કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૧-૧૧-૨૦૧૭
પ્રેમ અને ગબ્બર સિંગ આ બે વિષય પર અત્યાર સુધી જેટલું લખાયું છે એટલું હજુ એક સદી સુધી લખાશે તો પણ બીજી એક સદી સુધી લખાય એટલું બાકી રહેશે. હમણાં બાબાભાઈએ જી.એસ.ટી.ને ગબ્બર સિંઘ ટેક્સ તરીકે ઓળખાવ્યો. એમનો નિર્દેશ ટેક્સની ઉઘરાણીની પદ્ધતિ કે પછી ટેક્સની યથાર્થતા વિષે હતો તે સ્પષ્ટ નથી થતું; બાકી શોલેમાં ગબ્બર સિંગ સ્પષ્ટ હતો. એ માનતો કે ગબ્બરના તાપથી પ્રોટેક્શનના બદલામાં રામગઢની પ્રજા પાસેથી એ થોડું અનાજ માગે છે એ કોઈ જુલમ નથી. ટૂંકમાં અમે ધાડ પાડીને લઇ જઈએ એના કરતા તમે સામે ચાલીને અનાજ-સામાન આપી દો. ખરી વાત છે, ઇન્કમટેક્સની કાર્યવાહીથી બચવા વી.ડી.એસ. સ્કીમ છે એ કૈંક આવી જ છે! લોકશાહીમાં આવું જ હોય.
સોશિયલ મીડિયામાં ભલે ગબ્બરને સંત ઠરાવવાની કોશિશ થઇ હોય, પણ હકીકત એ છે કે ગબ્બર સિંગ નિર્દયી હતો. ઠાકુરના કુટુંબને એણે નિર્દયતાથી ઠાર માર્યું હતું. એ શેખીખોર હતો. સ્ટોક માર્કેટની જેમ એના માથાનો ભાવ વધઘટ થતો હશે કે બીજું કંઈ પણ એ વારેઘડીએ ઊંચા ખડક પર બેઠલા એના સાંભાને પૂછતો કે આજકાલ સરકારે મારા માથા પર કેટલું ઇનામ રાખ્યું છે? અને સાંભા જે તે દિવસનો ભાવ જણાવતો. આ સાંભો સરકારી કર્મચારીની જેમ આખી ફિલ્મમાં માત્ર એક ડાયલોગ બોલે છે અને એક ગોળી છોડે છે, છતાં પગાર પૂરો લે છે. આમ તો ગબ્બરની આણ એના અડ્ડાથી લગભગ પચાસ કોસ (૯૦ કિમી.) સુધી હતી; આમ પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ધાકમાં હોવા છતાં એ છોડીને એણે લોકસભા ક્ષેત્રમાં ફેલાવાની કોશિશ નહોતી કરી એટલો એ સંતોષી હતો.
ગબ્બર થોડોક સ્થૂળકાય હતો. એના અડ્ડા પર લાકડા બાળીને ખાવાનું પકવવામાં આવતું. રામગઢમાં ગેસ એજન્સી નહોતી અને એ જમાનામાં સબસીડી જમા કરાવવા માટે જનધન ખાતા પણ નહોતા એની અસર અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. બીજું, એના સાથીદારોમાં એનું નમક અને ગોળી ખાનારા હટ્ટાકટ્ટા છે. ગબ્બરના અડ્ડામાં એકેય સ્ત્રી નહોતી અને ગબ્બર સહિત બધા સાથીદારોએ પુરુષોના હાથનું બનાવેલું ભોજન ખાઈને તબિયત બનાવી હતી એવું જણાય છે. ગબ્બર તમાકુ ખાતો પણ સ્ટાઈલ અમારા વહાલા ઉત્તર ગુજરાતવાળા કરતા જુદી. આપણાવાળાને તો તમાકુ ચોળ્યા પછી ચૂનો ઉડાડવા માટે તાલી પાડીને બે-ચાર જણાને છીંકો ખવડાવીએ નહી ત્યાં સુધી કિક ન વાગે, જયારે ગબ્બર તમાકુ ચોળતો ઓછું અને ચોળ્યા પછી સીધો એનો ફાકડો મારી દેતો. આમ કરવામાં ફક્ત ખાનારને છીંકો આવે, પરંતુ શોલે ખુબ લાંબી ફિલ્મ હતી એટલે ગબ્બર આણી મંડળી છીંકો ખાતો હોય એવા સીન કપાઈ ગયા હશે એવું અમારું માનવું છે. ગબ્બર વચનનો પાક્કો છે. એણે ઠાકુરને કહ્યું હતું કે કોઈ જેલ એને લાંબો સમય સુધી અંદર નહીં રાખી શકે અને એણે એ કરી બતાવ્યું. લલિત મોદી અને વિજય માલ્યાના ભાગવાની જેટલી ચર્ચા સોશિયલ મીડિયામાં થઇ છે, એટલી ચર્ચા શોલેમાં ગબ્બરના ભાગવા વિષે નથી થઇ એ જોતાં ભીનું સંકેલાયું હોવાની શક્યતા નકારી શકાય નહિ.
ગબ્બર ડેલીગેશન ઓફ ઓથોરીટી નામના મેનેજમેન્ટ પ્રિન્સિપલનો સારો ઉપયોગ કરતો હતો, અને જ્યાં સુધી એના ફોલ્ડરોથી કામ ચાલતું હોય ત્યાં સુધી પોતે, એટલે કે મેનેજરના સમયનો બગાડ કરવામાં માનતો નહોતો. રામગઢમાંથી ગબ્બર સિંગ ટેક્સરૂપે અનાજ ઉઘરાવવા એણે એના ત્રણ માણસોને મોકલ્યા હતા. ગબ્બર મેનેજમેન્ટની રીતે પ્રોડક્ટીવીટી સમજતો હતો. એના ત્રણ માણસો બે જણ સામે હારીને આવે એ કંપનીને ના પોસાય એ સ્પષ્ટ પણે સમજતો હતો. અને આવા નકામાં માણસોને ફાયર કરવાની પ્રથા ૧૯૭૫માં ગબ્બરે શરુ કરી હતી.
‘જર જમીન અને જોરુ, આ ત્રણેય કજીયાના છોરું’ આ કહેવત ગુજરાતી હોવા છતાં અને ગબ્બર ગુજરાતી ન હોવા છતાં ગબ્બરે સાંભળી હતી. ગબ્બરને બૈરી-છોકરાં પણ નહોતા. એટલે કહી શકાય કે એ એના કામથી કામ રાખતો હતો. એ કોતરોમાં રહેતો હતો એટલે એની પોતાની જમીન અને એ કારણે ઝઘડાનો સવાલ નહોતો. હથિયારોની લેવડદેવડ દરમિયાન નેગોશીએશનના ભાગ રૂપે વધારાના રૂપિયા ખર્ચ્યા વગર એ હેલનના ડાન્સ જોતો હતો અને એ જોતજોતા એ રૂપિયા ઉછાળતો નથી, જે ગબ્બરની ઇકોનોમિક વર્કિંગ સ્ટાઈલ અને બેલેન્સ ઓફ માઈન્ડ બતાવે છે. અરે, બસંતીનો ડાન્સ જોવા રૂપિયા ન ખર્ચવા પડે એના માટે એ વીરુને પકડીને બાંધી દે છે, અને સાંસ અને પાંવની સિનર્જી બસંતીને સમજાવે છે.
આટલી ખૂંખાર ડાકૂ ટોળી હતી છતાં તમને સાંભા અને કાલીયા સિવાય બીજા કોઈ ડાકૂના નામ ખબર છે? અને કેમ ફક્ત ગબ્બર જ બોસ? સંસ્કૃતમાં એક સૂત્ર છે ‘बहवो यत्र नेतार:, सर्वे पण्डित मानिना:। सर्वे मह्त्व मिच्छंति, तद् राष्ट्र भव सीदति ।। અર્થાત, જ્યાં બહુ બધા નેતાઓ હોય અને દરેક મહત્વાકાંક્ષી હોય એવા જૂથ કે ટોળીનો નાશ થાય છે. શક્ય છે ગબ્બર સિંઘના સ્કુલ શિક્ષક બાપા હરીસિંઘે એને આ શીખવાડ્યું હોય જેના કારણે ગબ્બરે ડેપ્યુટી સરદાર જેવી કોઈ પોસ્ટ ઉભી કરી નહોતી. ગબ્બર સર્વેસર્વા હતો. એકંદરે ગબ્બર સિંઘ નિર્દયી હોવા છતાં એની કાર્યપધ્ધતી અનુકરણીય હતી, અને એમાંથી મેનેજરો અને રાજકારણીઓને બોધ મળી રહે છે. આવા ગબ્બરને ફિલ્મના અંતમાં ડીએસપીએ ઠાકુરની પાનીમાંથી (ઠાકુરને હાથ નહોતા) છોડાવ્યો તો હતો. પરંતુ પછી એને ફાંસી થઇ હતી કે પછી અડધી રાત્રે કોર્ટ ખોલાવીને એના બચાવવાની કોશિશ થઇ હતી એ જાણવા આપણે શોલેની સિકવલ બને એની રાહ જોવી રહી.
મસ્કા ફન
આ ટેક્સની રામાયણ એટલા માટે છે કે આપણી વેપારી પ્રજા બસંતી જેવી છે જેમને ‘બેફિઝુલ ટેક્સ દેને કી આદત નહીં હૈ’.
No comments:
Post a Comment