Wednesday, January 31, 2018

વિષ્ણુ ભગવાનને ખુલ્લો પત્ર



 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૩૧-૦૧-૨૦૧૮

પ્રિય વિષ્ણુ ભગવાન,

તમે સૃષ્ટિ ચલાવો છો એવું અમારી જાણકારીમાં છે. પરંતુ અમારી ફરિયાદ છે કે તમે એ બરોબર નથી ચલાવતા. ખાસ તો આજકાલ ઋતુઓમાં કોઈ ભલીવાર જણાતો નથી. આ વર્ષે અમેરિકામાં બરફના તોફાનો આવી ગયા, પરંતુ તમારા નિવાસી ભક્તો જ્યાં રહે છે તે ભારતમાં ઠંડી બરોબર પડી નથી. અમારા શહેરમાં ભર શિયાળે હજુ ઘણા લોકો ખીસાની બહાર હાથ રાખીને અને આન્ટીઓ સ્કાર્ફ વગર ફરે છે. અત્યારે તો ભોગેજોગે સ્વેટર પહેરીને નીકળનાર લોકો રણપ્રદેશમાં ફરતા એસ્કીમો જેવા લાગે છે. બીજી તરફ ઉનાળામાં કરા પડે છે બોલો! નવરાત્રીમાં વરસાદ માતાજીના પ્રોગ્રામમાં ભંગ પડાવે છે છતાં મહાદેવજી તમને કંઈ કહેતા નથી? બીજું કંઈ નહિ પણ અમારા ખેલૈયાઓ લપસી પડે છે અને આયોજકોને નવરાત્રીના ધંધામાં કરોડોનું નુકસાન પણ થાય છે એ તો જુઓ! ડીસેમ્બરના લગનગાળામાં માવઠા થાય છે એમાં ઇવેન્ટ મેનેજમેન્ટવાળા અને ફરાસખાનાવાળા પણ ધંધો ભાળી ગયા છે! મસ્ત ટૂંટિયુંવાળીને સુવાની ઋતુમાં પ્રજા જમરૂખ એટલેકે શાહરૂખની જેમ હાથ પહોળા કરીને સુઈ જાય છે એ જોઇને અમોને તો કડકડતું લાગી આવે છે. અને એટલે જ અમે આ પત્ર લખી તમોને અવગત કરવા માગીએ છીએ કે તમારાથી સૃષ્ટિનું સુપેરે સંચાલન ના થતું હોય તો સ્વર્ગના પીપીપી બેઝ પર ટેન્ડર કરીને જેની અટકમાં ‘અણી’ આવતું હોય એવા કોઈ ઉદ્યોગપતિને સોંપી દો. આ તો જસ્ટ સજેશન છે, બાકી અમારા રજની સરને કહીશું તો એક ફૂંકમાં બધું ઠંડુ કરી દેશે!  

આ ડિસેમ્બર પૂરો થવા આવ્યો. હજી સુધી તારીખ જોઇને સ્વેટર પહેરતી પ્રજાને બાદ કરતા કોઈએ સ્વેટર કાઢ્યા નથી. અમુકને ત્યાં તો સ્વેટર હજુ ધૂળ ખાય છે. સ્વેટરને જીવાત કાતરી ના ખાય એ માટે પેટીમાં રાખેલી ડામરની સફેદ ગોળીઓને એનાથી લખોટી રમવા માંગતા છોકરાંથી બચાવીને વોશબેસિનમાં નાખી દીધી હોય પછી એ સ્વેટર પહેરવાનો વારો જ ના આવે, ત્યારે કેટલી ખીજ ચઢે? ઠંડીથી ડરતા અમુક લોકો તો પાછા ગોદડા જેવા જેકેટ ખરીદતા હોય છે! અત્યારે શહેરોમાં રહેવાને જગ્યા નથી ત્યાં આવા જેકેટ આખું વરસ સંઘરી રાખ્યા હોય અને શિયાળામાં એની જરૂર જ ન પડે ત્યારે તો ગમે તેને લાગી આવે દીનાનાથ!

અમારી ઓફીસ પાસે જ્યુસ વેચતો રામખિલાવન અત્યારે શિયાળામાં શેરડીનો રસ કાઢતો જોવા મળે છે! ઉનાળામાં બરફ ગોળાની લારી કરતો શાકવાળો કાળુ આ વખતે ઉત્તરાયણ પર ગોળાની લારી લઈને આવ્યો હતો! શિયાળામાં ‘મને શરદી છે’ કહીને સોફ્ટડ્રીંક પીવાની ના પાડનારા મહેમાન સામે ચાલીને આઈસ્ક્રીમ માગીને ખાય છે! બપોરે પડતી ગરમીના કારણે લોકો આદુવાળી ચા છોડીને રસ-શરબત પીવા લાગશે તો અમદાવાદની કટિંગ ચા સંસ્કૃતિનું સત્યાનાશ થઈ જશે એવું પણ અમારા જેવા ઘણા ચિંતકોને લાગે છે. ઉત્સાહમાં ‘શિયાળામાં સૂપ ભલો’ એવું કહેનાર મોડર્ન કવિ અને એ દુહાને શેર કે રીટ્વીટ કરનારાને આઘાત લાગે એવો માહોલ છે. ગરમીને કારણે સાંજે ઘરઘરમાં ભરપુર ખાંડ નાખેલા પ્યોર ગુજરાતી ટોમેટો સૂપ કોઈ પીતું નથી, અને એ કારણસર ટામેટાની ખેતી કરતા ખેડૂતોને ટામેટા રસ્તા પર ફેંકી દેવા પડે તે કેમ ચાલે પ્રભુ?

શિયાળામાં મોર્નિંગ વોક કરવાનો મહિમા છે. અમદાવાદના લો ગાર્ડનમાં તો શિયાળામાં ચાલનારના ટ્રાફિકને કન્ટ્રોલ કરવા ટ્રાફિક માર્શલ રાખવાનું આ વર્ષે મુનસીટાપલીએ બજેટ ફાળવ્યું છે ત્યારે, જો ઠંડી જ ન પડે તો ચાલવાનો ઉત્સાહ ક્યાંથી આવે? વળી નવા વર્ષમાં રોજ સવારે ચાલવા જવાના નિર્ણયો ‘પુરતી ઠંડી નથી એટલે મઝા નથી આવતી’ જેવા કારણોસર તૂટી જાય તેમાં ગુજરાતની પ્રજાનો શો દોષ? અત્યારે તો શિયાળામાં જોગીંગ માટે ખાસ ખરીદેલા બુટ, ટીશર્ટ, ટ્રેક પેન્ટ અમારા કામવાળા જ પહેરશે એવું લાગે છે ગિરધારી!

આ બાજુ ગૃહિણીઓએ પોતાના પતિ અને બાળકો આખું વર્ષ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ માટે દિવાળી પછી અડદિયા, મેથીપાક અને સાલમપાક બનાવી રાખ્યા છે એમની મહેનતની તમને કંઈ કિંમત જ નથી? સીઝન વગર ખાધેલા વસાણા ગરમ પડશે તો? કહેતા હોવ તો આબુમાં ઠંડી પડે છે તો ત્યાં જઈને અડદિયાના ડબ્બા ખોલીએ. જોકે આ સિઝનમાં ફેસબુક ઉપર આબુમાં ચેક-ઇન કરીએ તો લોકો ‘અમારા વતી પીતા આવજો’ કે પછી ‘અમને મુકીને એકલા એકલા?’ એવી કોમેન્ટો આવે એટલે અમે નથી જતા.

હવે આમારી અમદાવાદી સ્ટાઈલ મુજબ મૂળ વાત પર આવીએ. કોઈ વચલો રસ્તો કાઢો ને પ્રભુ! કહેતા હોવ તો જેમ તમારા સ્ટાફના વરુણદેવને રીઝવવા માટે પાણી ભરેલા તપેલામાં બેસીને યજ્ઞ કરવામાં આવે છે એમ ઠંડી માટે બરફની લાદી પર કોકને બેસાડીને યજ્ઞ કરાવીએ. એટલું ઓછું હોય તો વરસાદ માટે પાટલા પર કાદવનો મેહ બેસાડીને મેવલો ગાતા ગાતા નીકળીએ છીએ એમ બરફના છીણના સ્નોમેનને ઉચકીને ‘જિંગલ બેલ્સ ...’ ગાતા નીકળીએ. કહો તો વરસાદ માટે દેડકા-દેડકીના લગ્ન કરાવીએ છીએ એમ શિયાળામાં ગુજરાતમાં ઉતરી પડતા યા-યા બોલતા વિદેશી પક્ષીઓને પરણાવીએ. એને તમે ન ગણતા હોવ તો પાંખવાળા સાચા યાયાવર પક્ષીઓના લગન કરાવીએ. તમે કહો એ કરીએ માધવ, પણ અમારા ટ્રેકસુટ, બુટ, સ્વેટર, વસાણાનો ખર્ચો માથે ન પડે એ જોજો! અને છેલ્લે આજીજી ભરી વિનંતી કે શિયાળો ફેઈલ ગયો છે, તો હવે ઉનાળો પણ એકદમ માફકસર કરી નાખજો. અમદાવાદમાં રાત્રે ૨૨-૨૩ ડીગ્રી અને દિવસે ૩૨-૩૩ ડીગ્રી. ભૂલાય નહિ. અસ્તુ.

લિ. અમદાવાદીઓ

મસ્કા ફન


બધા જ ભાવનાને સમજી શકે છે, સિવાય કે ભાવનાનો હસબંડ.

No comments:

Post a Comment