માનનીય કવિવર,
આ પત્ર સમગ્ર વરસાદ ત્રસ્ત જનતા વતી અમે તમને વરસાદની ચાપલુસી કરવા સામે વિરોધ પ્રદર્શિત કરવા લખ્યો છે. ખેડૂતોને અનાજ પકવવા વરસાદ જરૂરી હશે પણ આ કવિઓએ વરસાદ, પહેલો વરસાદ, ઝરમર, છાલક, શ્રાવણ, તરબતર, પાણી, હેલિ, નેવાધાર, ચાતક જેવા શબ્દોના અતિશયોક્તિ ભર્યા ઉપયોગ વડે લોકોને પકવી નાખ્યા છે તો આની ગંભીર નોંધ લઇ કવિઓને વરસાદના કાવ્યો લખવામાં મર્યાદા રાખવા આ પત્ર થકી આવેદન કરવામાં આવે છે.
વરસાદ પડે એટલે જે સોફ્ટવેર પ્રોગ્રામ કરતો હોય તે પણ રાતોરાત અડધો કવિ બની જાય છે. પછી કોડનાં બદલે કાફિયા અને રૂટીનનાં બદલે રદીફ આવે. અને, વરસાદના બે કાળા વાદળા દેખાય એટલે ફેસ્બુકિયા દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરવા મંડે. એકાદ તો ઓફિસના કોમ્પ્યુટર પરથી ફેસબુક કરતાં કરતાં લખે કે ‘ કાળા કાળા વાદળા અને કાળો કાળો કેર છે/હું બેઠો ઓફિસમાંને મન મારું ઘેર છે’. અલ્યા સી.એલ. લઈને એક દિવસ ઘેર રહે તો ખરો ડફોળ. ઘરના ટાંપાટઈયા કરીને ફરી ઘરમાં રહેવાની ખોડ ભૂલી જઈશ ! અને અમુક ‘બહેનો’ તો ફેસબુક પર એવું લખે કે અર્થનો અનર્થ થઇ જાય. એ લખે કે ‘પહેલા વરસાદમાં ભીંજાઇ તોયે, મારી ઓઢણી કોરી.’ આવી એક લીટી લખીને બેન વહેતા થઇ જાય અને પાછળ કેટલાય આશાસ્પદ યુવાનો ગોટે ચઢી જાય. પણ ફેસબુક પર આ બધું ચાલે, જે ઓઢણી કોરી રહેવાની વાત બહેન કરે છે એ ઓઢણી એકવાર સાચેસાચ સુંઘો તો તમને ખબર પડે કે આને વરસાદનું તો ઠીક મ્યુનિસિપાલિટીનું પાણી પણ છ મહિનામાં નસીબ નથી થયું.
પહેલો વરસાદ કવિઓ માટે ખુબ પ્રેરણાદાયક હોય એવું અમને કવિતાઓ વાંચીને પ્રતીત થાય છે. વરસાદ અને એમાંય ખાસ કરીને પહેલા વરસાદ પર કવિઓએ દે-ઠોક કાવ્યો લખ્યા છે. આમ છતાં અમુક કવિઓ નેવું ઈંચ વરસાદ પડ્યો હોય તોયે એ બે જણા કોરા રહી ગયા એવાં બખાળા કરતા ફરે છે. પણ કવિવરને જણાવવાનું કે તમે ત્રણ ત્રણ મહિના સુધી વરસાદ ચાલે છતાં ઘરકૂકડીની જેમ ઘરમાં ભરાઈ રહો અને પેલીને પણ બહાર ન નીકળવા દો તો પછી કોરાકટ જ રહેવાય ને ? વળી આ જ કવિ ગર્લ ફ્રેન્ડને વરસાદ ભીંજવે છે અને ગર્લ ફ્રેન્ડ કવિને ભીંજવે છે એવી વાતો કરે છે. વાત તો મઝા આવે એવી છે, પણ આ સિચ્યુએશન અમને તો કૈક એવી લાગે છે કે જેમાં કવિ પોતે ઓટલા ઉપર ખુરશી નાખીને બેઠા રહે અને પ્રેમિકાને બહાર વરસાદમાં મકાઈ ડોડો લેવા મોકલી આપી હોય, પછી પોતે ક્યાંથી પલળે ? આપણે તો એમ માનીએ કે જો વરસાદના આટલા ચટાકા હોય તો શરદી બરદીની ચિંતા કર્યા વગર બેઉ જણે પલળી લેવું જોઈએ. પણ ના, એક તો પોતે પલળવું નહિ, પેલીને ભીની કરવાની, અને ઉપરથી કવિતા ઝૂડવાની. આ ક્યાંનો ન્યાય ?
આ કવિઓ વરસાદમાં પ્રેમિકા સાથે તન અને મનથી ભીંજાતા હોય એવી કલ્પના કરે છે. હથેળીમાં છાંટા ઝીલતા બેઉ જણા બેઠા હોય અને વરસાદથી તરબતર થવા છતાં બેઉ તરસ્યા હોય એવી બધી કલ્પનાઓ કરે છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે ગુજરાતી છોકરીઓને વરસાદમાં બહાર જવું તો ગમે છે પણ જેવી ભીંજાય છે કે એમને ઠંડી ચઢે છે, દાંત કકડવા મંડે છે અને તરત ઘર ભેગા થવાની જ વાત કરે છે. આ ઉપરાંત બુટ ભીના થવાથી શરદી પેસી જવાનો ભય પણ ઉભય પક્ષને સતાવતો હોય છે. અને રસ્તાઓ પર પાણી ભરાઈ જશે તો ઘેર કઈ રીતે પહોંચશે એ ચિંતા પણ ક્યારેક છોકરીને સતાવતી હોય છે. એટલે એકંદરે કવિઓ યશ ચોપરાની ફિલ્મની જેમ બધું સારું સારું બતાવે છે પણ સ્લમ ડોગ મિલિયોનરની જેમ કડવી વાસ્તવિકતા ધ્યાન પર લેતા નથી. તો હવે પછી આ નહિ ચલાવી લેવામાં આવે એવું સાથી કવિલોકને સમજાવવા અને જરુર જણાય તો આ પત્રની નકલો કરી વહેંચવા નમ્ર અરજ છે.
બીજા કવિઓની વાત છોડો લ્યો મહાકવિ કાલિદાસની જ વાત કરીએ. જાહેરાતો વડે અમિતાભ બચ્ચન જેમ કોક માથાનું તેલ આપણા માથામાં મારે છે એમ મહા કવિ કાલિદાસે ‘અષાઢસ્ય પ્રથમ દિવસે..’ કહીને અષાઢ મહિનાને મહાન બનાવી દીધો છે. અષાઢના પ્રથમ દિવસે પર્વતના શિખરને સ્પર્શતો મેઘ યક્ષને નદી કિનારાની માટીમાં દંતશૂળ ભરાવતા હાથી જેવો દેખાયો હતો. લો કહો! એ જમાનામાંય ખોદકામો થતા હશે ત્યારે જ આવું સુઝયું હશે ને ? પણ મહાકવિ એ સરતચૂકથી જે.સી.બી. મશીન ને બદલે હાથી દેખાયો હશે! હવે એ જમાનામાં પણ કદાચ પોસ્ટ ખાતું ભરોસાપાત્ર નહિ હોય એટલે યક્ષ વાદળો મારફતે સંદેશા મોકલે છે. આજકાલ તો ઈ-મેઈલમાં બધું સિક્યોર રીતે, ખુબ જ ઓછા ખર્ચે અને ત્વરિત પ્રેમિકા સુધી પહોંચી જાય છે. અને ઈમેઈલ આજકાલ મોબાઈલમાં પણ જોઈ શકાતી હોવાથી કન્યાઓ મંદિરમાં પણ આવાં સંદેશા એક આંખથી વાંચી તાત્કાલિક ભગવાનની યથાશક્તિ આભાર વિધિ કરી શકે છે. વાદળ મારફતે કાગળ મોકલાવી શેખચલ્લીના તુક્કા જેવી વાત પર મહાકવિએ મેઘદૂત ઘસડી માર્યું, એ આધુનિક સમયમાં અપ્રસ્તુત છે. યુનિવર્સીટીવાળા પણ ‘છોકરાઓ ક્યાં મહાકવિનો ઘેરાવ કરવા જવાના છે ?’ એવું વિચારી ઝાઝું સમજ્યા વિચાર્યા વગર આવાં આઉટ ઓફ ડેટ કાવ્યો અભ્યાસક્રમમાં દાખલ કરે છે. કવિની કલ્પનાશક્તિ જો સારી હોત તો એમણે ઈ-મેઈલ કે એસ.એમ.એસની કલ્પના ન કરી હોત ? અને એવું ન કરી શકે તો પછી એ મહાકવિ શેના ?
પહેલો વરસાદ કાઇ એમનેમ નથી આવી જતો. મોટેભાગે પહેલા વરસાદની સાથે સાથે આંધી અને વંટોળ પણ ચઢે છે. આથી નબળા મનના લોકો ઘરના બારી-બારણા બંધ કરવા પોતે પ્રવૃત્ત થાય છે અને બીજાઓને ધંધે લગાડે છે. આમ પહેલા વરસાદમાં આવતી માટીની જે ગંધનું અમુક કવિઓ માર્કેટિંગ કરી ગયા છે, એ ઘરમાં ન આવી શકે તેવાં પ્રયોજનો લોકોએ કરવા પડે છે. આમ છતાં ઘરમાં ધૂળધૂળ થઇ જ જાય છે. અને પછી ઘરના ચોખ્ખાઈ પ્રિય સભ્ય દ્વારા થતો કકળાટ વરસાદના ગડગડાટ કરતા પણ વધારે ઘોંઘાટ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત પહેલો વરસાદ પડે એ દિવસે સાંજે દીવાબત્તી થતાં જ મંકોડાઓને પાંખો ફૂટે છે જે પહેલા સ્ટ્રીટ લાઈટ આસપાસ જમા થાય છે અને લાગ મળતાં એ ઘરમાં પણ ઘુસે છે. પછી ઘરમાં બારીઓ અને લાઈટો બંધ કરવી પડે છે. આમ છતાં ટીવી પર અમુક ખુબ જ અગત્યની પ્રેરણાદાયક સિરીયલો અને કોમેડી શો ચાલતા હોવાથી ચાલુ રાખેલા ટીવીના સ્ક્રીન પર જમા થાય છે. આ પ્રજા એટલી હઠીલી હોય છે કે કોમેડી શોના જજીસ રાક્ષસોની જેમ અટ્ટહાસ્ય કરે તો પણ સ્ક્રીન પરથી એ મચક આપતાં નથી. પાછાં આ મંકોડા ટીવી બંધ થતાં સાનભાન ભૂલી માનવીના શરીર જોડે ભટકાય છે. એમાંય ખાસ કરીને મહિલાઓના શરીર પર જ્યારે જીવડા સ્વૈરવિહાર કરે ત્યારે નૃત્ય અને બુમોનાં નવા પ્રકાર જોવા તથા સાંભળવા મળે છે. આમ પહેલા વરસાદથી ઘરની અંદર પણ ઘણી જ ગંદકી અને અરાજકતા પ્રસરી જાય છે. તો શું કવિઓને આ બધું નથી દેખાતું ?
પહેલો જોરદાર વરસાદ પડે કે બીજાં દિવસે છાપાં વાળાઓને જલસા પડી જાય છે. પાછલા ઘણાં વરસનાં અનુભવથી છાપાઓ અમુક હેડલાઈન્સ પહેલેથી જ કમ્પોઝ કરીને રાખે છે. જેમ કે ‘બારેમેહ ખાંગા’ ‘પહેલા વરસાદમાં જ ઠેરઠેર પાણી ભરાયા’, ‘ફલાણા વિસ્તારમાં ઝાડ પડ્યું’, ‘ઢીંકણી જગ્યાએ જાહેરાતના હોર્ડિંગ પડી ગયા’, ‘પાલિકાનો મોન્સુન પ્લાન પાણીમાં’, ‘પૂર્વનાં વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા’. અમદાવાદમાં અને ખાસ કરીને ‘નિર્ણયનગર ગરનાળામાં બસ ફસાઈ’ અને ‘પુષ્પકુંજ પાસે ભૂવો પડ્યો’ સમાચારની તો રીપીટ વેલ્યુ પણ ભારે છે. આમ એકંદરે પાલિકાની ઉનાળામાં પીવાના પાણીની તંગી અને પીવાનાં પાણીમાં ગટરનું પાણી ભળી જતાં થયેલા કમળાના વાવરનાં મામલે પાણીમાં ગયેલી આબરુ પર ચોમાસું આવતાં વધારાનું પાણી ફરી વળે છે ! તો શું કવિઓને આ ચોમાસાની મોનોટોની દેખાતી નથી ?
ભૂવા વિષે થોડી વાત કરીએ તો અમદાવાદની જમીન પહેલા, બીજાં અને વધારેમાં વધારે ત્રીજા વરસાદમાં તો દગો દઈ જ જાય છે. શરૂઆત નાની ભૂવીથી થઈને એક આખી બસ માથાભેર પડે તો બસને જો પાછળ બમ્પર હોય તો પણ એ ન દેખાય એટલા મોટા ભૂવામાં પરિવર્તિત થઇ જાય છે. આવાં ભૂવાઓના સ્ટડી માટે ભારતમાંથી તો ઘણાં એક્સપર્ટ્સ અમદાવાદ આવી ગયા, અને એમનાં ગયા પછી કોર્પોરેશનના એન્જીનીયરોએ આ ભૂવાઓ અમદાવાદીઓને બસો સોળ કરોડમાં પડશે એવી ધમકી પણ આપી છે. પણ લેટરલ થીંકીંગ કરનાર કોર્પોરેશનનાં પદાધિકારીઓ આ ભૂવાઓને કાયમી કરવા અને ભૂવાઓનું નામકરણ કરવા વિચારી રહ્યા છે. આમાં પણ અમુક દિવંગત નેતાઓનાં સત્તાપક્ષમાં રહેલા પરિવારજનો સહજાનંદ અને પુષ્પકુંજ વાળા અખંડ ભૂવામાટે અંદર અંદર ઝગડી રહ્યા છે એવી અંદરની વાત પણ બહાર આવી છે. પણ નિષ્ઠુર કવિજનોએ અમદાવાદના આવાં ભૂવાઓ ઉપર કવિતા કે ગઝલ ન લખી અમદાવાદની સાઈઠ લાખની જનતાનો તિરસ્કાર કર્યો છે. તદુપરાંત લેખકોએ પણ ભૂવાતટ પર આકાર લેતી કોઈ નવલકથા આલેખી નથી. અરે, અશ્વિની ભટ્ટ જેવા લેખક છેક ભેડાઘાટ સુધી ફરી આવ્યા પણ ભેદભરમથી ભરપુર અને ૨૧૬ કરોડના ખજાનાવાળા ભૂવાઓ પર કોઈ પ્લોટ ન રચ્યો. આમ, અમદાવાદનાં ભવ્ય હેરીટેજ સમા ભૂવાઓ અને ભૂવા થકી અમદાવાદની પ્રજાને હળાહળ અન્યાય થયો છે.
પહેલો વરસાદ પડે એટલે ઘરમાં પાણીનું ગળતર અને ભેજ આવવાનું શરુ થઇ જાય છે. એમાં હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવેલા મકાનો તો તિરાડો અને ગાબડામાંથી આખું ચોમાસું ઘરમાં લાવી આપે છે. ‘તેરા તુજકો અર્પણ’ એવું કહી આવાં મકાનો ધરતીને ગાબડા રૂપે ચૂનો અને રેતી પાછાં અર્પણ કરે છે. જોકે રહેવાસીઓ પૈકીના અમુકના હપ્તાઓ બાકી હોવાથી આવા મકાનોની ત્રુટિઓને મોટું મન રાખી ચલાવી લે છે. પણ આવાં પાણીના ગળતરથી પીવાના પાણીની સમસ્યા તો હલ થતી નથી પણ એની સામે ભેજ મચ્છર એવું બધું વધી જાય છે. આ ઉપરાંત પાણી ભરાવાથી પણ ડેન્ગ્યું, ચિકન ગુનિયા, મેલેરિયા, કમળો, ઝાડા ઉલટી જેવી બિમારીઓ વધી જાય છે. આથી ડોક્ટરો અને દવાની કંપનીઓ સિવાયનાં બધા લોકો આ સીઝનમાં કંટાળી જાય છે. આમ છતાં કવિઓ કદી પોતાની પ્રેમિકાને ચઢેલા ટાઢિયા તાવ પર કેમ કવિતા લખતા નથી ? કેમ કોઈ કવિ કવિતામાં પ્રેમિકાને ગ્લુકોઝના બાટલા નથી ચઢાવતાં ?
આમ ઘણા ગહન અભ્યાસ પછી અમને એમ લાગે છે કે વરુણ દેવતાએ પોતાની પ્રોડક્ટ્સ જેવી કે વાદળ, વીજળી, અષાઢ, શ્રાવણ, હેલિ, માવઠું, પહેલો વરસાદ, માટીની ગંધ વિગેરેનું અયોગ્ય માર્કેટિંગ કરવા કવિઓને તગડું કમિશન આપી રોક્યા લાગે છે, અન્યથા આવાં ત્રાસ દાયક ચોમાસાની આટલી પ્રશંસા કોઈ શું કામ કરે ? તો કવિઓને આવી ભ્રષ્ટ પ્રવૃત્તિથી દૂર રહેવા ચેતવણી આપવા સાથે આ અરજીનું સમાપન કરું છું.
એજ લી.
એક વિફરેલો વાચક
ભૂવા ૨૧૬ કરોડ્માં પડશે અને મ્યૂ. કૉર્પોરેશનના આધુનિક ભુવા,૨૧૬ કરોડનું નાળિયેર પોતપોતાના ઘર ભણી ફેંકશે..!!
ReplyDeleteસુંદર હાસ્ય-વ્યંગ,અભિનંદન.
good che...
ReplyDeleteઅધીરજી વાંધાઅરજીના સમાપન ના શબ્દો જોરદાર છે . અમદાવાદ શહેરની બહાર બોર્ડ મુકવા જોઈએ ભુવાઓનું નગર અમદાવાદમાં આપનું સ્વાગત છે , બચીને હેમખેમ પરત જાવો તો ફરી પાછા સાવચેતીથી પધારજો .ભગવાન આપની રક્ષા કરે તેવી આશા .
ReplyDeleteહશે પણ 'માટીની ગંધ' નહિ અદભૂત સુગંધ!! ;)
ReplyDeleteભૂવાઓ નું નગર એટલે ત્યાં ભૂત વધારે જ હશે, કદાચ બધા કવિઓ વરસાદને જોઇને ભૂત બની જતા હશે. પરંતુ એક વાત ના સમજાઈ, કવિરાજ પોતે કોરા રહેવા પ્રેમિકાને મકાઈ દોડા લેવા મોકલે? અને જે વાત અધીરભાઈ ના સમજી શક્યા તેને માટે આપને માથાકૂટ રહેવા દો. અને ચોક્ખાઈની વાત, જવાદોને એ વાત જ. બધે ઘરે આવું હોય જ છે.જેનો ઉપાય જ નથી. અધીરભાઈ, આવું સુંદર અવલોકન યાર, બહુ ઓછા કરી શકે, નવું સુચન કરવાની જગા જ નથી રાખી. આપને ખાસ અભિનંદન.
ReplyDelete