| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૩૦-૧૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |
આથી ગુજરાત
લગ્નોત્સુક યુવક મંડળની (ગુલયુમ) અસામાન્ય અને અસાધારણ સભાની બેઠક રવિવારને નવમી
ડિસેમ્બરે પ્રમુખના નિવાસસ્થાને યોજાઈ ગઈ. આ બેઠકમાં હાજર રહેલા સર્વે મેમ્બર્સની
સહમતિથી નીચે મુજબ નિર્ણયો અને ઠરાવ કરવામાં આવે છે;
૧) ડિસેમ્બર મહિનો
આવે એટલે વિદેશી પક્ષીઓની જેમ નોન-રેસિડેન્ટ ગુજરાતીઓ ગુજરાતમાં ઉતરી આવે છે અને
સારી સારી કન્યાઓ પરણીને પાછાં ચાલ્યા જાય છે. ડિસેમ્બર મહિનામાં નોન-રેસીડેન્ટ
ગુજરાતી ડ્યુડસ દ્વારા દેશ-ગુજરાતમાં થતાં આવા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો (એફડીઆઈ)
મંડળ સખ્ત વિરોધ કરે છે.
૨) આ માત્ર અસંતોષ
નથી પરંતુ મંડળ આ બાબતે ગંભીર છે તે દર્શાવવા આવા યુવકોનો એરપોર્ટ પર દિવસે કાળા
વાવટા કે ને રાત્રે કેન્ડલ માર્ચ કરી વિરોધ કરવાથી માંડીને ધરણા અને સત્યાગ્રહ
જેવા જલદ કાર્યક્રમો ઘડી કાઢવા કારોબારી સમિતિને ત્રણ દિવસેનો સમય આપવામાં આવે છે.
આવા કાર્યક્રમો અંગે સૂચનો સંસ્થાના ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપવા મેમ્બર્સને
અનુરોધ કરવામાં આવે છે.
૩) વિદેશની ધરતી પર
હવે કોઈ પણ આસાનીથી પગ મૂકી શકે છે. ત્યાં હવે ભણતર વગર પણ નોકરીઓ મળે છે ત્યારે
કન્યાઓના માબાપો દ્વારા વિદેશ ગયેલા અથવા સેટલ થયેલા મુરતિયાઓને પ્રાધાન્ય આપવામાં
આવે છે એ વાતને ગુલયુમ વખોડી કાઢે છે. શું દેશમાં ભણેલા ગણેલા, વતન પ્રેમ, કુટુંબ
ભાવના ધરાવતા અને ડીઓ છાંટતા યુવાનોની તંગી છે? નથી જ. તો પછી વિદેશી યુવાનોનો મોહ
શા માટે? ગુલયુમ દ્વારા વિદેશી યુવાનો માટે દેશી માબાપના મોહને ભાંગવા યોગ્ય સમયે
યોગ્ય પગલા લેવામાં આવે.
૪) ડિસેમ્બરમાં અહિં
ઉતરી આવનાર પંખીઓ પાણીપુરીને ઊંધિયું ખાઈ ખાલી હાથ પાછાં ફરે તેવા આયોજન કરવા મંડળ
પ્રતિબદ્ધ બને તેવો સુર સભ્યોએ વ્યક્ત કર્યો હતો. આ માટે નવેમ્બર મહિનામાં મોટા
પાયે ૧૦૦% સ્વદેશી લગ્નમેળાનું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવે છે. આવા લગ્નમેળા
ઠેકઠેકાણે યોજાય તથા એની જાણકારી દરેક લગ્નલાયક કન્યાના મા-બાપ સુધી પહોંચે તે
માટે ટીવી, એલઈડી સ્ક્રીન અને જાહેરાતના હોર્ડીંગ્સનો ખર્ચો કરવો. આ અંગે ભંડોળ
ઉભું કરવા સક્ષમ તેમજ ભારતીય સંસ્કૃતિમાં માનતી પાર્ટીઓનો સંપર્ક મંડળ સાથે કરાવી
આપવા સૌ સભ્યોને અપીલ કરવામાં આવે છે.
૫) નવેમ્બર સુધી
કન્યા માટે ફાંફા મારનાર માબાપો ડિસેમ્બર મહિનો આવે અને વિદેશી પંખીઓ લેન્ડિંગ
કરવા લાગે એટલે સો ટકા સ્વદેશી યુવકોના માબાપના ફોન પણ રીસીવ કરતાં નથી. ભોગેજોગે
ફોન રીસીવ કરે તો ગોળગોળ વાત કરે છે અને કમુરતાં અને એવાં અન્ય બહાના કાઢી ઉતરાયણ
પછી જવાબ આપીશું એમ વાત ઠેલી દે છે. પણ ઉત્તરાયણ પછી એ પક્ષી બીજે પરણીને કે ખાલી
હાથે પાછું જતું રહે તેવા સંજોગોમાં પાછાં સામેથી ફોન શરુ કરે છે. ગુલયુમ પાસે આવા
અનેક કેસ નોંધાયા છે અને આવા કિસ્સાઓમાં ‘તકવાદી માબાપનો બહિષ્કાર કેમ ન કરવો?’
એવી કારણદર્શક નોટીસ આવા માબાપોને ગુલયુમ બજાવશે એવું ઠરાવવામાં આવે છે.
૬) વિદેશીથી આવતાં યુવાનોની વાત કરવાની ઢબથી અને ઈમ્પોર્ટેડ
અત્તર-લોશન લગાવવાથી અમુક કન્યાના માબાપ અંજાઈ જાય છે. આવા યુવાનોને મળ્યા પછી
આપણી છોકરીઓને પણ દેશી યુવાનોમાં વાસ આવવા લાગે છે. આથી ગુલ્યુમ સો ટકા સ્વદેશી
યુવકોને રાહતના દરે ડીઓ તથા લોશન આપવા ટૂંક સમયમાં કાર્યવાહી કરે એવું ઠરાવવામાં
આવે છે. આ ઉપરાંત રાહત દરે ઈંગ્લીશ સ્પીન્કિંગ ક્લાસ, મોઢું બગડ્યા વગર કડવી કોફી
કઈ રીતે પીવી જેવી બાબતોની તાલીમ આપવામાં આવશે જેથી એનઆરજી યુવકો સામે કોઈ પણ
મુદ્દે આપણાં ઘરેલું યુવાનો ઉણા ન ઉતરે.
૭) અમુક યુવકો વિદેશમાં
રહી હોટલોમાં વાસણો માંજવા જેવા કામ કરતાં હોવા છતાં અહિં ખોટી માહિતી આપતા હોય
એવા કિસ્સા પરણીને પસ્તાયેલા કન્યાના માબાપો દ્વારા મંડળના ધ્યાન પર લાવવામાં આવ્યા છે. તો મંડળ ગુજરાતી છોકરીઓના હિતમાં આવા
છોકરાઓની માહિતીની ચકાસણી કરી તેમની અસલી કામગીરી વેબસાઈટ પર ફોટા સાથે મૂકે તેવી
સભ્યોની માંગણીનો સ્વીકારી કરી તાત્કાલિક વેબસાઈટ શરુ કરવી. આ અંગે વિદેશમાં નેટવર્ક
ઉભું કરવા કારોબારી સમિતિ વિદેશ પ્રવાસ કરે તેવું પણ ઠરાવવામાં આવે છે.
૮) છોકરીઓની
મમ્મીઓને ભવિષ્યમાં વિદેશ પરણેલી છોકરીને ડીલીવરી વખતે, જમાઈના ખર્ચે, મદદ કરવા
વિદેશ જવાનો મોકો મળે છે. આ કારણે પણ મમ્મીઓ વિદેશમાં સ્થાયી થયેલા મુરતિયાઓ વધુ પસંદ
કરે છે. પછી મમ્મીઓ ત્યાં બેબી-સીટિંગનું કામ કરે છે એને માનવસ્વભાવ ગણી, દેશમાં જ
દીકરી પરણાવનાર મમ્મીઓનો વિદેશ પ્રવાસનો શોખ પુરો કરવા ગુલયુમ આર્થિક સહાય કરે
તેવું ઠરાવવામાં આવે છે.
૯) આ ઉપરાંત દેશમાં
જ કન્યા પરણાવનાર માબાપો માટે અન્ય ઇન્સેન્ટીવ જેવા કે લગ્ન દરમિયાન વરપક્ષ તરફથી ઝીરો
કનડગત, કન્યા અને એની મમ્મી તથા બહેનને સીયુજી કરેલા મોબાઈલ ભેટમાં આપવા, આવા લગ્ન
દરમિયાન કલર્સ ટેલીવિઝન પર ચાલતી સોશિયલ રડારોળ ધરાવતી સિરીયલના નામાંકિત
કલાકારોની હાજરી, આવા કપલને હોનોલુલુ ખાતે હનીમુન પેકેજ, વર-કન્યાના મા-બાપને પણ સાથે
ચાર-ધામ યાત્રાના મફત પેકેજ તેમજ વાનાં દુખાવાની મફત આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને યોગા
કલાસીસની લાઈફ ટાઈમ ફ્રી મેમ્બરશીપ આપવામાં આવે તો દેશી મુરતિયાઓને અન્યાય ન થાય.
તો મંડળે સત્વરે આવી યોજનાઓ જાહેર કરવી.
---
બોનસમાં માણો આરજે ધ્વનિતના અવાજમાં એક ઠરાવ ...
https://soundcloud.com/adhir/track-5
આપનો પ્રતિભાવ આપવાનું ભૂલતા નહિ ....
---
બોનસમાં માણો આરજે ધ્વનિતના અવાજમાં એક ઠરાવ ...
https://soundcloud.com/adhir/track-5
આપનો પ્રતિભાવ આપવાનું ભૂલતા નહિ ....
No comments:
Post a Comment