આપણી રેલવે અદભૂત છે. ભારતીય રેલવે દુનિયાનું સૌથી વિશાળ રેલવે નેટવર્ક ધરાવે
છે જેના રેલ પાટાની કુલ લંબાઈ એક લાખ કિલોમીટર કરતાં વધારે છે. આવી રેલવેમાં લાંબા
અંતરની મુસાફરી કરો તો એક વસ્તુ ઊડીને નાકે વળગે. અને એ છે નાસ્તાના ડબ્બામાંથી
આવતી ખુશ્બુ. આ ખુશ્બુ પર જોકે ગુજરાતીઓ કે તામિલીયનોનો કૉપીરાઈટ નથી. મુંબઈથી
મદ્રાસ હોય કે અમદાવાદથી અલાહાબાદ, કોઈ રેલવેના
ફૂડના ભરોસે મુસાફરી નથી કરતું. એમાં ગુજરાતીઓ તો નહિ જ. એટલે જ્યાં ટ્રેઇન સ્પીડ
પકડે, કોક નાસ્તાની ડિમાન્ડ કરે
એટલે ડબ્બા ખૂલે અને એમાંથી એક એક કરીને આઇટમ્સ નીકળે જે દેખાવથી અને ખાસ તો
સોડમથી સહપ્રવાસીઓને ચલિત કરે. આવા સુખડી ઢેબરા(થેપલાં)થી જેમની ભૂખ જાગૃત થઈ હોય
એવા સુગંધત્રસ્ત માનવો પહેલું સ્ટેશન આવે એટલે દોડીને ભજિયા-ગોટા ખરીદવા પ્રેરાય છે.
અથવા તો રેલવે કેટરિંગ સર્વિસનાં ગણવેશધારી સ્ટાફની ટ્રેમાં ઊંચા થઈ નજર કરતાં
જોવા મળે છે.
રેલવે સ્ટેશને ચા પીધી હોય એમને ખબર હશે કે ત્યાંની ચા અને પાણી વચ્ચે માત્ર
રંગ અને ટેમ્પરેચરનો જ ફરક હોય છે. આ ચા કે પછી ભજિયા ગરમ હોય એટલે મુસાફરો સંતોષ
માને છે કે ‘ચલો, કમસેકમ ગરમ તો છે’. એટલે જ ટ્રેઇન સ્ટેશને ઊભી રહે એટલે ઘણાં આવા
ગરમાગરમ ભજિયાના પડિયા લેવા દોડે છે. જ્યાંથી એ ભજિયા ખરીદીને લાવે તેજ લારીનો
સેલ્સમેન, એ જ સમયે,
એ જ ખરાબ ક્વૉલિટીનાં
ભજિયાની ડબ્બા ડીલીવરી કરતો હોય એવું પણ જોવા મળે છે. પણ મૂળ વાત એ ધરમ ધક્કાની
નથી. વાત એ ભજિયાના સ્વાદની છે. જેણે કોઈ કારણસર ઘાસ ચાખ્યું હશે એમને ખબર હશે કે
આવા ભજિયાનો સ્વાદ ઘાસથી વિશેષ નથી હોતો. જેમણે ઘાસ ન ચાખ્યું હોય તેવા લોકો ઘાસના
ટેસ્ટ વિષે કલ્પના કરી કામ ચલાવી લે. એટલે જ જેમને આ ભજિયા, જેમાં તળ્યા હોય એ તેલ, કે એ જેમાંથી બને છે એ ચણાના લોટમાં વિશ્વાસ ન
હોય તેવા લોકો પોતાનો ઘેર બનાવેલો નાસ્તાના ડબ્બા ભરી મુસાફરી કરતાં જોવા તથા
સૂંઘવા મળે છે.
આ નાસ્તાના ડબ્બાધારી પ્રવાસીઓ એવા પ્રવાસીઓ છે જેમને રેલવેની કેટરિંગ
સર્વિસમાં ખાસ વિશ્વાસ નથી. અને વિશ્વાસ શું કામ હોય? એક સમાચાર મુજબ ૨૮ જાન્યુઆરી ’૧૩ના રોજ સર્વોદય એક્સપ્રેસમાં વૈષ્ણોદેવીથી
પાછાં ફરી રહેલા ગુજરાતી મુસાફરો પૈકીના નિમેશભાઈને જે બિરયાની સર્વ કરવામાં આવી
એમાં એક ભૂંજાયેલ ઉંદરડો નીકળ્યો હતો. બિરયાની અનેક પ્રકારની હોય છે, જેમાં વેજ અને નૉન-વેજ એ બે મુખ્ય પ્રકારો છે.
ગુજરાતી લોકો જનરલી વેજીટેરીયન હોય છે એટલે નૉન-વેજ એવી ચિકન બિરયાની મંગાવી હોય
એવો પણ પ્રશ્ન નથી થતો. એટલે બિરયાનીમાં ઉંદર નીકળે એ થોડુંક આશ્ચર્યજનક કહેવાય.
જોકે કેટરિંગ કંપનીઓને પૂછો તો એમ જ કહે કે તમારા ઉપર ઉપકાર કરીને આટલાં સસ્તામાં
કોન્ટ્રેકટ લીધો છે તો પછી બિરયાનીમાં ઉંદર જ નીકળે ને, ભૂંડ થોડું નીકળે?
આમ તો ફાંસી પહેલાં કસાબ જેલમાં મઝાથી ચિકન બિરયાની ખાતો હતો એવું આપણે
સાંભળ્યું છે. આ રેટ બિરયાની વાળી ઘટનાથી એવો વિચાર અમને આવે છે કે જો કસાબને
રેલવે કેટરિંગનું ખાવાનું રોજ પીરસવામાં આવતું હોત તો કસાબને ફાંસી આપનાર જલ્લાદને
ફાંસીનું લીવર ખેંચવાનો વારો ન આવત. ઉપરથી કસાબના રખરખાવનો ખર્ચ પણ ઓછો આવત,
એટલે સરકાર પણ
ટીકાટીપ્પણીથી બચી શકત. ખેર, જે થયું નથી એની
વાત શું કરવી!
પણ અમે તો એવું સાંભળ્યું છે કે આ બિરયાની ઉંદરના સમાચાર પ્રસારિત થયા એ
દિવસથી ઉંદરો પ્લેટફોર્મ છોડીને ઉચાળા ભરી રહ્યા છે. ચિકનનાં ભાવ કોઈ કારણસર
વધવાને કારણે કેટરિંગવાળા બિરયાનીમાં ચિકનને બદલે રેટ ઉપયોગ કરી રહ્યા છે એવી અફવા
આને માટે કારણભૂત ગણાય છે. રેલવે ટ્રૅક પર સસલાની સાઇઝના ઉંદરો બેરોકટોક અવરજવર
કરતાં હોય એ જોઈ કોઈ પણ કેટરિંગવાળાની દાઢ સળકે એ સ્વાભાવિક છે. આમ છતાં વેજ
બિરયાનીમાંથી ઉંદર નીકળે એ ભૂલ તો અક્ષમ્ય જ કહેવાય. હા, વેજ બિરયાનીમાંથી કાંકરી, પથ્થર જેવું કશું નીકળે તો એ સમજી શકાય. પણ
કેટરિંગ કંપનીને એ વાતની દાદ દેવી પડે કે ઉંદર પીરસ્યો ખરો પણ પકાવેલો પીરસ્યો,
કાચો ને કાચો નહિ!
જોકે રેલવે તંત્ર આ ઘટનાના પગલે ઉંદરો ભગાડવા અભિયાન શરુ કરશે એવું કોઈ માનતું
હોય તો એ રેટ બિરયાની ખાય છે. ઉંદરો તો હજારો ટન વેસ્ટ જે રેલવે પાટા અને સ્ટેશનો
પર ફેંકાય છે એ ખાઈને જીવે છે. હકીકતમાં તો ઉંદરો આ વેસ્ટ ઓછો થાય એવું કામ કરી
કુદરતની શ્રુંખલા પૂરી કરવામાં સહયોગી બને છે અને આ હજારો ટન વેસ્ટ ટ્રાન્સપૉર્ટ
કરવાના ખર્ચમાંથી રેલવેને બચાવે છે. આમ રેટ બિરયાનીની શોધથી હવે એક ઉંદરે હવે બે
પક્ષી મરશે. મતલબ જો ઉંદરો જીવે તો કચરો ખસેડવાનો ખર્ચો બચે અને જો એ પકડાય તો
બિરયાનીમાં નાખવા ચિકનનો ખર્ચ બચે. સવાલ માત્ર પ્રવાસીઓએ ઉંદરોનો ટેસ્ટ ડેવલપ
કરવાનો રહે છે. આ માટે કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર પાસેથી પ્રેરણા લઈ કોઈ ચાઈનીઝ
કંપની સાથે એમઓયુ કરી નાખે તો ઘણું થઈ શકે એમ છે.
આજનો લેખ વાંચ્યા પછી વાંચનાર આગલા 10 વર્ષ સુધી રેલ્વેમાં બિરયાની ની વાત તો છોડો પણ ઘરનો ડબ્બાનો નાસ્તો તો શું છીંક પણ નહિ ખાય,
ReplyDelete