Friday, July 22, 2011

કેટલીક અવનવી સજાઓ


| દિવ્ય  ભાસ્કર ડોટ કોમ | ૨૨-૦૭-૨૦૧૧ |
http://www.divyabhaskar.co.in/article/GUJ-gujarati-article-on-different-type-of-punishments-by-adhir-amdavadi-2282079.html?HF-26 

હમણાં અમદાવાદનાં છાપામાં એક જ દિવસમાં બે સમાચાર અવનવી સજા વિશેના ચમક્યા હતાં. એક સ્કુલમાં વિદ્યાર્થીને સજા તરીકે ફૂલ-ઝાડને પાણી પીવડાવવાની સજા કરી હતી તો એક સરકારી કચેરીમાં કામમાં ભૂલ થાય તો એ કર્મચારીએ બીજા કર્મચારીઓને ૧૦૦ રૂપિયાની પાણીપુરી ખવડાવવાની સજા કરી હતી. પણ જો આવી સજાઓનો સીલસીલો ચાલુ રહે તો ભવિષ્યમાં જુદાજુદા લોકોને કેવી અવનવી સજા કરી શકાય તે જુઓ.

રીક્ષા ડ્રાઈવર : એના બે પગ પેલા ગધેડાની જેમ બાંધી દેવાના, એટલે એ સાઈડ બતાવવા માટે પગ રિક્ષાની બહાર ન કાઢી શકે.
પાણીપુરી વાળો : એને પગથી કચડીને બાંધેલા લોટની સો પાણીપુરી ખાવી પડે. એમાં પાણીપુરીનું પાણી પાછું પેલા પૂણે વાળા ભૈયાજી છાપ લોટામાં (જેમાં એ પેશાબ કરતાં પકડાયો હતો) કાઢી અને પછી પુરીમાં ભરવું. આટલું જ નહિ જો પાણીપુરી વાળો વધારે દોષમાં આવે તો એને એક અઠવાડિયા સુધી મહિલાઓને પાણીપુરી આપવા પર પ્રતિબંધ પણ મૂકી શકાય.
રેડિયો જોકી :  એને બીજા વધારે બોરિંગ આરજે નો શો ફરજીયાત સાંભળવાની સજા કરી કરાય.
બુટ-ચંપલનો સેલ્સમેન : એને એક અઠવાડિયા સુધી ચંપલ વાળીને બતાવવા અને ચંપલ ઉછળીને ગોળ ફેરવવા માટે મનાઈ કરાય.
કડીયો : એને એક અઠવાડિયા સુધી ખીચડી કે શીરો લેલાથી મ્હોમાં મારીને ખાવાની સજા કરાય. ભફ્ફ્ફ્ફ !
કવિ : સવારના કોયલનો ટહુકો ન સાંભળે ત્યાં સુધી પ્રાત: ક્રિયા કરવી નહિ, અને ક્રિયા કર્યા પછી ફક્ત ઝાકળથી જ પૃષ્ઠ પ્રક્ષાલન કરવું.
પુજારી : પહેલા એને જુલાબ આપવાનો. અને જુલાબની અસર શરુ થાય એટલે શંખ વગાડવાની સજા કરવાની.
ટ્રાફિક પોલીસ : એને લગ્નનાં ભોજન સમારંભમાં કાઉન્ટર પરના ટ્રાફિક નિયંત્રણમાં લગાડી દેવાનો. 
સરકારી ક્લાર્ક : એને કુંભમેળામાં સુલભ શૌચાલયનાં કાઉન્ટર પર રૂપિયો ઉઘરાવવા માટે બેસાડી દેવો. 

અને અમુક મહારથીઓને સજા ...
મલ્લિકા શેરાવત: એક વર્ષ બુરખો પહેરી ને ફરવાની સજા!
રાખી સાવંત: એક વર્ષ બુરખો પહેરી ને ફરવાની સજા ઉપરાંત મૌન પણ રહેવાનું! એટલે બુરખામાં કોણ છે એ ખબર પણ ન પડે!
બાબા રામદેવ: પાકિસ્તાની લશ્કરને ભાગવાની ટ્રેનિગ આપવા માટે મોકલવા!
દિગ્વિજય સિંહ : એક મહિનો ચુપ રહેવું અને કોઈની ચમચાગીરી ન કરવી.
શશી થરૂર : ટ્વીટર પર પ્રતિબંધ.
દેવ આનંદ : નવી ફિલ્મમાં વહીદા રહેમાન કે આશા પારેખ જેવી જૂની હિરોઈન સામે ચમકવાનું
જયલલિતા : એકના એક ચંપલ એક મહિના સુધી પહેરવા.
મમતા બેનરજી : જયલલિતાના વોર્ડરોબમાંથી એક મહિના સુધી રોજ નવી જોડી કપડા અને પગરખા પહેરવા.
કપિલ સિબ્બલ : બાબા રામદેવની લંગોટી ધોવી. પછી ઈસ્ત્રી પણ કરવાની !
સોનિયા ગાંધી: લાલ કીલ્લા પરથી માખનલાલ ચતુર્વેદીની 'પુષ્પ કી અભિલાષા...' કવિતા ગાવાની સજા!
લાલુ પ્રસાદ યાદવ: પ્રેસમાં છવાઈ જવા માટે જે કરતા હતા તે બધું જ - ભેંસ પર બેસવાનું, વાળ કાપવાના, ભેસ દોહવાનું કામ - રોજ કરવાનું!
મનમોહન સિંહ : બધા નિર્ણયો જાતે જ કરવા. ઘરમાં શાક કયું બનાવવું એ પણ એમણે જ કહેવાનું.
નમો : ‘સાડા પાંચ કરોડ’ બોલવા પર પ્રતિબંધ

અને છેલ્લે
રાહુલ ગાંધી : કેટરિના સાથે ઘડિયા લગ્ન કરી લેવા.

ના બોસ, આ સજા તો ન કરાય આમાં તો ગાંધી કુટુંબને જ ફાયદો થાય. હાસ્તો વળી, હિન્દીના એક જ ટીચર રાખવા પડે એટલે જથ્થાબંધના ભાવમાં કામ થાય ને !  

2 comments:

  1. મજા આવી ગઈ... ખાસ કરી ને આ બધામાં...

    કડીયો : એને એક અઠવાડિયા સુધી ખીચડી કે શીરો લેલાથી મ્હોમાં મારીને ખાવાની સજા કરાય. ભફ્ફ્ફ્ફ !
    કવિ : સવારના કોયલનો ટહુકો ન સાંભળે ત્યાં સુધી પ્રાત: ક્રિયા કરવી નહિ, અને ક્રિયા કર્યા પછી ફક્ત ઝાકળથી જ પૃષ્ઠ પ્રક્ષાલન કરવું.
    પુજારી : પહેલા એને જુલાબ આપવાનો. અને જુલાબની અસર શરુ થાય એટલે શંખ વગાડવાની સજા કરવાની.
    મનમોહન સિંહ : બધા નિર્ણયો જાતે જ કરવા. ઘરમાં શાક કયું બનાવવું એ પણ એમણે જ કહેવાનું.
    નમો : ‘સાડા પાંચ કરોડ’ બોલવા પર પ્રતિબંધ

    ReplyDelete