| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૨-૧૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |
ઘણાં લોકોને કશુંક અલગ
કરી દેખાડવાની ધગશ હોય. કદીક આર્કિટેક્ચરમાં ભણતાં છોકરાં છોકરીઓને જોજો. ગાંધીજી
જેવા ચશ્માં પહેરી સાઈકલ પર ફરતાં હોય. કે ગીટાર વગાડતા હોય, પગમાં બુટના બદલે
સેન્ડલ અને કપડામાં બબ્બે સાઈઝ મોટા પેન્ટ, શર્ટ કે ટી-શર્ટ પહેર્યા હોય. જોકે
તપાસ કરો તો ખબર પડે કે પેટ્રોલના રૂપિયા ન હોય એટલે સાઈકલ ફેરવતાં હોય, પોલીશ
કરવાની આળસે સેન્ડલ પહેર્યા હોય, વજનમાં વધઘટ થાય તો ખર્ચો ન પડે એટલે ખોખા જેવા
કપડાં પહેર્યા હોય. અને જેક્સન જ જાણે ગીટાર પર એ શું વગાડતાં હોય! આમ છતાં આવી
આઈટમોને જુઓ એટલે આપણા મોઢામાંથી નીકળી તો જાય કે આ કંઇક ‘અલગ છે’.
બેન્ડવાજા અને
ઓર્કેસ્ટ્રાવાળા પણ એમનાં ઝાકમઝોળ ડ્રેસિંગથી અલગ તરી આવે. કવિઓ અને સુગમ સંગીત
ગાયકોએ ડ્રેસમાં વર્ષોથી ઝભ્ભા જ ખેડ્યા છે. જોકે એમનું ડ્રેસિંગ સામાન્ય જનતા
કરતાં અલગ ખરું, પણ એમનાં સમુદાયમાં અલગ નહિ. પણ એક જમાનામાં રાજેશ ખન્નાએ પેન્ટ
પર ઝભ્ભો પહેર્યો ને એ ફેશન બની ગઈ હતી. સલમાન ખાને શર્ટ ઉતારી અગાઉનાં હેરી
(વાળના સંદર્ભમાં) અને ઢમઢોલ હીરોઝથી કંઇક અલગ છે ઈમેજ ઉભી કરી હતી. જો કે એવું
બધું સ્ટાર લોકો જ કરી શકે. આપણે જો કદીક લુંગી પર કોટ પહેરીને નીકળીએ તો સૌથી
પહેલાં તો ગલીના કૂતરા જ આપણને માફ ન કરે. અને એ જવા દે તો પોલીસ પકડે.
હિન્દી ફિલ્મની
હીરોઈનોને એમની આવી રહેલી ફિલ્મના રોલ વિષે કહેતી સાંભળજો. એમ જ કહેશે કે મારો રોલ
એકદમ હટકે છે. શાકમાં જે કોથમીરનો હોય એવો રોલ વર્ષોથી કર્યો હોય અને નવી ફિલ્મમાં
પણ એવો જ રોલ કર્યો હોય તો પણ કહે કે હટકે રોલ છે પણ અમુકના રોલ ખરેખર એટલા હટકે
હોય છે કે ફિલ્મ જોનારની હટી જતી હોય છે. કોઈ હરખ-પદુડો જ્યારે એમ કહે કે ફિલ્મમાં
એનું પાત્ર મહત્વનું છે ત્યારે સમજવું કે એ બહુ બહુ તો એનો પોલીસ કમિશ્નર કે
કોલેજના પ્રિન્સીપાલનો રોલ હશે!
આ અલગ કરવાની ધૂન આમ
તો સારી ગણાય છે. આવા અલગતાવાદીઓ જ કઈંક નવું કરતાં હોય છે. ન્યુટને સફરજન પડતું
જોયું તો અન્યની જેમ ઉઠાવીને ખાઈ જવાને બદલે એ કેમ નીચે પડ્યું એ વિષે વિચાર
કર્યો, અને એનાં અલગ વિચારવાને લીધે ‘લો ઓફ ગ્રેવિટેશન’ શોધાયો. જોકે આ
ગ્રેવિટીનાં લોને કારણે સાયન્સના વિદ્યાર્થીઓ હજુ હેરાન થાય છે. પણ ન્યુટનથી લઈને
બિલ ગેટ્સ સુધી અલગ કરનાર ગણ્યાગાંઠ્યા લોકો જ છે. કારણ કે એવું કહેવાય છે કે
સિંહના ટોળાં ન હોય. એ અલગ વાત છે કે અમે ગીરમાં ટોળાં જોયા છે. હા, ઘેટાના
ટોળામાં જેટલા ઘેટા હોય એટલા હોય સિંહના ટોળામાં એટલા સિંહ ન પણ હોય. પણ જેણે આ
કહેવત બનાવી છે, એણે ક્યાં ટોળાં માટે ચોક્કસ સંખ્યા નક્કી કરી છે?
દરેક કંપની પોતાની
પ્રોડક્ટ બીજાની પ્રોડક્ટ કરતાં અલગ દેખાડવા મથે છે. કોઈ અંગ્રેજીના ત્રણ ચાર
અક્ષરો ભેગા કરી કહે કે અમારા પંખામાં એબીસીડી છે કે અમારા શેમ્પુમાં પીક્યુઆર છે.
પંખામાં એબીસીડી લગાવવાથી પંખો એસી બની જતો હોય પ્રજાને લાગે. અમુક કંપનીઓ પોતાની
જૂની પ્રોડક્ટને બાજુમાં મૂકી દે એવી નવી પ્રોડક્ટ આપે ત્યારે આપણને ખબર પડે કે
પહેલાં જે વાપરતા હતાં એ પ્રોડક્ટ કેટલી નબળી હતી. પાછાં જાહેરાતમાં ‘ન્યૂ અને ઇમ્પ્રૂવ્ડ’
લખે, હવે નવી પ્રોડક્ટ છે તો ઈમ્પૃવ શું કર્યું તમે? અને આ જાહેરાતોમાં મઝા એ
જાણીને આવે કે વોશિંગ પાવડરમાં લીંબુ હોય છે પણ લેમન સોફ્ટડ્રીન્કમાં લીંબુ નથી
હોતું!
અને અલગ કરવાની પણ
એક હદ હોય. કૂકિંગને લગતા શોના પ્રોડ્યુસરને સતત નવું બતાવવાની ધગશ હોય છે. કૂકિંગ
એક્સપર્ટને માથે ‘હટકે’ પ્રકારની વાનગી શિખવાડવાનું પ્રેશર હોય છે. શોની એન્કર
પાસે બીજું કંઈ બોલવાના ઓપ્શન ન હોય એટલે એ ‘આ વાનગીમાં વેરીએશન તરીકે સિંગતેલને
બદલે દિવેલ નાખી શકાય કે નહિ?’ એવા પ્રશ્નો
પૂછીને ટાઈમ પાસ કરવા સિવાય બીજું કંઈ હટકે કરવાનો મોકો નથી હોતો. સરવાળે એ લોકો
ભેગા થઇને આપણને ‘ચોકોલેટ આલમંડ
પુડિંગ વિથ ટીંડોળા ટોપિંગ્ઝ’ જેવી હટકે વાનગીઓ
શીખવાડે છે જે આરોગીને આપણા પેટને ‘જરા હટકે’
ફીલીંગ આવે છે. આને તમે
અલગ ગણો તો અલગ અને હટકે ગણો તો હટકે કહી શકો.
જોકે આ ઇલેક્શનમાં અલગ
કરવાનો ટ્રેન્ડ જોવાં નથી મળતો. ઇલેક્શન કમિશન હંમેશની જેમ ઉમેદવારોની ખર્ચ બાબતે
મેથી મારી રહ્યું છે. દરેક પક્ષ રીવાજ મુજબ બીજા પક્ષે આટલા વર્ષોમાં કંઈ કર્યું
નથી એ સાબિત કરવામાં પડ્યા છે. દરેક પક્ષ સ્ટાર પ્રચારકો કે જે ક્રાઉડ ભેગું કરી
શકે તેવાને બોલાવી રહ્યું છે, કારણ કે સ્થાનિક નેતાઓને ક્યાં તો બોલતાં આવડતું નથી
અથવા તો એમને કોઈ સાંભળવા માંગતું નથી. ઉમેદવારો એકબીજાનાં કૌભાંડો અને ક્ષતિઓ
દર્શાવવામાં પડ્યા છે. મોટા ભાગે ઓછું ભણેલા અને જે તે વિસ્તારની અમુક તમુક જ્ઞાતિનાં
પ્રમુખ જેવા આ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પરિણામો કંઈ ચમત્કારિક રીતે ‘અલગ’ આવે એવી
આશા કઈ રીતે રાખી શકાય?
No comments:
Post a Comment