મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૫-૦૪-૨૦૧૫ | અધીર અમદાવાદી |

રેલ્વે સ્ટેશન પર દાખલ થવા, અને ખાસ તો બહાર નીકળવા, પ્લેટફોર્મ ટીકીટ લેવી પડે છે. મુકવા જનાર બે મિનીટમાં જ પાછા વળવાનું છે એમ માની પ્લેટફોર્મ ટીકીટ વગર અભિમન્યુની જેમ અંદર ઘુસી તો જાય છે, પણ બહાર નીકળતી વખતે ટીકીટ ચેકર્સના ચક્રવ્યુહમાં ફસાઈ જાય છે. ચેકર પછી એને દુરથી આવતી કોઈ ટ્રેઈનમાં આવેલ મુસાફર ઠરાવી લાંબા અંતરની ટીકીટ અને દંડની પાવતી ફાડવાની ધમકી આપે છે. આ કારણસર જ પ્લેટફોર્મ ટીકીટ લેવાનો શિરસ્તો પડ્યો છે. भय बिना टिकिट नाही !
પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં હવે ૧૦૦ ટકા વધારો થઈને દસ રૂપિયા થઈ ગયો છે, જે અસહ્ય છે. વળી પહેલાં એ ટિકિટ ચાર કલાક માટે માન્ય હતી, એને બદલે હવે માત્ર બે કલાક માટે જ માન્ય ગણાશે, એટલે હવે સ્ટેશન પર ટાઈમપાસ પણ નહીં કરાય. સગાવહાલા અને મહેમાનને સ્ટેશન, એસ.ટી. સ્ટેન્ડ કે એરપોર્ટ મુકવા જવું એ યજમાનની ફરજ છે અને મહેમાનનો હક છે. આવું મહેમાનો માને છે. એટલે જ ભાવવધારાથી મહેમાનો ભયભીત થઇ ગયા છે, અને પ્લેટફોર્મ ટીકીટ હોવી જ ન જોઈએ એવી માંગણી પણ કરવા લાગ્યા છે.
પ્લેટફોર્મ ટીકીટના આટલા ઊંચા દર રહેશે તો મુકવા જવાની પ્રથા લુપ્ત થશે તેવી ચિંતા પણ અમુક લોકો સેવી રહ્યા છે. મુકવા જવાની પ્રથા બંધ થશે તો કુલીઓને ધંધો મળશે, અને બે પાંદડે થશે. કારણ કે સામાન ઉંચકવો એ મુકવા જનારની મુખ્ય ફરજમાં આવે છે. ‘જમાઈ હોય ત્યાં સુધી કુલી શું કામ કરવો?’ જેવા કારણો આમ થવા માટે જવાબદાર છે. પાછું આપણા પ્લેટફોર્મ્સ પર હજુ લીફ્ટ અને એસ્કેલેટર સેવા ઉપલબ્ધ નથી. આવામાં સામાન ઊંચકીને મુકવા જનારની ટાંય ટાંય ફીશ થઇ જાય છે. ટીકીટના વધેલા દરને કારણે મુકવા જનારાં ઘટશે, અને એમ થશે તો ડબ્બામાં ચઢવા ધક્કામુક્કી પણ ઓછી થશે તેવો અંદાજ છે. અમુક તો બાઉન્સર જેવા સગાઓને જગ્યા મેળવવા માટે ખાસ સાથે લાવતા હોય છે. જોકે આ કારણસર દૂબળા-પાતળાં અને દેખીતી રીતે નિર્બળ લોકો મુકવા જવાની ફરજમાંથી આપોઆપ મુક્તિ પામે છે.
મુકવા જનાર માટે કોઈ ખાસ ડ્રેસકોડ હોતો નથી. રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેન્ડ પર મુકવા આવનારા અપ- ટુ-ડેટ કપડા પહેરીને આવતા હોય અને એરપોર્ટ મુકવા જનારા લેંઘા-ઝભ્ભા પહેરીને નીકળી પડતા હોય એવું પણ બને. જનારા પણ ચડ્ડો પહેરીને ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં ચઢી જતા હોય છે. હા, કોઈ માતબર ક્લાયન્ટ, સીઈઓ કે વિદેશી કોલેબોરેટરને મુકવા જવાનું હોય તો પટાવાળા પણ સુટ નહિ તો સફારી પહેરીને જતા હોય છે.
ઉપરી અધિકારી કે ઇન્સ્પેકશન માટે આવેલ અધિકારીઓને મુકવા જતી વખતે એમનો સામાન ઊંચકવાનો અને છેલ્લે ગીફ્ટ આપવાનો રીવાજ છે. અહીં બેગ ઊંચકવાનું માહત્મ્ય છે. ઉપરી અધિકારીની બેગ એ બેગ નહિ, અધિકારીની મહત્તા, મોભો, અને મરતબો હોય છે. જે ઊંચકીને ચાલવાથી ઊંચકનાર ધન્ય બને છે, અને બદલામાં આજે નહીં ને કાલે કોઈક લાભ વાંચ્છે છે. પણ જેણે જિંદગીમાં ખાસ કશું ઉકાળ્યું નથી તેવો મનુષ્ય મહેમાન બને ત્યારે યજમાનને કઈ બસમાં, ક્યાંથી, કેવી રીતે બેસવું? વગેરે પૂછી સામાન સહિત પોતાની રીતે પોતાનો રસ્તો કરી લે છે.
એક જણ જતું હોય અને દસ જણા મુકવા જાય, એ દ્રશ્ય ભારતમાં નવાઈ ભર્યું નથી. એરપોર્ટ પર તો ખાસ. જોકે એરપોર્ટ પર હવે સુરક્ષાના કારણોસર અંદર જવા દેતાં નથી. પરંતુ એમ છતાં આખું સરઘસ એરપોર્ટ પર પહોંચે તો છે જ, અને જનાર પાંચ મીનીટમાં આવજો-જયશ્રી કૃષ્ણ કરી ટર્મિનલમાં ઘુસી લાઈનમાં લાગી જાય છે. મુકવા આવનાર પૈકી મુખ્ય બે જણા જનાર દેખાય ત્યાં સુધી એને તાકી રહે છે, જયારે મુકવા આવનાર બાકીનો સ્ટાફ ગરમી, ઠંડી, વરસાદ, રસ્તા, રાજકારણ, શેરબજાર, કે ક્રિકેટની યથાયોગ્ય ચર્ચા કરી ચીફ મુકવા આવનાર રજા આપે તેની રાહ જોતાં સમય પસાર કરે છે. સ્મશાનમાં પણ લગભગ આવું જ થાય છે.
અમુક એવું માને છે કે મુકવા જવાનું મૂળ કારણ એ છે કે યજમાન ખાતરી કરવા માંગે છે કે જનાર પાર્ટી ‘ટ્રેઈન ચુકી ગઈ’, ‘ફ્લાઈટ કેન્સલ થઇ’ જેવા બહાના હેઠળ કલાક રહીને ઘેર પાછી ન ફરે. જનાર પત્ની હોય, અને મુકવા જનાર જો પતિ હોય તો એની પરિસ્થિતિ કપરી બને છે તેવા જોક પણ વર્ષોથી માર્કેટમાં ફરે છે. પતિએ પોતાની ખુશાલી છુપાવી દુ:ખી હોવાની એક્ટિંગ કરવી પડે છે. આમાં ધારણા એ છે કે, જનાર હંમેશા ખરાબ જ હોય. મહેમાન હંમેશા ખરાબ જ હોય. સારા માણસો મહેમાન બનતા નથી. મહેમાન બને એ સારા નથી હોતાં. સારા માણસો મહેમાન બને એટલે એમના માથે શીંગડા ઉગે છે. પત્ની પણ હંમેશા ખરાબ જ હોય છે. પત્નીઓની ઈમેજ સારી હોત તો હાસ્ય કલાકારો રખડી પડત.
પત્નીથી યાદ આવ્યું કે વિદાયની સાથે સલાહ સૂચનો આપવાનો રીવાજ પણ પ્રચલિત છે. એસટી બસમાં ‘જોજે ડોકું બહાર કાઢતો નહિ’. પણ જેણે બારીમાંથી જ ચડઉતર કરેલી હોય, એ એમ ડોકાં ન કાઢવાની સલાહ માને? ‘સામાન સાચવજે’, અને ‘પહોંચીને ફોન કરજે’ એ ડાયલોગ રેલ્વે સ્ટેશન પર સૌથી વધુ વખત બોલાયો હશે. સ્વજનની વિદાય સમયે રડવાનો પણ રીવાજ છે. રડવામાં વિરહ છે, આત્મીયતા છે. પણ હવે ફોન પર આસાનીથી વાત થતી હોવાથી રડવાનું ભુલાતું જાય છે.
એક જમાનામાં જયારે ટીવી અને ઈન્ટરનેટ નહોતા ત્યારે આ મુકવા જવાની પ્રથા એક મનોરંજક કાર્યક્રમ ગણાતો હતો. પત્ની-છોકરાં ‘ક્યારેય બહાર નથી લઇ જતાં’ એવો કકળાટ કરે ત્યારે ‘ચ્યમ? કાંતિકાકાને મેક્વા ટેશન ન’તો લઇ જ્યો?’ એમ કહી બળવો દબાવી દેવામાં આવતો હતો. એક સમય એવો પણ હતો કે વાહન અને ખર્ચની સગવડ ન હોય તો પણ મહેમાનને સામાન સહીત સ્ટેશન મુકવા સીટી બસમાં લોકો જતા. એટલી ફુરસદ પણ હતી. હવે ઈન્ટરનેટ આવ્યા પછી લોકોને એટલી ફુરસદ નથી. હવે મહેમાનો જતાં રહે પછી વોટ્સેપ પર બાય-બાય કહેવાનો રીવાજ આવી ગયો છે. આમ છતાં મુકવા જવાનો રીવાજ સાવ લુપ્ત થયો નથી, અને થવાનો પણ નથી.
No comments:
Post a Comment