Wednesday, June 14, 2017

હાઈકુ એ કવિતાનું મીની-સ્કર્ટ છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૪-૦૬-૨૦૧૭

દિલ્હી યુનીવર્સીટીના બીકોમ ઓનર્સના પુસ્તકમાં લખ્યું છે કે ‘ઈમેઈલ સ્કર્ટ જેવા હોવા જોઈએ; ટૂંકા કે જેથી રસપ્રદ બને અને પૂરતા લાંબા હોવા જોઈએ જેથી અગત્યના મુદ્દા આવરી લે’. આમાં હોબાળો થઈ ગયો છે. પુસ્તકમાં ભૂલ છે. આવું ભૂલભરેલું લખી જ કઈ રીતે શકાય? મીની સ્કર્ટ સાયન્સમાં દર્શાવેલ કારણોસર પહેરવામાં આવે છે જેથી કરીને ત્વચાને સૂર્ય પ્રકાશ દ્વારા વિટામીન ડી મળી રહે. ભારતીય પુરુષો તો ચડ્ડા પહેરીને ફરી શકે છે એટલે એમને કોઈ સમસ્યા નથી. પરંતુ સ્ત્રીઓ આખી જિંદગી સાડી કે પંજાબી પહેરીને ફરતી હોઈ વિટામીનની ઉણપ સર્જાઇ શકે છે. આવું કંઈ જીવવિજ્ઞાનના પુસ્તકમાં નથી લખ્યું, અમે એવું માનીએ છીએ. આટલું સામાન્ય જ્ઞાન તો સૌમાં હોય. આ સામાન્ય જ્ઞાન માટે અમે કંઈ કોલર ઊંચા કરીને નહિ ફરીએ. જોકે પુરુષો ગમે તેટલા ટૂંકા ચડ્ડા પહેરીને ફરે એ ઈન્ટરેસ્ટીંગ બનતા નથી, કે એમને પુસ્તકમાં સ્થાન મળતું નથી.

જોકે ઉપર જણાવ્યા મુજબ ખોટું હોવા છતાં સ્કર્ટની સરખામણી અન્ય કશા સાથે કરવું નવું નવાઈનું નથી. સૌથી પહેલા વિન્સ્ટન ચર્ચિલે સ્કર્ટની સરખામણી સ્પીચ સાથે કરી હતી. એક પ્રોફેસર જ્યારે આવી ઉઠાંતરી કરે, એ પણ ચર્ચિલને ક્વોટ કર્યા વગર ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે લાગી આવે. અમે દિલ્હી યુનીવર્સીટીના વીસી નથી નહિ તો આવા પ્રોફેસરને ગડગડિયું પકડાવી દઈએ. પણ અમે ઘણું બધું નથી એટલે ઘણુબધું થતું નથી. ગીતામાં કહ્યું છે એમ જે થાય છે તે સારા માટે થાય છે.

કહે છે કે હદની પણ હદ હોવી જોઈએ. આવું કોણે કહ્યું છે એ તો અમને ખબર નથી પણ વાતમાં અસ્થમા એટલે કે દમ છે. ઈમેઈલના લખાણની લંબાઈની પણ એક ચોક્કસ મર્યાદા હોવી જોઈએ. બન્તાસિંહના પી.એચ.ડી. થીસીસની વાત ખબર જ હશે. બન્તાસિંહે પરાક્રમ સિંહ નામના રાજા પર સાડી ચારસો પાનાનો દળદાર શોધ નિબંધ બનાવ્યો. એના પહેલા પ્રકરણનું પહેલા પાનું ભરીને રાજાની યુદ્ધની તૈયારીનું વર્ણન હતું. એ પાનાના છેડે લખ્યું હતું ‘ ... પછી પરાક્રમ સિંહ ઘોડા ઉપર બેઠા અને ઘોડાને દોડાવ્યો ... તબડક ... તબડક પછીના પાનાં ઉપર પણ તબડક ... તબડક ... પછીના પાને પણ તબડક ... તબડક ... એમ કરતાં કરતાં છેક છેલ્લા પાનાના છેડા સુધી તબડક ... તબડક ... ચાલ્યું અને છેલ્લે લખ્યું હતું કે ‘... અને પછી પરાક્રમ સિંહ ઘોડા ઉપરથી કૂદીને ઉતર્યા.’ આ કથા એટલા માટે કરી કે આજકાલ એવા લખાણ જોવા મળે છે કે જેમાં ઘોડા ઉપર બેઠા અને ઘોડા પરથી ઉતર્યા વચ્ચે માત્ર અને માત્ર તબડક ... તબડક ... જ હોય છે. આવા લોકોને છુટા ના મુકાય. 
 
વસ્ત્ર પરિધાનમાં પણ લાંબા ટૂંકાનો વિવેક હોવો જરૂરી છે. હમણાં પ્રિયંકા ચોપરાએ મોદી સાહેબની મુલાકાત લીધી એ સમયે પહેરેલા ટૂંકા ડ્રેસ પર સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલિંગ થયું. એ જ પ્રિયંકા ચોપરા પોતે જેમાંથી આખો તંબૂ તાણી શકાય એટલું કાપડ પાછળ ઢસડાતું હોય એવો ડ્રેસ તાણતી મેટ ગાલા ૨૦૧૭ની રેડ કાર્પેટ પર હાલી નીકળી હતી! ખરેખર ઊંધું હોવું જોઈતું હતું. ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમોમાં પણ ગઝલો ટૂંકી અને કલાકારોના ઝભ્ભા લાંબા હોય છે. અમુકના ઝભ્ભા તો એટલા લાંબા હોય છે કે શો ન હોય ત્યારે એમના ધર્મપત્ની ગાઉન તરીકે પહેરતા હોય તો પણ નવાઈ નહિ! અમારી તો માગણી છે કે ગઝલો ખયાલ ગાયકી જેટલી લાંબી અને ઝભ્ભા ઠુમરી જેટલા ટૂંકા હોવા જોઈએ. પછી એ લોકો ગંજી પહેરીને ગાય તો પણ અમને વાંધો નથી. અમારે તો સંગીતથી કામ છે.

કવિતામાં લાઘવનું મહત્વ છે. મુક્તક અને હાઈકુ એ કવિતાનું મીની સ્કર્ટ છે તો અછાંદસ સ્વરૂપ
કવિતાનું ધોતિયું છે. ખંડકાવ્ય એ નવવારી સાડી છે. કવિઓ લાઘવની લાલસામાં ભાવકોને ધંધે લગાડી દેતા હોય છે. પણ હાઈકુ ટૂંકા હોઈ કવિ ધારે તો પણ ભાવકને ભેખડે ભરાવી શકતો નથી અને એટલે જ એ બહુ લોકપ્રિય છે. હાઈકુથી પણ ટૂંકી કવિતા હોઈ શકે છે! આર્મેનિયન અમેરિકન પોએટ લેખક અરામ સરોયનની કવિતામાં માત્ર અંગ્રેજી મૂળાક્ષર ‘m’ કે જેમાં ઉભી લીટીઓ ત્રણ નહિ પણ ચારહોય એવો ચાર ટાંગવાળો ‘એમ’( ) હોય એવી એકાક્ષરી કવિતાને દુનિયાની ટૂંકમાં ટૂંકી કવિતા માનવામાં આવે છે. અહીં કવિ શું કહેવા માંગે છે એમાં અમો ટાંગ મારવા નથી માગતા. એવી જ રીતે જમરૂખ જેવા કોઈએ રુક-મણિએ લખી હોય એવી ‘Eyeye’ અને ‘Lighght’ એ બે એક શબ્દની કવિતાઓ છે, જેમાં ‘Lighght’ને તો ૫૦૦ ડોલરનો આંખો ફાટીને પનીર થઈ જાય એવો પુરસ્કાર પણ મળ્યો હતો! એટલા પુરસ્કારમાં તો આપણા ફેસબુકના કવિઓ ખંડકાવ્ય ઘસી આપે.

તાજમહાલ વિષે પુસ્તકોના પુસ્તકો લખાયા છે પણ કવિવર ટાગોરે એના વિષે ટૂંકમાં કહ્યું હતું કે ‘નદી કિનારે ઉભેલો તાજ એ સમયના ગાલ પર અટકેલુ એકલ અશ્રુબિંદુ છે’. આમાં બધું આવી ગયું. જયારે અમુક કિસ્સાઓમાં લાંબુ લખવું જરૂરી હોય છે. જેમ કે રામાયણ જેવું મહાકાવ્ય ટૂંકમાં લખવું અશક્ય છે. ટૂંકનોંધમાં પણ ટૂંકમાં પતાવનારને પુરા માર્ક મળતા નથી. નાણામંત્રી વિસ્તારથી ન લખે તો કરચોરોને છૂટો દોર મળી જાય. ટૂંકમાં કહીએ તો કપડા અને લખાણમાં ટૂંકું કોને કહેવું અને લાંબુ કોને કહેવું એ સાપેક્ષ છે.

મસ્કા ફન

ઉત્સાહી એન્કર: તમે કારેલાનું શાક બનાવ્યું એમાં બીજું વેરીએશન શું કરી શકાય?

એક્સપર્ટ: તમે કારેલાના બદલે ટીંડોળા નાખશો તો ટીંડોળાનું શાક બનશે. પરવળ નાખશો તો પરવળનું શાક બનશે, તૂરિયા નાખશો તો ...

No comments:

Post a Comment