Wednesday, November 22, 2017

કલ્પનાના ગધેડાં દોડાવવા પર કવિઓનો ઈજારો નથી

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૨-૧૧-૨૦૧૭

કવિઓ માટે એવું કહેવાય છે કે ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’.અહીં કવિ કહેવા એ માંગે છે કે લાખો કિલોમીટર દૂર રહેલો રવિ પોતાના કિરણોથી જ્યાં નથી પહોંચી શકતો ત્યાં કવિ પહોંચી શકે છે. એ ન્યાયે મંગળ ગ્રહની અંધારી બાજુ પરના પૈસાપાત્ર જીવો જો મુશાયરાનું નિમંત્રણ મોકલે તો આપણા કવિઓ સ્પેસ શટલ કે સ્પેસસુટની રાહ જોયા વગર માત્ર લેંઘા-ઝભ્ભા અને બગલથેલાથી સજ્જ થઈને કવિતાની પાંખે મંગળ પર પહોંચી જાય એ વાતમાં મીનમેખ નથી. અહીં પૃથ્વીવાસી ફેસબુકના કવિઓનું કારખાનું શનિ-રવિ, દિવાળી-બેસતું વરસ, હોળી-ધૂળેટી એવા કોઈ પણ વાર તહેવારની રજા વગર ચાલતું રહે છે. કવિ આફ્રિકાનો નકશો જોયા વગર આફ્રિકાના વિષુવવૃત્તિય જંગલોની પરિકલ્પના કરી શકે છે. કવિ ગોળનો ટુકડો ખાઈને રસમલાઈ વિષે લખી શકે છે. એક કવિ જ કહી ગયા છે કે પંખી, નદી, પવનની લહેરકી અને કવિને કોઈ રોકી શકતું નથી. ઔચિત્ય ન ભંગ થાય એટલે આ કલ્પનાના ગધેડાને અમે અહીં જ અટકાવીએ છીએ. પરંતુ કવિનો ઈજારો હવે કલ્પનાશક્તિ પર રહ્યો નથી. હવે ચૂંટણીની હવા ચાલી છે એમાં નેતાઓ કવિઓથી પણ આગળ નીકળી ગયા છે. હવે નેતાઓ એક બાજુથી બટાકા નાખીને બીજી બાજુથી સોનાના સિક્કા નીકળે એવા મશીન બનાવવાની કલ્પના કરવા સુધી પહોંચી ગયા છે!  


આપણે આગળ રોકેલું ગધેડું કવિના બદલે આ મશીન તરફ દોડાવીએ. કલ્પના કરો કે તમે શોપિંગ મોલમાં જાવ છો અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદો છો. બીલ થાય છે રૂ. ત્રણ હજાર સાતસો છપ્પન રૂપિયા. પેમેન્ટ કરવા માટે તમે બેંક દ્વારા તમને અપાયેલું પર્સનલ પોસ કમ એટીએમ મશીન એટલે કે બટાટાની વેફર પાડવાની છીણી કાઢીને એની ઉપર ડેબીટ કાર્ડ એટલે કે બટાકુ ‘ખચ્ચ’ ‘ખચ્ચ’ એમ બે વાર ઘસીને બબ્બે હજારના બે પતીકા પાડીને પેમેન્ટ કરો છો. તમે તો માલ લઈને ચાલતી પકડો છો, પણ કાઉન્ટર બોય બાકી વધેલી ‘રકમ’ પાછી લઇ જવા બોલાવે છે. તમે દૂરથી જ ‘કીપ ધ ચેન્જ. કાલે પૂનમ છે, ફરાળ બનાવવામાં વાપરજે’ કહીને નીકળી જાવ છો. આ હા હા હા ... આવું બને તો કેશલેસ ઈકોનોમીનું સપનું સાકાર થઇ જાય કે નહિ? જેને જુઓ એ છીણી-બટાકુ લઈને ફરતું હોય!

દીવાસ્વપ્નમાં રાચવું એ કંઈ ખોટું નથી, પણ શેખચલ્લી ના બનાય. માનનીય અબ્દુલ કલામ સાહેબે એમની આત્મકથામાં કહ્યું છે કે સ્વપ્ન એ નથી જે તમે સુતાં સુતાં જુઓ છો, સ્વપ્ન એ છે જે તમને ઊંઘવા ના દે. પણ રાજકારણમાં હાઈવે જેવું છે, નજર હટી દુર્ઘટના ઘટી. જરાક બેદરકાર રહો તો હરણની સીતા થઈ જાય. હમણાં એક નેતાએ મેડ ઇન પાટણ મોબાઈલથી ચાઈનાના લોકો સેલ્ફી લેતા હોય એવી કલ્પના કરી. કિતને ઉચ્ચ વિચાર! ચાઈનામાં કોઈ સેલ્ફી લે અને પાટણમાં એક જણને મોબાઈલ ફેક્ટરીમાં ફીટરની કે એવી કોઈ નોકરી મળે. પછી તો ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સાથી પાટણની સ્પેશીયલ ટ્રેનો ચાલુ કરવી પડે. હદ તો ત્યારે થાય જયારે વિદેશ પ્રવાસે નીકળેલા ચાઈનાના કોઈ ચીંગ ચાંગ ચુને એની પરણેતર એમ ગાઈ સંભળાવે કે ‘ચીંગ ચાંગ ચુ જી રે, મારે હાટુ પાટણથી મોબાઈલ મોંઘા લાવજો’. પટોળાની ભાતના મોબાઈલ! વાહ વાહ.... મોબાઈલ નહીં ને મોબાઈલના કવર પટોળાની ભાતના બનાવે તોયે ભલું ! કે પછી કોઈ નારી પેલું ગીત ગાતી હોય કે ‘એક પાટણ શહેરની નાર પદમણી ... ભાતીગળ ચૂંદલડી લહેરાય, મોબાઈલીયું ટુડુક ટુડુકટુડુક ટુડુક ટુડુક ટુડુક થાય ...’

આપણા દેશને જરૂર છે આવા આર્ષદ્રષ્ટા નેતાઓની. એવા નેતાઓની કે જે બટાકામાંથી સોનું બનાવી શકે. કચરામાંથી ઈલેક્ટ્રીસીટી પેદા કરવાની ટેકનોલોજી તો છે, પરંતુ પાનની પિચકારીમાંથી ઈલેક્ટ્રીસીટી પેદા કરવાની હાઈડ્રોપાવર ટેકનોલોજીની તાતી જરૂર છે. સોલર પાવરથી ચાલતી કાર શોધાઈ હશે, પરંતુ સોલર પાવરથી ફાઈલો ચલાવી શકાય એવી શોધ થાય એ જરૂરી છે. આપણે જરૂર છે એવા મશીનની જેમાં આ તરફથી ઘાસ નાખો તો બીજી તરફથી દૂધ નીકળે. આપણે એવા મશીનની પણ જરૂર છે જેમાં આ તરફથી ડફોળને નાખો તો પેલી તરફથી બુદ્ધિજીવી નીકળે. પછી એ બુદ્ધિજીવી પાછો મશીનમાંથી નીકળી દેશને ઉદ્યોગીકરણથી શું નુકસાન થયું એ લખવા બેસી જાય!

ખરેખર! કોઈ એવી જાદુઈ છડી જડે જે ફેરવવાથી પીપલ કે પત્તે રોટી બન જાયે ઔર તાલાબ કા પાની ઘી, તો બંદા ઝબોળ ઝબોળ કે ખાવે! એક ઝાટકામાં દેશની અન્ન સમસ્યાનો અંત! દરેક માટે ઘી અને રોટલી! જેને ઘી કેળા જોઈતા હોય માત્ર એણે કેળાની ખેતી કરવાની રહે. કવિ જરા રોમાન્ટિક હોય તો એવું પણ મશીન શોધે કે તમે આ બાજુથી પત્નીને કેબીનમાં મોકલી અને મેનુમાં જોઇને બટન દબાવો એટલે પેલી બાજુથી આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, સોનાક્ષી સિંહા કે કેટરીના કૈફ નીકળે! એમાં પણ બુદ્ધિનું લીવર દબાવો એટલે ઈન્ટેલીજન્ટ આલિયા નીકળે અને મ્યુટનું બટન દબાવો તો મૂંગી પત્ની નીકળે તો? પછીતો ડીમોનેટાઈઝેશન વખતે કરતા હતા એમ એ મશીન પાસે લાં....બી લાઈનો લાગે! કેમ, મઝા પડે ને? મિત્રોંઓઓઓ ... મઝા પડે કે નહિ? જોતો ... જોતો ... કેવા મનમાં લડ્ડુ ફૂટે છે નહિ? ચાલો, બહુ સહેલ ખાધી હવે પતંગ ધાબામાં લાવી દો. હમણાં તમારાવાળીને ખબર પડશે તો તમને ડીશવોશર બનાવી દેશે. એ પણ ઈલેક્ટ્રીસીટી વગર ચાલતું ઈકોફ્રેન્ડલી. લૌટ આઓ ભીડુ.

મસ્કા ફન
ઈન્ઝમામ ઉલ હકને છોલીએ તો કેટલા તોલા સોનું મળે?

No comments:

Post a Comment