Monday, January 14, 2013

ઉત્તરાયણની શૌર્યકથાઓ



| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૩-૦૧-૨૦૧૩ | અધીર અમદાવાદી | 

ઉત્તરાયણ સાથે ઘણી કથાઓ વણાયેલી છે. ભીષ્મે દેહત્યાગ માટે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો એવું કહેવાય છે. ગુજરાતીઓ માટે, એમાંય ખાસ અમદાવાદીઓ માટે ઉત્તરાયણ એટલે કૃત્રિમતા ત્યાગ કરવાનો દિવસ હોય છે. એ દિવસે ચિત્ર વિચિત્ર કપડાં, ટોપી, પીપૂડા, પતંગ થકી માણસ પોતાની અંદર રહેલા બાળકને બહાર કાઢે છે. પણ અમુક આઇટમ્સને પતંગ ચગાવવા કરતાં ઉતરાયણની વાતો કરવામાં વધારે આનંદ આવે છે.

ઉત્તરાયણમાં દોરી રંગવાથી માંડીને પેચ કાપવા સુધી ઉસ્તાદોનો દબદબો હોય છે. અમદાવાદમાં દોરી રંગવા અને પતંગ બનાવવા છેક ઉત્તરપ્રદેશથી કારીગરો આવે છે. પણ સ્થાનિક લોકોએ કદી એમનો વિરોધ નથી કર્યો. પપ્પુ ઉસ્તાદ, સિકન્દર ઉસ્તાદ જેવા ઉસ્તાદો સદેહે તમારી દોરી રંગે એ ગૌરવભેર ઘટના પછી સાત દિવસ સુધી ગુજ્જેશ ગામમાં કહેતો ફરે. એ દોરી રંગાવા માટે કેટલા કલાક લાઈનમાં ઊભો રહ્યો ત્યારે એનો નંબર આવ્યો એની ગૌરવગાથાઓ અમદાવાદની રસધાર લખાય તો એમાં છપાય એટલી રસપૂર્વક કહેવામાં આવે. આવી જ શૌર્યકથાઓ રાયપુર કે કાલુપુર ટંકશાળની હૈયે હૈયું દળાય એવી ભીડમાંથી કેવી રીતે સારા પતંગ શોધ્યા, કેવું બાર્ગેઇન કર્યું, અને ક્યાં રૂપિયા આપ્યા વગર પંજો સરકાવી લીધો એની કહેવાતી હોય. ભીડમાંથી રસ્તો કરવા ‘ગાય આવી ગાય આવી કહીને કેવા લોકોને ઉલ્લુ બનાવ્યા?’ એ તો લગભગ બધા જ કહેતા સાંભળવા મળે.

પતંગ ઘેર આવે એટલે પછી રાત્રે કેટલા વાગ્યા સુધી કિન્ના બાંધી એની કથા કરવાનું માહતમ્ય છે. ‘રાત્રે એક વાગે તો અમે પતંગ લઈને આવ્યા, પછી તો ભૂખ લાગી’તી તો ગુજીષાને કીધું કે લાય કંઇક ખાવાનું, તે એણે ભજીયા બનાવ્યા’ એ પછી કિન્ના બાંધવા બેઠાં. બે તો અગરબત્તીના પેકેટ ખાલી કરી નાખ્યા કાણા પાડવામાં’. ત્યારે આપણને ખબર પડે કે પાર્ટીને ચગાવતા તો આવડતું નથી નહીતર બે પેકેટ અગરબત્તી કાણા પાડવામાં વપરાઈ જાય એટલાં બધાં પતંગ લાવવાની જરૂર શું કામ પડે?

પછી સવારના પહોરમાં આપણા આ ગુજ્જેશકુમાર ધાબા પર પહોંચી જાય. ધાબા પર જઈ એક અઠંગ પતંગબાજની જેમ આજુબાજુના ધાબા પર દુશ્મનોની ગોઠવણી, તેમની તાકાત અને એમાંય લશ્કરમાં અજાણ્યા શખ્સો કે વિદેશી (પોળમાંથી આવેલા હોય એવા) તાકાત દેખાય તો એની ખાસ નોંધ લે. આ ઉપરાંત કોણે ધાબા પર કેટલા વોટના સ્પીકર્સ મૂક્યા છે અને એનાં પર કયા ગીતો વાગે છે એ પરથી પોતાની કહેવાતી વ્યૂહરચના નક્કી કરે. આ સિવાય પવનની દિશાની નિરાશાજનક રીતે નોંધ લેવાય, એમ કહીને કે ‘આપણને કાયમ પવનની દિશા નડે જ છે’. આજબાજુના ઝાડ, કોક પડોશીએ ૧૯૮૨ની સાલમાં નખાવેલ એન્ટેનાનો દંડો ના કઢાવ્યો હોય અને જ્યાં દર વર્ષે અમુક પતંગોનું બલિદાન અપાતું હોય તેની પણ સગાળ નોંધ લેવાય.

આ પછી વીર યોદ્ધાનો કૃષ્ણાવતાર શરુ થાય. પોતે શસ્ત્ર ધારણ ન કરી લડનારને માર્ગદર્શન આપવાનો અવતાર. જોકે ક્યાં એ યુગપુરુષ અને ક્યાં આ માવાખાઉ ગુજ્જેશ? એટલે ઉત્સાહમાં વહેલાં ધાબે ચઢેલા છોકરાઓનો સૌથી પહેલાં ભોગ લેવાય. હવા હોય નહિ અને ટાબરીયાનો પતંગ ચગતો ન હોય, ઠુમકા મારીને ખભો થાકી ગયો ત્યારે કિન્ના કઈ રીતે બાંધવી એની સલાહ આપે. ‘તે કિન્ના જ ખોટી બાંધી છે બકા, સાંજ સુધી ઠુમકા મારીશ તોયે આ પતંગ નહી ચગે’. પણ પતંગને આની વાત સાંભળીને હાડોહાડ લાગી આવે એટલે આ વાક્ય પૂરું કરે ત્યાં સુધીમાં ચગી ગયો હોય! એટલે પછી એ પેચ કઈ રીતે લેવા એનાં ઉપર ‘એં, એં, એમ ના લેવાય, નીચે લઈ જઈને ખેંચી નાખવાનું સડસડાટ’. બકો આ સાંભળવા રહે એટલામાં કોક એનો ખેંચી જાય એટલે ધાબામાં કરુણરસ છવાઈ જાય.

અને ખરી મઝા તો ગુજ્જેશભાઈ પતંગ ચગાવવા લાગે એટલે આવે. ધુરંધર પતંગબાજનું એક લક્ષણ એ હોય છે કે એ કોઈની મદદ વગર જાતે પતંગ ચગાવે છે. ફિરકી પણ જાતે પકડે અને પેચ કપાય તો દોરી પણ જાતે વીંટે. પણ આવા નકલી ધુરંધરો આવું કરવા જાય એટલે કોમેડી સર્જાય. એમની દોરી ક્યાંક ભરાઈ જાય અને ખરા પેચ વખતે ગૂંચવાડા ઊભા થાય એટલે કોકની મદદ લેવી પડે. આવો મોકો પાછળના ધાબાવાળા છોડે? છેવટે હાથમાંથી પતંગ કપાય અને વીંટવા માટે કશું ન બચે. જોકે આવા સમયે બચાવમાં ‘આ તો દોરી ભરાઈ ગઈ એટલે’ એવું કોઈ સાંભળે કે ન સાંભળે એ બોલી નાખે છે. આવી રીતે બે ચાર પતંગ કપાય એટલે ચીકી, બોર, જામફળ તરફ ધ્યાન કેન્દ્રિત કરે. આ બધું જોઈને એ ખાવાનું નીચે ઘરમાં રાખતો હોય તો કેટલાની ઉત્તરાયણ સુધરી જાય એવો સવાલ આપણને થાય!

ડ-બકા
યા હોમ કરીને ચઢો
ફતેહ છે ધાબે !
   

1 comment: