Wednesday, February 27, 2013

અમારા એ તો બહુ ભોળા ..



| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૪-૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |



પહેલાના વખતમાં ઘણી પત્નીઓ પોતાના પતિઓને ‘અમારા એ તો બહુ ભોળા’ એવું સર્ટીફીકેટ આપતી હતી. એમાં સામેવાળી પાર્ટીએ કદી સર્ટી માંગ્યું ન હોય તોયે ધરાર આપી દેવામાં આવતું. જોકે આજકાલનો સાંવરિયો એટલો ભોળો રહ્યો નથી. સાંવરિયો પત્ની સાથે જતો હોય તો રસ્તામાં જ્વેલરી શોપ કે મોલ ન આવતા હોય એવા રસ્તે એ ગાડી હાંકે છે. સાંવરિયો ઘેર આવતા પહેલાં વાંધાજનક એસ.એમ.એસ. અને કોલ્સ ડીલીટ કરીને જ ઘેર આવે છે. સાંવરિયો ટુર પર હોય તો પોતે મોજમાં છે એવો ઘરવાળીને જરા પણ અહેસાસ થાય એવું કોઈ કામ કરતો નથી. ટૂંકમાં હવે ભોળા સાંવરિયાઓનું મેન્યુફેક્ચરિંગ બંધ થઈ ગયું છે.

આમ તો દેવાધિદેવ શંકર ભગવાનને ભોળાનાથ કહ્યા છે. એમની પોતાની કોઈ જરૂરિયાત નહોતી. એમનાં મિત્રો, વસ્ત્રો કે રહેઠાણ જેવી દરેક વાતમાં સાદગી હતી. પાર્વતીજીએ ભોળાનાથને તપ કરીને મેળવ્યા હતાં, અને આજકાલ પણ ભોળા પતિ મેળવવા ઈશ્વરકૃપા જોઈએ, એ પણ ઝાઝી! 

પણ આ ભોળા એટલે કેવા? સામાન્ય રીતે પત્ની જયારે પતિને ભોળા હોવાનું સર્ટિફીકેટ આપે ત્યારે એમ સમજવું કે ભાઈ હાથના છુટા છે અને એ પત્નીના સાસરિયાં માટે ‘ખોટા ખર્ચા’ કરી બેસે છે. આવા ખોટા ખર્ચા માટે અવારનવાર એને ઠપકો પણ સાંભળવો પડે. પછી પત્ની પણ સમજીને આવા ખોટા ખર્ચા પિયરીયા માટે ડાયવર્ટ કરાવે. આ ડાયવર્ઝનની જાણ હોવા છતાં જે હસતાં મોઢે ખર્ચ કરે તે ભોળિયો. અંતે ભોળા પતિની સબ-કેટેગરીમા આવે એવો ‘એમનો હાથ બહુ છુટ્ટો છે’ જેવું સાઈટેશન પણ ભોળિયાને આપવામાં આવે.

ભોળા પતિઓને મહદઅંશે પત્નીના હાથે બનાવેલી રસોઈ જ ભાવતી હોય છે અને એ આ વાતનો જાહેરમાં એકરાર કરતાં ખચકાતાં નથી. ઘણીવાર તો આવા ભોળિયાઓની પત્ની અધ્યાત્મિક રસોઈ બનાવતી હોય. કોઈ પણ પ્રકારના સ્વાદ, સુગન્ધ, રસ રહિત. આમ છતાં ભોળિયાને પત્નીના હાથની  મીઠું નાખ્યા વગરની દાળ પણ ‘મીઠું ઓછું ખાવ તો બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે’ એમ કહી આનંદી કાગડાની જેમ કકળાટ કર્યા સિવાય પી જાય. કંકોડાનું શાક કે પછી આગલા દિવસની વધેલી બળેલી રોટલી પણ વઘારીને આપી હોય, જે ‘બહુ ટેસ્ટી છે’ કહીને ખાય અને પોતાના મિત્રો કે મહેમાનો આગળ પત્નીના આવા શાકનાં વખાણ કરે એ સાચે ભોળિયો જ કહેવાય ને?

ભોળા પતિઓનું અન્ય લક્ષણ એ છે કે આવા પતિ કદી લફરાં નથી કરતાં. આવા એક પત્નીવ્રતધારી પતિઓ પછી પોતાનાથી પણ સુંદર સહેલીને મળે તો પણ એમની પત્નીઓ અસલામતી નથી અનુભવતી. આવા પતિઓ સુંદર સ્ત્રી સાથે વાત કરે તો પણ એમાં પત્નીઓને કશું ખોટું લાગતું નથી, કારણ કે પેલીઓને ખબર છે કે ભોળિયો બહુ બહુ તો પાણીમાં કાંકરા નાખશે, પાણીમાં પગ બોળવાની એની હિંમત નથી. એટલે જ આવા ભોળા પતિઓને ખોટા રૂપિયા જેવો માનવામાં આવે છે. પણ ખોટો રૂપિયો પણ પબ્લિક ટેલિફોનમાં ચાલી જતો હોય છે એ પત્નીઓ ભૂલે છે.   

આ ભોળા હોવાના સર્ટીફીકેટનું વિતરણ સામાન્ય રીતે સૌથી પહેલાં મમ્મીઓના હાથે થતું જોવાં મળે છે. એનાં ભોળુડાએ ભલે પછી સ્કૂલના રીઝલ્ટ છુપાવ્યા હોય. ભલે પછી એનો લાલો ઉર્ફે લલિત પાનના ગલ્લા પાછળ છુપાઈને સિગારેટો તાણતો હોય. પણ મા કોને કીધી? મા માને જ નહીં ને. ‘મારો લાલો મને પૂછ્યા વગર પાણી નથી પીતો તો સિગરેટ ક્યાંથી પીવે?’ મમ્મીના હાથમાંથી છૂટી પત્નીને હવાલે જાય એટલે એ જ લાલો ડિયર લલિત બની જાય છે. ફરી એજ સ્ટોરી. બોસની સેક્રેટરી માટેનો ક્રશ, સામેવાળા ભાભીમાં રસ અને સિગરેટના ખાનગીમાં લેવાતા કશ છતાં એ ભોળો જ રહે છે!

પહેલાના જમાનામાં “ખોબો માંગે ને દરિયો દઈ દે” એવા સાંવરિયા આવતા હતા એવું અમે જુનાં ગુજરાતી ગીતમાં સાંભળ્યું છે. પણ આજકાલ એવા સાંવરિયા બનાવવાનું ભગવાને બંધ કરી દીધું છે. હવે માંગે એટલું જ આપે તો એમ સમજવું કે લગન હજુ બાકી હશે. લગન પછી તો માંગ્યું પણ ન મળે. આમ છતાં હજુ પણ ક્યાંક ક્યાંક પત્નીઓ પોતાના પતિને ભોળા માનતી જોઈ એવું લાગે છે કે આ પતિ નામનું પ્રાણીએ પોતાની ગજબની ઈમેજ ઊભી કરી છે. પણ આવી ઈમેજ કંઈ રાતોરાત ઊભી થતી નથી. એનાં માટે દિવસ રાત એક્ટિંગ કરવી પડે છે. એટલે પતિઓ સારા એક્ટર હોય છે. એમાંય જેની પત્ની એમ કહેતી હોય કે ‘મારા એ તો બહુ ભોળા છે’ એને એક્ટિંગ માટે ઓસ્કાર મળવો જોઈએ. અમે હજુ સુધી આવા ભોળા પુરુષ જોયા નથી. કદાચ ભગવાનના પુરુષ બનાવવાના મેન્યુઅલમાં આવા પુરુષ બનાવવાની રેસિપી જ નથી.

અને આટલી બધી ચર્ચા ભોળા પુરુષ માટે કર્યાં પછી એવું થાય છે કે ભોળા પુરુષ હોય તો સામે ભોળી સ્ત્રીઓ પણ ભગવાન બનાવતા જ હશે ને? કેમ? ‘ભોળી સ્ત્રી’ કે ‘મારી પત્ની તો સાવ ભોળી છે’ એવું કદી સાંભળ્યું નથી? ભોળાભાઈ નામ હોય છે, પણ ભોળીબેન નામ સાંભળ્યું નથી? હા, ખરેખર! નથી જ સાંભળ્યું ! 

No comments:

Post a Comment