Tuesday, January 22, 2013

કેટલાક અતિ વાઈબ્રન્ટ એમઓયુ

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૦-૦૧-૨૦૧૩ | અધીર અમદાવાદી |


ગાંધીનગરની કચરાપેટીઓ ઉભરાઈ ગઈ છે. આટલો મોટો વાઈબ્રન્ટ મેળાવડો, હજારો લોકોની અવરજવર હોય ત્યાં આવું સ્વભાવિક છે. પરંતુ અમે જેની વાત કરીએ છીએ એ ખાસ કચરાપેટીઓ યાને કિ ડસ્ટબીનની છે. આ કચરાપેટીઓ ગુજરાતના વહીવટી અધિકારીઓ કે જેઓ એમઓયુ કરવા માટે જવાબદાર છે એમની છે. થયું છે એવું કે વાઈબ્રન્ટ ગુજરાત નામની ઇન્વેસ્ટમેન્ટની વહેતી ગંગામાં ડૂબકી મારી પૂણ્યસ્વરૂપે જે જમીન, સવલત કે કાગળિયાનો ઝડપી નિકાલ થવા પામે તેનો ઘટતો લાભ લેવા કેટલાય ઇન્વેસ્ટરો ફૂટી નીકળ્યા છે. એમની દરખાસ્તો યોગ્ય ન જણાતાં કદાચ ફગાવી દેવામાં આવી હશે. આવી કેટલીક દરખાસ્તો (કાલ્પનિક) અમારા હાથમાં લાગી છે. જેનો ટુંકસાર અહિં રજૂ કરીએ છીએ.

૧. અધિકારી શ્રી, વાઈબ્રન્ટ ગુજરાતના અમદાવાદ નામનાં શહેરમાં રખડતા કૂતરાઓની ભારે સમસ્યા છે. આવી જ સમસ્યા અન્ય શહેરોમાં પણ છે. આ કૂતરાઓ મફતના રોટલાં તોડે છે. ગુજરાતની જીવદયાપ્રેમી પ્રજા પોતે પત્નીના હાથે જેવી બની હોય તેવી સુકી રોટલી પણ ખાઈને કૂતરાને ખાવાનું નાખે છે. આ સમસ્યાને હલ કરવા અમે જાપાનીઝ વાકી દુમ કંપની સાથે સહયોગથી એક અગત્યની પ્રપોઝલ રજૂ કરીએ છીએ. આ ટેકનોલોજીથી રખડતા કૂતરાની હાલતી પૂંછડી સાથે પોર્ટેબલ યંત્ર ગોઠવી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે. આ મશીન ભૌતિક વિજ્ઞાનમાં આવે છે એ શક્તિસંચયના નિયમ મુજબ ગતિશક્તિનું ઉર્જાશક્તિમાં રૂપાંતર કરશે. આ પોર્ટેબલ મશીન પછી મોબાઈલ, લેપટોપ, કેમેરા જેવી ઈલેક્ટ્રોનિક આઇટમ્સ ચાર્જ કરવામાં કે પછી ઘરમાં અન્ય વપરાશમાં લઈ શકાશે. આ માટે કૂતરાને ટ્રેઈનીંગ આપવા, તેમજ એનર્જી ટ્રાન્સફર કરવા યુનીટ સ્થાપવા માટે સરકાર અમને જીઆઈડીસી માં ૧૦૦ એકર જમીન આપે એવી અમારી તમો સાહેબને રજૂઆત છે.

૨. સાયેબ આ મારી બાજુ લોકોને પગ ઢહડીને હાલવાની ટેવ સે. એનાથી સ્લીપર તો ઘહાય જ છે પણ ઘણીવાર ખાહડામાં લાકડાની એડી હોય કે ખીલીઓ ઠોકી હોય તો જમીન પણ ઘહાય છે. આમ બેય બાજુ નુકસાન જ નુકસાન છે. તો અમે જોડા-ચંપલા હાયરે જોડાય એવું મીની-જનરેટર બનાવવાનો પ્લાન્ટ નાખવા માંગીએ સએ. આમ જોડાં ઘહાવાથી જે ઘર્ષણ થાહે તેનું ડાયરેક વીજળીમાં રૂપાંતર થાહે. આ અંગે અમારા મનસુખ ભાઈ છેક ચાઈના સુધી જઈ આવ્યા છે અને ટેકનોલોજી અંગેની બધી વાત સુકુ વાઈ ચેનભાઈ જોડે થઈ ગઈ છે. તો આ પ્લાન્ટ નાખવા માટે અંદાજે બાર વિઘા તયણ ગુઠા જમીન જો મંજૂર કરવામાં આવે તો મજોમજો થઈ જાહે. તો સાહેબ અમારી દરખાસ્ત પર વિચાર કરજો અને આ વાઈબ્રન્ટમાં જરૂરથી અમારી કંપની હારે એમઓયુ કરી નાખશો.

૩. સાહેબ, ગુજરાતમાં મચ્છરની સમસ્યાથી તો આપણે સૌ વાકેફ છીએ. આમ તો મચ્છરના ગણગણાટથી ગુજરાતનું વાઈબ્રન્ટ વાતાવરણ વધારે વાઈબ્રન્ટ બને છે. પણ આ મચ્છરના કારણે મેલેરિયા થાય છે, ડેન્ગ્યુ થાય છે, ફાલ્સીપારમ થાય છે અને વર્ષમાં કેટલાય માનવ કલાકો વેડફાઈ જાય છે. લોકો માંદા પડે એટલે દવા અને ડોક્ટરોનો ખર્ચો થાય છે. એટલે જ તો ચોમાસાની ઋતુમાં તો પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતાં ડોક્ટરો પોતે માંદા પડ્યા હોય તો પણ રજા પાડતા નથી. તો અમે ખાસ ટેકનોલોજીથી મચ્છરોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાઉથ ઓસ્ટ્રેલિયન કંપની સાથે રહી સરકાર સાથે એમઓયુ કરવા માંગીએ છીએ. સૌથી પહેલાં અમે મચ્છરો પર રીસર્ચ કરીશું. એ પછી ગુજરાતના મચ્છરોને અનુરૂપ મચ્છર ફાર્મ બનાવીશું. આ મચ્છર ફાર્મમાં અમારો તાલીમ પામેલ સ્ટાફ મચ્છર પકડી લાવશે અને એ પછી મચ્છરોની ખસી કરી જે તે વિસ્તારમાં પાછા છોડી મૂકશે. આમ થોડાં વર્ષોમાં ગુજરાત મચ્છરરહિત થઇ જશે. આ અંગે સ્ટાફની તાલીમ, ટ્રેનિંગ સેન્ટર ઉભું કરવા માટે આ સંસ્થા સરકારનાં સહયોગથી પ્રોજેક્ટ એમઓયુ કરવા ઈચ્છે છે.

૪.  ડીયર સર, તમારી સરકાર યુવાનોને ઘણું પ્રોત્સાહન આપે છે. પણ યુવાનોને આજકાલ ઘણી સમસ્યા સતાવી રહી છે. અમુક સંગઠનો પ્રેમીઓની પાછળ હાથ ધોઈને પડી ગયા છે અને સાચા પ્રેમીઓની જાહેરમાં ધોલાઈ કરતાં ખચકાતા નથી. અમે આવા પ્રેમીઓ માટે ૧૦૮નાં ધોરણે ૧૪૦૨ સેવા ચાલુ કરવા એમઓયુ કરવા માંગીએ છીએ. વેલેન્ટાઈન ડે પર આધારિત આ ૧૪૦૨ નંબર પર કોલ કરવાથી પ્રેમીઓને થતી કનડગતને એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા રોકવામાં આવશે. જાહેર સ્થળો પર ભિખારીઓ, બેલ્ટ અને ઘડિયાળ વેચવાવાળા, કૂતરા અને રખડતી ગાયોથી કાયમ તકલીફ થાય છે.   આ ઉપરાંત ઘણીવાર નકલી પોલીસ પણ પ્રેમીઓ પાસે રૂપિયા પડાવે છે. તો આ સર્વે બાબતોનો ૧૪૦૨ ત્વરિત નિકાલ કરશે. આ અંગે કોમ્પુટરાઈઝડ રિસ્પોન્સ સેન્ટર અને રેપીડ ટાસ્કફોર્સ ઊભું કરી સરકારના અનુદાનથી સેવાઓ આપવા અમે તત્પર છીએ.

૫. સર, અમારું ટ્રસ્ટ ઇંગ્લેન્ડની પ્રખ્યાત બિગબેન યુનિવર્સીટી સાથે એમઓયુ કરી નવી યુનિવર્સીટી સ્થાપવા માંગે છે. આ યુનિવર્સીટી ગુજરાતમાં સંશોધન કરશે અને આ જોડાણથી ગુજરાતના વિકાસને વેગ મળશે. ગુજરાતની પ્રજાને અનેક પ્રશ્નો સતાવે છે જેનાં જવાબો રિસર્ચથી મળી શકે એમ છે. જેમ કે રોડ-સાઈડ પર ચાલતી ચાની લારીઓ પર ઓછી થતી જતી ચાની ક્વોન્ટીટી અને જાડા થતાં જતાં કપ. જેમ કે રસ્તે રખડતા ઢોર થાકી જાય ત્યારે સતત ટ્રાફિકને કારણે બેસવા માટે જગ્યાનો અભાવ. જેમ કે મોબાઈલમાં કેમેરાના વ્યાપને કારણે ટ્રાફિક પોલીસને દૈનિક વ્યવહારોમાં પડતી તકલીફ. જેમ કે ઇન્કમ લેવલ અને લોકોની ઘાંટા પાડીને બોલવાની ટેવ. જેમ કે સંયુક્ત કુટુંબનું વિલીન થવું અને ફાસ્ટફૂડનો ઉદય. જેમ કે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો અને બુટ-ચંપલ ઉદ્યોગમાં આવેલી તેજી. તો આ યુનિવર્સીટીને સરકાર અગ્રતાથી મંજૂરી આપે અને એ માટે અમદાવાદની આસપાસ ૯૯ એકર જેટલી જમીન ફાળવી આપે એવી અમારી સરકારને દરખાસ્ત છે.

No comments:

Post a Comment