| અભિયાન | હાસ્યમેવ જયતે | ૦૬-૦૮-૨૦૧૧ | અધીર અમદાવાદી |
હોલિવુડની અભિનેત્રી મેરલિન મનરોની ‘સેવન યર ઇચ’ નામની ફિલ્મના સ્કર્ટ ઉડવાનાં ફેમસ દ્રશ્ય પરથી એક ચોવીસ ફૂટ ઊંચું સ્ટેચ્યુ હમણાં જ અમેરિકામાં ખુલ્લું મુકાયું છે. આમાં ઈચ એટલે ખણ અથવા ચળ. લગ્નજીવનનાં સાત વર્ષ પછી બીજો સાથી શોધવાની ચળ ઉપડતી હોવાનાં અમેરિકન સંશોધન પર આ ફિલ્મ આધારિત છે. ભારતીય સંસ્કૃતિમાં તો મા-બાપ છોકરાંઓને પડ્યુ પાનું નિભાવવાનું શીખવે છે એટલે લગ્નજીવન સાત વરસનું હોય કે સત્તાવીસ વરસનું, જીવનસાથી અને લગ્ન બંનેને ખણતા ખણતા નિભાવી લેવાય છે.
અમેરિકાની અને મેરેલિન મનરોની વાત જવા દઈ ખાલી ખણ કે ચળની વાત કરીએ તો ચળ પૈસા અને પ્રસિદ્ધિ બંનેની હોઈ શકે છે. અને એક શારીરિક ચળ હોય છે, જે મેડીકલ સાયન્સમાં દર્શાવેલા કારણો મુજબ આવે છે. આપણાં ત્યાં તો ચોમાસું આવે એટલે દાળવડા, છત્રી, તાડપત્રી, વોટરપ્રુફીંગ અને ડોક્ટરોની સિઝન જામે છે. અને વરસાદ પડે એટલે દેડકાઓ, પ્રેમીઓ અને કવિઓ હરખઘેલા થઇ જાય છે, અને બાકી બધાં પાણી અને પાણીજન્ય રોગોથી બચવા પ્રયત્નોમાં લાગી જાય છે. ચોમાસામાં ડોક્ટરોને સારી ઘરાકી જામે છે, ચર્મ રોગ નિષ્ણાતોને તો ખાસ. ચોમાસમાં ફૂગ, બેક્ટેરિયા અને ભેજને કારણે લોકોને ખંજવાળ બહુ ઉપડે છે. થોડાક લોકો આનો ઈલાજ કરાવે છે, જ્યારે બાકીના ખણે છે અને ખણને માણે છે.
આપણા ત્યાં આમેય ખણવાની આઝાદી છે. ગમે તે સ્થળે, શરીરનાં કોઈ પણ ભાગે, અને આજુબાજુ ગમે તેની હાજરી હોય તો પણ ખણી શકાય છે. ફિલ્મોમાં એક જમાનામાં દિલીપ કુમાર જેવા એક્ટર પણ ડાઈલોગ બોલતી વખતે નાક પર ખંજવાળતા જોવા મળતાં હતાં. જો કે જાહેરમાં આમ ખણવું એ ખરાબ ટેવ લેખાય છે, પણ ઘણાંને આની જાણકારી નથી હોતી. અમુક લોકો જાણવા છતાં દુર્યોધનનાં जानामि धर्मम् न च में प्रवृतिः/ जानामि अधर्मम्न च में निवृतिः, પ્રમાણે ખણવાની મીઠી પ્રવૃત્તિ પર રોક લગાવી શકતા નથી. આ ઉપરાંત પુરુષોના કિસ્સામાં તો દરજીઓને પણ આ જાહેર ખણન્ ક્રિયા માટે જવાબદાર ઠેરવી શકાય. જો દરજી ચુસ્ત કપડા સીવે તો એનાં કારણે વધારે ખણ આવે છે, અને જો એ ઢીલા કપડા સીવે તો ખણવા માટે હાથને ગમે ત્યાં પહોંચવા માટે સવલત ઉભી કરે છે. આમ એકંદરે ખણનાર તો ખણવાની મઝા માણી લે છે, પણ જોનાર ત્રાસી જાય છે.
આ ખણ આછી કે મીઠી હોય તો શરીર પર પીંછુ, સાડીનો છેડો, દુપટ્ટો જેવી હળવી વસ્તુ ફેરવવાથી મન આનંદિત થઇ ઉઠે છે. ખણ થોડી વધે એટલે ખણગ્રસ્ત માનવ નખનો ઉપયોગ ખણવા માટે કરે છે. આથી પણ વધારે માત્રામાં ખણ આવે તો ખણવા માટે વસ્તુઓના ઉપયોગ પર શાસ્ત્રમાં કોઈ નિષેધ નથી. એટલે જ પીઠ પાછળ ખણવા મહિલાઓમાં લાંબા કાંસકાનો અને મહિલા શિક્ષકોમાં ફૂટપટ્ટીનો ઉપયોગ પણ ઘણો પ્રચલિત થયો છે. અને આમ થવાથી ફૂટપટ્ટીનો ઉપયોગ ચિત્ર, ગણિત અને ફિઝીક્સનાં શિક્ષકો સુધી સીમિત ન રહેતા બાયોલોજી અને સમાજશાસ્ત્રનાં શિક્ષકો સુધી વ્યાપી ગયો છે. વિદ્યાર્થીઓ પણ શિક્ષકોનાં આમ પ્રત્યક્ષ નિદર્શનથી ખણવાનાં પાઠ વધારાની ફી ચૂકવ્યા વગર શીખી જાય છે. વાલીમંડળ પણ આ એકમાત્ર વાતથી શિક્ષકો પર ખુશ રહે છે.
ડાબેરી અને જમણેરી વ્યક્તિઓને સરખી ખણ જ આવે છે. આવું કોઈ સંશોધન નથી થયું, આ તો અમે એવું નોંધ્યું છે. જમણાં ખભા અને એ પાછળ પીઠના ભાગને ખંજવાળવા ડાબા હાથનો પ્રયોગ અને ડાબા ખભા અને એ પાછળનાં ભાગને ખણવા જમણાં હાથનો પ્રયોગ સર્વસામાન્ય છે. જો કે ખૂંધથી નીચેનાં પીઠના ડાબી બાજુનાં ભાગ માટે ડાબો હાથ અને જમણી બાજુ માટે જમણો હાથ પ્રયોજી શકાય છે. આ સિવાય શરીરનાં અન્ય ભાગ પર ખણવા માટે ડાબો કે જમણો કોઈ પણ હાથ પોતાની મુનસફી પ્રમાણે વાપરી શકાય છે. અસાધ્ય વસ્તુ સાધ્ય કરવામાં અનેરો આનંદ આવે છે, એ મુજબ શારીરિક રીતે જે પ્રદેશો હાથની પહોંચ માટે દુર્ગમ હોય ત્યાં ખણી આવવામાં પાક્કા ખણવીરો ઉત્તેજના અનુભવે છે, અને ખણ્યા બાદ તેમના ચહેરા પર ગર્વના ભાવો પણ જોઈ શકાય છે. પાતળા અને ફ્લેક્સીબલ શરીર ધરાવતાં વ્યક્તિઓ વજન ઉપરાંત ખણવામાં સુગમતા ધરાવતાં હોઈ અન્યો માટે ઈર્ષ્યાને પાત્ર બની રહે છે.
અમુક લોકોને બારમાસી ખણ આવે છે. સોમવારથી રવિવાર, પહેલી તારીખથી આખરી તારીખ, અને જાન્યુઆરીથી માંડીને ડિસેમ્બર સુધી એમની ખણનો વ્યાપ વિસ્તરેલો હોય છે. ખણ કદાચ ફરાળી પણ હશે એટલે શ્રાવણ માસ, સોમવાર જેવા ઉપવાસના દિવસોમાં પણ આવે છે, અને ખણપીડિત જણ ખણી શકે છે. ખણવાનો સામાન્ય અનુભવ ધરાવતાં લોકોને પણ ચોમાસામાં ખણવાનો ફાયદો તો ખબર જ હશે. ભેજનાં અભાવે શિયાળામાં ખણવાથી ચામડી પર જે સફેદ લીટા પડે છે, તેવાં લીટા ચોમાસામાં નથી પડતાં. આથી જ શિયાળામાં ક્રીમ અને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી ખણનાં નિશાન મીટાવવા ખર્ચો કરવો પડે છે, તેવો ખર્ચ ચોમાસામાં નથી કરવો પડતો.
■ ■ ■
ખણનું પણ પોતાનું એક શાસ્ત્ર છે. અમે તો માનીએ છીએ કે ખણવું એ શાસ્ત્રીય સંગીત જેવું છે. જેમ શાસ્ત્રીય ગાયકીના ખયાલ, ઠુમરી, ટપ્પા, ધ્રુપદ-ધમાર જેવા પ્રકારો હોય છે એમજ ખણવાનાં પણ પ્રકારો હોય છે. શાસ્ત્રીય ગાયકીમાં ઉસ્તાદ ગવૈયાઓ વિલંબિત લયમાં જેમ આરોહ-અવરોહ અને પક્કડના સ્વરો દ્વારા રાગનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે પછી મધ્યલયમાં વિસ્તાર કરે છે બરોબર એમ જ પ્રખર ‘ખણુપ્રસાદ’ યાદવો પહેલા તો ચળવાળા વિસ્તાર ને હળવે હળવે પંપાળીને ચળનું કેન્દ્ર સ્પષ્ટ કરે છે અને ત્યાર બાદ પંપાળવા ઉપરાંત ક્યારેક નખ અને ક્યારેક હળવી ચુંટલી દ્વારા એનો વિસ્તાર કરે છે. રાગનું અંતિમ ચરણ જેમ દ્રુતલયમાં તબલાની સંગત સાથે ચરમ સીમાએ પહોચે છે એમ જ કાસકો અને ફૂટપટ્ટી જેવા વાદ્યો, સોરી, સાધનો ખાણવાની પ્રક્રિયાને ચરમસીમાએ પહોચાડે છે! આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન તમે ધ્યાનથી જોશો તો શાસ્ત્રીય ગાયક અને આપણા ખણુપ્રસાદ યાદવના ચહેરા પર આનંદની અનુભૂતિનાં ભાવ એકસરખા દેખાશે!
જોકે શાસ્ત્રીય સંગીતને માણવા માટે તો ખાસ સમય કાઢીને બેસવું પડે છતાં જો ટૂંકમાં એનો આસ્વાદ કરવો હોય તો ઠુમરી સંભાળવી એવું જાણકારો કહે છે. તો ખુજલીનો એક પ્રકાર ઠુમરી જેવો છે. માખી બેસવાને કારણે, મચ્છર, માંકડ અથવા એવી બીજી જીવાત કરડવાને કારણે આવતી ખંજવાળ એ ઠુમરી જેવી છે. તરત દાન અને મહાપુણ્યની જેમ જીવડું કરડ્યું નથી અને ખણ્યું નથી! બજારમાં મળતાં નુડલ જેવી ઇન્સ્ટન્ટ ખુજલી! બસ ખુજાતે રહો!
ધ્રુપદ અને ધમાર જેમ સંગીતના સહુથી જુના પ્રકાર ગણાય છે એમ જ જુના ચર્મરોગના કારણે આવતી ખંજવાળ એ ખંજવાળનો સૌથી જુનો પ્રકાર છે. અને પાછો અઘરો પણ છે. સાધકે આ પ્રકારને માણવા માટે સજ્જતા કેળવવી પડે છે. ધીરજ પણ એટલીજ જરૂરી છે. જરા સરખી ઉતાવળ થઇ જાય તો સાધક ઇજા પણ પામી શકે છે. આ પ્રકારની ગાયકીની જાણકારી આજકાલ બહુ ઓછા લોકો ધરાવતા હોય છે એવું જ કંઈક સ્ટીરોઇડ અને એન્ટીબાયોટીક્સના જમાનામાં આવા ચર્મરોગોનું છે. મુ. શાહબુદ્દીનભાઈ રાઠોડના શબ્દોમાં કહીએ તો 'આજકાલ માણહું ને ક્યાં એવી ખહું થાય છે તે ખણે'!
માથામાં થતા ખોડા ને કારણે આવતી ખંજવાળ એ ગુજરાતી સુગમ સંગીત જેવી છે - સૌને સુલભ! એને માણવા માટે કોઈ મોટ્ટા ચર્મરોગના ભોગ બનવું જરૂરી નથી. વાળની સંભાળ બાબતે બેદરકાર રહી આ પ્રકારને માણી શકાય છે. જોકે ગંભીર વિચારોમાં મશગુલ કેટલાક લોકો પણ માથું ખંજવાળી લેતા હોય છે પણ એ વખતે તેઓનું મગજ વિચારોમાં વ્યસ્ત હોઈ ખણવાના ખરા આનંદથી તેઓ વંચિત રહી જાય છે!
અળાઈઓ એ ખણનું ‘કોરસ સિંગિંગ’ (વૃંદગાન) જેવું છે કારણ કે એમાં મોટા વિસ્તારમાં અલગ અલગ કેન્દ્રો પર વિવિધ માત્રામાં આવતી ખંજવાળને એક સાથે સંતોષ આપવાનો હોય છે. આ માટે સાધકે વૃંદગાન કે સિમ્ફની ઓરકેસ્ટ્રાના સંચાલક કે કંડક્ટરની ભૂમિકા ભજવવી પડે છે. અને એ માટે સાધનો પણ અલગ પ્રયોજાય છે. ઓરકેસ્ટ્રાનો કંડક્ટર ગાયકો/સાજીંદાઓ ને દોરવણી આપવા માટે જે નાનકડી લાકડી વાપરે છે એ ખંજવાળનો વ્યાપ જોતા નાની પડે એ દેખીતું છે, માટે જ ગાય કે ગધેડાની જેમ શરીર ભીંત સાથે ઘસીને ખંજવાળનો જથ્થાબંધ ઉપાય કરાય છે. ને આવો પાર્ટી કે શુભ પ્રસંગ જેવો ખણનો મોટ્ટો ઓર્ડર હોય તો ક્યારેક બીજી વ્યક્તિની મદદ લેવી પડે તો લઇને પણ કામ પાર પાડવું જોઈએ એવું આ લખનારનું માનવું છે. વળતા વ્યવહારમાં સામેની વ્યક્તિ ને જરૂર પડતાં તમે ખણવાની સેવાઓ માટે હાથ લંબાવી શકો છો. જેને ‘એક બીજાનો બરડો ખંજવાળવો’ કહે છે, એવી આ પ્રવૃત્તિ ગુજરાતી સાહિત્યકારોમાં પણ વર્ષોથી ઘણી પ્રચલિત છે.
■ ■ ■
એકબીજાને ખણવાની વાત હોય કે પછી પોતે પોતાને ખણવાની, આ ક્રિયા ચિત્ત માટે સદા પ્રિયકર બની રહે છે. પગ પર પગ ચઢાવીને બેઠા પછી પોતાની આંગળીઓથી પોતાનાં જ પગને તળિયે ખણતો માનવ ધીરેધીરે ખણની આદતનો શિકાર બની જાય છે. રોગની સારવાર ડોક્ટર કરે પણ ટેવની સારવાર માટે મનોચિકિત્સક પાસે જવું પડે છે, જેમ દારુ છોડવા લોકો જાય છે એમ જ. આમ તો લોકો કુટેવો છોડવા કે છોડાવવા માટે બાધા પણ રાખે છે. કોઈ આઈસ્ક્રીમ નથી ખાતું તો કોઈ તમાકુ. કોઈ ભાત છોડી દે છે તો કોઈ ગર્લફ્રેન્ડ. આમાં મૂળ વાત પોતાને પ્રિય વસ્તુ ત્યજવાની વાત છે અને ખણ પણ એક પ્રિય પ્રવૃત્તિ હોવાં છતાં હજુ સુધી કોઈએ ખણવાની બાધા રાખી હોય તેવું આ લખનારનાં ધ્યાનમાં નથી આવ્યું. તો સર્વે અંધશ્રદ્ધાળુ લોકોને એક વરસ ખણવાની બાધા રાખી આપણી પ્રિય ખણને અગત્યનો દરજ્જો અપાવવા નમ્ર વિનંતી છે. ■
સહુ થી વધુ રચનાત્મક અને વ્યંગ આ હાસ્ય લેખમા જણાયા...અત્યાર સુધીનો બેસ્ટ લાફ્ટર આર્ટીકલ..ધાર તેજ થઈ રહી છે..આગળ જતા પ્રોગ્રેસ ટપકવાની જરૂર...!
ReplyDeleteસાહેબ ,,,,,, ખરેખર બધાને ખણ આવે જ છે ,,,,,
ReplyDeleteસરસ છે સાહેબ , ઘણા દિવસો પછી ક ઈ ક સારું વાચવા મળ્યું ,,,,,આભાર
just superb... eni maa ne, aavu lakhavano strot ane samay kaadho chho kyaathi?.... ane magaj ma khan vishe no next article aave eni raah jou chhu:-):P
ReplyDeletemaney khan aavava laagi vaanchine. mast article chhe!
ReplyDelete