| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૯-૧૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |
ચુંટણી સમયે ‘શોખીન’ મતદારોના મૂળભૂત હકો જેવા કે મફત ચા, ચવાણું અને દારુ
ઉમેદવારો પોષતા હોવાને કારણે કેટલાક લોકો ચુંટણી વારંવાર આવે તેવું ઇચ્છતા હોય છે.
ચૂંટણી ગમે તે કક્ષાની હોય પણ અમુક ખાસ સેવાઓની દરેક પક્ષને જરૂર પડતી હોય છે. જેમ
ઉતરાયણ અને દિવાળી વખતે અમુક વેપારીઓ મૂળ ધંધો મૂકી સીઝનલ ધંધામાં દુકાનને ફેરવી
નાખે છે તેમ, ચૂંટણી આવે તો કેટલાયે વ્યવહારુ લોકો નોકરીમાં વગર પગારની રજા મૂકીને
પણ ચૂંટણીના સીઝનલ ધંધામાં રોકડી કરવા આવી પહોંચે છે. આવી ઇલેક્શન સ્પેશિયલ સેવા આપનારાઓનો ચૂંટણી ટાણે
રાફડો ફાટે છે. પણ આ ધંધામાં ટૂંક સમયમાં પૈસા છુટા થતા હોવાથી હરિફાઈ દિવસે દિવસે
વધવા લાગી છે. એટલે જ આવી વિશિષ્ઠ સેવા પુરી પાડનારાઓ આજકાલ ટચુકડી જાહેર ખબરો છપાવતા
થઇ ગયા છે. તો આ ચૂંટણી દરમિયાન ઉપલબ્ધ આવી સેવાઓની કેટલીક જાહેરખબરો તમારા
જાણવાજોગ. અહીં રજૂ કરવામાં અમારું કોઈ કમિશન નથી.
ચવાણા-ચોર
તદન વાજબી ભાવે
નકલી કાર્યકર્તા પુરા પાડવામાં આવશે. અમારા આ કાર્યકર્તા વિરોધી પાર્ટીના રાત્રી-કાર્યાલયમાં
ચવાણાના પડીકા અને ચા ખૂટાડી દેશે. અસલી કાર્યકરોને ચા અને ચવાણું ન મળતા રોષ ફાટી
નીકળે તેની પુરી ગેરેંટી આપવામાં આવે છે. અસલી કાર્યકરો ચુંટણી પ્રચારનો બહિષ્કાર
કરે તેવા પુરા પ્રયત્ન કરવામાં આવશે.
સભા તોડ
ટામેટા, ઈંડા અને
જોડા જેવા અસ્ત્રોના ઉપયોગ વગર એકદમ અહિંસક રીતે વક્તાનું ધ્યાનભંગ કરી આપવામાં
આવશે. અમારા ઉપાયો એકવાર અજમાવનાર કાયમ અમને શોધતો આવે છે. માત્ર ઉંહકારા, સીટી, તાબોટા
અને કસમયની તાળીઓથી સભા તોડી આપવામાં આવશે. નવા વક્તાને ભગાડી મુકવાની અને જૂના વક્તાને
ઉશ્કેરી મૂકવાની ગેરેંટી આપવામાં આવે છે. સભા સાઉન્ડ ટેમ્પરિંગ, સાઈબર બુલિઈંગ અને
હેકિંગની સેવાઓ પણ આપવામાં આવે છે.
જિંગલ એડ
સાંભળીને
વિરોધીઓને લાલ મરચું ફાક્યું હોય એવો ચચરાટ થાય તેવી ચુંટણી જિંગલ કમ્પોઝ કરી
આપવામાં આવશે. ભાઈ, બહેન, મા, થપ્પડ, લાફો, ફેંટ, કેચમકેચ, પારકા-પોતાના, પિંગ-પોંગ
જેવી અનેક થીમ પર ચૂંટણી જિંગલ બનાવવા માટે મળો યા લખો, ક્રિશ મસ્ત જિંગલવાલા.
વનડે એક્ટિંગ એકેડેમી
એક જ કલાકનાં રોલ
માટે ચૂંટણીના દિવસે દરેક મતવિસ્તારમાં જોઈએ છે. અઢાર વર્ષથી ઉપરના આંગળી પર ટપકું
ન કર્યું હોય તેવા નવોદિત તથા અનુભવી કલાકારો. જે તે ઉમરની વ્યક્તિના રોલ માટે
પાંચ મીનીટની તાલીમ તથા એક જ રિહસર્લ કરી શોટ ઓકે કરે તેવા કલાકારો માટે વર્ષો પછી
ગુજરાતના ઇતિહાસનો ભાગ બનવાની અમૂલ્ય તક.
ટ્રેઈન્ડ મેનપાવર
કોઇપણ પક્ષના
ઓફીશીયલ ઉમેદવારની સામે પાર્ટી મોવડી મંડળ સમક્ષ વિરોધ પ્રદર્શિત કરવા માટે
ટ્રેઈન્ડ મેનપાવર મળશે. સભા, સરઘસ, વિરોધ પ્રદર્શન, સંખ્યાબળ દર્શાવવા અમીર, ગરીબ,
બુદ્ધિજીવી અને ઇન્ડસ્ટ્રીઆલીસ્ટ જેવા જ દેખાતાં દરેક વર્ગના માણસો ગુજરાતના કોઈ
પણ સ્થળ પર પહોંચતા કરવામાં આવશે. ટીએ ડીએ સાથેના પેકેજ માટે આજે જ ઇન્ક્વાયરી કરો.
ગીફ્ટ આર્ટીકલ્સ
દરેક ક્લાસના
મતદારોને લાયક દસ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીની ગીફ્ટ આઇટમ્સ તથા પોટલી,
બાટલી, પાઉચ પેકીંગમાં દેશી તેમજ વિદેશી પીણાં પાર્ટી વતી સમયસર વહેંચી આપવામાં
આવશે. ત્રીસ વરસના અનુભવી.
ફિલર સર્વિસીઝ
ભાડૂતી ઓડીયન્સને
પણ જકડી રાખે તેવી ભાષણમાં વાપરવા લાયક રમૂજો માટે અમારી વેબસાઈટ મોજેમોજ ડોટ કોમ
પર આજે જ લોગ ઇન કરો. વિરોધ પક્ષનાં નેતાઓના નામ આવે પણ કલમ ૬૬-એ હેઠળ કામ ન ચલાવી
શકાય એવી રીતે લખાયેલ અને નામાંકિત વકીલ દ્વારા ચકાસાયેલ પોલીટીકલ સટાયર અને બ્લેક
હ્યુમર માટે આજે જ લોગ ઇન કરો.
લોયલ્ટી મીટર
શું તમને ડર છે કે તમારું ખાઈને તમારી પાર્ટીના કાર્યકરો અને યુવા મોરચાના
સભ્યો બીજી પાર્ટીને ફાયદો થાય એવાં કામ કરે છે? તો આજે જ અમારી કંપનીનું ઈલેક્ટ્રોનિક
લોયલ્ટી મીટર ખરીદો. આ મશીન કાંડા પર બાંધવાથી પોઝીટીવ કે નેગેટીવ લોયલ્ટી રીડીંગ
બતાવે છે. જાણીતાં પક્ષપલટુઓ પર સફળતાપૂર્વક ટેસ્ટ થયેલ ઈમ્પોર્ટેડ મશીન આજે જ
વસાવો.
મતદાર વશ
શ્રી અધીર
ગધેડાવાળા બાબાના અઠંગ શિષ્ય અને કેટરીના એકેડમી ઓફ વશીકરણનો ડીપ્લોમા ધરાવનાર
પંડિત ખરભૂષણ દ્વારા પાર્ટીમાં ડખા, કાર્યકર નાસી જવા, અપક્ષનો ઉપાય, મતદાર વશ
જેવા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ ગેરંટીથી કરી આપવામાં આવશે. અમારું કરેલું કોઈ તોડે
તો એને મોં-માંગ્યું ઇનામ આપવામાં આવશે. કોઈ પણ પ્રશ્નનું સમાધાન માત્ર ૫૦
રૂપિયામાં.
ડ-બકા
કોડિયાં કરો પેક, ફીરકીઓ બહાર કાઢો બકા;
ઉજવ્યા વિના જાય ના એક પણ દા’ડો બકા.
No comments:
Post a Comment