|અભિયાન |હાસ્યમેવ જયતે | ૦૯-૦૭-૨૦૧૧ |
બાબા રામદેવે પારણા કરી નાખ્યા એટલે નવરા થયેલ ચેનલ ANNના ઉત્સાહી રિપોર્ટર્સ નવી સ્ટોરીની શોધમાં અમદાવાદમાં આવી ગયા છે. હવે આ વળી ANN ચેનલ કઈ ? એવો પ્રશ્ન તમારા મગજમાં આવે એ સ્વાભાવિક છે. તો તમારું કુતૂહલ વધાર્યા સિવાય જણાવી દઉં કે ANN એટલે અધીર ન્યુઝ નેટવર્ક. બહુ જ અદ્દભુત અને આશ્ચર્યજનક ખબરો માટે આ ચેનલ આજકાલ નામ કાઢી રહી છે. તો આમ ANNની અનુભવી રિપૉર્ટર મિસ. અભરખા કેમેરામેન દેખતેની સાથે આજે શહેરના રાજમાર્ગો પર ફરી રહી છે. આશરે રાતના સવા નવ વાગ્યાનો સમય હશે.
આજના આખા દિવસનાં રઝળપાટ પછી અભરખાને માત્ર એક જ સ્ટોરી મળી હતી. અમદાવાદનાં બહેરામપુરા વિસ્તારમાંથી આઠ કુતરા ગુમ થયાની સ્ટોરી હતી. આમ તો એણે સ્ટોરી સંતોષકારક રીતે કવર કરી હતી. કૂતરાઓનાં ગુમ થવાથી દુખી થઇ રડતાં બે નાના છોકરાઓને પણ કેપ્ચર કર્યા હતાં. એક હાઉસ વાઈફે પણ હવે કૂતરા જવાથી એઠવાડનું શું થશે ? એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. અરે, એણે કોર્પોરેશનની ચૂંટણીનાં બે ભૂતપૂર્વ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પણ કર્યા હતાં, એમણે કૂતરાઓના ગુમ થવા પાછળ વર્તમાન કોર્પોરેટરનો હાથ હોઈ શકે તેવો આક્ષેપ પણ કર્યો હતો. તો આ જ વિસ્તારમાં કામ કરતાં અને નવરંગપુરાના પોશ વિસ્તારમાં ઓફિસ ધરાવતાં એક એનજીઓનાં યુવા કાર્યકર અનુરાધાને પણ એણે કવર કર્યા હતાં. અનુરાધાએ સરકારની નીતિ ગરીબ વિરોધી હોવાની અને કોઈ બિલ્ડર ઝૂપડપટ્ટીની જગ્યાએ સ્કીમ મુકવા સાઈટ જોવા આવ્યો હતો, અને એ બિલ્ડરને સ્થાનિક કૂતરાઓએ ભસીને ભગાડી મુક્યો હતો તે આ કૂતરાંવાળી ઘટનાનાં મૂળમાં છે એ વાતની લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. પણ એની વાત એટલી લાંબી થઇ ગઈ હતી કે સવા બે મિનિટના ફાળવેલા સમયમાં સમાઈ શકે તેમ નહોતી. પણ આ રાધાડીને કોઈ સરકાર વિરોધી ટોક શોમાં બોલાવવા જેવી તો છે, તેવી મનોમન નોંધ સાથે એણે કૂતરા વાળી સ્ટોરી પડતી મૂકી હતી.
એટલે થોડીક નિરાશ એવી અભરખા ઓફિસમાં રિપોર્ટ કરવા પાછી જતી હતી ત્યાં સિગ્નલ પર એને અનપેક્ષિત બ્રેક મળ્યો. એ રસ્તાની બરોબર ડાબી તરફ એ ઉભી હતી ત્યાં સિગ્નલના થાંભલા પાસેથી અવાજ આવ્યો, ‘હેય અભરખા, કમ હીયર !’ અભરખા ચકિત થઇ ગઈ. થાંભલા પાસે કોઈ એવું દેખાતું નહોતું જે એને બોલાવે. ભિખારી છોકરાઓ તો એમની પાળી પૂરી કરી ઘેર પહોંચી ગયાં હતાં. ટ્રાફિક પોલીસ પણ એમની નવ વાગ્યાનાં નિર્ધારિત સમય પહેલા સરકી ગયાં હતાં. એટલે થાંભલો જ બોલાવે છે એ નક્કી થતાં અભરખાએ ટુ-વ્હીલર સાઈડમાં કરી પહોંચી ગઈ. દેખતે સહેજ આગળ નીકળી ગયો હતો એને પણ પાછો બોલાવી લીધો.
બસ પછી તો અભરખાએ જોતજોતામાં થાંભલાને ઇન્ટરવ્યુ આપવા રાજી કરી લીધો. થાંભલાના ચેનલ પર પ્રસારિત થયેલા ઇન્ટરવ્યુનાં સંક્ષિપ્ત અંશો વાચકો માટે અહિ રજુ કર્યા છે.
અભરખા : દુનિયામાં પહેલી વાર, ANN નેટવર્ક પર એક ટ્રાફિક સિગ્નલની સ્ટોરી. સિગ્નલ કે જે આખો દિવસ તડકામાં તપે છે ને વરસાદમાં પલળે છે. સિગ્નલ કે જે આખો દિવસ વીસ અને પચાસની નોટોની હેરફેર જુએ છે. તો આવો વાત કરીએ આવાં સિગ્નલ સાથે, હા તો સિગ્નલ જી, તમારા જન્મ વિષે થોડી વાત કરો. કઈ રીતે તમે આ જગ્યા સુધી પહોંચ્યા ?
સિગ્નલ : એ તો બહુ લાંબી વાત છે. પણ ટૂંકમાં કહું તો કોર્પોરેશનનાં કોક હોશિયાર એન્જિનિયરે ઓફિસમાં બેઠા બેઠા ટ્રાફિકના આંકડાઓની રમત કરી હશે, એટલે આ ચાર રસ્તા પર સિગ્નલ મૂકવાની દરખાસ્ત તૈયાર થઇ હતી, આમ મારા માનસ પિતા એ એન્જિનિયર થયા. પછી તો એસ્ટિમેટ થયો, ટેન્ડર બન્યું. જાહેરાત આવી. દિનેશભાઈએ ટેન્ડર ભર્યું અને એસ્ટિમેટ કરતાં વીસ ટકા ઓછી કિંમતમાં અમને ચાર ભાઈઓને ઉભા કરવાની દિનીયાએ લેખિત બાંહેધરી આપી. પછી મહાકાળી ફેબ્રીકેટરને ઓર્ડર આપ્યો. આમ મારા જન્મની પૂર્વતૈયારીઓ શરુ થઇ.
અભરખા : ઇન્ટરેસ્ટિંગ છે. પછી શું થયું ?
સિગ્નલ : પછી જે થવાનું હતું તે થયું !
અભરખા : પણ શું એ તો કહો
સિગ્નલ : પછી મને બનાવવા માટે પાઈપ સિલેક્ટ થયો, જે છ ઈંચના બદલે ચાર ઈંચનો હતો. અને ગેજમાં પણ લગભગ દોઢ દોરો ઓછો, એટલે એમ સમજોને કે જાણે બાળક અન્ડર વેઈટ જન્મે એવી અમારી પરિસ્થિતિ થઇ. આટલું ઓછું હોય તેમ અમને જમીનની અંદર ચાર ફૂટ દાટવાનાં હતો એમાં પણ ૨૫% ઓછા એટલે કે ત્રણ ફૂટ જ દાટવામાં આવ્યા. અમારી આજુબાજુ બે બે ફૂટનું સિમેન્ટ કોન્ક્રીટ કરવાનું હતું તે પણ બધું એવું જ ઘાલમેલવાળું. અરે બીજું તો ઠીક, અમને રંગ કરવામાં આવ્યો એમાં પણ અંધારામાં ચળકે એવાં રંગને બદલે નારોલની કોઈક ફેક્ટરીમાંથી ચાલુ રંગ મંગાવવામાં આવ્યો હતો. પછી આવું બધું હોય એટલે અમે જુવાનીમાં જ ખખડી જઈએ ને ?
એટલામાં પવન ચઢયો. અભરખાને બે ઘડી પરસેવો થઇ ગયો. આ થાંભલો પડશે તો ઇન્ટરવ્યુ, પોતે અને દેખતે બધાં પુરા થઇ જશે એવા વિચારો પણ એને આવવા લાગ્યા. પણ એ બધાં વિચારોને ઢીંક મારી એ પાછી સિગ્નલ સાથે વાત કરવા લાગી.
અભરખા : હશે, કોન્ટ્રાકટરને પણ ફેમીલી હોય ને. એટલે કરવું પડે. પણ તમે એ કહો કે તમારી દિનચર્યા શું છે ?
સિગ્નલ : અમારા દિવસની શરૂઆત તો ગમે તે કૂતરો ગમે તે સમયે કરી નાખે છે. પણ અમારા ચાલુ થવાનો ઓફિશિયલ સમય સવારનાં નવ વાગ્યાનો છે. કોન્સ્ટેબલ વારદાન તો સવા નવ કે સાડા નવે પહોંચે પણ એ પહેલા પેલા સામે કોર્નર પર કીટલી વાળા શંકરજી બરોબર નવ વાગ્યે અમારું કંટ્રોલ બોક્સ ખોલી સ્વીચ પાડી દે. એટલે અમારી બત્તીઓ અને રુઆબ ચાલુ. પણ ઠીક મારા ભાઈ. રુઆબનાં તો દિવસો ગયાં હવે’ બોલી થાંભલાએ એક લાંબો નિસાસો મુક્યો.
અભરખા : એટલે ?
સિગ્નલ : અરે હવે તો કોઈ અમને માન નથી આપતું. અને આ અન-સ્ટોપેબલ અમદાવાદીઓ. રેડ સિગ્નલ પણ એમણે રોકી શકતું નથી. અને અમારી બત્તીઓ કરતાં બાઈકધારીઓની નજર કૉન્સ્ટેબલ પર વધારે હોય છે. અમારી હાલત આપણા વડાપ્રધાન જેવી થઇ ગઈ છીએ, આમ આખો ટ્રાફિક અમારા ઈશારા પર ચાલે, પણ જો કોન્સ્ટેબલ તમાકુ મસળતા હોય તો અમને કોઈ ન ગાંઠે. સિગ્નલ રેડ હોવા છતાં રોકેટની જેમ બાઈક્સ છૂટે. પણ આ કૉન્સ્ટેબલ પણ શું કરે બિચારા ! કેટલાને પકડે ! કેમે કે આવા કોલેજીયનો કે માર્કેટિંગ એક્ઝીક્યુટીવ્સને પકડે તો પણ એ લોકો વીસ રૂપિયાથી વધારે છૂટે નહિ. અને એ સિવાયના જેટલાને પકડે એમાંથી અડધો અડધનાં સગા ક્યાં તો પોલીસમાં હોય, કોક મંત્રીનાં દૂરનાં સગા થતાં હોય કે પછી કોક ચોપાનિયામાં નોકરી કરતાં હોય. એટલે વાર્તા કરીને જવા દેવાના ! અમને તો અહિ શું કામ રાખ્યા છે એ સવાલ થાય છે હવે તો. એક અમારા દાદાનો જમાનો હતો કે જ્યારે જોરુભા જેવા કૉન્સ્ટેબલ ચાર રસ્તા વચ્ચે ઉભા રહેતા તે એવાં તો જબ્બર હતાં કે ડીએસપી પણ એક વાર ઉભા રહી જતાં.
અભરખા : હશે, એ તો થયાં કરે, એ કહો કે આખો દિવસ કેવો જાય છે તમારો ?
સિગ્નલ : અરે ખાસ કઈ નથી હોતું. એક વાર સિગ્નલ ચાલુ થાય એટલે પછી બધું રૂટિન. લાઈટ લાલ હોય એટલે બધાં ઝિબ્રા ક્રૉસિંગ વટાવીને ઉભા હોય. જેને જમણી બાજુ જવું હોય તે સૌથી ડાબી બાજુ ઉભા હોય. ડાબી બાજુ જવું હોય એનો રસ્તો બ્લોક કરીને કોઈ સીધા જનારું ઉભું હોય. સિગ્નલ પર સૌથી આગળ એક પસ્તીની લારીવાળો ઉભો હોય. એની બાજુમાં એક સાઈકલ રીક્ષાવાળો હોય. એની બાજુમાં એક રીક્ષાવાળો મશીન બંધ કરીને છાપું વાંચતો હોય. સ્કુટર બંધ કરી ઊભેલા કાકા હોર્ડિંગમાં રહેલી મોડલની પોતાનાં સ્કૂટરથી પણ જુના મોડલની પત્ની સાથે સરખામણી કરતાં હોય. કારનાં એસીમાં બેઠેલો મિડલ એજ મેનેજર કોલેજીયનોને તાકતો હોય. કોલેજીયન્સ સ્કુટી પર જતી છોકરીએ બાંધેલા બુકાનીની આરપાર એ કેવી દેખાતી હશે એ તર્ક કરતાં ઉભા હોય. સ્કુટી પર પાછળ બેઠેલી છોકરી મોબાઈલ પર એસએમએસ વાંચતી હોય. કોક આન્ટી પાછળ બે બાળકોને લઇને જતાં હોય એ પોતાનાં બેઉ પગ લબડાવી ચંપલ ઘસડાતા બ્રેક મારી ઉભા રહે. અને સિગ્નલ હજુ તો ગ્રીન થવામાં હોય એ પહેલા હોર્નની કાગારોળ મચી જાય. જે સૌથી આગળ હોય એમને કોઈ ઉતાવળ ન હોય એમ નિરાંતે બંધ વાહન ચાલુ કરે. ને બાઈક પર ક્યાંય ન જતાં કપલને સૌથી વધુ ઉતાવળ હોય, પણ એ ચાર રસ્તાની અધવચ્ચે પહોંચે એટલે પાછળ બેઠેલી છોકરીની સુચના મુજબ પેલો યુ ટર્ન લે. અને આમ અફડાતફડીનો માહોલ થઇ જાય.
અભરખા: અહા, બહુ ઇન્ટરેસ્ટીંગ..
સિગ્નલ : મને હતું જ કે અફડાતફડી વાળી વાત તમને ગમશે જ.
અભરખા : હા, એ સાચી વાત. પણ સિગ્નલભાઈ આ રોજ એનું એ કામ કરી તમે બોર નથી થતાં ?
સિગ્નલ : હા, હું તો કંટાળી જ ગયો છું. રોજ એનો એ જ ટ્રાફિક, એજ જાહેરાતોના પાટિયામાં રૂપાળી મોડલો, એજ એક સાઈડથી બીજી સાઈડ દોડી ભીખ માંગતા છોકરા, રોજ બે ચાર મારામારી, રોજ દસ વીસ ગાળાગાળી, અમીરોના મોંઘા બાઈકમાં ધુમાડો થતું પેટ્રોલ અને ત્રણ પૈડાની રીક્ષામાં લોખંડના એન્ગલોનું વજન ખેંચતો દલપો, ઘેર બાળકો ભૂખ્યા હશેની લ્હાયમાં સાંજે રઘવાઈ થઇ નોકરીથી ઘરભણી ભાગતી મમ્મીઓ, ને પેલા વારદાનનો રોજ દસ ટેમ્પોનો ક્વોટા, ને તોયે બસ પકડી ઘેર પહોંચે ત્યારે એનાં ઘેર અડધાં ભૂખ્યાં છોકરાં ! ને એમાં આપણે જાણે કાઇ લેવાદેવા ન હોય એમ સવાર થતાં જ લાલ, પીળાને લીલા થયાં કરવું, ને રોજ રાતે પાછું ઓલવાઈ જવું, સાલું સખ્ખત બોરિંગ કામ છે આ તો ! ■
~ અધીર અમદાવાદી
waah waah !! Mast interview chhe saaheb...
ReplyDelete