Tuesday, July 26, 2011

જવાબ વગરના સવાલો


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | ૨૪-૦૭-૨૦૧૧ |
‘રાઈટ ટુ ઇન્ફર્મેશન’ તો મહાભારત સમયમાં નહોતું છતાં મહાભારતમાં અજ્ઞાત વાસ શરુ થવાનો હતો એ સમયે પાંડવોને સરોવરમાં પાણી પીવા જતી વખતે યક્ષ મળ્યો હતો જેણે પ્રશ્નો પૂછીને યુધિષ્ઠિર સિવાયના ચાર પાંડવોને ઢાળી દીધા હતાં. આ પ્રશ્નો ઓબ્જેક્ટીવ બોલે તો હેતુલક્ષી પ્રકારનાં નહોતા એટલે ચાર પાંડવોએ તો યક્ષનું પ્રશ્નપત્ર જોવાની જ તસ્દી જ નહોતી લીધી. માત્ર યુધિષ્ઠિર ધીરજવાન હતાં કે જેમણે તરસ લાગી હોવા છતાં યક્ષના પેપરને સોલ્વ કર્યું હતું. પછી તો યક્ષે ખુશ થઈને પાંડવોને સજીવન કર્યા અને શિખામણ આપી રવાના કર્યા હતા. આજકાલ જોકે જવાબો કરતાં પ્રશ્નો મહત્વના થઈ ગયાં છે. રાઈટ ટુ ઇન્ફર્મેશન હોય કે લોકસભા કે વિધાનસભામાં પુછાતાં પ્રશ્નો. સામાન્ય રીતે જવાબ આપવાથી નવા પ્રશ્નો ઉભા થાય એવા પ્રશ્નો પૂછવાથી જ જવાબ આપનારની પરીક્ષા થઈ જાય છે. અને પ્રશ્ન પૂછનારનું અડધું કામ તો પ્રશ્ન પૂછવાથી જ પતી જતું હોય છે!

બાકી પરીક્ષામાં પ્રશ્નો પૂછી માસૂમ વિદ્યાર્થીઓનો જીવ લેનાર માસ્તરોનો પોતાનો જીવ વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછીને ખાઈ જતાં હોય છે. અમારી કૉલેજમાં એક કેસી સર કરીને હતાં જેમને છોકરાંઓ જાણી જોઈને સવાલ કરતાં, અને કેસી સર એટલાં સિન્સિયર કે એ સવાલનો જવાબ આપે જ, ભલે પછી એ જવાબ આપવામાં આડા પાટે ચઢી જવાય. જોકે બધાં પ્રોફેસરો પુછાયેલા સવાલોના જવાબ આપે જ તે જરૂરી નથી. અમુક પ્રોફેસરો પ્રશ્ન પૂછવાથી ગૂંચવાઈ જાય છે, અને જો એ દાખલો સોલ્વ કરતાં હોય તો એમણે કોમ્પ્યુટરની જેમ રીસ્ટાર્ટ થવું પડે છે. રાહુલ દ્રવિડની જેમ સ્ટમ્પની બહાર જતાં બોલને અડતો નથી, તેમ અમુક પ્રોફેસરો આડાઅવળાં સવાલોનાં જવાબ આપતા નથી. તો અમુક પ્રોફેસર એ સમજવું હોય તો રીસેસમાં રૂબરૂ મળએવી ગર્ભિત ધમકી પણ આપે છે, જેથી પેલો છોકરો રીસેસમાં અને એ પછી મોટેભાગે આખો દિવસ પ્રોફેસરની રેન્જમાંથી અદ્રશ્ય જ થઈ જાય છે. પણ જો કોઈ પ્રોફેસર અમારા જેવા હોય તો એ પ્રશ્ન પૂછનારને જ સામો પ્રશ્ન પૂછીને કન્ફયુઝ કરી નાખે છે!

રેલ્વેમાં અને સરકારી વિભાગોમાં પ્રશ્નોનાં જવાબ આપવા પૂછપરછનામની બારી હોય છે. અમુક વખતે તમે સરકારી મકાનમાં પ્રવેશો તો પૂછપરછલખેલી બારી કરતાં પહેલા તમને અહિ પૂછપરછ કરવી નહિતેવી બારી જોવા મળે છે. પછી થોડા ફાંફા મારો એટલે પૂછપરછની બારી જડે. આવી પૂછપરછકરવાની બારી પર જવાબ આપવા ખૂબ જ ધીરજવાળી વ્યક્તિને બેસાડી હોય છે. આવી બારીઓ પર સામાન્ય રીતે લાઈન લાગેલી જોવા મળે છે. લાઈનમાં  પૂછપરછ કરનાર લોકો બે પ્રકારના હોય છે. એક, કે જેમને ફુરસદ જ ફુરસદ હોય છે એટલે કબજિયાતના દર્દીની જેમ એ ખૂબ જ શાંતિથી પૂછપરછ કરે છે. અને બીજા, કે જે અતિસારનાં દર્દી જેવા હોય છે કે જેમને ખૂબ ઉતાવળ હોવાથી આગળ વાળો ખસે તો પોતે પૂછી લે તેવી ઉતાવળ ધરાવતા હોય છે. કુદરતના કોઈ અકળ નિયમ મુજબ આવી લાઈનોમાં કબજિયાત વાળો આગળ અને અતિસાર વાળો હંમેશા પાછળ ઊભેલો હોય છે.

એવું કહેવાય છે કે પૂછતાં પંડિત થવાય. આ પંડિત થવાની લાયમાં લોકો બીજાનાં લમણા દુખાડી દે છે. આમાં પૂછનાર તો પૂછતાં પંડિત થતો હશે કે નહિ તે રામને પૂછો, પણ જેને પ્રશ્નો પૂછાય છે તે જરૂર કંટાળી થાય છે. અને જો પૂછતાં જ પંડિત થવાતું જ હોય તો શિક્ષકો અને પ્રોફેસરો મહેતા કે આચાર્ય મટી પંડિત જ ન બની જાય ? આમાં પાછું જે પહેલેથી જ પંડિત હોય એમનું શું? એ યક્ષ પ્રશ્ન તો પાછો ઊભો જ રહે છે. આ ઉપરાંત જે પહેલેથી પંડિત હોય તે વધુ પ્રશ્નો પૂછી મહાપંડિત થઈ શકે તેવી જોગવાઈ આ કહેવતમાં નથી, અને એકવાર પંડિત થયાં પછી પંડિત તરીકે ચાલુ રહેવા માટે પ્રશ્નો પૂછ્યા કરવા કે કેમ એ અંગે પણ કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી મળતો. એકંદરે આ આખો મામલો જુના પ્રશ્નો સોલ્વ કરવાને બદલે નવા પ્રશ્નો ઉભા કરે છે. 

પ્રશ્ન પૂછવા એ ઘણાનો ધંધો હોય છે, તો અમુકનાં DNAમાં વણાયેલું હોય છે. વકીલોનો સમાવેશ પ્રથમ પ્રકારમાં થાય અને પત્નીઓનો બીજા પ્રકારમાં. બંનેમાં સમાનતા એ છે કે બન્ને સામેવાળા પાસે સત્ય ઓકાવવા માટે આમ કરે છે. બંનેમાં ફેર એટલો જ કે વકીલ વ્યવસાયના ભાગ તરીકે પ્રશ્નો પૂછે છે, અને પત્ની પોતાના અબાધિત હકની રૂએ. આવી આકરી પૂછપરછને ઊલટ તપાસ પણ કહે છે. પત્નીનાં સવાલોનાં જવાબ આપવામાં ખૂબ તકેદારી રાખવી તેવું અનુભવી લોકો કહે છે. કારણ કે પત્નીના સ્વરૂપમાં કુદરતે એક અદભુત લાઈ ડિરેક્ટર મશીન બનાવ્યું છે. અને કમનસીબે એ મશીન ઘણું એક્યુરેટ હોય છે.

ક્યારેક પ્રશ્નનાં સાચો જવાબ આપવામાં જોખમ રહેલું હોય છે. વિક્રમે વાર્તા સાંભળી વેતાલના પ્રશ્નોનાં દોઢ ડાહ્યાં થઈને જવાબ આપ્યા એમાં પચીસ વખત મડદું ઉતારવાની ગધ્ધામજૂરી કરી હતી. વિક્રમને પછી બેક પેઈનનો પ્રૉબ્લેમ પણ થયેલો એ વાત વાર્તાકારે વાંચકોથી છુપાવી છે. પણ અમુક વખત પ્રશ્ન પૂછવાનો આશય ટાઈમપાસ કે સામેવાળાને પકાવવાનો હોય છે. પ્રશ્નો જ એવા પૂછવામાં આવે છે કે જેનો જવાબ જ ન હોય. જેમ કે 'પહેલા મરઘી કે પહેલા ઈંડું?'. કહે છે કે હકીમ લુકમાન પાસે પણ આ પ્રશ્ન નો જવાબ નહોતો. કાદરખાને જુદાઈ ફિલ્મમાં 'એક કુત્તા ચાર કિલો મીઠાઈ ખા ગયા, ફિર કુત્તે કા  વજન કિયા તો ચાર કિલો હી નિકલા તો બતાઓ મીઠાઈ મેં સે કુત્તા કહાં ગયા?' જેવા પ્રશ્નથી 'પકાઉ' પ્રશ્નો પૂછતાં પરેશ રાવળને ઢાળી દીધા હતા! તો લ્યો, તમારા માટે આજનો પકાઉ પ્રશ્ન 'જો બનિયાનમાં પડેલું કાણું બનિયાન જેવડું જ હોય તો તમે શું પહેર્યું કહેવાય, બનિયાન કે કાણું ?' ■
~ અધીર  અમદાવાદી

4 comments: