Wednesday, August 10, 2011

લાકડે માંકડું !

| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | અધીર અમદાવાદી | ૦૭-૦૮-૨૦૧૧ |


સ્વયંવરમાં જેને હાર પહેરાવ્યો હતો એની સાથે પાછળથી મતભેદોને કારણે ન પરણનાર રાખીનાં એડ્રેસ પર એક કવર અને એક પોસ્ટ કાર્ડ હમણાં આવ્યા હતાં, જે એણે વાંચ્યા ન વાંચ્યા અને ફેંકી દીધાં હતાં. આ પત્રો વાયા અમારા કઝિન જૈમિન જાણભેદુ અમારી પાસે પહોંચ્યા છે, જે સીધાં અહિ રજુ કરીએ છીએ. પત્ર લખનારનું નામ નીચે લખ્યું છે એટલે પહેલેથી જણાવતો નથી.

કુ. રાખી,
ભારતીય સંસ્કૃતિની ઉચ્ચ પરંપરા મુજબ જયારે તમારા સ્વયંવરની ખબર અમારી પાસે આવી ત્યારે અમે પ્રસન્ન થઇ ખુદ સ્વયંવરમાં ભાગ લેવા આવવાનાં હતાં, પણ એ વખતે એક વીઆઈપી બેચ આવી જતાં અમે સ્વયંવરમાં ભાગ લઇ શકયા નહોતા, નહિતર એ સ્વયંવરનો ઇતિહાસ કૈક જુદો હોત. ખેર, જે થયુ નથી એની વાત શું કામ કરીએ? વાત એની કરીએ જે થઇ રહ્યું છે.

અમારી અને અમારા આશ્રમોની સંપત્તિ જાહેર થઇ એનાં અઠવાડિયામાં અમારી સાથે લગ્ન કરવાનો તમારો ઈરાદો અખબારો અને ટીવીના માધ્યમથી સાંભળ્યું ત્યારથી ધબકારા તેજ અને બ્લડ પ્રેશર વધી ગયું છે. અમે કપાલ ભારતી કરીને એને નીચું લાવવા કોશિશ કરી, પણ મામલે યોગ કામ આપી રહ્યો નથી એવું પ્રતીત થાય છે. આશ્રમમાં પણ આજકાલ સંસ્કાર અને ભક્તિ ચેનલને બદલે શિષ્યોનો ઝુકાવ એમ ટીવી તરફ વધ્યો છે, અને એટલે સવારે ભજનને બદલે આઇટમ નંબર સંભળાય છે. અને હવે તો અમુક ભાવકો યોગની સાથે સાથે ડાન્સના પેકેજની પણ માંગણી કરી રહ્યા છે.

બાલિકે, કોઈ પણ સફળતા વિના તપ કર્યે, વિના સંઘર્ષ કર્યે મળતી નથી. અને સંઘર્ષ વગર મળેલું કશું પણ અમને સ્વીકાર્ય નથી. અને અમારો સંઘર્ષ અત્યારે દેશના ૩૦૦ લાખ કરોડ સ્વીસ બેંકમાં છે તે પાછાં લાવવા માટે છે. એ પાછાં લાવવા અમે અમારા ૧૧૦૦ કરોડ પણ દાવ પર લગાડી દીધાં છે, જે તમારી જાણ સારું. આમ, તો આ ધન અમે યોગની અસંખ્ય બેચીઝ અને ઔષધોની લાખો બાટલીઓ વેચીને ભેગું કર્યું છે, પણ  દિવસના ઉપવાસ પછી બાર સરકારી એજન્સીઓ અમારા આ ધનની પાછળ પડી ગઈ છે, તો એ ધનને ધ્યાન પર લીધા વગર શુદ્ધ મનથી નિર્ણય કરી જણાવ બાલિકે, શું ખરેખર અમારી સાથે લગ્ન કરવામાં તમને રસ છે ?

ઇન્કમ ટેક્સ અને સીબીઆઈ વાળાએ હિસાબોની સાથે સાથે કોરા કાગળ પણ છોડ્યા નથી, એટલે આ પોસ્ટ કાર્ડ લખ્યું છે, હવે લખવા માટે જગ્યા બચી નથી તો કાગળ પુરો કરું છું, વળતી ટપાલે ખુલાસો કરજે,

લી.
બાલિકે તારા માટે માત્ર
રામદેવ (બાબા નહિ)
■■■

ડિયર મિસ. ­રાખી જી,
મીડિયા અને અન્ય માધ્યમોથી તમે અમારી સાથે લગ્ન કરવા ઉત્સુક છો એવું જાણ્યું. આપનો આભાર. મમ્મી અને દીદી પણ કહે છે કે લગ્ન કરી લે તો બધા નજર નાખતા અટકે, પણ અમારા અનુભવી મિત્રો અને શુભેચ્છકોનું માનવું છે કે સંસાર ચલાવવા કરતાં દેશ ચલાવવો સહેલો છે, એટલે હાલ અમે દેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  

પણ તમને એ જણાવી દેવાની અમારી ફરજ છે કે ભારત દેશ અત્યારે ઘણાં સંકટોનો સામનો કરી રહ્યું છે. આમાં મુંબઈના બોમ્બ વિસ્ફોટ જેવી નાની મોટી ઘટનાઓની તો અમે વાત નથી કરતાં. અમે ગરીબીની વાત કરીએ છીએ. આમ જનતા યાનિ કે મેંગો પીપલની વાત કરીએ છીએ. તમને ખબર તો હશે કે અમે અમેરિકામાં અભ્યાસ કર્યો હતો, એટલે કે અમે અભ્યાસ અર્થે ત્યાં ગયાં હતાં. અને હવે કોઈ મોટું પદ લેતાં પહેલા અમે ભારતમાં ગરીબીનો અભ્યાસ કરી રહ્યા છીએ. અમે ખેતરોમાં જઈએ છીએ, કૂવામાંથી જાતે પાણી ખેંચીએ છીએ, અને ઝૂંપડામાં રાત વિતાવીએ છીએ. તમને જો એમ લાગતું હોય કે અમે આ બધું પબ્લિસિટી માટે કરીએ છીએ, અને એટલે આપણી બેઉની બરોબર જોડી જામશે, તો એ ખોટું છે. માટે પહેલા એ વિચારો કે શું તમારો કુમળો દેહ આ બધાં કષ્ટ ૨૦૧૪ સુધી સહન કરી શકશે ?

વધુમાં જણાવવાનું કે અમને ફિલ્મમાં ખાસ રસ પડતો નથી. હા, અમિત અંકલ જોડે અમારે જુના સંબંધો હતાં, પણ અમે નાના હતાં એ વખતે ઘરમાં હિન્દીનું ચલણ નહોતું એટલે હિન્દી ફિલ્મો જોતા નહોતા. અને હિન્દી ફિલ્મ જોતાં નહોતા એ કારણથી પાછું હિન્દી કાચું રહી ગયું. અમને તો એવું પણ જાણવા મળ્યું છે કે ગુજરાતમાં તો છોકરાઓ સ્કુલ કરતાં હિન્દી ફિલ્મો અને સિરીયલોમાંથી વધુ હિન્દી શીખે છે.

પણ તમે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં એક સન્માનનીય ડાન્સર છો. જ્યારે અમને અહિ મોંઘવારી નચાવી રહી છે, અને એમાં પાછા મન અને શરદ અંકલ તોઅમારા હાથમાં કશું નથીકહી હાથ ઊંચા કરી દે છે, અને પેલા દિગ્ગી અંકલ બધુ બાફયા કરે છે એટલે ૨૦૧૪નો વિચાર કરીને બધી જવાબદારી મારે માથે પડે છે. તો તમે વિચારો કે આવા સંજોગોમાં લગ્ન વિષે અમે કઈ રીતે વિચારી શકીએ ?

પરંતુ તમે અમારી અને અમારી પાર્ટી તરફ આટલો સ્નેહ દર્શાવ્યો છે એટલે એની કદર કરીને તમારી આ લગ્નની ઓફર અમે અમારા સીનિયર નેતા એન.ડી. તિવારીજીને ફોરવર્ડ કરીએ છીએ, તો આગળનો પત્ર વ્યવહાર એમની સાથે કરવા વિનંતી.
લી.
રાહુલ ગાંધી (એફપીએમ)

3 comments:

  1. vah vah vah............superb!!!!!!!!!!! completely true

    ReplyDelete
  2. Well try, But could have been better with your peculiar punch lines...as such I am a fan of Rakhi & Ramdeo...an Exhaust Fan..
    Pankaj dot gandhi

    ReplyDelete