| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૬-૦૧-૨૦૧૩ | અધીર અમદાવાદી |
ટેસ્ટમેચ પાંચ દિવસની નાતના જમણવાર જેવી હોય છે, જેમાં જુનાં અને પાકા ખેલાડીઓ
ધીરજપૂર્વક રમતાં હોય છે. બંનેનું અસ્તિત્વ પણ હવે જોખમમાં છે. પહેલા ટેસ્ટ મેચમાં
એક દિવસ રજા રાખવામાં આવતી હતી. આવી પાછી પાંચ ટેસ્ટ મેચની એક સિરીઝ હોય. છ દિવસ
મહેનત કર્યાં પછી મેચ ડ્રો જાય એવું પણ બને. પછી વન ડે આવી જેમાં એક દિવસમાં મેચનો
ફેસલો આવી જવા લાગ્યો. હવે ફાસ્ટફૂડના યુગમાં ટી-૨૦ આવી ગઈ છે જેમાં ચાર કલાકમાં
પ્રેક્ષકો અને ખેલાડીઓ નવરા થઈ જાય છે. આઈપીએલ નામનાં કમાઉ દીકરાને પોષવા હવે ક્રિકેટ
મેચની સિરીઝ હિરોઈનના કપડાની માફક ટૂંકી થતી જાય છે. આમ તો હિન્દી ફિલ્મો પણ
પહેલાં ત્રણ સાડા ત્રણ કલાકની જ બનતી હતી જે હવે માંડ બે સવા બે કલાકની થઈ ગઈ છે. લાગે
છે કરપ્શનના આંકડા સિવાય આજકાલ બધું ટૂંકું થતું જાય છે!
આમ છતાં ટેસ્ટમેચ હોય કે ટી-૨૦, ભારત-પાક મેચ હોય એનો ટેમ્પો જ કઈંક ઓર હોય
છે. એટલે જ કદાચ ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને
ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાની બહુ પ્રસિદ્ધ એશિઝ સીરીઝ સાથે સરખાવવામાં આવે છે. આ
‘એશિઝ’ શબ્દ ગુજરાતીમાં ખાસ જામતો નથી એટલે આ સિરીઝને આપણે ગુજરાતીમાં ‘તણખા
સિરીઝ’ નામ આપી શકીએ. આ સિરીઝને લઈને કોઈ ગુજરાતી ફિલ્મ બનાવવી હોય તો ‘ખેલ
ખરાખરીનો’ કે પછી આ વખતે ‘ધોની તારા વળતા પાણી’ એવું નામ પણ આપી શકાય. હિન્દી
સિરિયલ્સનાં નામ ફિલ્મી ગીતો પર પડે છે એ ટ્રેન્ડ જોતાં આ સિરીઝને ‘કિસમે કિતના હૈ
દમ’ એવું નામ પણ વિચારી શકાય.
નામ ગમે તે આપો પણ ભારત-પાક સિરીઝમાં અમુક લોકો કોઇપણ હાલતમાં દુઃખી જ રહે છે.
જો પાકિસ્તાન જીતે તો કહે કે ‘હું ન’તો કેતો કે ઠોકી જશે?’ બે કલાક તો પાછું મોઢું
ઉતરેલી કઢી જેવું રાખીને ફરે. રાત્રે જમવાના સમયે પણ એ ‘આજે મુડ નથી કંઇક ગળ્યું
આપજે’ એવી ફરમાઈશ કરતાં ફરે. પણ જો ભારત જીતે તો પણ એ ખુશ ન થાય. ‘મને તો ખબર જ
હતી કે ઇન્ડિયા જીતવાનું છે, મેચ ફિક્સ થયેલી છે બધ્ધી, હવે ક્રિકેટ એક રિયાલીટી
શો જેવું બની ગયું છે’ વગેરે વગેરે બોલી આપણો જીતનો નશો ઉતારી નાખે.
એમાં પાછું વર્ષોથી પાકિસ્તાની એમ્પાયર્સ માટે તેઓ પાકિસ્તાનની ટીમ વતી રમે છે
એવી ટીકાઓ થતી રહે છે. ૧૯૭૮માં રમાયેલી એક વન ડેમાં જયારે ભારત જીતની નજીક હતું
ત્યારે સરફરાઝે બાઉન્સર ફેંકવાના શરુ કર્યાં હતાં. મોટા હ્રદયવાળા જાવેદ અખ્તર
નામધારી અમ્પાયરને ચાર બાઉન્સરમાંથી એકેય વાઈડ ન લાગતા કેપ્ટન બેદીએ મેચ પડતી મૂકી
હતી અને પાકિસ્તાનને આમ વિજય મળ્યો હતો. જોકે બબ્બે એમ્પાયર તરફેણમાં હોવા છતાં
પાકિસ્તાને કદી ખેલદિલીપૂર્વક નવ પ્લેયર્સથી મેચ રમી હોય એવું ઇતિહાસમાં નોંધાયુ
નથી. પાકિસ્તાનના આવા જ એક દેશભક્ત અમ્પાયર શકૂર રાણાનાં નિર્ણયોને લીધે ન્યુટ્રલ
અને થર્ડ અમ્પાયરની પ્રથા શરુ થઈ હોવાનું પણ મનાય છે.
આ તરફ ભારતમાં ફાસ્ટ બોલર્સની કાયમ કમી રહી છે. ક્રિકેટમાં જો ફોરેન ડાયરેક્ટ
ઇન્વેસ્ટમેન્ટ મંજૂર કરવામાં આવે તો ચોક્કસ વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન જેવા દેશો ભારતમાં
મૂડીરોકાણ કરે. ક્રિકેટની રીતે જોઈએ તો ભારત સ્પીનર-પ્રધાન દેશ રહ્યો છે. વર્ષોથી આપણે
સ્પીનર્સ અને મીડીયમ પેસ બોલર્સ જ પેદા કર્યાં છે. ૧૯૮૩માં આપણે પહેલી વખત
વર્લ્ડકપ જીત્યા હતા એનાં સફળ મીડીયમ પેસર મોહિન્દર અમરનાથ તો બોલિંગ રનઅપ કરતાં
એટલાં ધીમા પડી જતાં કે એ પોતે રનઅપ પુરો કરી સ્ટમ્પ સુધી પહોંચશે કે કેમ એ બાબતે
કોમેન્ટેટરોમાં મતભેદ રહેતા. જોકે હાલમાં તો સ્પીનર્સ માટેની પીચ બનાવ્યા પછી
હારીએ એવા સ્પીનર્સનો ફાલ પણ વચ્ચે વચ્ચે આવી જાય છે ત્યારે પેલો દુહો થોડા ફેરફાર
સાથે કહેવાનું મન થાય કે, ‘વા ફરે વાદળ ફરે, ફરે નદીના નીર, પણ સ્પીનર્સનાં બોલ ના
ફરે ચાહે ગમે તેવી બનાવો પીચ’.
ભારત હોય કે પાકિસ્તાન બંનેના ક્રિકેટર્સમાં એક સમાનતા અમને એ જોવાં મળી કે
બંનેના પ્લેયર્સને ઈશ્વરમાં શ્રધ્ધા ઘણી. ધ્યાનથી જોશો તો દોરા-ધાગા અને માદળિયાં
આ બંને દેશના ખેલાડીઓના ગળા કે હાથ પર બાંધેલા જોવાં મળશે. બંને દેશના ખેલાડીઓની
બીજી એક ખાસિયત એ રહી છે કે મેચમાં ધરખમ પ્રદર્શન કરી મેન ઓફ ધ મેચ બન્યા પછી
જયારે બે શબ્દ કહેવાનો વારો આવે ત્યારે મોટાભાગના અં અં અં ત ત ફ ફ કરવા લાગે છે.
આ બધા વચ્ચે અત્યારે ભારત-પાક તણખા સિરીઝ ચાલી રહી છે. એક પ્રચલિત વાયકા મુજબ
ક્રિસમસ દરમિયાન થઈ રહેલા આ મુકાબલાના કારણે સાન્તા ક્લોસે પણ પોતાના ચેરિટી
કાર્યક્રમોમાં ભારત-પાક મેચના કાર્યક્રમને અનુરૂપ ફેરફાર કર્યાં છે. ભારત-પાક મેચનું
મહત્વ એટલું છે કે અમુક વર્ગોમાં આવી મેચ હોય ત્યારે રાષ્ટ્રીય રજા જાહેર કરવાની
માંગ પણ કરી છે. તો જયારે ભારત પાકિસ્તાન સામે મેચ હારી જાય ત્યારે રાષ્ટ્રીય શોક
જાહેર કરવાની ઈચ્છા પણ ઘણાં લોકોએ ભૂતકાળમાં કરી છે. પાકિસ્તાન સામે આપણે મેચ જીતી
જઈએ ત્યારે સ્વયંભુ લોકો રોડ પર ઉતરી આવે છે, ફટાકડા ફોડે છે અને મીઠાઈઓ વહેંચે
છે. પાકિસ્તાન સામે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં આપણે જીત્યાં ત્યારે લોકોને વર્લ્ડ કપ
જીતવા કરતાં વધારે ખુશી થઈ હતી. જોકે પાકિસ્તાન સામે મેચ જીતવાથી થતી ખુશી કરતાં દાઉદને
પકડી લાવે તો લોકોને વધારે આનંદ થાય, પણ એવું આ સરકાર કરી શકે એવું લાગતું નથી!
જોકે પાકિસ્તાન સામે મેચ જીતવાથી થતી ખુશી કરતાં દાઉદને પકડી લાવે તો લોકોને વધારે આનંદ થાય, પણ એવું આ સરકાર કરી શકે એવું લાગતું નથી!
ReplyDeleteઆ તમે વધારે પડતું કહો છો, દૌડને પકડે તો આખી ફિલ્મ ઇન્દાસ્ત્રી પડી ભાંગે નહિ, હજી દાઉદભાઈ ના ઘણા પૈસા રોકાયેલા છે,
Nice and hilarious article, Adhirbhai,