| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૩-૧૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |
૨૧મી ડિસેમ્બરે જો
દુનિયાનો અંત થશે તો? આ ચિંતામાં ભૂરિયાઓની ઊંઘ છેલ્લા વરસથી હરામ થઈ ગઈ હતી.
અંગ્રેજી ફિલ્મોમાં આમેય દુનિયા અને ખાસ કરીને અમેરિકા પર આફત ઉતરતી હોય એવાં થીમ
બહુ પોપ્યુલર છે. કોક ભૂરિયો હીરો બધાને ‘લેટ્સ ગેટ આઉટ ઓફ હિઅર’ એવું બોલતો ધક્કા
મારતો છેલ્લે બચાવી લાવે અને પછી ખાધું, પીધું અને જાડા થયા એવી સ્ટોરી હોય. પણ આ
વખતે વાત થોડી સીરીયસ હતી. મય કેલેન્ડર ડિસેમ્બરમાં પૂરું થાય છે એ સંકેતને
આધારે દુનિયાનો અંત આવવાનો છે એવી વાત ચાલી છે. પણ તમે આ લેખ વાંચો છો, એટલે એવી
કોઈ ઘટના બની નથી પણ આ ‘થશે કે નહીં થશે’ વચ્ચે દુનિયામાં કેવી અફરાતફરી મચી ગઈ છે
એની થોડી રમૂજી કલ્પના.
દુનિયા એકવીસમી
ડિસેમ્બરે અંત થવાની છે એ સાંભળીને અમુક લોકોએ ડિસેમ્બર મહિનાની પહેલી તારીખથી રજા
મૂકી ક્રેડીટ કાર્ડની થપ્પી લઈ વર્લ્ડ ટુર પર નીકળી પડ્યા હતાં. ફરવાનું પણ થઈ જાય
અને દુનિયાનો અંત આવશે એટલે ક્રેડીટ કાર્ડના બિલ પણ નહિ ચૂકવવાના! નોકરી પણ ગઈ તેલ
લેવા. વેપારીઓએ પણ આ ડિસેમ્બર મહિનામાં ‘એક મહિને રૂપિયા દઈશ’ એ વચન સાથે
માર્કેટમાંથી માલ ઉપાડ્યો હતો. છેલ્લા બે મહિનામાં કારનું સેલ્સ, અને એ પણ લોન પર
લીધી હોય એવી, ખાસું વધ્યું એનાં કારણો પણ કદાચ એજ હશે. ઇન્શ્યોરન્સ કંપનીના
પ્રીમિયમ અમુક લોકોએ ભર્યા નથી, કારણ કે ક્લેઈમ કોણ મૂકશે અને કોણ ચૂકવશે એ બાબતે પ્રજા
દ્વિધામાં હતી.
દુનિયાનો જો ખરેખર
આમ કોઈ નિર્ધારિત સમયે અંત આવવાનો હોય તો મરજી મુજબ જીવી શકાય, ભલે થોડાં સમય માટે
તો થોડાં સમય માટે. એટલે પહેલી ડિસેમ્બરથી અમુક કર્મચારીઓએ બોસની ચમચાગીરી કરવાનું
બંધ કરી દીધું હતું. બોસના શર્ટના ખોટા વખાણ ન કરી, બોસનાં પ્રેઝન્ટેશન દરમિયાન પૂછવા
જેવા પ્રશ્નો પૂછી, બોસનાં ફોનના જવાબ ઘેર ગયા પછી ન આપી અને બોસનાં પર્સનલ કામ
કરવાની ના પાડી એમણે સાચી મુક્તિ મેળવી લીધી હતી. જોકે દરેક બોસનો કોઈ બિગ બોસ હોય
છે, એટલે બોસ આ બિગ બોસનાં ઓર્ડરનું ઉલ્લંઘન કરી બદલો વાળી લેતા જોવાં મળ્યા હતાં.
જોકે સરકારી કર્મચારીઓની કામ કરવાની પદ્ધતિમાં કોઈ ફેરફાર જોવાં મળ્યો નહોતો.
અને પતિ સમુદાય આ
અમુલ્ય તક જતી કરે? અમુક તકવાદી પતિઓએ સાસરિયાને લેવા મૂકવા જવાની કારસેવા અને
બાઈકસેવા પ્રલય-ભય આગળ પત્ની-ભય તુચ્છ હોઈ બંધ કરી દીધી હતી એવા સમાચાર મળે છે. અમુકે
તો બહારગામથી આવતાં સાસરિયાંને સીધાં બસના નંબર આપી દીધાં હતાં, અને સામાન સાથે આવતાં
સાસરિયાને ‘રિક્ષામાં આવી જજો, ૨૪ કલાક મળે છે’ એવું પણ બિન્દાસ્ત કહી દીધું હતું.
અમુકે તો આખો દિવસે પિયરીયા સાથે ફોન પર ચોંટી રહેતી પત્નીને નીડર બનીને કહી દીધું
હતું કે ‘કલાક થયો, તું જમવાનું પીરસે છે કે હું બહાર જમી આવું, એકલો?’ તો અમુક
રસિક પતિઓ પત્નીની સુંદર સહેલીના બેફિકર વખાણ પણ કરતાં જોવાં મળ્યા હતાં કે ‘તારી
ફ્રેન્ડ સુષ્મા હસે ત્યારે બહુ ક્યુટ લાગે છે, સાચ્ચે, તારા સમ બસ !’.
જોકે તલાશનાં આમીર ખાનની
જેમ આસપાસ બનતી સાંકેતિક ઘટનાઓનું સર્વાંગ અવલોકન કરતાં ૨૧ ડિસેમ્બરે દુનિયાનો અંત આવવાનો નથી એની અમને અંતઃસ્ફૂરણા થઇ
ગયેલી. જેમ કે, સરકારી કોન્ટ્રાક્ટર
મલાઈવાળું કામ કર્યા બાદ બાકીનું કામ રઝળતું છોડી ચાલ્યો ગયો એ જોઈ અમને થયું કે આ
માયન પ્રજાતિનું કેલેન્ડર
પણ કદાચ કોઈ સરકારી કોન્ટ્રાક્ટરે બનાવાયું હોય અને અધૂરું છોડી દીધું હોય! દુનિયા
આખી ડૂમ્સ-ડેનાં વિચાર માત્રથી ફફડતી હતી ત્યારે એક અમદાવાદી નારીને (કોણ એ ન પૂછો
તો સારું!) છાપામાં કૂપનો ચોટાડતી જોઈ અમને વિશ્વાસ થઈ ગયો કે આ હકારાત્મક નારીની
મજૂરી ભગવાન એમ કઈ એળે નહીં જ જવા દે! અને ત્રીજો સૌથી મહત્વનો સંકેત એ હતો કે,
આટઆટલા પ્રચારો અને
લોહીઉકાળા કરી માંડ જીતેલા સર્વશક્તિમાન નેતાઓ ખુરશીગ્રસ્ત થાય એ પહેલા તો દુનિયાનો
અંત આવવા દે? આમ છતાં દુનિયાના સૌથી વધું ફફડું દેશ અમેરિકાનાં ફફડાટથી અમે પણ એમ માનવા લાગ્યા
હતાં કે બાવીસમીની સવારે રંભા, મેનકા કે ઉર્વશીનાં
પાયલના રણકાથી ઉઠવા મળશે. પણ ફરી એકવાર દુધવાળાએ સવારે ઘંટડી મારી અને અમે હજી પણ આ
એજ જૂની દુનિયામાં જ વાસ કરીએ છીએ એની ખાતરી કરાવી દીધી.
ડ-બકા
તારા અધર ને ગાલોના ગુલાબી
રંગ સામે,
શેડકાર્ડનો ગુલાબી રંગ લાગે
છે ફિક્કો બકા.
No comments:
Post a Comment