Wednesday, July 19, 2017

આપણે આળસુ નથી જ

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૯-૦૭-૨૦૧૭

એક તાજા સંશોધન મુજબ ભારતીય પ્રજા ખુબ આળસુ છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનીવર્સીટી દ્વારા સ્માર્ટફોન ધારક લોકોના ફોન એપ્લીકેશનમાં રેકોર્ડ થતા ડેટાને આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે. સાત લાખ લોકોના સર્વેમાં ભારતીયો રોજના માત્ર ૪૨૯૭ સ્ટેપ ચાલવા સાથે ૩૯માં ક્રમે આવે છે. અમેરિકન યુનીવર્સીટી, અને એ પણ સ્ટેનફોર્ડમાં કોઈ રીસર્ચ થાય તો એને ચેલેન્જ ન જ કરી શકાય. પરંતુ અમને લાગે છે કે ભારતીયોને આળસુ કહેવાને બદલે સ્માર્ટ ફોન, નેટવર્ક કનેક્શન અને ફોનમાં આવી હેલ્થ એપ ઇન્સ્ટોલ કરી હોય એવા ભારતીયો આળસુ છે એવું કદાચ કહેવું હોય તો હજી કહી શકાય. બાકી આપણે ત્યાં પસ્તીવાળા, શાકની લારીવાળા, ગરીબી રેખાની નીચે જીવનારા, વાહન ન ધરાવનારા, નોકરિયાતો, સ્કુલે જતા વિદ્યાર્થીઓ, માનતા માનનારા અને પદયાત્રા કરનારા આવા કૈંક લોકો ચાલે છે, અને રોજના પાંચ-દસ કિલોમીટર તો રમતરમતમાં ચાલી નાખે છે. આવા લોકોને પૂછ્યા વગર કોઈ જ્હોન, જેમ્સ કે જેક્સન ભ’ઈ રીસર્ચના નામે પરબારું જ ભારતીયોને આળસુ કહી જાય તે કઈ રીતે ચલાવી લેવાય?

અમારા મતે સરેરાશ ભારતીય ખંતીલો અને મહેનતુ છે. અમારા રમેશકાકાનો જ દાખલો લો. એમને સ્કૂટર બહુ વહાલું હતું. સવારે આંગણામાં પડેલા સ્કૂટર ઉપર તડકો આવે કે તરત એને ખસેડીને છાંયડામાં મૂકી આવતા અને બપોર પછી એની ઉપર તડકો આવે એટલે પાછું એને ઢસડીને સવારવાળી જગ્યાએ મૂકી દેતા. આમ ખસેડા-ખસેડીમાં વગર પેટ્રોલે સ્કૂટર એટલું ચાલતું કે એની એવરેજ બીજા કરતા ડબલ આવતી! અને આ તો સ્કૂટરની એવરેજની વાત થઇ, કાકાની એવરેજ કેટલી હશે એ વિચારો! આ જ રમેશકાકા આઠ આના બચાવવા માટે બસમાંથી એક સ્ટેન્ડ વહેલા ઉતરી જતા અને બાકીનું ચાલી નાખતા. બીજું, એમની ઉપર કોઈ પણ ટપાલ આવે એટલે કાકા પહેલા ટપાલ ટીકીટ ઉપર પોસ્ટનો સિક્કો વાગ્યો છે કે નહીં તે ચેક કરે અને ન વાગ્યો હોય તો કવર પાણીમાં બોળી, સાચવી રહીને ટીકીટ ઉખાડે, એને છાપાની વચ્ચે મૂકી અને સૂકવે અને પછી ફરી વાપરે. આવા ઉદ્યમી રમેશકાકા ભારતના લગભગ દરેક ખાનદાનમાં મળી આવશે.

સમસ્યાનો અંત ન આવે ત્યાં સુધી વાતનો તંત ન મુકવાનો ખંત આપણા લોહીમાં છે. દા. ત. રીમોટ કામ કરતુ બંધ થાય ત્યારે સેલ બદલવાનું સહેલું કામ કરવાને બદલે આમ ભારતીય નાગરિક પહેલા તો રીમોટ હથેળીમાં પછાડી ફરી ચાલુ કરી જોશે. શક્ય છે હથેળીમાંથી સંપાત ઉર્જા થકી રીમોટ ચાલુ પણ થઈ જાય! આમ એક દિવસ નીકળી જાય, અને પછી બીજા દિવસે ફરી રીમોટ પોતાની જાત બતાડે એટલે ફરી સેલ બદલવાના સહેલું કામ કરવાને બદલે સેલ બહાર કાઢી એની જગ્યા અદલબદલ કરી જોશે. આમ ને આમ અઠવાડિયું ખેંચી કાઢી સેલ સાવ ડેડ થઈ જાય પછી સેલ બદલવાનું કાર્ય હાથ પર ધરાય છે. આમાં બચત કરતા દેશની સંપત્તિનો ખોટો બગાડ ન થાય એ હેતુ મુખ્ય, પછી ભલે આપણને રીમોટ પછાડવાની અને સેલ અદલબદલ કરવાની મહેનત પડે. ખુબ જ તિક્ષ્ણ હાસ્યવૃત્તિ ધરાવતા મરમી હાસ્યકાર મિત્ર સાઈરામ દવે કહે છે કે આપણે ત્યાં ગેસના બાટલા જો ટૂથપેસ્ટની ટ્યુબ જેવા મટીરીયલના બનતા હોત તો આપણી પ્રજા વેલણથી ગેસના બાટલા ય દબાવી જુએ એવી છે. જે બે દિવસ વધુ ચાલ્યો એ. આ સિવાય ગંજી, જુના વાહન, ટ્યુબલાઈટ, ચંપલ અને મિનરલ વોટરની ખાલી બોટલો જેવી કેટલીય આઈટમો ચલાવવા માટે આપણી પ્રજા જે મહેનત કરે છે તેને રિસર્ચમાં સ્થાન મળવું જોઈએ જેને બદલે આવા સરસર જુઠા ઇલ્જામ લગાવે છે તે ચલાવી ન જ લેવાય. આ પ્રજાને આળસુ કહે તેને બે લાફા ચોડી દેવાની મહેનત પણ કરી જ લેવી જોઈએ, ભલે પછી લોકો એને ‘ઇનટોલરન્સ’ કહે.

આપણા શહેરીજનોને ધંધે લગાડેલા રાખવામાં આપણા અખબાર અને એફ.એમ. રેડિયો ચેનલોનો મોટો ફાળો છે. લગભગ દરેક ઘરમાં સવારની ચા સાથે પહેલું કામ ઘરમાં આવતા અખબારમાંથી ફ્રી ગીફટની કૂપનો કાપીને ફોર્મમાં ચોંટાડવાનું કરે છે. કૂપન કાપ્યા પછી પણ નીચેના પાનાઓમાં પડેલા બાકોરા વાળી જગ્યામાંનું લખાણ પણ લોકો આસાનીથી વાંચી લે છે. સવારે એટલા માટે કે સાંજે છાપું ફરી હાથમાં આવે કે ન પણ આવે. આ દરમિયાન એફ.એમ.રેડિયો પર શ્રોતાઓ માટેની કોન્ટેસ્ટ શરુ થાય એટલે પબ્લિક ફોન, એસ.એમ.એસ. કે વોટ્સેપ મેસેજ કરીને ફિલ્મની કપલ ટીકીટસ કે રેસ્ટોરાંના ગીફ્ટ વાઉચર ‘પાડવા’ની પ્રવૃત્તિમાં લાગી જાય છે. કમનસીબે આ બધા પાછળ જે મહેનત કરવી પડે છે એ કોઈ જોતું જ નથી.

અને ખાલી ચાલવાની વાત હોય તો દેશમાં એવું તો કેટલુય ચાલે છે. આ દેશમાં એકના ડબલ કરવાવાળા ચાલે છે, સોનું પ્રેશરકુકરમાં મૂકી ચમકાવી આપનારા ચાલે છે, ભ્રષ્ટ્રાચાર અને કૌભાંડ કરનારા ચાલે છે, બાબા-બાપુ-સ્વામી-ગુરુ-આચાર્ય સૌ ચાલે છે, ચાઈનાનો માલ ચાલે છે અને જાપાનનો પણ ચાલે છે, સોનું પણ ચાલે છે અને પિત્તળ પણ ચાલે છે, નક્કર પણ ચાલે છે અને નક્કામાં માણસોય ચાલે છે. છેલ્લે આપણા દેશમાં ડીમોનીટાઈઝેશનમાં સગેવગે ન કરાય એવી આપણી વચ્ચે ફરતી કેટલીય નોટોને જરા યાદ કરો; જે ગઈકાલે ચાલતી હતી, આજે ચાલે છે, અને આવતીકાલે પણ ચાલતી રહેશે. આટલું બધું ચાલે છે અને આ ભુરિયાઓ કહે છે કે આપણે ચાલતા નથી! માય ફૂટ ચાલતા નથી!

મસ્કા ફન
વરસાદ પડે એટલે અન્ડરપાસમાં પાણી ભરાઈ જાય છે. મુનીસીટાપલીએ સમજીને અન્ડરપાસ થોડા ઊંચા ના બનાવવા જોઈએ ?

No comments:

Post a Comment