| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૬-૧૨-૨૦૧૨ | અધીર અમદાવાદી |
શાસ્ત્રોમાં કહ્યું છે गुणवन्त:
क्लिश्यन्ते प्रायेण भवन्ति निर्गुणा: सुखिन: અર્થાત્ ગુણી માણસે નગુણા માણસ કરતા વધારે
કષ્ટો ભોગવવા પડે છે. આપણે પવિત્ર ફરજ તરીકે મતદાન કરવા જઈએ ત્યારે ઘણી તકલીફો
ઉઠાવવી પડે છે, પણ મેવા ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ ખાય છે. એમની સંપત્તિના
જાહેર થયેલા આંકડા આની સાબિતી છે. એટલે જ આ રાષ્ટ્રીય સેવા કરનારને મેવા પણ
રાષ્ટ્રીય દરજ્જાના જ મળવા જોઈએ. કલેક્ટર પાસે ચૂંટણી સમયે અમર્યાદ સત્તા હોય છે
અને એ સત્તાનો ઉપયોગ કરીને પ્રાઇવેટ વાહનો જપ્ત થઈ શકતાં હોય તો પછી મોલ અને
મલ્ટીપ્લેક્સ કેમ નહિ? મતદાન મથકો કોઈ શાળા જેવી બોરિંગ ખંડેર
જગ્યાઓને બદલે મોલ કે ફાઈવ સ્ટાર હોટેલ્સમાં હોય તો જાહેર જનતાને એનો લાભ મળે અને
મતદાન પણ વધે.
ખાસ કરીને શહેરી અને યુવાન સ્ત્રી મતદાતાઓ હાથમાં કરાતાં ભૂંસાય નહિ તેવી
શાહીના ટપકાંથી પરેશાન થાય છે. ભલે ફિલ્મ એકટ્રેસો મતદાન કરી ગર્વથી પબ્લીસીટી
માટે ફોટા પડાવે, પણ ઘેર જઈને એ પણ કકળાટ કરતી હોય છે કે હવે આ
પંદર દિવસ સુધી જશે નહિ. એમાં પાછાં પરાણે ચૂંટણીની કામગીરી માટે જોતરવામાં આવેલા
કર્મચારીઓ ખીજ ઉતારવા, હાથે કરીને, નિયમ પ્રમાણેનો
લાંબો લીટો તાણતાં હોય છે. પાછળ જ જ્યારે લગ્નગાળો આવતો હોય તેવામાં આવા કાળા
ટપકાં આંગળી ઉપર કેવાં અપશુકનિયાળ લાગે? અને આવા કાળા
ટપકાં સાથે લગ્નમાં લોકો આવે અને એ લગ્ન છૂટાછેડામાં પરિણમે તો એ માટે કોણ જવાબદાર? આ બધું જોતાં મતદાન કરે એને હાથમાં આવા કાળા લીટા કરવાને બદલે જો સરસ નેઈલ
પોલીશ કરી આપવામાં આવે તો મહિલા મતદારોનો ચોક્કસ ઉત્સાહ વધે. અને કાળા લીટાને બદલે
જો મહેંદી મૂકવાનો રિવાજ શરુ થાય તો આ યોજના ડબલ બોનાન્ઝા સાબિત થાય અને નફામાં
ચૂંટણી સંબંધિત રોજગારીની તકો વધે.
અને નેઈલ પોલીશ જ શું કરવા. આમેય ચૂંટણીનું બજેટ ઘણું મોટું હોય છે, તો લગે હાથ ખર્ચો પાડી ચૂંટણી પંચ રેડિયો પાર્ટનર શોધી શકે જેમાં કોઈ પૉપ્યુલર
મહિલા આર.જે. બપોરે મતદાન મથક પર કીટી પાર્ટી સાથે સાથે કૉન્ટેસ્ટ કરે.
કોન્ટેસ્ટનાં બહાને લોકો ભેગાં થાય અને એમાં વિજેતાને મતદાન મથક પર જ ખોલેલા
બ્યુટી સલૂનમાં મફત બ્યુટી ટ્રીટમેન્ટ અને સ્પા આપવામાં આવે. કોન્ટેસ્ટમાં વિવિધ
પાર્ટીની જાહેરાતોની પંચ-લાઈન્સ,
દેશમાં થયેલા વિવિધ
કૌભાંડોના આંકડા, લોકસભાની કાર્યવાહીનો એક દિવસનો ખર્ચ, પાર્લામેન્ટ કેન્ટીનમાં સબસીડાઈઝડ રાઈસ પ્લેટની કિંમત જેવા અનેક પ્રશ્નો પૂછી
શકાય. આ ઉપરાંત બધાં રાજકીય પક્ષોના સહયોગથી ગૃહિણીઓને મતદાન કર્યાનો પુરાવો બતાવે
તો સામે ગેરેન્ટેડ ગિફ્ટ જેવી કે પ્લાસ્ટિકના ડબ્બા, હિંગની ડબ્બીઓ, હળદર, કાચના છ ગ્લાસ, પ્લાસ્ટિકની ડોલ
પણ આપી શકાય.
લગ્ન પ્રસંગે ચાંલ્લાનું કાઉન્ટર હોય છે, જે મતદાન કાઉન્ટર
જેવું જ હોય છે. બંનેમાં સજાગ માણસોને બેસાડ્યા હોય છે. ચૂંટણીમાં ઉમેદવારોના
ખર્ચનો હિસાબ રખાય છે. ચાંલ્લામાં એક એક કવર કે રકમ બરોબર ગણાય છે અને નોટમાં એનો
પાકો હિસાબ રખાય છે. મતદાનમાં એક એક મતદારની વિગત ચકાસી એનો વોટ સ્વીકારાય છે.
જોકે ચાંલ્લાના કાઉન્ટર પર મુખવાસ કે ધાણાંની દાળની પડીકીઓ મૂકેલી હોય છે. એકસો એકનો
ચાંલ્લો કરી તમે વસૂલાતમાં જમવા ઉપરાંત આ ધાણાની દાળના બે ચાર પડીકા ખીસામાં ભરી
શકો છો. શું આ પ્રથા ચૂંટણીમાં ન લાવી શકાય ? ખાસ કરીને પુરુષ
મતદારો માટે પાનમસાલા અને સૌરાષ્ટ્રમાં એક જણને માવો બનાવવા બેસાડી દીધો હોય તો
મતદારોનો રસ મતદાનમાં વધી જાય. હા,
પછી માવા ખાધા હોય એનાં
રસથી મતદાન મથક આજુબાજુની દીવાલ અને રસ્તાઓ પણ ‘રસ’પ્રદ થઈ જાય એ અલગ વાત છે !
આજકાલ મોબાઈલ વગરનાં યુવાન કે યુવતીની કલ્પના કરવી મુશ્કેલ છે. ચૂંટણી પંચ જો
મોબાઈલ કંપનીઓ સાથે રહીને કોઈ સ્કીમ લાવે તો યુવા-ધણને મતદાન તરફ વાળી શકાય. જેમ
કે મતદાન કરે એનાં ખાતામાં ડાઇરેક્ટ ૨૦ રૂપિયાનું બેલેન્સ જમા થઈ જાય. અથવા મતદાન
કરનારને વીસ રૂપિયાનું રીચાર્જ વાઉચર આપવામાં આવે. આ ઉપરાંત મતદાન સંબંધી બેસ્ટ
પ્રેરક મેસેજને આકર્ષક ઇનામ પણ આપી શકાય. પોતાના વાહન પર બેસી બૂથ સુધી જનારને
અડધો લીટર મફત પેટ્રોલ આપી શકાય. અને આજે યુવા મતદાર જ્યારે કમને બૂથ પર આવે છે
ત્યારે એમનાં મનોરંજન માટે 52 ઇંચના એલઈડી ટીવી પર પૂનમ પાંડે કે સની લિયોન
દ્વારા સંચાલિત શોનું પ્રસારણ થાય તો ચોક્કસ મતદાનના આંકડા ઊંચા આવે!
ડ-બકા
સત્તા માટે અહિં રોજ કોઈનું
કોઈ વટલાય છે બકા;
દુકાન એ જ જૂની ખાલી પાટિયા
બદલાય છે બકા.
No comments:
Post a Comment