Monday, July 11, 2011

તાજમહાલનું ટેન્ડર


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | ૧૦-૦૭-૨૦૧૧ |

આપણો તાજમહાલ વિશ્વની અજાયબી ગણાય છે. અનેક ફિલ્મી ગીતોમાં તાજમહાલનો ઉલ્લેખ થયો છે,  અને મુમતાઝ પર પણ ઘણી બધી શાયરીઓ લખાઈ જે તમે રિક્ષા કે ટ્રકની પાછળ વાંચી હશે. સ્વ. શેખાદમ આબુવાલાએ તો તાજમહાલને પ્રેમ જ્યાં પ્રદર્શન કાજ કેદ છે, એવા ખૂબસૂરત પથ્થરોની જેલપણ કહી હતી. પણ આ બધું તો હમણાંની વાત થઈ. હું જે વાત કરું છું તે એ સમયની છે, જ્યારે ઓગણીસ વરસના લગ્નજીવન અને શાહજહાંના ચૌદ છોકરાંઓને જન્મ આપીને મુમતાઝ મરણ પથારી પડી હતી, અને એ જન્નત નશીન થાય તો એની પાછળ મકબરો બનાવવાનું શાહજહાં વિચારતો હતો. હાસ્તો, વિચારવું તો પડે જ ને, મુમતાઝે એની પાસેથી પ્રૉમિસ લીધું હતું.

એથી જ તો એણે દેશના સૌથી વિખ્યાત આર્કિટેક્ટને ચા પીવા અને પ્રોજેક્ટની ચર્ચા કરવા હોટલ તાજમાં બોલાવ્યા હતા. આ આર્કિટેક્ટ બીજા હમવર્ગ આર્કિટેક્ટ્સની જેમ જ બ્રાન્ડેડ જીન્સ પેન્ટ ઉપર ખાદીની બંડી પહેરી, લાંબા થોભિયા સરખાં કરતા કરતાં, ઈમરાન ખાનની મામી કિરણ રાવ કરતાં પણ લેટેસ્ટ ડીઝાઈનના ચશ્માં પહેરી શાહજહાંને પહેલી વાર મળ્યા હતાં. આર્કિટેક્ટે તો આવતાંની સાથે જ પોતે આવા ઘણાંય કામ પહેલાં કર્યા હોવાની ડિંગ મારી હતી અને એ પણ પ્રૉમિસ કર્યું કે એ એવો મકબરો ડીઝાઈન કરી આપશે જે જોઈને ભવિષ્યમાં રાજાની અન્ય રાણીઓને પણ મરવાનું મન થશે. પણ શાહજહાં એવી લાલચમાં આવ્યો નહિ, કારણ કે પહેલાં કોઈએ બાંધ્યો હોય એવો મકબરો બાંધવામાં એને રસ નહોતો. આથી જ આર્કિટેક્ટને ચા પિવડાવી એણે રવાના કર્યો હતાં. જો કે આ ચા પીતો ફોટો વર્ષો સુધી આર્કિટેક્ટની ઑફિસમાં લાગેલો જોવા મળ્યો હતો, એ આખી અલગ વાત છે.

કોઈ પણ સરકારી બાંધકામ સરકારનાં પી.ડબલ્યુ.ડી. વિભાગ દ્વારા હાથ ધરાતું હોય છે. એ મુજબ જ તાજમહાલ બનાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. એના સમાચાર બહાર આવતાં, એ વખતે પણ શાહજહાં વિરોધી ટોળકીએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે મુમતાઝ પાછળ મકબરો બાંધી સરકાર ખોટા ખર્ચા કરે છે. પણ શાહજહાંની દુરંદેશી કહો કે જે પણ આ તાજમહાલ આજે ચારસો પાંચસો વરસ પછી પણ હજુ કમાણી કરી આપે છે. આમ, આ તાજમહાલનું કામ શરુ કરવા શાહજહાંએ સૌથી પહેલા એમના બાંધકામ વિભાગના ચીફ એન્જીનીયરને બોલાવી સૂચના આપી ડીઝાઈન અને એસ્ટિમેટ તૈયાર કરવા કહ્યું હતું. મૂળ સૂચના આરસપહાણમાં ચાર બાજુ ચાર સુંદર મિનારા સહિત એક નયનરમ્ય મકબરો બનાવવાની હતી. રીવાજ પ્રમાણે ચીફ એન્જીનીયરે બારોબાર સુપ્રીન્ટેન્ડીંગ એન્જીનીયરને ફાઈલ મોકલાવી, ને સુપ્રીન્ટેન્ડીંગ એન્જીનીયરે એક્ઝીક્યુટીવ એન્જીનીયરને કામ સોંપ્યું હતું.

એક્ઝીક્યુટીવ એન્જીનીયરે જુનિયર સ્ટાફ રજા ઉપર હોવાથી એક ઓળખીતાં કોન્ટ્રાક્ટરને બોલાવી જો ને આ ગાંડાને મકબરો બનાવવો છે તો એના પ્લાન એસ્ટિમેટ બનાવી આપ ને, જો પ્રોજેક્ટ સેન્કશન થશે તો પછી કામ તારે જ કરવાનું છેએવો ગોળ કોન્ટ્રાક્ટરની કોણીએ લગાડી રવાના કર્યો હતો. કોન્ટ્રાક્ટરને પણ કોણીએ લગાડેલો ગોળ ઉખાડીને ખાવાની પ્રેક્ટીસ હોવાથી એણે પણ ઘા એ ઘા ડીઝાઈન એસ્ટિમેટ મંજૂર કરાવી દીધા હતાં. અને પછી તો એક્ઝીક્યુટીવ એન્જીનીયરે બહાર પાડી તાજમહાલની ટેન્ડર નોટિસ. એ સમયના એક્ઝીક્યુટીવ એન્જીનીયરના સ્ટેનોનું રફ પેડ આ લખનારના હાથમાં આવ્યું છે, જેનો રસાસ્વાદ અહીં નીચે રજૂ કર્યો છે. કૌંસમાં લખેલી બાબત સ્ટેનોએ નોંધી હોય તેવું લાગે છે, જે કદાચ છાપામાં નહિ આવી હોય.
જાહેર નિવિદા નં. ખઈજા/કરોડો/૨૪૩૪ 

આથી મહેરબાન શાહજહાં સાહેબે  આગ્રા પાસે યમુના કિનારે મે. સાહેબની પત્ની મુમતાઝ મૅડમની સ્મૃતિમાં એક વિશાળ મહેલ બનાવવા નિરધાર્યું છે. (રાજા વાજાને વાંદરા, આપણે તો ઉપરથી ઑર્ડર છે એટલે કરવું પડે!) તો આ અંગે અનુભવી અને સાધન સંપન્ન ઠેકેદારોએ લાલ મહેલ ખાતેની કચેરીથી કામકાજના સમય દરમિયાન આ અંગેનાં કોરા ભાવપત્રક મેળવી સમયસર ભરી દેવા. (અલ્યા, પેલા બિપીન ભાઈને કહી દેજે કે ટેન્ડર બહાર પડે છે, તો ભૂલ્યા વગર ભરે, ગઈ વખતે અઠવાડિયા પછી આયાતા કે સાહેબ ધ્યાન બહાર ગયું, પછી જૂની તારીખમાં ટેન્ડર ઇસ્યૂ કરવામાં કેટલી તકલીફ પડે છે એ હાળા હમજતા નથી). આ મહેલમાં ચાર મિનારા બનાવવાના રહેશે (શું લખ્યું ? ચાર મિનારા ? અલ્યા આઠ લખ, બનતા બનતા ચાર જ રહેશે !) મકાનના બાંધકામમાં સર્વશ્રેષ્ઠ ગુણવત્તાનો માર્બલ વાપરવાનો રહેશે (શું લખ્યું ? માર્બલ ? અલ્યા ગ્રેનાઈટ લખ તો સાલાઓ માર્બલ નાખશે.) આ ઉપરાંત મકબરાની બહારની તરફ લોકો બેસીને ફોટા પડાવી શકે તેવા પાછળ ટેકા સાથેના બાંકડા બનાવવાના રહેશે. આ ઉપરાંત એક સુંદર બગીચો પણ બનાવવાનો રહેશે (શું લખ્યું ? બગીચો ? અલ્યા બગીચો કૅન્સલ કર, પછી મેઇન્ટેન કોણ એનો બાપ જહાંગીર કરશે ? સ્ટાફ તો છે નહિ ! ). આ કામની સમય મર્યાદા દસ વરસની રહેશે (અલ્યા દસ નહિ, પાંચ લખ તો દસ વરસમાં પૂરું કરશે !). જેમણે પહેલાં આવો મહેલ બાંધ્યો હોય તેવા અનુભવી ઇજારદારો આગળ કરેલા કામ પૂર્ણ થયાનું જે તે એક્ઝીક્યુટીવ એન્જિનિયરની સહીવાળા કમ્પ્લીશન સર્ટીફીકેટની પ્રમાણિત નકલ રજૂ કર્યાથી ટેન્ડર મેળવી શકશે. (સાંભળ, કોઈ આવું સર્ટીફીકેટ લેવા આવે તો સીધો મારી પાસે મોકલજે, શું કીધું ?).

જો કે શાહજહાં રાજા હતો, કાંઈ ભારતના વડાપ્રધાન જેવો ભોળો અને ભાવુક નહોતો કે એ કરવા જાય કંસારને થઈ જાય થૂલું. કદાચ એટલે જ આપણને અત્યારે છે એ સ્વરૂપે તાજમહાલ મળ્યો છે.

~ અધીર અમદાવાદી   

5 comments:

  1. વાહ અધીરભાઈ..મસ્ત યાર..

    ReplyDelete
  2. nice one as always
    jay vasavada

    ReplyDelete
  3. દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
    મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
    પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
    મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

    -શેખાદમ આબુવાલા......wah gud one.......enjoy article.......

    ReplyDelete
  4. શાહજહા ને પ્રેમ ની કૉઈ ખબર નૉ’તી પડતી, મુમતાજ સાથે લગ્ન કરવા માટે તેના પુર્વ પતિ નુ ખુન કરાવ્યા નૉ આરૉપ તેના ઊપર છે, મુમતાજ તેની અનેક માની એક બેગમ હતી...

    ReplyDelete