Saturday, August 06, 2011

સરકારી કામોનું ધક્કા શાસ્ત્ર


| દિવ્ય ભાસ્કર ડોટ કોમ | અધીર અમદાવાદી | ૦૪-૦૮-૨૦૧૧ |

તમે જિંદગીમાં ધક્કા તો ખાધા હશે. સરકારી ઓફિસ, કોર્પોરેશન, બેન્કો, અરે સરકારી ઈજનેરી કોલેજના કલાર્ક પણ જ્યારે સામે લાઈન લાગે ત્યારે શહેનશાહ અકબર બની જાય છે, અને લાઈનમાં ઉભા રહેનાર શ્રાવણ મહિનામાં મંદિર બહાર ભિખારી હોય તેમ વર્તે છે. તો અમે જિંદગીમાં જે ધક્કા ખાધા છે, તેનાં અનુભવોનો નિચોડ અને કચેરીમાં મળતાં અમુક સ્ટાન્ડર્ડ જવાબો અમે અહિ રજુ કર્યા છે. અમારું માનવું છે કે તમારો અનુભવ ખાસ જુદો નહિ જ હોય !
1.       પહેલા ધક્કામાં કોઈ કામ થતું નથી.
2.       બીજાં ધક્કામાં પણ કામ નથી થતું.
3.       ત્રીજા ધક્કા પછી, તમને કુદરત ધક્કા ખાવાની ખાસ શક્તિ આપે છે.
4.       એક દિવસ તમને લાઈનમાં એક કાકો મળશે, જે આ જ કામ માટે નવમી વાર ધક્કો ખાતો હશે. એને મળીને તમને તમારું દુખ હળવું લાગશે.
5.       તમે શુક્રવારે અરજી આપવા ગયાં હશો તો જાણવા મળશે કે અરજી ખાલી ગુરુવારે જ સ્વીકારાય છે.
6.       તમે બપોરે ૧-૩૦ વાગ્યે પહોંચશો તો પૈસા ભરવાનો સમય એક વાગ્યા સુધીનો હશે.
7.       જો તમે માત્ર ફોટોકોપી લઈને ગયાં હશો તો એ ટ્રુ કોપી માંગશે.
8.       તમે ટ્રુ કોપી લઈને ગયાં હશો તો ઓરીજીનલ માંગશે.
9.       જો તમે ઓરીજીનલ સર્ટીફીકેટ અને ફોટો કોપી લઈને ગયાં હશો તો એ ટ્રુ કોપી માંગશે.
10.   તમે ટ્રુ કોપી, ઓરીજીનલ અને ફોટો કોપી બધું લઈને ગયાં હશો તો ક્લાર્ક એમ કહેશે કે ‘આ કશાની જરૂર નથી’
11.   અરજી બ્લુ પેનથી સહી કરી હશે, તો સહી કાળી પેનથી કરવાની હશે.
12.   સહી કાળી પેનથી કરી હશે, તો અરજદારે સાહેબની રૂબરૂમાં સહી કરવાની હશે. અને અરજદાર તમે પોતે નહિ જ હોવ.
13.   જે દિવસે તમે ઉપવાસ કર્યો હશે, એ દિવસે લાઈન લાંબી હશે.
14.   અને લાઈનમાં તમારો નંબર આવશે ત્યારે જ લંચ બ્રેક પડશે.
15.   પણ બારી પર ફોર્મ લેનાર બારી બંધ કરીને ત્યાં જ બેસી રહેશે, કારણ કે એ તો ઘેરથી જ લંચ લઈને આવ્યો હશે. તમને વિચાર આવશે કે ‘આ ઇડીયટ લંચ લેતો નથી અને નવરો જ બેઠો છે તો ફોર્મ કેમ લઇ ન શકે ?’
16.   ‘એક જણને એક જ ફોર્મ મળશે’
17.   ‘છુટો રૂપિયો લઇ આવો’
18.   ‘આ ફોટો નહિ ચાલે, નાનો સ્ટેમ્પ સાઈઝનો ફોટો લઇ આવો’
19.   ‘એના માટે તો સાહેબને મળવું પડે’.
20.   ‘સાહેબ અત્યારે મીટીંગમાં છે’.  
21.   ‘સાહેબ ત્રણ દિવસ રજા ઉપર છે’
22.   ‘નવા સાહેબ બહુ ચીકણા છે’
23.   ‘આ જેની અરજી છે એમણે રૂબરૂમાં આવવું પડશે’
24.   ‘આ ફોર્મ તો જુનું છે, નહિ ચાલે, હવે નવા ફોર્મ આવી ગયાં છે’
25.   ‘નેક્સ્ટ’

(મરફીના સિદ્ધાંતો પર આધારિત)

4 comments:

  1. Swami Adhiranand ji,
    Tamaru gyan sampurn satya chhe. Aflatoon ! Hamana ekad athavadiya thi, tamara lakhan taraf dhyan gayu ane ek saras darajjedar hasya kavi-lekhak ne kayam vanchava malase teno anand thayo. Tamari Shailee vishishta chhe. Khub Sarar.. Maja aavi.

    Maya jal maa fasayelo Bharatvasi Sansarik ke Sanyasi, koi ne pan aa besharam sarakari karmachario chhodata nathi.

    Darek nagarik ne bhrastachaar nadato nathi, jyan sudhi te vyaktigat rite teno shikar na thay. Etlun j nahi, darek sarkari karmachari e pote potani faraj pramanik pane bajavavi nathi, ane tantra sudharvun chhe.

    Bhagwan bachaye aa nalayako thi..

    Dinesh Shethia

    ReplyDelete
  2. (મરફીના સિદ્ધાંતો પર આધારિત) hahaha...

    Office Office yaad aavi gayu...

    ReplyDelete