પોલીસ ગરબાનું આયોજન કરે ત્યારે .... | સાંજ સમાચાર | ૧૭-૧૦-૨૦૧૮
ગુજરાત પોલીસ પોતાના અવનવા અભિગમ માટે જાણીતી છે. ટ્રાફિકમાં ઘણી વખત એ તમારી સાથે એ એટલા વિનયથી વાત કરે કે તમને એમ થાય કે તમે ઇન્ડીયામાં છો કે અમેરિકામાં? ક્યારેક ગુલાબ પણ આપે. પણ અમદાવાદ પોલીસે તો આ વખતે હદ કરી નાખી. શાહીબાગ પોલીસ સ્ટેડીયમ ખાતે એમણે જાહેર ગરબાનું આયોજન કર્યું છે. પોલીસ ગરબા ગોઠવે તો આયોજન પાક્કું થાય. ગાનારાની સેફટી અને સિક્યોરીટી તો જળવાય જ અને પાર્કિંગના પણ ડખા નહીં, એટલે વિન-વિન સિટ્યુએશન. જોકે પોલીસ યજમાન ભલે હોય, પણ પોતાનો સ્વભાવ થોડો ભૂલી જાય?
--
એકદમ લાઈન લેવલમાં ગરબા ચાલતા હતા. એવામાં એકદમ કોન્સ્ટેબલ ચૌહાણ અંદર આવી જાય છે.
ચૌહાણ: ‘એ ... તમે સાઈડમાં કરો.’
મસ્તીમાં ગરબા કરતા ત્રણ છોકરા ગભરાઈને સાઈડમાં આવી જાય છે.
ચૌહાણ: ‘તમને નઈ, તમે જાવ, એ પનુજી પેલા ટેમ્પો જેવા ખખડધજ બેન આવે છે એમને ઉભા રાખ તો.’
બેન (હાંફતા હાંફતા): ‘સાહેબ બધા કાગળિયાં છે, લો આ એન્ટ્રીપાસ, અને લો આ આધારકાર્ડ પણ છે.’
સાહેબ: બેન, ચણીયાચોળી નવા છે, એનું જીએસટી વાળું બીલ બતાવો’.
બેન: ‘લો સાહેબ આ બિલ પણ છે’.
ચૌહાણ ‘બિલ તો ઠીક છે, પણ પરણેલા લાગો છો અને કપાળમાં લાલ ટપકું- ચાંદલો નથી કર્યો, ચાલો નામ બોલો.’
--
‘એ સફેદ કેડિયાવાળા લબરમુછીયા, આ બાજુ આવ ચાલ’.
‘શું થયું સાહેબ?’
‘બર્થ સર્ટીફીકેટ બતાવ ચાલ’.
‘બર્થ સર્ટીફીકેટ અને ગરબામાં?’
‘ચેક કરવું પડે. કોઈ માઈનોર ગરબા કરતા કચરાઈ જાય તો અમે છાપે ચઢી જઈએ’.
--
‘એ મિસ્ટર આમ આ બાજુ આવો, નામ લખાવો’.
‘શું થયું ?’
‘તમે રોંગ સાઈડમાં જતા હતા અને પાછી ભયજનક રીતે લેન ચેન્જ કરી’.
‘હેં? પણ સાહેબ એ તો સ્ટેપ જ એવા છે, ચાર આગળ, બે જમણી બાજુ, બે ડાબી બાજુ, ફુદરડી અને પછી ચાર પાછળની તરફ’.
‘એવું બધું ના ચાલે, સીધી લીટીમાં ગરબા કરવા હોય તો ગ્રાઉન્ડમાં જવાનું શું સમજ્યા?’
--
‘ઓ માજી, સાઈડ પર આવો તો જરા’.
જેને માજી કીધું હતું એ બેન ગરબાનું ગ્રાઉન્ડ છોડીને ચાલ્યા જાય છે અને જઈને જેણે મેકઅપ કર્યો હોય છે એને ઢીબી નાખે છે.
--
ગરબા રમ્યાના સાત દિવસ પછી ઈલાબહેનને પોલીસ તરફથી ઈ-ચલણ આવ્યું. એમનો ગરબા રમતો ફોટો હતો જેમાં એમનો એક પગ ગ્રાઉન્ડની લાઈન દોરીની બહાર પડ્યો હતો.
--
‘ઓ બેન, તમે થોડીવાર સાઈડમાં કરો’.
‘કેમ પણ?’
‘હેવી વેહિકલ રાતે ૧૦-૦૦ પછી’.
--
ફર્સ્ટ પ્રાઈઝના દાવેદાર એવા બે છોકરા અને બે છોકરીઓ ઉછળી ઉછળીને લોકો ચકિત થઇ જાય એવા ગરબા કરતા હતા. એટલામાં કોન્સ્ટેબલ વજેસિંગ અને પ્રતાપ આવીને છોકરાઓને કોલર પકડીને બહાર લઈ જાય છે. છોકરીઓ પાછળ પાછળ જાય છે.
છોકરાઓ: ‘અરે પણ અમે તો ગરબા કરતા હતા’
વજેસિંગ: ‘ગરબા? જાહેરમાં ભયજનક રીતે સ્ટંટ કરો છો તમે, નામ બોલો ચાલો’.
--
‘એય લાલ ઝભા, સાઈડમાં આવ હાલ તો’.
‘શું છે?’
‘ચંપલ પે’રીને ગરબા કર છ, નામ લખાવ.’
‘લખાઉં છું, પહેલા મારા કાકા સાથે વાત કરો, પોલીસમાં ડ્રાઈવર છે’.
‘એ ... ચંપલ પે’રીને ગરબા નહીં કરવાના કીધું ને એક વખત સમજ નથી પડતી? પછી તું ભલે ચીફ મીનીસ્ટરનો છોકરો કેમ ના હોય. લે નામ બોલ’.
--
અમરસિંહ અને ભૈરોસિંહ બે કોન્સ્ટેબલ ડ્યુટી પર હતા. એટલામાં એમની નજર એક પંજાબી કપલ ગરબા કરતુ હતું એમના પર પડી.
અમરસિંહ: ‘એ ભૈરોસિંહ જો પેલુ પંજાબ પાસીંગનું કપલ, એમને સાઈડ પર કર’.
ભૈરો સિંહ (જઈને સરદારજીને બોલાવે છે): ‘એ સરદારજી ઇધર આવો. નામ લીખાઓ. દાંડિયા ખેલના આતા નહીં ઔર ગરબા કરતા હૈ? પંજાબ કે પાસીંગ પે ગુજરાતમેં ગરબા કરતા હૈ?’
સરદાર: ‘ઓયે ગુરુ, વેસે તુમ્હારે ગુજરાતી લોગ હમારા ભાંગડા ભી વેસે હી કરતે હૈ ના, હાથ ઉઠા ઉઠા કે યાન્હું યાન્હું’.
ભૈરો સિંહ: ‘હેં? હારું જાવ નેક્સ્ટ ટાઈમ ક્લાસ ભરીને શીખી ને આવજો ગરબા કરવા, આ લો ક્યાર્ડ મારી માસી કી લડકી કા ક્લાસ હે’.
--
ફોલોઓન
બેઠા ગરબાને બેસ્ટ એનર્જી સેવિંગ એવોર્ડ અપાશે: ગ્રીન રેટિંગ ઇન્ડિયા