તો ટોપાઓનું અને દેશભરમાં ટોપીઓનું માર્કેટ ખુલ્યું છે. હેલ્મેટ પહેરવાના નિયમના ચુસ્ત અમલની અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ફક્ત જાહેરાત થઇ તેનાથી ડરનાં માર્યા લોકોએ હેલ્મેટ ઉર્ફે ટોપો ખરીદવા ધસારો કર્યો છે. તો બીજી તરફ અણ્ણા હઝારેનાં જન લોકપાલ બિલ સંબંધિત આંદોલને જોર પકડતા અણ્ણા પહેરે છે તેવી ટોપીની ડિમાંડ વધી ગઈ છે. આ અણ્ણા પહેરે છે તે ટોપીને ગાંધી ટોપી કહે છે, પણ ગાંધીજી પોતે આવી ટોપી પહેરતા હતાં કે કેમ? એ લાખ રૂપિયાનો સવાલ છે. ના, કેબીસીમાં પૂછાયેલો હોય એવો લાખ રૂપિયાનો આ સવાલ નથી. અમે તો ગાંધીજીને ખાલી ફોટામાં જ જોયા છે. મોરારજી દેસાઈ, જવાહર લાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીનાં ટોપી પહેરેલા ફોટા પણ અમે જોયા છે, પણ ગાંધીજીનો આવી અણ્ણા ટાઈપ ટોપી પહેરેલો એક પણ ફોટો જોયો નથી ! તમે જોયો છે ?
એક જમાનામાં ગાંધી ટોપી સન્માનનીય હતી, અને એ ટોપી ગાંધીવાદી હોવાનું પ્રતિક બની ગઈ હતી. ટોપી પહેરતો હોય એ ગાંધી ચીંધ્યા માર્ગે ચાલે છે એમ મનાતું હતું. પછી કદાચ દરેક શહેરમાં ગાંધી રોડ બન્યા હોય એ કારણે કે ગમે તે અન્ય કારણે આ ગાંધી ટોપી ભુલાતી ગઈ. મોરારજીભાઈ દેસાઈ પછી છેલ્લા ત્રણ દાયકામાં કોઈ વડાપ્રધાને ગાંધી ટોપી પહેરી નથી. ભૂતપૂર્વ વડાપ્રધાન વી.પી. સિંઘ ટોપી પહેરતા પણ એ ટોપીમાં પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હોઈ એ ટોપી એમણે છોડવી પડી હતી. અને આટલા વર્ષો પછી અણ્ણા હઝારે ગાંધી ટોપીને પાછી ચલણમાં લાવ્યા છે. ઈશ્કીયા ફિલ્મમાં ગાળો બોલનાર અભિનેત્રી વિદ્યા બાલનથી લઈને આમ જનતા સુધીનાં ‘આઈ એમ અણ્ણા’ લખેલી ટોપી હવે ગર્વથી પહેરે છે. પણ આ ટોપીથી જે લોકોનો ગાંધી ચીંધ્યા માર્ગે ચાલતા હોવાનો ઈજારો હતો એ લોકો નારાજ થઇ ગયા છે, અને અણ્ણા ની ટોપી પાછળ ટીકા કરવા લાગ્યા છે!
પહેલાના સમયમાં તો ટોપી પહેરે તે ગાંધીજીનો અનુયાયી ગણાતો હતો એટલે ખાદીની ટોપીઓનું માર્કેટ ગરમ હતું. હવે તો ગરીબોનું કલ્યાણ કરનાર મોટા મોટા નેતાઓ ડીઝાઈનર કપડાં પહેરી ફરે છે, એટલે આજકાલ એવાં કપડાં ફેશનમાં છે. સદાબહાર ફિલ્મ અભિનેતા દેવ આનંદ પણ જાતજાતની ફેશનેબલ ટોપી પહેરવા માટે જાણીતા હતાં. દેવ આનંદની ‘ફંટુશ’ ફિલ્મ માટે સંગીતકાર આર. ડી. બર્મને માત્ર નવ વરસની ઉંમરે ‘એ મેરી ટોપી પલટ કે આ’ ગીત કમ્પોઝ કરી ટોપી એ માત્ર વસ્તુ જ નહિ પરંતુ એમાં પણ જીવ છે એવી કલ્પના કરી હતી. અને ત્રિદેવ ફિલ્મમાં ‘તીરછી ટોપી વાલે’ ગીત દ્વારા ટોપી ભૂલમાં વાંકી પહેરાઈ જાય તો પણ એને સ્ટાઈલમાં ખપાવી દેવાનો ઉચ્ચ પ્રયાસ પણ થયો હતો.
પણ ફેશન સિવાય પણ આ ટોપી ઘણી ઉપયોગી છે. અમે જોયું છે કે કૂકડાની લડાઈમાં હારેલા કૂકડાના પીંછા જેવા વાળ ગોઠવવા અમુક ટાલીયા લોકો કાંસકો સાથે લઇ ફરે છે. આવા લોકો ટાલ છુપાવવા માટે ટોપીનો ઉપયોગ કરી શકે છે. ટોપી પહેરનારનો વાળને કલપ કરવાનો ખર્ચો બચી જાય છે. જો ઘરમાં ટોપી પહેરો તો પત્નીના હાથમાં ખેંચવા માટે પહેલા ટોપી આવે છે, વાળ નહિ. ટોપી પહેરીને ઝાડ નીચે ઉપર બેઠેલાં પક્ષીઓની ચિંતા કર્યા વગર ઉભું રહેવાય છે. અને જો યુપીએના નેતાઓ ટોપી પહેરતા હોત તો બી.કે. હઝારેને જેલમાં નાખ્યાં પછી ઊભા થયેલા લોકજુવાળથી એમનાં માથાના વાળ જે અધ્ધર થઇ ગયા છે, એ કમસેકમ દેખાત તો નહિ !
આ ટોપી કાળક્રમે આઉટ ઓફ ફેશન થઇ ગઈ હતી. અને પછી કોઈને ઉલ્લુ બનાવવાનાં કાર્ય માટે ‘ટોપી આપવી’ જેવો શબ્દ પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. અને જે ટોપી આપે તેને ટોપીબાજના બિરુદથી નવાજવામાં આવવા લાગ્યો. ઇલેક્શન આવે એટલે નેતાઓ પોતાની જાદુઈ હેટમાંથી અનેક વાયદાઓ કાઢી આપે છે બદલામાં પ્રજા નેતાઓને મત આપે છે. આ વાયદાઓ પુરો કરવાનો સમય આવે એટલે નેતાઓ, કે જે હવે મંત્રી બની ગયા હોય છે તે, પ્રજાને ટોપી આપે છે. પ્રજા ટોપી મળવાથી ગુસ્સે થાય છે. પર અબ પછતાયે ક્યા કરે જબ વોટિંગ મશીન મેં પડ ગયા વોટ!
અમે નાના હતાં ત્યારે ઘણી વખત ટોપીવાળા અને વાંદરાંની વાર્તા વાંચી હતી. તમે પણ વાંચી હશે, તો પણ ફરી વાંચો. આળસુ ટોપીવાળો રોજની ટેવ મુજબ ભર બપોરે ઝાડ નીચે સુતો હોય છે. આ ઝાડ પર બહુ ખેપાની વાંદરાં બેઠા હોય છે. મોકો જોઈ આ વાંદરાં પોટલાંમાંથી ટોપીઓ ઉડાવી ઝાડ પર ટોપી પહેરીને બેસી જાય છે. ટોપીવાળો જાગીને જુએ છે તો ટોપીઓ દિસે નહિ, એટલે છેવટે સીબીઆઈ કે મીડિયાની મદદ વગર એ શોધી કાઢે છે કે આ તો નાલાયક વાંદરાઓનું કારસ્તાન છે. પછી ટોપીવાળો શું યુક્તિ કરે છે અને ટોપીઓ કેવી રીતે પાછી મેળવે છે તે ઘણું રસપ્રદ છે. આ વાર્તામાં ઊંઘતો ટોપીવાળો એ તો આપણે એટલે કે પ્રજા છીએ, ટોપી એટલે આપણી મહેનતનાં કમાયેલા રૂપિયા છે, ઝાડ એ સ્વીસ બેન્ક છે. અને વાંદરાં કોણ છે એ કહેવાની જરૂર તો અમને નથી લાગતી. પણ અંતે ખાધું પીધું અને રાજ કીધું જેવી સુખદ અંતવાળી આ વાર્તામાં ટોપીવાળાને ટોપીઓ પાછી મળશે કે કેમ એ અબજો રૂપિયાનો સવાલ છે! ■
GOD ONE TOO
ReplyDeleteSandip Patel
Wow!!! loved so much....Thanks..
ReplyDeleteThe last paragraph is...like...sone pe suhaga...super....
loved it ...!! :)
ReplyDeleteઝાડ એ સ્વીસ બેંક છે...
ReplyDeleteશુ વાત છે બધિર બાપુ...!