Wednesday, July 26, 2017

પાણી ઉર્ફે ભેજ ઉર્ફે હવાઈ જવાની ઘટના ઉર્ફે સુરસુરિયું


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૬-૦૭-૨૦૧૭

દેશમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ખેડૂતો અતિવૃષ્ટિની ચિંતામાં છે. એન્જીનીયરો પોતે બનાવેલા સ્ટ્રક્ચર કઈ ભૂલને કારણે હજુ ઊભા છે તે અંગે દ્વિધામાં છે. વિધાર્થીઓ સાંબેલાધાર વરસાદ છતાં કોલેજમાં રજા ન પડવાને લીધે દુ:ખી છે. પણ આ બધામાં સૌથી મોટી સળગતી એટલે કે હવાયેલી સમસ્યા છે નાસ્તા હવાઈ જવાની. આ સમસ્યા એવી છે કે મમ્મીએ પ્રેમથી બનાવેલા પૌંવાના ચેવડાનો ફાકડો મારો તો મોમાં થર્મોકોલના દાણા ચાવતા હોવ એવી ફીલિંગ આવે અને પછી ચહેરા ઉપર હવાઈઓ ઉડવા લાગે. કવિઓ કહે છે તેમ આવો ભેજ આંખોમાં હોય ત્યાં સુધી બરોબર, પણ રાત્રે સુતી વખતે ખબર પડે કે એકના એક લેંઘામાં ભેજ રહી ગયો છે; અને એ ભેજ લેંઘો પહેરી શરીરની ગરમીથી સૂકવવાની કોઈ સલાહ આપે, ત્યારે સાલું લાગી આવે!
Source: Zee 24X7
કવિઓ ભલે આંખોના ભેજની વાત કરતા હોય છે. પરંતુ આંખના ડોક્ટર્સ એમ કહે છે કે કોમ્પ્યુટર કે મોબાઈલ સામે સતત તાકી રહેવાથી ડ્રાય આઈઝની તકલીફ થાય છે. હવે ધારો કે કોઈ પ્રેમીજન પોતાના પ્રિયપાત્રના સંદેશાની પ્રતીક્ષામાં સતત મોબાઈલ-કોમ્યુટર સામે ચોંટી રહે અને એમ થવાથી એને ડ્રાય આઈઝની તકલીફ થાય. પરંતુ અંતે પ્રિયપાત્રનો હકારાત્મક અથવા કોઈ પણ પ્રકારનો સંદેશ ન આવતા આંખમાં ભેજ વળે તો એ અગાઉ ઉભી થયેલ સુકી આંખની સમસ્યાનો ઉકેલ બની જાય છે. આમ વિરહ અને રીજેકશન ભેજના કારક ગણી શકાય જે આંખના ડોકટરોનો ધંધો બગાડે છે!

કોઈ પણ પદાર્થમાં રહેલા પાણીની માત્રા કરતાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે વાતાવરણનો ભેજ વસ્તુમાં પ્રવેશે છે. આને હવા લાગી જવાની ઘટના પણ કહે છે. છિદ્રાળુ પદાર્થ આ રીતે ભેજ શોષી લે એનાથી પદાર્થના આકાર, ઘાટ કે સ્વરૂપમાં બદલાવ આવે છે. ભેજ લાગવાથી કઠણ વસ્તુ નરમ પડે છે. દાખલા તરીકે શેકેલો પાપડ. તાજો શેકેલો પાપડ સ્વભાવથી એક શૂરવીર સમાન હોય છે જે તૂટી જાય છે પણ વળતો નથી. પણ, એ જ પાપડ હવાઈ જાય પછી એનો ગર્વ ચૂરચૂર થઇ જાય છે અને એ પોતે શરદીના પેશન્ટના રૂમાલ જેવો લફડફફડ થઇ જાય છે. આમ તો તાજા હવાયેલા પાપડના ટેસ્ટમાં હવાઈ જવાથી કોઈ ફેર નથી પડતો, છતાં, આવો પાપડ ત્યજ્ય બની જાય છે. ખાસ કરીને હોટલમાં રૂપિયા ખર્ચીને જમવા જઈએ ત્યારે. ઘરના હવાયેલા પાપડ બહુધા ખવાઈ જાય છે. આવી જ રીતે ચામાં ઝબોળેલું બિસ્કીટ, ચટણીમાં બોળેલો ફાફડો, ચોમાસું ચાખ્યું હોય એવો ફટાકડો અને પત્નીની ઉલટતપાસ પછી પતિ ઢીલા થઈ જાય છે.

હવાઈ જવામાં બહારના ભેજ વડે અંદરથી ભીના થવાની વાત આવે છે. કાર્યક્રમ સંચાલકોને દરેક કાર્યક્રમ અંદરથી ભીનો કરતો હોય છે. એટલું સારું છે કે આપણને મળતા ભાવભીના આમંત્રણથી કે કાર્યક્રમની શરૂઆતમાં જે ભાવભીનું સ્વાગત થાય છે તેનાથી કદી હવાઇ જવાતું નથી. એવી જ રીતે વરરાજાને પોંખવાની વિધિ વખતે ગોર મહારાજ જાનૈયા અને વરરાજા પર પાણી ઉડાડતા હોવા છતાં એ હવાઇ જતા નથી. જોકે પરણ્યા પછી કડકમાં કડક વરરાજા હવાઈ જતા હોય છે એ જુદી વાત છે.

હવાઈ જવાની ઘટનાને પાણીથી લાગતા ભેજ અને ભીનાશ સાથે સીધો સંબંધ છે. એન્જીન ઓઈલ, હાંડવા-ઢોકળા ઉપર નાખતા તેલ કે માથામાં નાખવાના તેલના ભેજ વિષે કોઈ દિવસ સાંભળ્યું નથી. એને કોઈ સુંઘતું પણ નથી. કોઈ સદ્યસ્નાતા સૌમ્યા કે સલોનીના વાળની ભીનાશ ઉપર કવિઓ કવિતા ઘસી શકે પણ મણીકાન્તા બહેને માથામાં કરેલી તેલચંપી ઉપર કોઈ કવિએ એક ચોપાઈ પણ લખી હોય એવું અમારી જાણમાં નથી.

હવાઈ જવાની ઘટના ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના નિયમ સિવાય પણ બને છે. વ્યક્તિ કે વસ્તુ અપેક્ષિત કરતાં ઉતરતી કક્ષાની કામગીરી અથવા દેખાવ કરે ત્યારે તેને હવાઈ ગયેલ જાહેર કરવામાં આવે છે. આમાં વાસ્તવિક રીતે ભેજની હાજરી હોવી જરૂરી નથી. દાખલા તરીકે આઈપીએલમાં કરોડોની કિંમતે હરાજી થયેલ ખેલાડી રમે નહીં ત્યારે એ હવાઈ ગયો કહેવાય છે. બોલીવુડના સ્વઘોષિત ‘ભાઈ’ ઉર્ફે સલમાન ખાનની ‘ટ્યુબલાઈટ’ ઇદના મોકા ઉપર રીલીઝ કરી હોવા છતાં બોક્સ ઓફીસ પર હવાઈ ગઈ હતી! ચાલુ મહિનામાં જ ચીનના મહત્વાકાંક્ષી રોકેટ લોંગ માર્ચ-૫નું સુરસુરિયું થઇ ગયું! એમ જ ટીનએજ હાર્ટથ્રોબ ગણાતા રણબીર કપૂરની ‘રોકેટ સિંઘ’ પણ હવાઈ ગઈ હતી. મિસ્ટર ઇન્ડિયાનો દુશ્મન મુગેમ્બો પોતે હવા હવાઈનો આશિક હતો, પણ હવા હવાઈ બનતી શ્રીદેવીને એવી હવા લાગી ગઈ કે ‘ચાંદની’ અને ‘લમ્હે’ સિવાયની પછીની બધી ફિલ્મો હવાઈ ગઈ. છેલ્લે ૨૦૧૨માં ‘ઈંગ્લીશ વિન્ગ્લીશ’ ચાલી પણ પાછી હમણાં આવેલી ‘મોમ’ હવાઈ ગઈ!

તમે હવાઈ ટાપુની ટુર પર જાવ ત્યારે તમે સાચેસાચ હવાઈ ગયા કહેવાવ. રોજીંદી ઘટમાળના ચકરાવે ચઢીને હવાઈ ગયેલો માણસ હવાઈ મુસાફરી કરીને હવાઈ જાય પછી, એટલે કે હવાઈ ટાપુ પર વેકશન ગાળ્યા બાદ, તરોતાજા થઈને પાછો આવે છે. વર્ષો પહેલાં નાની મેશની ડબ્બી જેવડો ‘હવાઈ’ નામનો એક ફટાકડો આવતો હતો. જામનગરમાં હવાઈ ચોક નામની જગ્યા છે જ્યાં સ્વાદિષ્ઠ ઘૂઘરા આપણી નજર સામે જ તળીને ગરમાગરમ સર્વ કરે છે એટલે હવાઈ જવાનો સવાલ જ નહિ! આમ છતાં મનુષ્યની કિસ્મતમાં કંઈનું કંઈ હવાયેલું લખાયેલું જ હોય છે. જરા જુઓ તો તમારા હાથમાં છે એ છાપું તો ક્યાંક વરસાદમાં હવાયેલું નથી ને?

મસ્કા ફન ઘણીવાર ઊંટ પહાડને પણ ઊંટ જ સમજતું હોય છે. પણ એ ઊંટનો પ્રોબ્લેમ છે.

No comments:

Post a Comment